Dear Paankhar - 22 in Gujarati Fiction Stories by Komal Joshi Pearlcharm books and stories PDF | Dear પાનખર - પ્રકરણ -૨૨

Featured Books
Categories
Share

Dear પાનખર - પ્રકરણ -૨૨

" ડૉક્ટર ! ઓપરેશન કયારે કરશો ? " ભરતભાઈનાં ચહેરા પર ચિંતા વર્તાતી હતી.
" અત્યારે પગ પર બહુ સોજો છે. દવાઓથી સોજો ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. જેટલુ જલ્દી બને ઓપરેશન કરી લઈશું. ચિંતા ના કરશો. બીજી ડિટેઈલસ તમને કાઉન્ટર પરથી મળી જશે. " ડૉક્ટરે આશ્વાસન આપતાં કહ્યું.
"ઑપરેશનનાં કેટલા રૂપિયા થશે ?" ભરતભાઈએ અધીરાઈથી પૂછ્યું.
" કાઉન્ટર પર બધી જ માહિતી મળી જશે. " ડૉક્ટરે કહ્યું.
આભાર માનીને ગૌતમ અને ભરતભાઈ ડૉક્ટરની રૂમમાંથી બહાર નીકળ્યા . કાઉન્ટર પરથી ઓપરેશન માટે પૈસા વગેરેની માહિતી લીધી .

અમોલને થોડો-થોડો હોશ આવી રહ્યો હતો. દમયંતીબહેનને જોઈને સ્મિત કરી રહ્યો હતો પરંતુ એનો ચહેરો પર દર્દ સાફ દેખાઈ આવતું હતું . એ દુઃખાવાથી કણસી રહ્યો હતો.

નર્સ રૂમ‌માં દાખલ થઈ . અમોલનું બી.પી .અને નાડી - ધબકારા ચેક કર્યા. અમોલ સાથે વાત કરવાની કોશિશ કરી. અમોલ ધીરે ધીરે જવાબ આપી રહ્યો હતો. દમયંતીબહેને નર્સને કહ્યું , " એને બહુ તકલીફ થતી લાગે છે ."
" દવાનો ડોઝ તો વ્યવસ્થિત જાય છે . થોડોક તો દુઃખાવો રહેવાનો , પણ ચિંતા ના કરશો. હું થોડી થોડીવારે આવીને ચેક કરતી રહીશ. " સ્મિત આપીને નર્સ રૂમની બહાર નીકળી.

ગૌતમ અને ભરતભાઈ રુમમાં પ્રવેશ્યા. ગૌતમે અમોલને પૂછ્યું , " કેવું છે ? "
" પગ હલાવાતા નથી. બહુ દુઃખે છે. " અમોલે કહ્યું.
" હા! મલ્ટીપલ ફ્રેકચર થઈ ગયા છે. નીચેનો મણકો પણ ચૂરો થઈ ગયો છે. એટલે ! સોજો ઓછો થાય એટલે ઑપરેશન કરશે. ત્યાં સુધી થોડી તકલીફ રહેશે. " ગૌતમે સમજાવતાં કહ્યું.

" ફૂઆ ! હવે તમે લોકો જાવ. હું છું અહીંયા !" ગૌતમે કહ્યું.
" હું રાત રોકાવું છું. " દમયંતીબહેને કહ્યું.
"ના ! એની કોઈ જરૂર નથી. તમે લોકો ઘરે જાવ. આકાંક્ષાને કહેજો મારી જમવાની ચિંતા ના કરે. હું અહીં કેન્ટીનમાંથી જ ખાઈ લઈશ. એ કાલે સવારે જ આવે. " ગૌતમે કહ્યું.

" સારું ! બરાબર છે. બધાં એ અહીં ભીડ કરવાની ક્યાં જરૂર છે? " ભરતભાઈએ કહી એ લોકો ઘરે જવા નીકળ્યા. ઘરે પહોંચીને આકાંક્ષા સાથે વિગતે વાત કરી. આકાંક્ષાએ ગૌતમને ફોન કર્યો.
" હા! ગૌતમ‌ભાઈ ! ટીફીન તો રેડી છે. તમારે ત્યાં જમવાની જરૂર નથી. હું આવું જ છું. "
" તું શા માટે તકલીફ લે છે ?" ગૌતમે કહ્યું.
" તકલીફ કાંઈ નહીં ! હું આવું જ છું. " કહી આકાંક્ષા એ ફોન મૂકી દીધો.

રીક્ષા લઈને હોસ્પિટલ પહોંચી. ગૌતમને થાળી પીરસી. અમોલ માટે હોસ્પિટલમાંથી સૂપ આવી ગયો હતો.
" હું રાત્રે રોકાવું છું. " આકાંક્ષા એ કહ્યું.
" ફોઈ - ફુઆને સમજાવ્યા હવે તને પણ સમજાવુ ? કે રોકાવાની કોઈ જરૂર નથી !" ગૌતમે જમતાં જમતાં કહ્યું.
"તન્વીની રુમમાં કોઈએ તો રહેવુ પડશે ને ! કાલે કાકા - કાકી આવી જાય પછી વાંધો નથી ." આકાંક્ષાએ ધીરેથી ફક્ત ગૌતમને સંભળાય એમ કહ્યું.
" નર્સ છે. તારે રોકાવાની જરૂર નથી. હું નર્સ સાથે વાત કરી લઈશ. તું ઘરે જા . કાલે સવારે જ આવજે . અહીં રોકાવાની તારે કોઈ જરૂર નથી. " ગૌતમે કહ્યું. આકાંક્ષાએ વધારે આનાકાની ના કરી.

