Muktino Nizam – Divesh Trivedi in Gujarati Poems by Smita Trivedi books and stories PDF | મુક્તિનો નિઝામ – દિવ્યેશ ત્રિવેદી

Featured Books
Categories
Share

મુક્તિનો નિઝામ – દિવ્યેશ ત્રિવેદી

દિવ્યેશ ત્રિવેદી સમર્થ પત્રકાર હતા. સાથે સાથે સંવેદનાથી ભરપુર ઋજુ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ એમની કવિતા વિશે લખે છે કે, “કવિતા તો અહીં છે, પરંતુ કવિ હોવાનો દાવો નથી. છતાં કવિતાના માધ્યમથી કવિ ગણાવાનો વાંધો પણ નથી. પત્રકારત્વ અને સાહિત્ય થકી શબ્દ સાથે પાકો અનુબંધ થયો છે. એથી કવિતા પણ મારા માટે શબ્દનો જ મુકામ છે. કવિતા એ તો હ્રદયની ભૂમિમાં ઊગી નીકળતો એક કૂમળો છોડ છે. ભૂમિમાંથી ઊગી નીકળતા કેટલાક છોડ વૃક્ષ બની જાય છે અને કેટલાક માત્ર છોડ રહી જાય છે અને કેટલાક ઝાડી ઝાંખરાં તરીકે અસ્તિત્વ ટકાવી રાખે છે. પરંતુ ભૂમિને તો એ બધા સરખા જ વ્હાલા હોય છે.”

કાવ્યને અંતે મારી સમજ કે ગેરસમજથી ભરેલા અર્થોને રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. ભાવકની નજર વધુ સમજી શકે અને પારખી શકે.

અત્રે એમના કેટલાક કાવ્યો પ્રસ્તુત કર્યા છે. – સ્મિતા દિવ્યેશ ત્રિવેદી

૧. વીંટેલું મૌન

મૌનને વીંટી દીધું,

બોલતાં બોલી લીધું!

તું મને ના ઓળખે,

મેં બધું જાણી લીધું!

કાચમાં ચહેરા ઊગ્યા,

મેં અફીણ ઘોળી પીધું!

શ્વાસથી હાલ્યું કશુંક,

નામ તારું દઇ દીધું!

ઓરડો સૂનો છતાં,

કેટલું જીવી લીધું!

સંબંધોમાં આઘાત પછી આઘાત મળે ત્યારે બોલકાં મૌનને પણ વીંટી દેવું પડે છે. જીવનમાં વ્યાપેલા સૂનકારમાં જ અનેકગણું જીવી જવાતું હોય છે.

૨. જંગલ જેવા ચહેરા

જંગલ જેવા ચહેરા જોયા,

સાંભળતા સૌ બહેરા જોયા.

હાલક ડોલક નિશ્વાસોના,

શબ પર બેઠા પહેરા જોયા.

શમણાંમાં બિવડાવે એવા,

રક્ત ચીતરતા ચહેરા જોયા.

જુગ્નુની આંખમાં આજે,

અંધારાં બહુ ગહેરાં જોયા.

પ્રેમમાં મળેલો છેહ હ્રદયની લાગણીઓને વીંધી નાંખે છે. પછીનું જીવન એક નર્ક સિવાય કશું જ હોતું નથી. જે સંબંધોને સાચવવા જેહમત ઊઠાવી હતી તે સહુ ફરી ગયા એટલે ચહેરાઓના જંગલ અને જૂગ્નુની આંખોમાં અંધારા પ્રતીત થાય છે.

૩. રજકણ

દરિયો થઇને ઉડતા રજકણ,

મૃગજળ સાથે લડતા રજકણ!

પારેવાની પાંખે ચોંટી,

રસ્તા પર ટળવળતા રજકણ!

અંગે ઓઢી તારી ખુશ્બૂ,

બહુ કોલાહલ કરતા રજકણ!

સ્મરણોની ઊંડી ખીણોમાં,

અંધારાથી છળતા રજકણ!

રજકણ અસ્તિત્વનો નાનામાં નાનો ખંડ, પણ તેની પહોંચ અત્ર,તત્ર અને સર્વત્ર. રજકણ દરિયાને ઉડાડે, પ્રિયતમાના અંગે ખુશ્બુ બનીને મહેંકે તો સ્મરણોમાં પજવે પણ ખરાં.

૪. મુક્તિનો નિઝામ

મુક્તિનો નિઝામ છું,

વૃત્તિનો ગુલામ છું!

આંખોને ખબર નથી,

તળિયા તૂટ્યો જામ છું!

સપનાં ઓઢતો ફરું,

ખંડેરોનું ગામ છું!

રાધિકાને કહું છું,

હું જ તારો શ્યામ છું!

મનનાં વિવિધ આંદોલનોને સમજવા કેટલા કઠીન હોય છે. સ્વતંત્રતાની પરમ ઝંખના અને વૃત્તિઓની ગુલામી વચ્ચે મન ઝોલાં ખાતું હોય છે.

૫. લીસી ક્ષણો

લીસી ક્ષણોનું આગમન,

મૂર્છિત પળોનું નિર્ગમન!

