Beatification in Gujarati Short Stories by DINESHKUMAR PARMAR NAJAR books and stories PDF | મુક્તિ.....

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

મુક્તિ.....


મુક્તિ.........................................વાર્તા
***********************************************
તને કોણે કહી દીધું મરણની બાદ મુક્તિ છે?
રહે છે કેદ એની એ ફક્ત દિવાલ બદલે છે
- ઘાયલ
***********************************************

રોજની જેમ સવારે તૈયાર થઈ મનહર સુખદેવ ભટ્ટ ઓફિસ જવા ફ્લેટ ની બહાર નીકળતા પત્ની સુહાસિની દરવાજા પાસે આવી બોલી, " જય શ્રી કૃષ્ણ"
સામે મનહર પણ " જય શ્રી કૃષ્ણ" બોલી નીચે ઉતરી ગયો.
આજથી ત્રણ વર્ષ અગાઉ તે પોળ માં રહેતો હતો. સામેની પોળ માં રહેતી સુહાસિની ને તે સ્કુલ થી જ ઓળખાતો હતો. પરંતુ તે કોલેજમાં આવ્યો ત્યારે પણ એકજ કોલેજ માં અનાયાસ બન્ને ભેગા થતા મુલાકાતો થતી ગઇ અને તે પ્રેમ માં પરિવર્તિત થઈ.
કોલેજ માંથી બેચલર થઈ તરતજ નોકરી માટે પ્રયત્ન કરતા એક" ગ્લોબલ ઇન્ફો ટેક" નામની કંપની માં મનહર ને નોકરી મળી ગઈ. નોકરી મળતા તેણે ઘરે સુહાસિની ના પ્રેમમાં છે અને તેની સાથે લગ્ન કરવા માગે છે તે પ્રસ્તાવ મૂક્યો પણ ઘર વાળા તેઓ ના લગ્ન માટે સહમત ન થતા તેઓ એ કોર્ટ મેરેજ કરી લીધા.
સ્વાભાવિક રીતે જ ઘરવાળા ની નારાજગી તેઓ ને ઘરમાં રાખવા તૈયાર ન થતા,ગમતા કોટ વિસ્તારની માયા મૂકી , બંને નદીની પેલે પારના વિસ્તારમાં ભાડે રહેવા ગયા.
થોડા સમયમાં તેઓ જ્યાં ભાડે રહેતા હતા તેની નજીકમાં જ નવી યોજના માં વનબીએચકે ના બે ત્રણ ફ્લેટ ખાલી હોવાથી બિલ્ડરનો સંપર્ક કરતા તેણે રસ લઈ બેંક જોડે ટાઈઅપ કરાવી તાત્કાલિક લોન મંજૂર કરાવી આપી. અને બંને ત્રણ જ મહિનામાં ભાડૂઆતમાંથી ઓનર બની ગયા.
બંને બહુ ખુશ હતા. બંને દર રવિવારે બપોર પછી મલ્ટીપ્લેક્ષ થિયેટરમાં નવી ફિલ્મ જોઈ, સાંજે ડિનર પતાવી ને ઘરે આવતા.
પ્રાઈવેટ કંપનીમાં તેનો પાંત્રીસ હજાર જેટલો પગાર હતો. તેની ઓફિસ સી જી રોડ પર આવેલી. તે ઓફિસ બાઇક લઈને જતો.
બંને નું જીવન ખુબ સુખ અને આનંદમાં પસાર થઈ રહ્યું હતું પણ અચાનક.... જ.. પરિસ્થિતિ ફરી ગઈ....

