ગંગોત્રીથી પાછા આવવાના રસ્તે શ્રુતિ થાકને કારણે સુઈ ગઈ, અને ગેસ્ટહાઉસ ક્યારે પહોંચ્યા એને ખ્યાલ જ ન આવ્યો. ગેસ્ટહાઉસ ગયા પછી નાહી-ધોઈને એ નીચે આવી. તો ત્યાં ટુર મેનેજર એની જ રાહ જોઈ રહ્યા હતા.
જેવી એ આવી કે એને બોલાવી અને કહ્યું, "શ્રુતિ તારી મમ્મીનો બર્થડે છે. તો અમે લોકોએ બર્થડે ઉજવવાનું વિચાર્યું. આવી તક બીજે ક્યાં મળવાની? એટલે હું ઉત્તરકાશી જઈને કેક લઈ આવ્યો. જમવાનું થઈ જાય એ પછી તું એમને અહીં બહાર લેતી આવજે. આપણે અહીં જ બર્થડે ઉજવીશું."
શ્રુતિ ખૂબ ખુશ થઈને બોલી, "થેન્કયું અંકલ. તમે ખરેખર આ બહુ સારું કર્યું. મમ્મી માટે આજનો દિવસ ખૂબ યાદગાર રહી જશે."
એ વાત કરીને એની મમ્મી માટે રૂમમાં જ જમવાનું લઈ ગઈ. જમવાનો કાર્યક્રમ પતાવ્યા બાદ મેનેજરે બધાને બહાર જ રોકી રાખ્યા. અને શ્રુતિ એની મમ્મીને લઈ આવી.
એની મમ્મી માટે આ બધું એક સરપ્રાઈઝથી ઓછું નહતું. ગાઢ અંધારું, પહાડી રસ્તો, આસપાસ બોલતા તમરાના અવાજો અને એ વચ્ચે રસ્તાની બાજુ પર મૂકેલ એક ટેબલ એની પર કેક અને આસપાસ બેઠેલ 27 અજાણ્યા માણસો. જે આ ટુરમાં એક પરિવારના સદસ્યોની જેમ શ્રુતિના મમ્મીની બર્થડે માટે તાળીઓ પાડી રહ્યા હતા. એની મમ્મી આજે ખૂબ ખુશ થઈ. ભગવાનનો આભાર માન્યો એમણે. અહીં ઉત્તરકાશીમાં જાણે એમના પરિવારના સદસ્યો એમની માટે ખુશ થઈ રહ્યા હોય એવું એમને લાગ્યું.
એ કેક સામે મુકેલી ખુરશી પર બેઠા અને ત્યારબાદ કેક કાપી. સૌપહેલા એ કેક એમણે શ્રુતિને ખવડાવી અને ત્યારબાદ એના પપ્પાને. એ પછી બધા વચ્ચે કેક વહેંચી. આજે બધા ખૂબ ખુશ હતા. પહેલી જ વખત હતું કે બધા આમ રાત્રે સાથે બેઠા હતા. બધું પત્યું કે એ બધા પોતપોતાનો અનુભવ વહેંચવા લાગ્યા. કોઈ ચારધામ પ્રથમ વખત આવ્યું હતું. તો કોઈ બીજી કે ત્રીજી વખત. આ જગ્યા દરવખતે એમને કોઈ નવો અનુભવ આપતી. એમને દરવખતે અહીં કંઈક નવું જ મળતું.
બધા વાતો કરી રહ્યા હતા અને શ્રુતિનું ગળું જામ થવા લાગ્યું હતું. આટલા દિવસોમાં એણે આ પ્રત્યે ધ્યાન આપ્યું નહિ. પોતાની સાથે લાવેલી મેડિકલ કિટમાંથી એ રાત્રે દવાઓ લઈ લેતી, જેથી તબિયતમાં સુધારો થાય. પણ એની તબિયત દિવસે-દિવસે બગડી રહી હતી. અને આજે લાડુ અને કેક બાદ તો હાલત વધુ ખરાબ લાગવા લાગી.
