હજુ શ્રીનગરની બહાર બસ ગઈ જ હતી કે બસ રસ્તા વચ્ચે ખોટકાઈ. બપોરના 2 વાગ્યાનો સમય હતો. ઉનાળાની ઋતુ, અને ઉત્તરાખંડ પહાડીઓમાં હોવા છતાં શ્રીનગરનું તાપમાન સામાન્ય જ રહેતું. એટલે બધા જ્યારે બસની બહાર નીકળ્યા ત્યારે સરેરાશ તાપમાન 42° થી 45℃ ની વચ્ચે હતું. બહાર બેસવા માટે કોઈ જગ્યા નહીં, અને જ્યાં મળે ત્યાં ઉભા રહેવાનું. બસ ઠીક કરવા બસનો ડ્રાઈવર અને ટુર મેનેજર બંને મેકેનિક શોધવા ગયા. બસથી થોડે દુર એક ઘર હતું. તેની આસપાસ એક મોટી પાળી હતી. અને આસપાસ થોડાક ઝાડ. બસ આટલી વ્યવસ્થા મળી કે એ લોકો ખુશ થઈ ગયા. બધા ત્યાં બેસવા ગયા. પણ શ્રુતિ બસની બહાર ન નીકળી. એને પોતાની તબિયત વધુ ખરાબ હોય એવું લાગ્યું. એટલે એ બસની બે સીટ પર લાંબી થઈને સુઈ ગઈ. બસમાં ખૂબ બફારો અને ગરમી હતા. તેમ છતાં એ ત્યાં જ પડી રહી.
10 મિનિટ જેવું પસાર થયું હશે કે એને અચાનક બહુ ખરાબ લાગવા લાગ્યું. એનું પેટ જાણે ગોટાળે ચઢ્યું હોય એમ લાગ્યું. માથું ભમવા લાગ્યું અને તરત એ બસની બહાર ભાગી. એનું ખાધેલું બધું જ ઉલ્ટીમાં નીકળી ગયું. બધું બહાર કાઢી એ પાણી પીવા માટે બસમાં ચઢી. પણ કોઈ બોટલમાં પાણી મળ્યું નહિ. બહાર આવી તો ગરમીને કારણે બધાની પાણીની બોટલ ખાલી હતી. એ એમ જ પાળી પર બેસી ગઈ. ઘરની બાજુમાં એક પેટ્રોલપંપ હતો, પણ એ હજુ નવો બન્યો હોઈ ત્યાં પણ પાણી નહતું. જે ઘરના બહાર એ લોકો બેઠા હતા. એ લોકો અચાનક એટલા બધા લોકોને જોઈ એટલા ગભરાઈ ગયા હતા કે બધું જ બંધ કરીને ઘરની અંદર બેસી ગયા.
આટલી મુસીબતો ઓછી હોય તેમ ઘણા લોકો આસપાસ પાણીની બોટલ લેવા ગયા, પણ શહેરની બહાર આવી ગયા હોઈ એ બધાને કોઈ દુકાન મળી નહિ.
શ્રુતિ પોતાનો સમય માંડ કાઢી રહી હતી, ત્યાં આશાનું એક કિરણ નજરે ચઢ્યું. શહેરના અમુક વિસ્તારોમાં પાણી સપ્લાય કરતી એક ટેન્ક નજરે પડી. બધા મુસાફરોએ એ ટેન્ક રોકી અને ટેન્કમાંથી પાણી આપવા વિનંતી કરી. એ લોકો તરત માની ગયા. બધા પોતાની પાણીની બોટલ ભરવા લાગ્યા. શ્રુતિએ પણ બોટલ ભરી અને તરત બોટલનું પાણી પી ગઈ. પાણી પીવાનો આટલો સુકુન, આટલો આનંદ એને ક્યારેય મળ્યો નહતો. અમદાવાદમાં બીસ્લેરી અને મિનરલ પાણી પીનાર શ્રુતિ એક અજાણી જગ્યાએ એક સામાન્ય ટેન્કનું પાણી પીતા ખુદને રોકી ન શકી. એને પણ હરદ્વારમાં એના બસના ડ્રાઇવરે કહેલી વાત સાચી લાગી. જે વસ્તુ આપણને ભરપૂર માત્રામાં મળતી હોય, જ્યારે એના અભાવમાં જીવ ગુમાઈએ ત્યારે એની કિંમત સમજાય.
