આગળના ભાગમાં આપણે જોયું કે વિસામોના વડીલો પણ એકાંત અને દિશાને સાથે જોવા માંગે છે. બીજી તરફ અવધેશભાઈ જયાબેનને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પોતાના વીતેલા સંભારણા એક પછી એક યાદ કરી અને જયાબેનને બધું યાદ કરાવે છે. પોતાના સાથની વાત કરતાં-કરતાં અવધેશભાઈ જયાબેનનો હાથ પકડીને દિશાબેન વિશે વાત કરે છે. જયાબેન હાથ પાછો ખેંચી લેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અવધેશભાઈ ભારપૂર્વક તેમનો હાથ પકડી હકીકત વિશે અવગત કરે છે, જયાબેન પણ પોતાની જાતને દિશાની જગ્યાએ મૂકીને જુએ છે, તેમનું મન તો માની જાય છે, પરંતુ સમાજની બીક તેમને સતાવે છે, અવધેશભાઈ સમજાવે છે કે સમાજ કાલે બધું જ ભૂલી જશે, ત્યારબાદ જયાબેન પણ સહમતી દર્શાવે છે. પાસેથી પસાર થતા નિખિલને તે બૂમ પાડી બોલાવે છે, નિખિલ આવીને મસ્તી કરવા લાગી જાય છે. થોડીવાર બાદ અવધેશભાઈ અને જયાબેન ત્યાંથી આગળ જાય છે અને એક સરસ હિંચકાએ આવીને બેસે છે. જયાબેનને એકાંત વિશેની બધી જ માહિતી આપે છે. સાંજે બધા સાથે જમવા માટે બેસે છે ત્યાં અવધેશભાઈ અને જયાબેન પૂરતો સહકાર આપવાની વાત રુચિ અને નિખિલને જણાવે છે. રિસોર્ટ પરથી પાછા આવ્યાના અઠવાડિયા બાદ રુચિ દિશાની જાણ બહાર એકાંતને ફોન કરે છે, અચાનક રુચિનો ફોન આવતા એકાંતને કંઈક અજુગતું બન્યાનો આભાસ થાય છે. તે પોતે અત્યારે દિશા સાથે વાત નથી કરતો અને દિશાને ક્યારેય ના ભૂલી શકવાની સ્પષ્ટતા કરે છે, રુચિ એકાંત સાથે દિશા તરફના ઢોળાવની સ્પષ્ટતા માંગે છે. એકાંત પણ શું જવાબ આપવો એ સમજી શકતો નથી, તેના મનમાં એક અલગ જ ખુશીનો સંચાર થાય છે, સરખી રીતે બોલી પણ નથી શકતો, આ તરફ અવધેશભાઈ, જયાબેન, અને નિખિલ રુચિએ રાખેલા સ્પીકર ફોન ઉપર અવાજ સાંભળીને એકાંતની અધીરાઈ જોઈ હસવા લાગે છે.. હવે જોઈએ આગળ....
સમર્પણ -37
રુચિએ થોડું ગંભીર થવાનો પ્રયત્ન કરતાં કહ્યું, ''શુ કહેવા માંગો છો ? હું સમજી નહીં.''
એકાંતે પણ રુચિને ખબર ના પડે એમ ઊંડા શ્વાસ લઈને ઘૂંટડો પાણી પીધું અને થોડું શાંત થઈને જવાબ આપ્યો, ''તને કહેવાય કે નહીં મને ખબર નથી પડતી, પણ બીજું કોઈ છે જ નહીં કે હું આ વિશે એમની સાથે વાત કરી શકું, અને તે પૂછ્યું જ છે તો હવે કહી દઉં, ''હું દિશાને બહુ જ પ્રેમ કરું છું, એના માટે હું કંઈ પણ એટલે કંઈ પણ કરી શકું એમ છું, મારા માટે એની સાથે રહેવું જરૂરી નથી, બસ કોઈ પણ પરિસ્થિતિમાં એ હસતી રહેવી જોઈએ. અને તારા કહેવા પ્રમાણે જો સંબંધને સ્વીકૃતિ મળી જાય, તો દિશાની કસમ ખાઈને કહું છું, એની આંખમાં ક્યારેય તકલીફનું એક આંસુ પણ ઉભરાવા નહીં દઉં...''
