મિત્રો ચેકમેટના અત્યાર સુધીના ભાગમાં તમે જોયું કે આલય ગેસ્ટ હાઉસમાં 3 દિવસ તો માનવની સાથે જ હોય છે ચોથા દિવસથી સીસીટીવી ફૂટેજમાં એ દેખાતો નથી પરંતુ માનવનો નંબર મળી ગયો હોય છે.આ બાજુ મૃણાલિની બહેન દ્વારા આલય કેસમાં પહેલી પોઝિટિવ વિગતો જાણવા મળી છે.કોચ બીજા દિવસે જુબાની આપવા તથા મળવા પોલીસસ્ટેશન આવવાના હતા.
આટલા ગૂંચવાયેલા કેસની માનસિક અસરમાંથી મોક્ષા અને મનોજભાઈને બહાર કાઢવા માટે મિ. રાજપૂત સિમલા ફરવા જવાનું તેમજ ડીનર પણ બહાર જ પતાવાનું વિચારે છે.આ બાજુ રિધમ મહેતા નશાની હાલતમાં ફોન લગાડે છે હવે આગળ..
"બેટા રિધમભાઈને થોડું કામ છે તો તમે જઈ આવો. હું ઘરે પાછો જાઉં છું" ફોન મૂકીને મનોજભાઈ મોક્ષાને કહે છે.
"કેમ અંકલ શું થયું?"
"કશું નહીં પણ એ એકલા છે તો બોલાવે છે...નહીં જાઉં તો ખરાબ લાગશે.માટે તમે આગળ જાવ મને અહીં જ ઉતારી દો."
કહીને જાણીજોઈને રિધમ મહેતાએ કરેલી વાતને છુપાવીને મનોજભાઈએ રાજપૂતને ગાડી સાઈડમાં ઉભી રાખવા કહ્યું
.
"પપ્પા પણ તમે કેમ આમ કરો છો શું કીધું રિધમ અંકલે એ તો કહો અને એ એકલા ક્યાં છે .મૃણાલિની આંટી તો છે ને ત્યાં.પછી તમને કેમ બોલાવે છે એ માણસ?"ગુસ્સાની લિમિટ ક્રોસ કરીને તાડુકી મોક્ષા.
"અરે એમણે તો માત્ર એટલું જ કહ્યું કે એ એકલા છે.હું મારી ફરજ સમજીને જાવ છું કારણકે ગમે તેમ તો પણ અજાણ્યા શહેરમાં એમણે આપણને આશરો આપ્યો છે.માટે તમે એન્જોય કરો બેટા... રાજપૂત સાહેબ મોક્ષા હવે કલાક માટે આપની જવાબદારી..."કહીને મનોજભાઈ કારમાંથી ઊતરી ગયા અને પહોંચીને ફોન કરશે એવું પણ કહ્યું.
મિ. રાજપૂત કારને સિમલાના રસ્તા પર સડસડાટ ચલાવે છે.મોક્ષા પાછળની સીટ પર બેસીને જોઈ રહે છે.રાજપૂત સાઈડ ગ્લાસમાંથી મોક્ષાને જ નોટિસ કરતા હોય છે.રિધમ મહેતાએ એવું તો શું કીધું કે પપ્પા આમ ઉતરી ગયા એ વાતમાં એનું મન પરોવાયેલું છે એ બાબત સમજતા વાર ના લાગી એમને.
" મોક્ષા પહેલા થોડો નાસ્તો કરીશું કે ડાયરેક્ટ ડીનર જ કરીશું?"
એકદમ જ પૂછાયેલા આવા સવાલથી જાણે તંદ્રામાંથી બહાર આવી ગઈ મોક્ષા."
"સર પહેલા જમી લઈએ ભૂખ પણ બહુ જ લાગી છે".મોક્ષાએ પોતાના વિચારોને કારણે રાજપૂત સાહેબનો મૂડ ના બગડે એ માટે વાત વાળી લીધી.
થોડા જ સમયમાં કાર એક ખૂબ જ સરસ પંજાબી ક્યુઝીન રેસ્ટોરન્ટની બાજુમાં આવી ગઇ.રેસ્ટોરન્ટ માં સામસામે ગોઠવાઈ ગયા.
પહેલીવાર આવી રીતે કોઈ અજાણ્યા પુરુષ સાથે ડિનર ટેબલ પર એકલી બેઠી હતી મોક્ષા તેથી શરમ અને સંકોચ એના મોઢા પર સતત જોવા મળતા હતા.
"મોક્ષા મેનુ ઓર્ડર કરી દો આપને જે માફક આવે તે."
"સર પંજાબી જ ઓર્ડર કરી દો ને.અહીંનું સારું જ હશે એવું માનું છું".મોક્ષા એકદમ જ શરમાળ હાસ્ય સાથે રાજપૂત સામે જોઇને બોલી ઉઠી.રાજપુતે બે પંજાબી સબ્જી અને નાન નો ઓર્ડર આપ્યો એના પહેલા સ્ટાર્ટર એન્ડ ટોમેટોસૂપ ઓર્ડર કર્યો.
ઓર્ડર થોડીવારમાં જ આવી ગયો.ધીમું રોમેન્ટિક સોંગ વાગી રહ્યું હતું.ગરમાગરમ ટોમેટોસુપ અને પનીર હરાભરાની સંગતમાં બે જુવાન હૈયાની રંગત જામતી હતી.
"સર એક વાત પૂછું? "
"હા પૂછો ને એમાં પરમિશન કેમ માંગો છો?"
"આપના ફેમિલીમાં કોણ કોણ છે? આઈ મીન તમે મેરિડ છો સર."
