કેદારનાથમાં એક એક મીટરનું ચઢાણ કરતા શ્રુતિ, એની મમ્મી અને એના પપ્પા ત્રણેયને જોરજોરથી શ્વાસ ચઢી રહ્યો હતો. એમા માસી પણ બાકાત રહ્યા નહતા. આ ચઢાણ ખૂબ અઘરું થઈ રહ્યું હતું. છેવટે ધીમે-ધીમે એમને મંદિરનો આગળનો ભાગ દેખાયો. એ ધીમે-ધીમે આગળ વધી રહ્યા હતા. આગળ એક 10 થી 15 ફૂટની કેડી, એક બાજુ હેલિપેડનો બેઝ, બીજી તરફ પે એન્ડ યુઝની હારમાળા. 2013ની ઘટના અને પી.એમ.ના વારંવાર કેદારનાથની મુલાકાતને કારણે કેદારનાથ ખૂબ સાફ રાખવામાં આવ્યું હતું. જગ્યા-જગ્યાએ કચરાપેટી મુકવામાં આવી હતી.
થોડીક આગળ જતાં એક પુલ આવ્યો, નીચે મંદાકિની નદી વહેતી હતી. સામે દૂર કેદારનાથ મંદિર હતું. એની પાછળ ઊંચા-ઊંચા પહાડો હતા. ક્યાંક લીલોતરી, ક્યાંક બરફ. ખુબસુરત અને શાંત નજારો. અદભુત પ્રકૃતિ હતી અહીંની. પહાડો પર તડકો હતો પણ તાપ ક્યાંય નહતો. બધે જ ઠંડીનું વર્ચસ્વ હતું.
પુલ પસાર કરી થોડા આગળ ગયા કે બે રસ્તા દેખાયા. એક રસ્તો સીધો મંદિર તરફ જતો હતો, પણ એ દર્શન કરીને પરત ફરનાર દર્શનાર્થી માટે હતો. જ્યારે બીજા રસ્તા પર તો લાંબી લાઇન લાગેલી હતી. ત્યાં બધે જ બેઠકો મુકેલી હતી. બેઠક પછી લોખંડની રેલિંગ અને એ પછી ખીણ. જેમાં મંદાકિનીની કેટલીય શાખાઓ ક્યાંય-ક્યાંયથી આવીને મુખ્ય નદીને જોડાઈ રહી હતી. મંદિરના બીજા રસ્તેથી આગળ જતાં કેટલાક આર્મીના માણસોને એ લોકોએ મંદિરનો રસ્તો પૂછ્યો, તો જાણવા મળ્યું કે આ જે લાઇન છે એ મંદિરના દર્શન માટે જ છે. પણ વી.આઈ.પી. માટેની લાઈન અલગ છે. એ મંદિરની નજીક છે.
એ લોકો ખૂબ આગળ આવી ગયા હતા અને ત્યાંથી પાછા જવુ એટલે પોતાને વધારે થાક લગાડવો. અને અહીં આટલી ઉપર આટલી ઉર્જા વેડફવી ઠીક નથી. એમ સમજી એમણે બીજા રસ્તા વિશે પૂછ્યું, તો એમને જાણવા મળ્યું કે વસ્તી વચ્ચેથી એક રસ્તો પસાર થાય છે ત્યાંથી એમને જઉં પડશે.
કેદારનાથ મંદિર કંઈક એમ ગોઠવાયું છે કે જેમાં સામેથી આવનારને સીધું મંદિર દેખાય. મંદિરની વચ્ચે સીધો એક રસ્તો છે અને ડાબી બાજુ ગોળ ફરતો એક રસ્તો છે. જ્યાં મંદિરમાં દર્શન કરવા જનારની ભીડ લાગે છે. એ બંને રસ્તા વચ્ચે રહેણાંક વિસ્તાર, ગેસ્ટહાઉસ અને અન્ય દુકાનો આવેલી છે. વચ્ચેના રસ્તાની જમણી તરફ પણ ગેસ્ટહાઉસ અને દુકાનો આવેલી છે. રાત્રે ત્યાં રોકાનાર વ્યક્તિ માટે પણ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવે છે કે જેથી કોઈને ઠંડી કે ઓક્સિજનને સબંધિત કોઈ સમસ્યા ન સર્જાય.