ચારેય જણાંએ એકબીજા સામે જોયું, અવધેશભાઈ અને જયાબેનને વારાફરતી આંખોથી આ સંબંધને આગળ વધારવાની મંજૂરી આપી.
રુચિ : ''તમે મારા ઘરે મળવા આવી શકો ? પણ મમ્મીને આ કોઈ જ વાત હમણાં કરવાની નથી...''
એકાંત : ''હા કેમ નહીં ! પણ ઘરે બોલાવવાથી તને તકલીફ નહીં પડે ?''
રુચિ : ''મેં મારા ઘરનાંની સહમતીથી જ તમને ફોન કર્યો છે. તમે નિશ્ચિન્ત રીતે આવી શકો છો.''
બંને બાજુએ વાર અને સમય નક્કી કરીને ફોન મુકાયો.
નક્કી કરેલા દિવસે એકાંત રુચિને મળવા એના સાસરે આવ્યો. દિશા સાથે એણે વોઇસમેસેજનો સિલસિલો ચાલુ જ રાખ્યો હતો, છતાં રુચિના કહેવા મુજબ આ મુલાકાત વિશે એણે દિશાને કંઈ કહ્યું નહીં.
એકબીજાની ઔપચારિક ઓળખાણ પછી બધા જ વાત કરવા સાથે બેઠા. એકાંત સાથેની આખા દિવસની વાતચીત અને એના વ્યવહાર ઉપરથી અવધેશભાઈ અને જયાબેનને પોતાના હાથ લીધેલા કાર્ય ઉપર ગર્વ થયો.
રુચિ અને નિખિલે નક્કી કર્યા પ્રમાણે સાંજે એકાંત, એ ચારેયને ''વિસામો'' લઇ ગયો. ત્યાંના કર્મચારીઓ તથા વડીલો સાથે ઓળખાણ કરાવીને મનુભાઈની ઓફિસમાં બધાએ બેઠક કરી. અવધેશભાઈએ હાથના ઈશારે એકાંતને દિશા સાથેની વાત શરૂ કરવા ઈશારો કર્યો, પરંતુ એકાંતે વળતો ઈશારો કરી એમને જ વાત કરવા માટે કહ્યું.
અવધેશભાઈ : ''મનુભાઈ, એક અગત્યનું કામ હાથ લીધું છે, જેમાં તમારા સાથ-સહકારની જરૂર પડી છે.''
મનુભાઈ : ''અરે સાહેબ, સહકાર માટે તો અમે હર-હંમેશ તૈયાર જ હોઈએ છીએ, બોલો બોલો શું સેવા કરી શકું છું ?''
અવધેશભાઈ : ''તમે દિશાબેન અને આ ધૈર્યકુમારને સારી રીતે ઓળખો છો, બરાબર ?
મનુભાઈ : ''હા, હા હું જ નહીં અહીંના દરેક વડીલ એ બંને વગર અધૂરા છે એમજ સમજી લો. થોડા સમયમાં તો એ બંને એ પોતાની માયા લગાડી દીધી છે બધાને.''
મનુભાઈની બાજુમાં બેઠેલા સરલાબેનને પણ વાતમાં ટાપસી પુરાવવાનું મન થઇ ગયું, ''ખરેખર અમારા આ ''વિસામાં'' માં જીવ પૂર્યો છે એ બંને એ''
જયાબેન : ''સરલાબેન, તો હવે એ લોકોમાં જીવ પુરવાનો વારો અમારો છે, અને એના
માટે જ તમારા બધાયના સાથ-સહકારની જરૂર છે.''
સરલાબેને જયાબેનનો હાથ દાબીને કહ્યું, ''તમારે જે સાથ-સહકારની જરૂર હોય તે બેધડક કહો. એ બંને માટે અમે તો શું, અહીંનું પ્રત્યેક વ્યક્તિ જીવ આપવા પણ તૈયાર થઈ જશે.''