******

૨૦૨૦ નું વર્ષ ખુબ કઠિન સમય લઈ ને આવ્યું...
ચીન દેશમાં ઉત્પન્ન થયેલો વાઇરસ કોવિડ ૧૯ (કોરોના)
દુનિયામાં બિન્દાસ ફરવા નીકળી પડ્યો.
અને જોત જોતામાં તો ભારતને પણ પોતાના ભરડામાં લપેટવા માંડ્યું. ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા. લોક ડાઉન માં નાની નાની કંપનીઓ ફેક્ટરી ઓ તો ઠીક મોટી મોટી કંપનીઓ પણ સ્થગિત થઈ ગઈ. ચારે બાજુ કોરોના નો ભય વ્યાપી ગયો.... પાનખરમાં ખરતા સૂકા પાનની જેમ ટપોટપ માણસો ખરવા લાગ્યા.
લોકોની નોકરીઓ છીનવાતી ગઈ...
એમજ એક દિવસ મનહર ને કંપની ના માલિકે પોતાની ચેમ્બરમાં બોલાવી બે માસનો એડવાન્સ પગાર આપી કહ્યું, "તમે કાલથી ના આવતા... યોગ્ય સમય અને સંજોગ થતા તમને બોલાવીશું... ઓ કે...????"
મનહરના પગ નીચે જાણે ફરસ જ ના હોય તેવું લાગ્યું.. એકદમ થયેલા પ્રહારના આઘાતથી તે શૂન્યમનસ્ક થઈ ગયો.
પણ કશું જ ના બોલી શક્યો.
તે જ્યારે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે યુદ્ધ હારેલા રાજા જેવો હતાશ અને અંદરથી ભાંગી પડ્યો હતો..
પરંતુ... તે પોતાની પત્નીના આનંદ, સુખ, અને પ્રેમની નવી નવી ઈમારતને, આવા ગોઝારા ધરતીકંપ સર્જે તેવા સમાચાર આપી ધ્વંસ કરી, દુઃખી કરવા માંગતોન હતો.
આથી ઘરે પહોંચતા પહેલાં પોતાના ચહેરા પર કૃત્રિમ ભાવનું મહોરું પહેરી લીધું.

********

સુહાસિનીને શંકા ન જાય એટલે રોજ સવારે કચેરી સમય મુજબ મનહર નોકરી જવાનું નાટક કરી દવા વેચતા તેના એક મિત્રની દુકાને જઈ સમય પસાર કરતો અને સાંજે સમયસર ઘરે આવી જતો.
પરંતુ........
જેમ સમય પસાર થતો ગયો તેમ તે ચિંતિત થતો ગયો અને હતાશ થતો ગયો.. કારણ ફ્લેટના હપ્તા ચઢતા નોટિસ આવશે બળજબરી કરી ખાલી કરાવશે તો....??? સુહાસિની ને ખબર પડશે ત્યારે તેના માથે આભ તૂટી પડશે...અને કાયમ ખીલેલા ફૂલ જેવો હાસ્ય થી ભરેલો તેનો ભર્યો ભર્યો સુંદર ચહેરો... મૂરઝાય જશે તે જોવાશે નહીં...અને તેનો આવો ચહેરો મને રોજે રોજ મારતો રહેશે....
એના કરતાં.. કાયમ માટે આ વિડંબણામાંથી મુક્તિ મેળવી લઉં. ના દેખવું.. ના.. દાઝવુ....
બીજે દિવસે નદી માં ઝંપલાવી આપઘાત કરવાનો નિર્ણય મનહરે કરી લીધો.

********

મનહરે ફ્લેટ નીચે આવી છેલ્લી વાર પોતાના ફ્લેટને ભારે હૈયે મનભરીને જોયો... ને પાર્કિંગ મા પડેલી ચેતક ઘોડી જેવી બાઇકને પણ... અને તે ચાલતો જ નીકળી પડ્યો...
તેનુ ધ્યાન રસ્તામાં આવતી સરકારી હોસ્પિટલના પ્રસૂતિ ગૃહ તરફ ગયું..
આવાજ કોઈ ગૃહમાં હું જનમ્યો... અને આ દુનિયામાં... જીવવાનો અવસર મળ્યો....... પણ...
આગળ જતા એક બાલમંદિર જોઈ તેને સ્લેટ,પેનના દિવસો યાદ આવી ગયા.. આગળ સ્કૂલ જોઈ તો બાળપણના મિત્રો કિટ્ટા, બુચ્ચા, માસ્તર, ડસ્ટર અને ઘણું બધું યાદ આવી ગયું.. કોલેજ....રસ્તામાં આવીતો....રંગીન સ્મૃતિના પતંગિયા ઉડાઉડ કરવા લાગ્યા.
જીવનની વીતેલી યાદોની કેડી પર એક નાના બાળકની જેમ સતત દોડતો રહ્યો.
આમ ને આમ તે ક્યાંય સુધી ચાલતો રહ્યો...
તે કાયમ જે રસ્તેથી પસાર થતો તે જ રસ્તે એક વિશાળ મોલના પ્રથમ માળે આવેલા રેડીમેડ ક્લોથના આગળના ભાગે કાચના શો-કેસ માં લટકતો પીળા રંગનો કૂર્તો તેને રોજ ખરીદવા લલચાવતો હતો... પણ ગમે તે કારણસર તે લઈ શક્યો ન હતો.
પરંતું... હવે જ્યારે મુક્તિ જ મેળવવી છે તો આ પણ પહેરી લઉં એ વિચાર સાથે દુકાનમાં ગયો. ઘરેથી નીકળતા થોડા ઘણા છૂટા રૂપિયા ગાજવામાં નાખેલા તેમાંથી પીળા રંગનો કૂર્તો ખરીદી, ત્યાંજ ચેન્જ રૂમમાં જઈ પહેરી લીધો, અને જુનો શર્ટ પેક કરાવી દુકાનની બહાર નીકળતા દુકાનદાર પણ આ વિચિત્ર ગ્રાહકને કુતૂહલથી જતા જોઈ રહ્યો.....
ચાલતા ચાલતા શું વિચાર આવ્યો કે ડસ્ટ-બિન પાસે કચરો ભરતા સફાઈ કામદારને જુનો શર્ટ આપી મુક્તિ પહેલા જાતે જ દાન કરતો હોય તેમ પાછળ જોયા વગર..ચાલતો રહ્યો..