આ પાણી કેટલું ચોખ્ખું છે? ક્યાંથી આવ્યું છે? ફિલ્ટર થયું છે કે નહીં? મિનરલ્સ છે કે નહીં? કેટલા ટી.ડી.એસ. નું છે? એ બધું જ શ્રુતિ ભૂલી ગઈ. અને એ ટેન્કનું પાણી જાણે એનું જીવન બચાવવા જ આવ્યું હોય એમ એને લાગ્યું. ત્યારબાદ ટેન્કવાળા ભાઈઓનો આભાર માની એણે બીજી બોટલો પણ ભરી લીધી.
એની તબિયત હવે અતિશય ખરાબ થઈ રહી હતી. એવામાં ડ્રાઈવર મેકેનિકને લઈને આવી ગયો. અને ટુર મેનેજર બધા માટે ઠંડુંપીણું લેતા આવ્યા. બધાએ એ પીધું અને એટલી કાળઝાળ ગરમીથી રાહત મેળવી. અમદાવાદમાં એ.સી.માં રહેતા એ લોકો અહીં એક ઝાડના છાંયડે પણ તૃપ્તિનો અનુભવ કરી રહ્યા હતા. એટલામાં બસ પણ ઠીક થઈ ગઈ. અને બધા બસમાં બેસી ગયા. બસમાં બેઠા કે તરત બસ ઉપડી અને બધાનો કેદારનાથનો સફર ચાલુ થયો. એ લોકો સાંજના 5:30 પછી અગસ્તમુની ગામમાં પહોંચ્યા અને ત્યાં ચા-નાસ્તો કર્યો.
ત્યારબાદ સ્ત્રીઓ બાથરૂમ જવા માટે ગઈ. ત્યાં પણ પાણી સહેજ પણ નહતું. અહીં પહોંચ્યા બાદ એમને પાણીની કિંમત સમજાઈ રહી હતી. એવામાં શ્રુતિના પપ્પાના ભાઈબંધની દીકરીને કારણે શ્રુતિની મમ્મીને હાથે વાગ્યું. એમના હાથે દરવાજો જોરથી પછડાયો કે આંગળીઓ એ દરવાજા વચ્ચે આવી ગઈ. એની મમ્મીને હાથે થોડીક દવા અને કપડું બાંધ્યું જ હતું કે ચા-નાસ્તાને કારણે શ્રુતિને પાછી ઉલટી થઈ ગઈ. કેદારનાથ એમની માટે વધુનેવધુ ભારે પડી રહ્યું હતું.
એમણે કેદારનાથ માટે હેલિકોપ્ટરમાં જવાનું બુકીંગ કર્યું હતું. એની ટીકીટની પણ પ્રિન્ટ લેવાની પણ બાકી હતી. બાકી બધા ઝેરોક્ષની દુકાન શોધે અને શ્રુતિના પપ્પા દવાખાનું. શ્રુતિ પર એમની સાથે લઈ ગયેલ દવાની કોઈ જ અસર થઈ રહી નહતી. એટલે એના પપ્પા એને કોઈ દવાખાને બતાવવાનું વિચારી રહ્યા હતા. ત્યાં જ એમને સરકારી હોસ્પિટલ દેખાઈ. એ સાથે જ હોસ્પિટલમાં એ સીન સર્જાયો. જેને આપણે સૌ અગાઉ પ્રકરણ 1માં જોઈ ગયા. ડૉકટરે આપેલ હાઇપોકસીઆની ધમકી કોઈ સામાન્ય ધમકી નહતી. આઈ.સી.યુ શબ્દ સાંભળતા એના પિતા ચમકી ગયા. શ્રુતિ એ સાંભળી ચમકી કે કદાચ હવે એને કેદારનાથ જવા નહિ મળે. એટલે દૂર આવ્યા બાદ, આટલી મુસીબતો અને તબિયત એ બધા પછી જો કેદારનાથ જવા જ ન મળે તો આ યાત્રાનો શુ મતલબ?
કહેવાય છે કે કેદારનાથ પર સ્વર્ગથી હવા આવે છે. ઉપરનો નજારો સ્વર્ગથી કોઈ અંશે નાનો ન ગણી શકાય. લોકોની આટઆટલી વાતો, આટલી માન્યતાઓ અને એ બાદ જો કેદારનાથ જ જોવા ન મળે, મંદિરના દર્શન કરવા ન મળે તો એવું જીવન શુ કામનું???