જયાબેન : ''સરલાબેન, સાચું કહું ? અમે લોકોએ દિશાબેનને સમજવામાં બહુ મોડું કરી દીધું. દુનિયાના રીતરિવાજો અને સગાંવહાલાં શું કહેશે ના ચક્કરમાં સાચી લાગણીઓને સમજવામાં અમે થાપ ખાધી છે. અમારી એ ભૂલને સુધારીને ધૈર્યકુમાર અને દિશાબેનને એક કરવાનું બીડું ઝડપ્યું છે.''
સરલાબેન અને મનુભાઈ આ વાત સાંભળીને ગદગદ્ થઈ ગયા. કેટલાય સમયથી તેઓ પણ બંનેની એકબીજા પ્રત્યેની લાગણીઓને અનુભવી રહ્યા હતા, પરંતુ મર્યાદાના લીધે આ વાત કરવાની કે પૂછવાની પહેલ કરી શકતા નહોતા.
સરલાબેન હરખમાં આવી જયાબેનને ઉભા કરીને ભેટી પડ્યા, ''કરો કંકુના... જયાબેન, અમે તો કેટલાય દિવસથી આ સમયની રાહ જોઈ રહ્યા હતાં. તમારા હસ્તક આ કામ આવ્યું છે તો દિશાબેન જેવું ભાગ્યશાળી કોઈ નહીં હો...''
ત્યાં બેઠેલા બધાએ જ આ વાતની વધામણી કરી. મનુભાઈએ તરત જ બહાર કોઈકને પેંડા લઇ આવવા માટે બૂમ પાડી.
અવધેશભાઈ : ''અરે, અરે મનુભાઈ જરા શાંતિ રાખો. પેંડા પણ ખાશું અને જમણવાર પણ કરશું. પહેલા આ બધું કરશું કેમ એ તો વિચારો... આ કોઈ જ વાતની દિશાબેનને જાણ જ નથી. એ બિચારા તો એમની દીકરીનો સંસાર સાચવવામાં ચૂપચાપ એમનું એકલવાયું જીવન વ્યતીત કરી રહ્યા છે. અમે પણ પહેલી વાર આ વાતની જાણ થતાં જ વિરોધ જ ઉઠાવેલો, (નિખિલ અને રુચિ તરફ ઈશારો કરતાં) પણ આ અમારા બેય દીકરાઓએ અમારી આંખો ખોલી અને અમારા થકી અજાણે થઈ રહેલા એક પાપની ભાગીદારીમાંથી અમને ઉગાર્યા. ''
મનુભાઈએ કંઈક વિચાર્યા પછી બહાર મંદિર પાસે બધા જ વડીલોને એકઠાં થવાની સૂચના આપી અને પોતે ઉભા થઇ એ તરફ આગળ વધ્યા. અવધેશભાઈ, જયાબેન, નિખિલ, રુચિ, એકાંત અને સરલાબેન પણ એમને અનુસર્યા.
બધાના ભેગા થવા પર સરલાબેને સૌથી પહેલા બધાને ખુશખબરી આપીને, હકીકતથી અવગત કર્યા. કેટલાય સમયથી પોતાની અનુભવી આંખે જોઈ અને સમજી શકેલા નામ વિનાના એક મૌન સંબંધની સ્વીકૃતિ એમણે હૃદયપૂર્વક તાળીઓના ગડગડાટ સાથે વધાવી. સરલાબેને હવે આગળ શું કરી શકાય એ માટેની ચર્ચા-વિચારણામાં દરેકને જોડાવા કહ્યું. બધાએ પોત-પોતાના વ્યક્તિગત વિચારો પ્રમાણે અલગ-અલગ મંતવ્યો રજૂ કર્યા. થોડીવારની ચર્ચા પછી આગળનું પ્લાનિંગ નક્કી થઈ ગયું. અવધેશભાઈના ના કહેવા છતાં મનુભાઈએ પેંડા મંગાવી જ લીધા. દરેક નું મોઢું મીઠું કરાવ્યું અને ચા-પાણી, નાસ્તા પછી બધા છૂટાં પડ્યા.