વાતો ચાલતી જ હતી ને ટુર મેનેજરે એનાઉન્સમેન્ટ કરી, આપણે કાલે અહીંથી કેદારનાથ જવાનું છે. રસ્તો ખૂબ મોટો છે અને પહાડી છે. સારું રહેશે કે આપણે સવારે 3 વાગ્યે જ નીકળી જઈએ. સવારના 3 વાગ્યાનું નામ સાંભળી સૌ ચોંકી ગયા. અને એમાંથી કોઈકે પૂછ્યું, "તો આપણે ઉંઘીશું ક્યારે???"
"અત્યારે સુઈ જાઓ. એમપણ કંઈ કામ નથી અને હજુ 9 જ વાગ્યા છે. અત્યારથી સુઈ જશો તો કદાચ ઊંઘ પુરી થઈ જશે." મેનેજરે એમની તરફ નજર કરી કહ્યું.
આ વાત થઈ કે હવે બધા જ ઊંઘવા જવાની ઉતાવળ કરવા લાગ્યા. શ્રુતિ એની મમ્મીને લઈને એમના રૂમમાં ગઈ અને વધારાનો સામાન પેક કરાવી. બીજા દિવસના કપડાં કાઢી એ પોતાના રૂમમાં સુવા જતી રહી.
લગભગ 4 થી 5 કલાકની ઊંઘ લઈ સૌ તૈયાર થઈ 3 વાગ્યા પહેલા બહાર આવ્યા. રાતનો સમય અને ઠંડકનું વાતાવરણ. કોઈને ન્હાવાની તો દૂર બેડ પરથી ઉઠવાની ઈચ્છા નહતી. તેમ છતાં ઉભું તો થઉં જ પડે. નાસ્તો કરવા આવ્યા તો નાસ્તામાં ચા અને પુરી હતી. તળેલો નાસ્તો કરવાથી ગળું વધુ ખરાબ થશે, એમ સમજી એ નાસ્તો લઈ એની મમ્મીને આપી આવી. અને એણે માત્ર ચા પી લીધી. ચા-નાસ્તો થયા બાદ સૌ કોઈએ પોતાનો સામાન નીચે લાવી દીધો. સામાન બસની ઉપર ચઢાવતા અને બાંધતા 15 મિનિટ જેવું થયું હશે કે બધાને અંદર બેસવા સૂચના આપવામાં આવી. બધા આ ખુબસુરત નજારાને આંખોમાં ભરી બસમાં બેસી ગયા.
14 જૂન, 2019. સવારના 3 વાગ્યાની આસપાસનો સમય....
બધા પ્રવાસીઓ બસમાં બેસી ગયા હતા, ગેસ્ટહાઉસથી ઉત્તરકાશી લગભગ 10 થી 15 કિલોમીટરના અંતરે હતું. એ દરમિયાન હજુ યાત્રી પોતાની સીટ એડજસ્ટ કરી ઊંઘવાનો જ પ્રયત્ન કરી રહ્યા હતા કે અચાનક બસની બ્રેક વાગી અને એક હળવો આંચકો બધા પેસેન્જરોને અનુભવાયો. આ થયું કે બધા બસ રોકવાનું કારણ જાણવા બારીની બહાર જોવા લાગ્યા. બધાને રસ્તા પર ખૂબ માટી ઉતરી આવેલી દેખાઈ.