ચોપાસ અંધારું ઘૂમે,

સંવેદનાઓનું દમન!

એ સ્વપ્ન જેવું શું હતું?

કે સ્પર્શથી પ્રજળે પવન?

જો શ્વાસ મારા વિસ્તરે,

તો એ જ તારું વિસ્તરણ!

પ્રેમની પ્રગાઢતામાં અનુભવાતું ઐક્ય પોતાના શ્વાસને પણ પ્રિયતમામાં સમાવી દે છે. પ્રેમ કદાચ લાગણીઓમાં અનુભવાતી તીવ્રત્તમ સંવેદના છે.

૬. પગની પાની

પજવે છાની,

પગની પાની!

દર્પણ સામે,

કચકચ શાની!

પાંપણ પરની,

વાતો નાની!

દરિયો છલકે,

મોજાં ફાની!

ખુશ્બૂ માંગે,

કાં ફૂલદાની!

આખર થીજી,

ગઇ મનમાની!

માનો મારા,

દિલની વાણી!

ખૂબ ટૂંકા શબ્દોમાં પ્રેમની અદ્ભુત અભિવ્યક્તિ!! કોઈ પણ કચકચ વગર પ્રેમ કરો! બસ! પ્રેમ કરો!

૭. સમયની ક્ષિતિજે

ક્ષણોને ઝીલીને હું ખોબો ભરું,

ભરી આંખમાં આજ કોરો તરું!

વહી જાય આખો આ રસ્તો ભલે,

પિરામિડ‌ થઇને પણ હું શ્વસતો રહું!

પગથિયાની ધારે જે બેઠા હશે,

એ સ્પર્શો ચૂમીને ખીણોમાં ભરું!

સમયની ક્ષિતિજે અવાજો ઘણા,

ઠરેલી પળોમાં હું હિબકાં ભરું!

પ્રેમ જ્યારે સીમા પાર કરી જાય ત્યારે મૃત્યુ પછી પ્રેમ જ શ્વસતો રહે તેવી અપેક્ષા રહે છે, પણ તેની આશંકા તરવરતી રહેતી હોય તેવી સ્થિતિ અસહ્ય હોય છે.

૮. તૃપ્તિનો શાપ

સ્વપ્ન જેવું રણ બનીને વિસ્તરે

જિંદગી જે કણ બનીને વિસ્તરે

મર્મ જ્યારે મન સમીપે હાંફતો

અર્થ ત્યારે વ્રણ બનીને વિસ્તરે

કીલ ઊગે જો સમયના વક્ષ પર

શ્વાસ ત્યારે ક્ષણ બનીને વિસ્તરે

માગવો છે શાપ તૃપ્તિનો હવે

જો તરસ પણ ‘પણ’ બનીને વિસ્તરે

આંખ પાછળ ધ્વજ ફરકતા જોઇ લે

હાથ ત્યારે ઘણ બનીને વિસ્તરે

એકલું આકાશ ત્યારે થાકશે

આ નજર ત્યાં ધણ બનીને વિસ્તરે

જિંદગી આ ક્ષણમાં જ છે, પણ સપનાંઓને તો યુગોનો વિસ્તાર જોઈએ! અપેક્ષાઓનો કોઈ જ અંત નથી. કેમ કે ક્યાંય તૃપ્તિઓનો અહેસાસ જ નથી!

૯. તથ્યની હત્યા

સત્ય સૌ મિથ્યા થશે

તથ્યની હત્યા થશે

પીઠ પર કાંટા હશે

આ નજર વંધ્યા થશે

એકલા આકાશની

આંખમાં જગ્યા થશે

માર્ગ ખૂટી જાય તો

આ ચરણ રસ્તા થશે

સ્વપ્નમાં કંકર હતું

એ નગર અલકા થશે

(અલકા- કુબેરની નગરી)

દેખીતું તથ્ય અને ભીતરના સત્ય વચ્ચે બહુ અંતર હોય છે. આ અંતરને ઘટાડવા માટે બે વિરોધો વચ્ચેની સમતુલાને સમજવી જરૂરી છે.

૧૦. સાથિયો

કાળ બનીને કોળિયો બની જવાની ઘટના

સમય મટીને સાથિયો બની જવાની ઘટના

પડછાયાની ભીંસમાં શ્વસ્યા કરે છે કેવી

એકલ દોકલ રાહમાં છળી જવાની ઘટના

ખંડેરોના ગોખમાં થશે હવાનો માતમ

સુસવાટાની આંખમાં વહી જવાની ઘટના

હાથને બાળ્યા હાથને ભ્રમિત ચિત્તના ચોકમાં

યાદવ શાને કોસતો તીર થવાની ઘટના

રસ્તે કોના નામનું કરે હલાલી ટોળું

પાગલ થઇને ભાનમાં ભળી જવાની ઘટના

પ્રત્યેક પળે કાળ સામો જ ઊભો છે, પણ સમયના પ્રવાહમાં વહીને સજગ રહીને શુભ ભાવનાઓને જાગૃત કરવી છે.