એકાંતે પોતાનો વોઇસમેસેજનો ક્રમ રાબેતા મુજબ ચાલુ જ રાખ્યો હતો. હવેના મેસેજોમાં એકાંતના અવાજમાં દિશાને ખોઈ બેસવાનો ડર નહોતો. હવે બેધડક દિશાને હિંમત પણ આપી શકતો હતો. અને દિશાને મળવાની એ અમૂલ્ય ક્ષણની એ રાત-દિવસ રાહ જોતો. આજ સુધી દિશા સાથેના આ અનોખા સંબંધને શક્યતાના ત્રાજવે કદી તોલ્યો જ નહોતો. ક્યારેક રિવાજોના બંધન ભેદીને દિશાને મનાવી લેવાના વિચારો એને આવી જતાં, પરંતુ આપણાં પ્રિય પાત્રને મેળવી જ લેવાથી સુખી નથી થઈ શકાતું. એની ખુશીમાં જ આપણી ખુશી શોધી લેવી એજ સાચા અર્થમાં એના પ્રેમની પરિભાષા હતી. એટલે જ તો અત્યારના આ શક્યતાના એંધાણ ક્યારેય વિચાર્યા ના હોવા છતાં, પોતે નિઃસ્વાર્થ ફક્ત પોતાના અવાજ થકી દિશાને સાચવી રહ્યો હતો. આ રીતે ક્યાં સુધી એ દિશાનો સાથ આપી શકશે એ પોતે પણ જાણતો ના હોવા છતાં બસ દિશાની આસપાસ રહેવા માંગતો હતો. આજે અચાનક જ નસીબ પલટાયું હતું, એ પણ એવી રીતે કે જેની સપનેય કલ્પના નહોતી.
બધી જ બાબતથી અજાણ દિશા પોતાના જ બનાવેલા પાંજરામાં બનાવટી ખુશીનું મહોરું પહેરીને સતત ખુશ દેખાવા પ્રયત્નો કરતી રહેતી. દિવસમાં એકાદ વાર તો એ પોતાની આંખોને ધોઈ જ લેતી. એકલામાં રોઈને જાતેજ ચૂપ થઈ જવાની તો એને આદત જ પડી ગઈ હતી. તે આજે પણ સતત એકાંતનો સાથ ઝંખતી, પરંતુ સમય અને સંજોગોએ એને મર્યાદાઓમાં જકડી રાખી હતી. અત્યારનો સમય એના માટે સૌથી વધુ મુશ્કેલી ભર્યો હતો. એની પાસે વાત કરનાર કોઈ ના હતું. એકાંત ઘણું ખરું એની મુશ્કેલીઓ અને માનસિક સ્થિતિ સમજી શકતો હતો, એ પોતાની રીતે પૂરેપૂરું એનું ધ્યાન રાખવા પ્રયત્નો કરતો. પરંતુ એકાંતના રોજના વોઇસમેસેજ સામે જ્યારે એ કોઈ જવાબ આપી શકતી નહીં, ત્યારે એના હૃદયમાં ભારોભાર લાગી આવતું. છતાં, હકીકત સાથે જિંદગીના વહેણમાં વહેવાનું એણે સ્વીકારી લીધું હતું.
રુચિ અને નિખિલ રુચિના નાના-નાનીના ઘરે પણ દિશાને જણાવ્યા વગર જ પહોંચી ગયા. ત્યાં સઘળી હકીકત જણાવ્યા બાદ મંજૂરી મેળવવામાં જરાય વાર લાગી નહીં.
હજુ રુચિનું એક કામ બાકી હતું તેના દાદા-દાદીને આ નિણર્ય વિશે જણાવવાનું. રાત્રે નિખિલ અને રુચિએ તેના દાદાને વિડીયો કોલમાં બધું જ જણાવ્યું. તેઓએ પણ આ નિર્ણયનો સહર્ષ સ્વીકાર કર્યો.
વધુ આવતા અંકે...