રસ્તાની એક તરફ પહાડ અને બીજી તરફ ખીણ અને નદી હતી. એ જ પહાડનો કેટલોક હિસ્સો તૂટીને રસ્તા પર આવી ગયો હતો. અને રસ્તો બ્લોક થઈ ગયો હતો. બે જેસીબી આ રસ્તો સાફ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને વારાફરતી માટી ઢસડી નીચે ખીણમાં નાખી રહ્યા હતા. એ દરમિયાન પાછળથી એમ્બ્યુલન્સનો અવાજ આવ્યો. બધા જ બસના ડ્રાઇવરો અને અન્ય ગાડીના માલિકોએ પોતાના વાહન ખીણની નજીક લઈ એમ્બ્યુલન્સ માટે રસ્તો ખુલ્લો કરી આપ્યો. અને એક જેસીબીએ પહાડ જેટલા ભાગમાં ધસ્યો હતો, એટલો તરત સાફ કરી એમ્બ્યુલન્સને જવા માટે જગ્યા બનાવી દીધી. એના ગયા પછી પાછા પોતાની કામગીરીમાં વ્યસ્ત થતા રસ્તો અડધો કલાક બાદ ખુલી શક્યો. અને વાહનોની અવરજવર સામાન્ય બની.
શ્રુતિ માનવતાનું જીવતુંજાગતું ઉદાહરણ જોઈ ખૂબ ખુશ થઈ. અને એ લોકો બસમાં જ સુવાનો પ્રયત્ન કરવા લાગ્યા. વહેલી સવારે 5 વાગ્યે સૂરજ ઊગી ગયો અને એ લોકો ઉત્તરકાશી શહેર પાછળ છોડી આવ્યા. હવે અહીંથી કેદારનાથનું અંતર 310 કિલોમીટર જેટલું હતું. આ અંતર આમ તો નાનું લાગે પણ પહાડી રસ્તો એને વધુ મુશ્કેલ બનાવતો હતો. હજુ આખો દિવસ આ જ બસમાં એમને વિતાવવાનો હતો. શ્રુતિનું ગળું ખરાબ હતું અને કફ પણ જામ થઈ જ ગયો હતો. તેમ છતાં સવારે 9 વાગ્યે એક જગ્યાએ ચા પીવા માટે ગાડી ઉભી રખાયા બાદ એ પોતાની તબિયતને ઠીક કરવા માટેના ઉપાયો વિચારવા લાગી. એને લાગ્યું કે જો અત્યારે નાસ્તો કરી ગોળી લઈ લેવામાં આવે તો કદાચ આખો દિવસ ઊંઘ પણ મળી રહેશે અને શરદી પણ જતી રહેશે. ત્યાંની ચાની સ્ટોલ પર જઈ એણે નાસ્તા તરફ નજર કરી તો બધે જ તેલમાં ડૂબેલા પકોડા દેખાયા. એ ન લેતા એણે પોતાની જોડેના નાસ્તા પર પસંદગી ઉતારી અને થેપલા અને ચાનો નાસ્તો કર્યો.
એ થયું કે બધા બેઠા અને શ્રુતિએ દવાઓ લીધી. ઊંઘવાનો ખૂબ પ્રયત્ન કરવા છતાં આ રીતે ઊંઘવુ મુશ્કેલ બની રહ્યું હતું. છેવટે એ પછી એણે બધા પ્રવાસીઓ તરફ નજર કરી તો ખ્યાલ આવ્યો કે એ બધા પણ કાંટાળાને કારણે ઉદાસ બની બેઠા હતા. છેવટે બધાનો કંટાળો દૂર કરવા માટે એણે એક ગેમ વિચારી અને એ પોતાની સીટ પર ઉભી થઇ...
"હેલો, અંકલ્સ એન્ડ આંટીસ..." એ એટલું બોલી કે બધા એની તરફ જોવા લાગ્યા. એ પોતાની વાત આગળ મુક્તા બોલી, "જુઓ, આપણો સફર આમ તો બહુ સારો છે. પણ હવે આટલી લાંબી બસ જર્નીમાં આપણે બધા કંટાળી ગયા છીએ. એ પહેલાં કે આ કંટાળાને કારણે ગાંડા થઈ જઈએ. ચલો એક ગેમ રમીએ."
બધા પ્રવાસીઓ ઉત્સાહિત થતા પૂછવા લાગ્યા, "કઈ ગેમ???" આમ તો આ બધા કદાચ જ કોઈ પ્રતિક્રિયા આપત પણ એ લોકો હવે શ્રુતિને અને એની ચંચળતાને સારી રીતે ઓળખી ગયા હતા. એટલે એમણે પણ પોતાનો સહકાર આપ્યો.