"બસ હવે મુક્તિ દૂર નથી.....આ આગળ જે મહાકાલનું મંદિર આવે છે તે કોરોનાને કારણે બંધ હોઈ તેના પરિસરમાં ઉભા રહીને જ મૃત્યુ પહેલા અંતિમ દર્શન અને થોડે જ આગળ નદીના ઘાટ પર પહોંચી-

તેની બાજુમાં આવેલ અંતિમ- મુક્તિ ધામ પર એક નજર નાખી અને સીધો નદીમાં ઝંપલાવી દઈશ... બસ પછી કાયમની પરમ શાંતિ... " આવા વિચારો સાથે મનહર મંદિર પાસે પહોંચી ગયો.
બંધ મંદિરના પરિસરમાં જવા તે બહાર પગથિયા પાસે ઊભા રહી જૂતા ઊતરતો હતો ત્યાં....જ....
ધડામ.....દઈ .. ધડાકો.. થયો..
અચાનક આવી ચઢેલી ઇનોવા ગાડીમાંથી બેઠા બેઠા જ પાછળની શીટમાંથી, કાચ ઉતરી, રિવોલ્વરમાંથી મનહરની પીઠ તરફ ગોળી છૂટી...
મનહર... "ઓ... મા..." કરતા પટકાયો.
પલકારામાં તો ગાડી ત્યાંથી ગોળી મારી ભાગી છૂટી.

**********

મનહર કેટલાય દિવસો સુધી સરકારી હોસ્પિટલમાં સારવાર લેતો રહ્યો. ગોળી બરાબર પીઠમાં હ્રદયની ઉપર વાગી હતી.
સુહાસિનીના સદનસીબે અને મનહરના અનિચ્છનીય કમનસીબે તે બચી ગયો હતો. જટિલ ઓપરેશન હતું પણ કુશળ તબીબોના કારણે તે મૃત્યુથી બચી ગયો હતો. અને ભય મુક્ત હતો.....
આ દરમિયાન પોલીસ તેની વારંવાર પૂછપરછ કરવા આવી હતી. પરંતુ ગોળી પીઠમાં વાગી હતી તેણે હત્યારાને જોયા નહોતા ના કોઈ સાથે દુશ્મની હતી.. તેને નવાઈ લાગતી હતી કે કેમ? કોણે? કયા ગુના સર હત્યા કરવા તેને ગોળી મારી હતી?
અઠવાડિયા પછી તેને પંદર દિવસ સુધી બેડ રેસ્ટ કરવાની સલાહ સાથે રજા આપવામાં આવી. ત્યારે મનમાં જ ઉદાસ થઈ બોલ્યો, " પંદર દિવસની ક્યાં વાત કરો છો.. બીજી નોકરી આ કોરોના કાળ માં ક્યાં નજીકના ભવિષ્યમાં શકય છે?"

***********

ઘરે લાવ્યા પછી સુહાસિનીના મનમાં એક વિચાર સતત ઘુમરાઈ રહ્યો હતો....કે " તે દિવસે મનહર બાઇક ઘરે મૂકીને કેમ ગયા હતા? અને નોકરીની જગ્યા એ મંદિરે કેમ ગયા હશે? " પણ મનહરની નાજુક સ્થિતિ જોતાં , હોઠ પર આવેલ પ્રશ્ન તે ગળી જતી.
આ બાજુ મનહર વિચારતો" અરે ભગવાન મારે મુક્તિ જોતી હતી તે મને પાછો સહન ન થાય તેવા દુઃખના ખરલમાં ઘૂંટાવા કેમ ફેંક્યો?? હું સુહાસિનીને દુઃખી જોઈ નહીં શકું. "

