રાજકારણની રાણી
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૩૨
રવિનાએ મોબાઇલમાં ફોટો બરાબર જોયો. તેને ખ્યાલ આવી ગયો કે મારી પાસેથી પચીસ લાખ રૂપિયા લઇ જનાર કોઇ જાણીતી જ વ્યક્તિ છે. તેણે એ રૂપિયા ભરેલી બેગનો ફોટો મને મોકલીને હું છેતરાઇ હોવાનો અહેસાસ કરાવ્યો છે. તે મને મૂરખ સબિત કરી રહ્યો છે. જો રૂપિયા એણે રાખી જ લેવા હોત તો મને એવો ઇશારો ના કર્યો હોત કે મારી પાસે રકમ પડી છે. કે પછી મને પડકાર ફેંકી રહ્યો છે કે હું એને શોધી શકું છું કે નહીં. રવિનાને સમજાતું ન હતું કે તેણે ધારાસભ્યની ટિકિટ માટે રૂપિયા આપ્યા એની કોઇને ખબર પડી ગઇ છે કે કોઇ મારી સાથે રમત રમી રહ્યું છે. રવિનાએ ઘણું વિચાર્યું પણ કોઇ નિષ્કર્ષ પર પહોંચી શકાય એમ ન હતું. રવિનાએ વોટસએપ પર જે નંબર પરથી ફોટો આવ્યો હતો એના પર ફરી ફોન કર્યો. તેની કોશિષ બેકાર ગઇ. તેણે નક્કી કર્યું કે હવે આ વિશે જતિનને કંઇ કહેવું નથી.
***
આ તરફ પચીસ લાખ રૂપિયા ભરેલી બેગ જોઇને સુજાતા હસતી હતી. રવિના આટલી મૂરખ હશે એની સુજાતાને કલ્પના ન હતી. ટીનાએ કામવાળીના રૂપમાં રવિનાના ઘરમાં રહીને તેણે ટિકિટ માટે જયચંદભાઇ સાથે જે વાત કરી હતી એ સુજાતાએ જાણી લીધી હતી. અને એના આધારે તેની પાસે એક યુવતીને મોકલીને પચીસ લાખ રૂપિયા મેળવી લીધા હતા.
જનાર્દન કહેવા લાગ્યો:"બેન, આવી રીતે તો ઘણા લોકો પાસેથી રૂપિયા મેળવી શકાય એમ છે! લોકો ચૂંટણીમાં ઉભા રહેવા માટે મોં માંગ્યા પૈસા ચૂકવવા તૈયાર હોય છે. આપણી જેમ ઘણા લોકો એમની પાસેથી પૈસા પડાવી લેતા હશે. અને આ કાળું ધન હોવાથી ક્યાંય ફરિયાદ કરી શકતા નહીં હોય. આ રૂપિયા આપણાને ચૂંટણી લડવાના કામમાં આવશે નહીં? અને હા, મને એ વાત સમજાતી નથી કે તમે આ રૂપિયાનો ફોટો રવિનાને કેમ મોકલાવ્યો છે?"
સુજાતા ગંભીર થઇને બોલી:"જનાર્દન, આપણે આ રૂપિયા હમણાં રાખી મૂકીશું. પરંતુ એનો ચૂંટણીના કામમાં ઉપયોગ કરવાના નથી. એ રૂપિયા રવિનાને પાછા આપી દઇશું..."
હિમાનીને નવાઇ લાગી:"તો પછી આ બધું કરાવવાની જરૂર શું હતી?"
સુજાતા સહેજ મુસ્કુરાઇને બોલી:"આપણે રવિનાને એ સંદેશો આપવાનો છે કે પૈસા ખર્ચવાથી ટિકિટ મળી જતી નથી. રાજકારણમાં ઘણા ધૂતારા છે. આપણે ચૂંટણી પછી જીતીએ કે હારીએ આ રૂપિયા તેને પાછા આપી દઇશું. આપણે ચૂંટણીમાં કોઇના ખોટી રીતે લીધેલા રૂપિયાનો ઉપયોગ કરવાનો નથી. જતિનના જે રૂપિયા હું માગું છું એના પર એક પત્ની તરીકે મારો હક છે. હું એને બ્લેકમેલ કરીને એ રૂપિયા લઇ રહી નથી. કાયદામાં પત્ની તરીકે મને જે હક છે એનો ઉપયોગ કરી રહી છું. અને રવિનાને મેં ફોટો મોકલાવીને એવો ઇશારો કરી દીધો છે કે તારા રૂપિયા કોઇ એવી વ્યક્તિ પાસે છે જે તને ઓળખે છે. જો એને ખ્યાલ આવ્યો હોય તો સારું છે..."