"ના. હું મેરિડ નથી...બીજા પ્રશ્નનો જવાબ પહેલો..અને મારા ફેમિલીમાં મારા મમ્મી,પપ્પા અને એક મોટાભાઈ છે જે આર્મીમાં છે.ભાભી અને ભત્રીજો અમારી સાથે જ રહે છે."
"સર, આપ કેમ લગ્ન નથી કરતા".
"ટાઈમ જ નથી લગ્નનું વિચારવાનો મોક્ષા.પોલીસની ડ્યૂટી થોડી વધારે જ નિષ્ઠાપૂર્વક નિભાવુ છું.ક્રિમિનલ સાથે કામ કરતા કરતા ઇમોશન ફિલ જ નથી થતું."
"એમ તો આપના ભાઈ પણ આર્મીમાં છે.દુશ્મન સાથે લડતા અને દેશની રક્ષા કરતા હોવા છતાં પણ સાંસારિક જવાબદારી નિભાવે છે.હેપી મેરેજલાઈફ એન્જોય કરતા જ હશે ને સર?"
"તેમના લવ મેરેજ છે...પણ હજુ હું એ બાબતમાં હજુ કમનસીબ છું મોક્ષા. હું ખૂબ જ જડ અને લાગણીવગરનો પ્રેક્ટિકલ માણસ છુ મોક્ષા."
"ખોટી વાત છે સર તમારી અંદર એક ઋજુ હૃદય છે એ દુનિયાથી સંતાડવા જાતે જ જડતાનો કામળો ઓઢયો છે આપે સાચું ને?"
પહેલી વાર પોતાને કોઈ સાચું ઓળખી શક્યું એમ જાણીને ગળગળા થઈ ગયા અને આંખોથી જ મોક્ષાને ઇશારામાં જ થેન્ક્સ કહી દીધું અને સામે મોક્ષાએ પણ જાણે ઇશારાથી જ 'યુ આર વેલકમ' કહી દીધું.
વાતવાતમાં સૂપ અને સ્ટાર્ટર પતાવીને મેઈન કોર્સ ખાવાનું ચાલુ કર્યું ત્યારે એકદમ જ મિ. રાજપૂત પણ મોક્ષાને હજુ સુધી લગ્ન ન કરવાનું કારણ પૂછી બેઠા.
" સર, મારા ભાઈ અને મારી વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત છે તેથી પપ્પાનું રિટાયરમેન્ટ અને આલયના બોર્ડના વર્ષો એકસાથે જ આવતા હતા તેથી એમ જ પહોંચી વળાય તેમ નહોતું એટલે મેં જોબ ચાલુ કરી અને એમાં વળી આલય સટ્ટામાં ફસાયો એટલે હવે તો જ્યાં સુધી આ પૈસા પુરા ના ભરાય ત્યાં સુધી કશું વિચારાય એમ નથી.અને આટલી મોટી રકમ ભરતા કદાચ કેટલા વર્ષો નીકળી જશે કોને ખબર અને જો ઘર ગિરવે મૂકીએ તો પપ્પા મમ્મી ક્યાં જાય એટલે હું હમણાં લગ્નનું વિચારતી પણ નથી સર."
"શું તમને લાગે છે ઘર ગિરવે મૂકીને પૈસા ચૂકવી શકાશે? તમને શું લાગે છે એ સટોડીયા પાસેથી આલયને છોડાવવો એટલો સરળ છે?"મિ. રાજપૂત ધારદાર નજરે મોક્ષાને જોઈને બોલ્યા.
મોક્ષા આ સવાલથી ખૂબ જ વિચલિત થઇ ગઇ અને તેના મોઢા પર જાણે વાત ના સમજ્યાનો ભાવ જોઈને રાજપૂત હસી પડ્યા.
"મોક્ષા આટલું બધું ના વિચારો...એવું કશું હું નહીં થવા દઉં.ના તો ઘર વેચાશે અને ના તો ગિરવે મુકાશે અને હા હારેલા પૈસા પણ ચૂકવવાના નહીં આવે.ડોન્ટ વરી..આ વાતનો અંત ખૂબ જ સરસ આવવાનો છે.કાલ સવારે કોચ મળવા આવવાના છે. અને તમારે પણ અધુરું કામ પૂરું કરવાનું છે".
"કયું અધૂરું કામ સર?"
"મિસિસ મહેતા પાસેથી આલય અને સૃષ્ટિ વિશે વધુ માહિતી એકત્ર કરવાની છે વિધાઉટ ફેલ....એટલું કરી દેજો પ્લીઝ અને પછી હું કહું ત્યાં આવી જજો."
મોક્ષા આંખોની મુક સંમતિ આપે છે.
મિત્રો સિમલા શહેરમાં એક રહસ્યમય ખોજમાં એક રોમેન્ટિક સાંજ ખૂબ જ ધીમી પરંતુ મક્કમ ગતિએ આગળ વધી રહી હતી.સંજોગોને આધીન બે જુવાન હૈયા જે જીવન પથમાં એકલા રહી ગયા છે તેઓ અત્યારે એકબીજાના સંગાથમાં એક હૂંફ મહેસુસ કરી રહ્યા હતા.
આલયની શોધમાં આવતીકાલે ખૂબ જ અગત્યનો વળાંક આવવાનો છે.કોચ સાથેની મીટીંગ શું રંગ લાવશે? શું મિસિસ મહેતા પાસેથી આલય વિશે વધારે જાણવામાં મોક્ષા સફળ થશે?
વાંચતા રહો...ચેકમેટ....