જે દિવસે રજા આપી તેના બીજા દિવસે તેમના ફ્લેટની બેલ વાગી.
સુહાસિનીએ દરવાજો ખોલ્યો, સામે એક મનહરની ઉંમરનો પુરુષ શૂટ-બૂટ માં ઉભો હતો," આ મનહર ભાઈ નું ઘર છે કે? "
આગંતુકની ઓળખાણના પડતા, દરવાજો ખોલતા પ્રશ્નાર્થ ચહેરે સુહાસિની બોલી," હા... પણ.. તમે કોણ? ઓળખાણ ન પડી? "
અજાણી વ્યક્તિ અંદર આવી બોલી, " હું તેમની ખબર કાઢવા આવ્યો છું."
સુહાસિની એક ખુરશી આગળના રૂમમાંથી પાછળ બેડરૂમમાં આરામ કરતા મનહર પાસે લઈ ગઈ. મનહર પણ આ અજાણ્યા વ્યક્તિને જોઈ રહ્યો.
ખુરશી પર બેસતા પેલી વ્યક્તિ બોલી, " ચિંતા ન કરશો હું મૌલિક ચોક્સી આ શહેરનો બિલ્ડર છું અને મારી મોટી મોટી બિલ્ડીંગની સ્કીમો ચાલે છે. "
એટલામાં સુહાસિની પાણીનો ગ્લાસ લાવી આપતા પાણી પીને તે આગળ બોલ્યો, " બેન તમે પણ ઉભા રહો અને સાંભળો, મારી સાથે કોમ્પિટિશન કરતા બિલ્ડર દ્વારા મને મારી નાખવા સોપારી આપી હતી. મારી રઈકી કરી હું સાઈટ પર જતા પહેલા મંદિર જાઉં છું તે દિનચર્યા જાણેલી. અધૂરા માં મારા બંગલાના સિક્યોરિટીને ફોડી વિગતો મેળવતા હતા. તે દિવસે મેં પીળા રંગનો કૂર્તો પહેરેલ તે સમાચાર
સિક્યોરિટીએ દુશ્મનને આપેલા, હું મંદિર તે દિવસે સહેજ વહેલો પહોંચી દર્શન કરતો હતો. અને તમે બહાર જુતા ઉતરતા હતા. અત્યારના કોરોના કાળમાં ભીડ ન હોઈ અને તમે પણ પીળો કૂર્તો પહેર્યો હતો એટલે, તમારી પીઠ પરથી હત્યારો મને સમજી બેઠો અને.... "
રૂમ માં સોપો પડી ગયો. કોઈ ને શું બોલવું તે સમજાતું ન હતું.
ફરી મૌલિક ચોક્સી બોલ્યા," મનહર ભાઈ જે થયું તે દુઃખદ છે. પરંતુ તમારા કારણે હું આજ જીવતો છું અને જીવ છે તો બધું છે. " આમ કહેતા પર્સમાંથી એક કવર કાઢ્યું અને મનહર ભાઈ તરફ ધર્યું," લો આ...મારા જીવ ની સામે તો આ કંઈ નથી... પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી."
અને ઉભા થતા બોલ્યા, " અંદર મારું કાર્ડ પણ છે. ગમે ત્યારે કંઈ પણ મદદની જરૂર પડે તો વિના સંકોચ જણાવશો " અને મૌલિક ચોક્સી ફ્લેટ છોડી ગયા.
પતિ પત્ની એકબીજા સામે ક્યાંય સુધી જોઈ રહ્યા. પછી બંને એ કવર ખોલ્યુંતો બંનેની આંખો પહોળી થઈ ગઈ.
કવરમાં પચીસ લાખનો ચેક હતો.
મનહરનું હ્રદય ભરાઈ આવ્યું.
અઠવાડિયા અગાઉ સુહાસિનીથી મુક્તિ મેળવવા આપઘાત કરવા નીકળી પડેલા, અને છાતીમાં હજુ થોડો દુખાવો હોવા છતાં સુહાસિનીનો કાયમની જેમ હસતો ચહેરો જોઈ મનહર સુહાસિનીના બાહુપાસમાં કેદ થઈ ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગ્યો.......
સુહાસિની ક્યાંય સુધી તેના વાળમાં વ્હાલથી હાથ ફેરવતી રહી..........


***********************************************
દિનેશ પરમાર 'નજર'