***
સુજાતાએ જનાર્દન અને હિમાની સાથે બીજા ગામોમાં ફરવાનું ચાલુ રાખ્યું. ચાર દિવસ પછી પારવેલા ગામમાંથી રાજલનો ફોન આવ્યો કે એમના સરપંચના કૌભાંડોની તપાસ માટે લાંચ રુશ્વત ખાતાએ એક ખાસ ટીમ બનાવી છે. જનાર્દને આ વાત સુજાતાને કરી ત્યારે તે હસી. સુજાતાએ ઉચ્ચ કક્ષાએ ફોન કરીને સરપંચ દ્વારા સરકારની યોજનાઓનો યોગ્ય અમલ થતો ન હોવાની અને ગેરરીતિ થતી હોવાની ફરિયાદ કરી દીધી હતી. તેની પ્રાથમિક તપાસમાં સુજાતાની ફરિયાદ સાચી જણાતાં તપાસ સમિતિની રચના કરી દેવામાં આવી હતી. એક પછી એક ગામમાં સુજાતાએ ફરવાનું શરૂ કરી દીધા પછી એની અસર લોકો પર જોવા મળી રહી હતી. એક ધીમું પરિવર્તન આવી રહ્યું હતું. લોકો સુજાતાને 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.) ની કાર્યકર કરતાં એક દેવી કે પોતાની બહેન તરીકે વધુ જોઇ રહ્યા હતા. સુજાતાએ બે મહિનામાં લોકોનો સંપર્ક કરીને એવું વાતાવરણ ઊભું કરી દીધું કે પક્ષનું માન વધી ગયું.
સુજાતાનો જતિન સામેનો અને જતિનનો સુજાતા સામેનો કેસ ચાલવા લાગ્યો હતો. જતિનનો તેને બદનામ કરવાનો અને હનીટ્રેપનો કેસ કોર્ટે બહુ જલદી ખારીજ કરી દીધો હતો. વકીલ દિનકરભાઇએ પોતાની દલીલો અને પુરાવાથી એવું સાબિત કરી દીધું કે જતિન લંપટ માણસ છે. સુજાતાએ આપેલી માહિતીના આધારે દિનકરભાઇએ જતિનના બીજી કેટલીક સ્ત્રીઓ સાથેના સંબંધની માહિતી ખાનગીમાં કોર્ટમાં જમા કરાવી હતી. અને એ વાત પુરવાર કરી હતી કે જતિનના ઘણા સમયથી બીજી સ્ત્રીઓ સાથે સંબંધ હોવા છતાં સુજાતાએ ક્યાંય કોઇને ફરિયાદ કરી ન હતી. તેની પાસે આ પુરાવા હોવાથી હનીટ્રેપ કરવાનું કોઇ કારણ રહેતું નથી. જતિનની સંપત્તિ પર હક હોવાના કેસમાં દિનકરભાઇએ રજૂ કરેલા અગાઉના કેટલાક ચૂકાદાઓને કારણે કોર્ટે સુજાતાની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો હતો. અને જતિનને તેની સંપત્તિનો અડધો ભાગ બે માસમાં સુજાતાને આપી દેવા હુકમ કરી દીધો હતો.
પક્ષ તરફથી આખરે સુજાતાને ધારાસભ્ય પદની ટિકિટ આપવામાં આવી હોવાની જાહેરાત કરી દેવામાં આવી. આ જાહેરાત પછી સૌથી વધારે ઝાટકો રવિના અને રતિલાલને લાગ્યો હતો. રવિનાને થયું કે તેણે કેટલાય રૂપિયાનો ખર્ચ કર્યો અને રાજકારણીઓને ખુશ કર્યા પણ નંબર લાગ્યો નહીં. રવિનાને સુજાતાની વધતી જતી લોકપ્રિયતા અને એના કામોના થઇ રહેલા વખાણથી અંદાજ આવી ગયો હતો કે આ ટિકિટ માટે તેનું પત્તું કપાવાનું છે. તે પોતે પણ એક સ્ત્રી તરીકે સુજાતાને ટિકિટની સાચી હકદાર માનવા લાગી હતી. રતિલાલે પણ દિલ્હી સુધી એડીચોટીનું જોર લગાવી જોયું હતું. રતિલાલે શંકરલાલજીને પણ એક રાજકારણી મારફત પોતાની પુત્રી અંજનાની ભલામણ કરાવી હતી. રતિલાલને નવાઇ લાગી કે પોતે આટલા વર્ષોથી પક્ષમાં કામ કરી રહ્યા છે અને આજકાલની આવેલી સુજાતા કેવી રીતે ટિકિટ લઇ જઇ શકે? તેમણે નક્કી કરી લીધું કે તે સુજાતાને સાથ આપશે નહીં. ધારાસભ્ય પદની ચૂંટણીમાં સક્રિય રહેશે નહીં. અંજનાએ પક્ષના કાર્યાલય પર જવાનું ઓછું કરી દીધું હતું. સુજાતા બહાર ફરતી અને વ્યસ્ત રહેતી હોવા છતાં અવારનવાર પક્ષના કાર્યાલયની મુલાકાત લેતી હતી. ટિકિટની જાહેરાત થયા પછી અંજના અને રતિલાલે રસ ઓછો કરી દીધો હતો એનો ખ્યાલ સુજાતાને તરત જ આવી ગયો હતો.