"તન્વી ? એ ક્યાં છે?" અમોલે પૂછ્યું.
"બાજુની રુમ માં છે. " ગૌતમે કહ્યું.
" એને બહુ વાગ્યું તો‌ નથી ને ? " અમોલે પૂછ્યું
" ના નથી વાગ્યું. એને કાલે કદાચ રજા આપી દેશે. " ગૌતમે ફક્ત એટલું જ જણાવ્યું.
આકાંક્ષા રાહ‌ જોતી હતી કે હવે અમોલ મારા વિશે , બાળકો વિશે પૂછશે . પરંતુ એણે કશું જ ના પૂછ્યું. આકાંક્ષા નું દિલ ઘવાઈ ગયું. પરંતુ મનને મનાવવાનો પ્રયત્ન કર્યો ' છોડ ! અત્યારે આવી વાતોનો‌ કોઈ મતલબ નથી. '
" સારું તો! આઠ વાગી ગયા છે . હું ઘરે જવા નીકળું. કાલે સવારે આવીશ. " આકાંક્ષાએ કહ્યું.
" સાચવીને જજે. " ગૌતમે કહ્યું.

આકાંક્ષા ઘરે જવા બહાર રોડ પર રિક્ષાની રાહ જોતી હતી. એક કાર નજીક આવીને ઉભી રહી. કાર ઓળખીને આકાંક્ષા કારની નજીક ગઈ. ડૉક્ટર સિદ્ધાર્થે અંદર બેસવાનો ઈશારો કર્યો. દરવાજો ખોલી આકાંક્ષા કાર‌માં બેસી ગઈ.
" અહીં ક્યાં ?" સિદ્ધાર્થે આશ્વર્યથી પૂછ્યું.
" અમોલનો ઍકિસડન્ટ થઈ ગયો છે. આ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. " આકાંક્ષા એ કહ્યું.
" ઓહ ! બહુ વધારે તો નથી વાગ્યું ને ?" સિદ્ધાર્થે પૂછ્યું.
" જમણા પગ માં મલ્ટીપલ ફ્રેકચર છે. છેલ્લો મણકો પણ‌ તુટી ગયો છે. ઑપરેશન કરવું પડશે. " આકાંક્ષાએ કહ્યું.
"ક્યારે થયો એક્સિડન્ટ ?" સિદ્ધાર્થે પૂછ્યું.
" કાલે રાત્રે . એ અને તન્વી બાઈક પર જતાં હતા. " આકાંક્ષાએ કહ્યું.
" તન્વી સાથે ?" સિદ્ધાર્થે પૂછ્યું.
" હા ! એની સાથે જ તો રહે છે ને. થોડા દિવસ પહેલાં મળ્યા હતા મને . ડિવોર્સની વાત કરતાં હતાં. તન્વી પ્રેગનેન્ટ હતી. કદાચ એટલે જલ્દીમાં હતા. અને અત્યારે આવુ થઈ ગયું. " આકાંક્ષા એ કહ્યું.
" તન્વી પ્રેગનન્ટ હતી?" સિદ્ધાર્થે આશ્વર્યથી પૂછ્યું.
" હા ! એને ફોર્થ મન્થ જતો હતો. પણ મિસકેરેજ થઈ ગયું . એક્સિડન્ટમાંજ. મને પણ‌ આજે જ ખબર પડી. " આકાંક્ષા એ થોડો નિઃસાસો નાખતા કહ્યું.
" ઓહ ! થોડો વખત આપણી વાત ના થઈ એમાં આટલી ઉથલપાથલ થઈ ગઈ તારી જિંદગીમાં ? હું તને ફોન નથી કરી શકતો ! પણ તું તો કરી શકું છું ને ? " સિદ્ધાર્થે ફરિયાદ કરતાં કહ્યું.
આકાંક્ષા એ કાંઈ જ જવાબ ના આપ્યો. બારીની બહાર જોતી રહી.
" ફરી એજ ! વાત ટાળવાની તારી આદત ! " સિદ્ધાર્થે ટોકતાં કહ્યું.
પરંતુ આકાંક્ષા થોડીવાર કંઈજ ના બોલી. પછી કહ્યું , " તમે‌ ડૉ. શિવાલી સાથે વાત કરતાં હતાં ને ત્યારે હું એમની સાથે હતી. "
" હા! એક પેશન્ટ રીલેટેડ વાત કરવાની હતી. " સિદ્ધાર્થે ચોખવટ કરતા કહ્યું.
" યુએસ થી કયારે આવ્યા ?" આકાંક્ષાએ પૂછ્યું.
"ગયા અઠવાડિયે ! " સિદ્ધાર્થે કહ્યું.
આકાંક્ષાનું ઘર આવી ગયું. આકાંક્ષા ઊતરવા જ જતી હતી કે સિદ્ધાર્થે કહ્યું , " ફોન પર અપડેટ આપતી રહેજે અને જ્યાં મદદની જરૂર હોય ચોક્કસ કહેજે. "
આકાંક્ષા એ હકારમાં સ્મિત આપ્યું અને બાય કહી પોતાના ઘર તરફ ચાલી ગઈ.

ઘરે જઈને રુમમાં મોક્ષ અને મોક્ષાની સાથે ‌બેસીને વાત કરતી હતી. ત્યાં મોબાઈલમાં બીપ વાગ્યું. સિદ્ધાર્થનો મેસેજ આવ્યો હતો .
' મારા મેઈલ પર અમોલનાં રિપોર્ટ અને ડૉક્ટરની ડિટેઈલ મોકલજે. '
આકાંક્ષા એ મેસેજ વાંચીને ફોન બાજુમાં મૂકી, ફરી બાળકો સાથે વાતો કરવા લાગી.

(ક્રમશઃ)