મંદિરનું પ્રાંગણ પૂરું થાય પછી, મંડપ અને એ બાદ મંદિરનું ગર્ભગૃહ. મંદિરની પાછળની તરફ 20 ફૂટ પછી એક પાંચ ફૂટની પાળી અને તરત ભીમશીલા (એ જ શીલા જે 2013ના કેદારનાથ પુર વખતે આકસ્મિક / ચમત્કારિક રૂપે મંદિરની એ જ પાળી પાસે આવીને અટકી ગઈ અને ચોરાબારી તળાવ ફાટતા આવેલ ઝડપી પુર એ શીલાને કારણે મંદિરની ધજાનો અભિષેક કરી નીચે ઉતરી ગયું. અને મંદિર બચી ગયુ.)
ત્યારબાદ ત્યાંથી ખાસ્સે દૂર મંદિરની ત્રણેય તરફ પહાડીઓની હારમાળા. કેદારનાથ મંદિરની જમણી બાજુ ઉપર તરફ ભૈરવબાબાનું મંદિર. એ મંદિર પણ પોતાના અદમ્ય કુદરતી નજારાને કારણે ખૂબ પ્રખ્યાત છે. એકવાર જે જાય એને આ મંદિરની મુલાકાત અવશ્ય લેવી. જે ત્યાં જાય એ ત્યાંનો થઈને રહી જાય. એવો આ મંદિરનો નજારો છે.
શ્રુતિએ રસ્તો જાણ્યો અને વચ્ચેના રસ્તા માટે પગથિયાં ચઢવા પડે એમ હતા. શ્રુતિના મમ્મી મહામુસીબતે એ પગથિયાં પર ચઢી શક્યા. ત્યારબાદ એ લોકો ધીમે-ધીમે આગળ વસ્તીમાં ગયા. અને અંદરના ઘણા રસ્તા પસાર કરી એ લોકો મંદિરના આગળના ભાગ તરફ પહોંચ્યા. વી.આઈ.પી. લાઈન માટે મંદિરના આગળના ભાગમાં એક દરવાજો હતો. એ દરવાજામાં થઈ સીધા જ એ લોકો મંદિરના મંડપમાં પ્રવેશી શકતા હતા. વ્યવસ્થિત પૂજા થાય એ માટે એમણે એક પૂજારીની મદદ લીધી. દરવાજાથી અંદર જતા 15 થી 20 ફૂટનો એક હોલ આવ્યો. ત્યારબાદ શિવલિંગ આવ્યું. શિવલિંગનો ભાગ જાણે કોઈ જાનવરની પીઠ હોય એવું એમને લાગ્યું. એમણે શિવલિંગ પર દુગધા અભિષેક કર્યો. અને પૂજા કરી બહાર નીકળી ગયા. ભીડમાં ખૂબ ઓછો સમય મળતો હોઈ પૂજા શિવલિંગની આસપાસ ગોળ ફરતા જ કરવામાં આવી.
ત્યારબાદ બહાર નીકળી પૂજારીદાદાએ ચારેયને બેસાડ્યા અને કેદારનાથની આખી વાર્તા અને અહીંનું મહત્વ સંભળાવ્યું.
એમના અનુસાર, "પાંડવો દ્વારા આ મંદિર સ્થાપ્યાનો ઉલ્લેખ પુરાણોમાં છે. કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયા બાદ જ્યારે પાંડવો ગૌહત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા ઇચ્છતા હતા. ત્યારે શિવજીના દર્શન દ્વારા આ પાપનો અંત આવશે એમ એમણે જાણ્યું. પરંતુ શિવજી એ વખતે એમને દર્શન આપવાની ઈચ્છા ન ધરાવતા હોઇ એ ગુપ્ત કાશીથી ભાગીને અહીં આવ્યા. અને અહીં એમણે એક પાડાનું સ્વરૂપ ધારણ કર્યુ. ત્યાં આસપાસ ઘણા પાડા હતા, શિવજીને શી રીતે ઓળખવા? છેવટે ભીમે જ પોતાના કદાવર રૂપનો ફાયદો ઉઠાવતા ભાઈઓને કહ્યું, તમે બધા પાડાઓને અહીં ભગાવો અને હું પગ ફેલાવીને ઉભો રહું છું. જે નીચેથી ન જઈ શક્યુ એ જ મહાદેવ. છેવટે એ યુક્તિ પ્રમાણે મહાદેવ ભીમના પગ નીચેથી ન જઈ શક્યા અને એ ઊંઘી તરફ ભાગવા લાગ્યા. અને જમીનમાં એમનું માથું નાખી દીધું. પરંતુ તરત જ ભીમે એમની પીઠ પકડી લીધી અને મહાદેવને જમીનમાં વિલીન થતા રોકી લીધા. એટલે એમનો માથાનો ભાગ નેપાળમાં પશુપતિનાથ કહેવાયો અને પીઠનો ભાગ અહીં કેદારનાથ. પોતાના પાપનું નિવારણ એમને મહાદેવના અગિયારમા જ્યોતિર્લિંગની સ્થાપના કરી ત્યારે મળ્યું. અગિયારમા જ્યોતિર્લિંગ તરીકે જ્યારે આ બંનેના દર્શન કરો ત્યારે જ એક જ્યોતિર્લિંગના દર્શન સંપૂર્ણ કહેવાય."