"તો ગેમ એ છે કે આપણા પ્રવાસમાં મોટાભાગનાં લોકો જીવનસાથી છે. તો એ લોકો પોતાની જીવનસંગીની અથવા જીવનસાથીને કઈ રીતે મળ્યા હતા અને એમની પહેલી વાત શુ થઈ હતી બસ એ અનુભવ બધા સાથે વહેંચવાનો છે... સમજ્યા..."
એકે કહ્યું, "હવે બેટા આટલી જૂની વાત કઈ રીતે યાદ હોય?"
શ્રુતિ બોલી, "આંટી ટ્રાય તો કરો. મજા આવશે..."
અને એક પછી એક બધા ચાલુ પડી ગયા.
"સગાના લગ્નમાં..."
"બગીચામાં.."
"મમ્મીએ પસંદ કરી..."
"દાદાએ સબંધ કરાવ્યો..."
"કોલેજમાં....."
આ બધી વાતો ચાલુ થઈ કે બસ બધાની જે બોલચાલની મર્યાદા હતી એ દૂર થઈ ગઈ. અને હવે શ્રુતિના એક વિચારને કારણે બધા એકબીજા સાથે હસી-હસીને વાત કરવા લાગ્યો. થોડા સમય પહેલા જે સ્થાન કંટાળાનું હતું એની જગ્યાએ બધા પોતાના જાતજાતના અનુભવો શેર કરવા લાગ્યા. એ સાથે પોતાની સાથે લાવેલ નાસ્તો પણ.... હવે બધા જ એકબીજા સાથે હળીભળી ગયા. એટલામાં જમવા માટે જંગલમાં વચ્ચોવચ બસ રોકવામાં આવી ત્યારે બધા શાંત થયા. શ્રુતિની તબિયત ખરાબ હતી, પણ એ તરફ ધ્યાન ન આપતા એ બધા સાથે મસ્તીમાં શામેલ થઈ ગઈ.
જ્યાં સુધી જમવાનું બન્યું ત્યાં સુધી એ લોકોએ રસ્તાની બાજુમાં રહેલ ઝરણાંમાં જઈ પોતાના પગને શાંતિ અને મનને ઠંડક આપી. ત્યાં જંગલ, ઝરણું અને કુદરતી વાતાવરણની ભરપૂર મજા માણી. ત્યાં સુધીમાં જમવાનું પણ તૈયાર થઈ ગયું. બધા જમવા બેઠા અને શ્રુતિ બધાને છાસ આપવા લાગી. બધાને શ્રુતિનું વર્તન એટલું ગમ્યું કે એની સાથે જ મસ્તી કરવા લાગ્યા. છેવટે જમવાનું પૂરું થતા બધા બસમાં બેસી ગયા. અને આ સફર ચાલુ થયો.
હજુ જંગલ પસાર કરી એ લોકો શ્રીનગર (ઉત્તરાખંડના) પહોંચ્યા કે લાંબો ટ્રાફિક જામ નડ્યો. અને હજુ શહેરની બહાર જ નીકળતા હતા કે એમની બસ રસ્તા વચ્ચે જ ખોટકાઈ પડી.
(કહેવાય છે કે ભગવાન આપણી કસોટી કરતા હોય છે, એમના ધામ પહોંચતા પહેલા. અહીં શ્રુતિના હાલત પણ કંઈક એવા જ હતા. બાર જ્યોતિર્લિંગમાનું એક કેદારનાથ - ત્યાં પહોંચતા પહેલા હજુ ઘણી કસોટી થવાની બાકી હતી. મહાદેવ પોતે ભક્તોની સહનશક્તિ ચકાસવા ઉતર્યા હતા. હવે એ જોવું દિલચસ્પ રહેશે કે આ લોકો કેદારનાથના દર્શન સુધી પહોંચી શકશે કે નહીં. જાણવા માટે વાંચતા રહો. "સંકલ્પ"...)