ટિકિટ મળ્યા પછી એક સપ્તાહ બાદ સુજાતાએ કાર્યાલય પર એક સંમેલનનું આયોજન કર્યું હતું. એમાં રતિલાલ, અંજના, રવિના અને કેટલાક મોટા ગણાતા રાજકારણીઓની ગેરહાજરી ઉડીને આંખે વળગે એવી હતી. સુજાતાએ પોતાનું પ્રવચન શરૂ કરતાં કહ્યું:"મને આનંદ છે કે તમે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પક્ષ પ્રત્યેની આપની વફાદારી બતાવી છે. મેં હંમેશા લોકોના ભલા માટે કામો કરવાની વાત કરી છે. રાજકીય મંચ અને સત્તા એ માટે આપણી સહાય કરે એવા છે. આપણે રાજકારણને એક નવી જ દિશા આપવાની છે. કોઇપણ પરિવર્તન રાતોરાત આવતું નથી. કૂવા જેટલા ઉંડા ખાડા જ્યાં પડી ગયા હોય તેને ભરતાં સમય લાગે છે. હું સત્તાને તલવારની જેમ ઉપયોગ કરવામાં માનતી નથી. સત્તાથી સર્જન કરવું છે. મેં પ્રયત્ન શરૂ કરી દીધા છે, અને તમારા સહયોગથી એમાં મને સારી સફળતા મળી રહી છે. આપણે રાજકીય પક્ષને એક પરિવાર તરીકે સમજીને કામ કરવાનું છે. પણ જેમ પરિવારમાં કેટલાક વચ્ચે મતભેદ અને મનભેદ ઉભા થાય છે એવું રાજકારણમાં બનવાનું છે. ઘણાને મારી પસંદગી થઇ એ ગમ્યું નથી. આપણા પક્ષના જ કેટલાક લોકો છે જે આપણાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે. એ લોકો નિષ્ક્રિય થઇ રહ્યા છે. જેથી પક્ષને ઓછા મત મળે અને હું ચૂંટાઇને આવી શકું નહીં. પરંતુ એમને એમનું કામ કરવા દેવાનું છે અને આપણે આપણું કરવાનું છે. આપણે ઘરે ઘરે જઇને પક્ષની કાપલી આપીને લોકોને મત આપવા માટે વિનંતી કરવાની નથી. બલ્કે એમની પાસેથી એક કાપલી લાવવાની છે જેમાં એમની સમસ્યાઓ લખેલી હોય. આપણે લોકોની સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. એમને આપણા કામ પર ભરોસો પડશે તો મત જરૂર આપશે..."
સુજાતાના વિચારોને બધાંએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા.
અચાનક જનાર્દનના મોબાઇલ પર કોઇને ફોન આવ્યો અને તેના ચહેરા પર ચિંતા ઉભરી આવી. એ વાત સુજાતાથી છાની ના રહી. જનાર્દનને ચિંતાગ્રસ્ત જોઇ એમણે નજીક બોલાવી પૂછી જ લીધું:"જનાર્દન, કોઇ સમસ્યા છે?"
"જી...જી...હમણાં પાટનગરથી ફોન હતો કે...." જનાર્દનને થયું કે કાર્યક્રમ ચાલુ છે ત્યારે સમાચાર આપવાની ઉતાવળ કરી રહ્યો છે. તે કહેતાં અટકી ગયો.
ક્રમશ:
***