શ્રુતિએ ડૉકટરે આપેલી દવા ગળી લીધી. બીજા પ્રવાસીઓ હેલિકોપ્ટરની ટિકિટની પ્રિન્ટ લઈને આવી ગયા. અને બસમાં બેસી ગયા. ત્યારબાદ ફરી બસ ઉપડી. જેમ-જેમ ઊંચાઈ વધી રહી હતી, જેમ-જેમ કેદારનાથ નજીક પહોંચી રહ્યા હતા એ લોકો. તેમ-તેમ શ્રુતિની તબિયત વધુ ખરાબ થઈ રહી હતી. એ લોકો રાત્રે અગિયાર વાગ્યે સોનપ્રયાગ પહોંચ્યા અને ત્યાં એક ગેસ્ટહાઉસમાં રોકાવાની વ્યવસ્થા કરી, મેનેજરે સૌને પોતપોતાના રૂમની ચાવી આપી. અને અડધો કલાક બાદ નીચે જમવા આવવાનું કહ્યું.
શ્રુતિએ ગેસ્ટહાઉસમાં બે માળ ઉપર એના માતા-પિતાનો સામાન મુક્યો અને ત્યારબાદ પોતાનો સામાન લઈ જવા એ નીચે આવી. એની તબિયત ખરાબ હતી, પણ જવાબદારીઓ વચ્ચે આવી રહી હતી. ડૉકટરે આપેલ ગોળીઓ લીધા બાદ ઘેન એની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
ચારધામમાં બધે જ ન્હાવાના ગરમ પાણીની સમસ્યા રહે જ છે. આ ગેસ્ટહાઉસમાં પણ એ જ હતું. ત્યાં જ એમના જાણમાં આવ્યુ કે એક મોટા તપેલામાં ગેસ્ટહાઉસના સ્ટાફે ગરમ પાણી ચઢાવવા મૂક્યું છે. અને રોકાનારને પાણી આપે છે. સવારે 13 જણા (જેમાં શ્રુતિનો પરિવાર, એમના ભાઈબંધોનો પરિવાર અને બીજા 2 એમ કુલ 13 વ્યક્તિ) બધાનો હેલિકોપ્ટર માટે રિપોર્ટિંગ સમય ફાંટાથી 4 વાગ્યાનો હતો. એટલે સવારે ન્હાવાનો સમય નહિ મળે એમ સમજી એ લોકો ખાધા પહેલા જ નહાવા લાગ્યા. પણ શ્રુતિએ હાલ ન્હાવાની ના પાડી દીધી. ત્યારબાદ બધા જમવા સૌથી નીચે ગયા અને શ્રુતિ એની મમ્મી માટે ઉપર જ જમવાનું લેતી આવી. જમ્યા બાદ 12 વાગ્યે એણે દવાઓ લીધી અને ક્યારે સુઈ ગઈ એને ખ્યાલ જ ન આવ્યો.
સવારે 2 વાગ્યે એના માસીએ એને ઉઠાડી. એની આંખોમાં એટલું ઘેન હતું જે એની ઉઠવાની હાલત નહતી. એ માંડ ઉઠી અને નહાવા ગઈ. એણે જેવું પાણી પોતાના શરીર પર નાખ્યું જે એના મોઢામાંથી બુમ પડાઈ ગઈ. પાણી એટલું ઠંડુ કે ન્હાવાનું મન ન થાય. એમ છતાં એણે ન્હાવાનું સફળતાપૂર્વક પૂરું કર્યું અને બહાર આવી. બહાર આવી તો તરત નીચે જઈ ચા પી એણે ફરી દવાઓ લઈ લીધી અને ફાંટા જવા માટે એ 13 જણા બહાર નીકળ્યા. જેવું બહાર પોતાની બસ આગળ ગયા એ લોકો કે એમને ખ્યાલ આવ્યો કે એમની બસ બધી ગાડીઓ વચ્ચે એક ઢાળમાં ઘેરાયેલી છે. અને હવે સમય પર પહોંચાશે કે નહીં એની ચિંતાએ એ લોકો ઘેરાઈ ગયા.
(મહાદેવ ભક્તોની ખૂબ પરીક્ષા લે છે, પણ પરીક્ષા પાર કરનાર લોકોની મદદ પણ ખૂબ કરે છે. હવે એ જોવું રહ્યું કે આ પરિસ્થિતિમાં મહાદેવ એમના આ ભક્તોની મદદ કઈ રીતે કરે છે??? જાણવા માટે વાંચતા રહો, "સંકલ્પ")