કથાના સાર પ્રમાણે પશુપતિનાથ નેપાળના દર્શન કરનાર વ્યક્તિએ કેદરનાથના દર્શન ફરજીયાત કરવા જ રહ્યા. નહિતર એ વ્યક્તિના દર્શન અધૂરા માનવામાં આવે. એટલી કથા પછી પૂજારીદાદા મંદિરના પાછળના ભાગમાં આવેલા અમૃતકુંડ તરફ લઈ ગયા. અને સર્વેને એ પાણી લઈને પૂજા કરાવી. અને પ્રસાદ આપ્યો. પૂજા પુરી થતા સૌ મંદિરની પાછળના ભાગમાં આવેલ ભીમશીલાના દર્શને ગયા.
ખરેખર જો જોવા જઈએ તો આ એક ચમત્કાર જ લાગે કે આટલા પાણીના ફોર્સથી આવેલી હજાર ટનની શીલા અચાનક મંદિરથી પંદર ફૂટ પહેલા રોકાઈ જાય છે. અને એટલા પાણીના ફોર્સ છતાં એ શીલા ત્યાંથી કણભર પણ હલી નહિ. અને મંદિર બચી ગયું. અમુક નાસ્તિક માણસો એને આકસ્મિક ગણે જ્યારે આસ્તિક એને ચમત્કાર.
ભીમશીલા અને ચોરાબારી તળાવનું સ્થાન જોઈને એ લોકો ત્યાં જ બેસી રહ્યા. લગભગ બે કલાક સુધી એ લોકોએ કુદરત અને પ્રકૃતિનું અદભુત સામ્ય જોયું. અને પોતાને અહીં લાવવા બદલ મહાદેવનો આભાર માન્યો.
શ્રુતિ વિચારવા લાગી, ક્યાં તો એને ડૉકટરે અહીં આવવાની જ ના પાડી હતી, અને ક્યાં એ અહીં કુદરતનો નજારો માણી રહી છે. ક્યાં સવારે બસ કાઢવાની માથાકુટ અને ક્યાં અહીંનું રમણીય વાતાવરણ. ક્યાં તો એ લોકો નહિ પહોંચી શકે એ ચર્ચા, અને ક્યાં અહીંની સુંદર પ્રકૃતિ. ખરેખર શ્રુતિ ખૂબ ખુશ થઈ એણે મનોમન મહાદેવને કહ્યું, "મહાદેવ પરીક્ષા બહુ લીધી તમે, અને સાથ પણ ખૂબ આપ્યો. મને અહીં પહોંચાડવા બદલ તમારો ખૂબ આભાર. આ રીતે જ બસ સૌનું ભલો થજો અને અહીં આવનાર દરેકનું મન સાફ રાખી એમને તમારા ધામનો આ અદમ્ય અનુભવ આપજો. મહાદેવ ખૂબ ખૂબ આભાર તમારો...."
અને શ્રુતિ આ આભાર સાથે ત્યાંની પ્રકૃતિની મજા માણતી રહી.
(કહેવાય છે કે જો માથા પર મહાદેવનો હાથ હોય તો જગ જીતી લેવાય. જ્યારે મહાદેવ પોતાની કૃપા વરસાવતા જ હોય ત્યારે જગ આખું માંગીએ તો પણ ઓછું પડે. પણ મહાદેવે તો શ્રુતિની સૌથી મોટી ખુશી એને આપી દીધી. પોતાની જાત સાથે મેળાપ જ કરાવી દીધો એમણે....)