૨૦૨૦, જાન્યુઆરી ૭, બપોરે ૧૨:૧૫ કલાકે
ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના વિસ્તારમાં દાખલ થતાં જમણી તરફ આવેલ બેંકથી કોર્ટ રૂમ નંબર ૧ તરફ જતા માર્ગ પર શ્યામ ડગલામાં સજ્જ, માથા પર રતીભાર વજન આવે તેટલા વાળ, ઝીણી ધારદાર આંખો અને આંખો પર ચડાવેલ ચશ્મા, ડાબો હાથ પેંટના ખીસ્સામાં, તીવ્ર ગતિમાં ચાલતા મજબૂત પગ, જમણા હાથમાં રાખેલ કાનને સ્પર્શતો મોબાઇલ ફોન, અસીલ સાથે વાત ચાલી રહી હતી. કોર્ટ નંબર ૧માં દાખલ થઇ રહેલ, શ્યામ ડગલામાં સજ્જ, વ્યક્તિ ઇંદ્રવદન ભટ્ટ હતો. વરિષ્ઠ વકીલ. પ્રવર વકીલ. ભટ્ટને કાયદામાં તેની કારકિર્દી બનાવ્યાને આશરે ત્રીસેક વર્ષ થયેલા. હાઇકોર્ટમાં કદાચ જ કોઇ એવો કેસ હતો જે તેણે હાથમાં લીધો હોય અને જીત ન મેળવી હોય. બે વખત તો તેને ન્યાયાધીશના પદ માટે પણ આમત્રંણ મળ્યું, પરંતુ તે વકીલ તરીકે ખુશ હતા. બાર કાઉન્સીલના વરિષ્ઠ પદ પર બિરાજમાન હતા. તેના કેસના સમયે દરેક નવોદિત વકીલ, તાલીમાર્થી વકીલ, કોર્ટ રૂમમાં હાજર રહેતા. ભટ્ટના કેસ, દલીલો પ્રસ્તુત કરવાની કળા, પ્રતિવાદી વકીલને તેની જ દલીલોમાં ગૂંચવાઇ દેવા, આવડત પર જ અભ્યાસ કરીને તાલીમાર્થી તેમનો તાલીમ સમય પૂર્ણ કરતા. જજને પણ મંત્રમુગ્ધ કરી નાંખે તેવા વક્તા અને ભાષા પરનું અનોખું પ્રભુત્વ, ભટ્ટને અન્ય સફળ વકીલોથી વિશિષ્ટ રીતે નોંખી થેલીમાં મૂકતા.
કોર્ટ રૂમ ૧ એટલે બે અથવા ત્રણ ન્યાયધીશોની ખંડપીઠ ધરાવતો રૂમ. સામાન્ય રીતે ભટ્ટના કેસ આ જ બોર્ડ પર આવતા હતા. શરૂઆતની કારકિર્દી સરકાર વિરૂદ્ધના કેસ લડીને કરી, અને ધીરે ધીરે પ્રભુત્વ જમાવ્યું ફોજદારી વકીલ તરીકે. શહેરના મોટા માથાઓના સંબંધીઓના ઘણા એવા ગેરકાયદેસર કામોમાંથી ભટ્ટે તેમને છોડાવેલા. આજે પણ એસ એવો જ કંઇક હતો. કેસ જજના ટેબલ પર આવતાની સાથે જ ભટ્ટની દલીલો ચાલુ થઇ ગઇ. એટલી ગહનતાથી તે કેસનો અભ્યાસ કરતો કે જજની સામે પાના ક્રમાંક અને ફકરા ક્રમાંક, તેમાં રહેલી લીટી ક્રમાંક સાથે રજુઆત કરતો. નવોદિતો તુરંત જ તેમની રોજનીશીમાં નોંધ કરવા લાગતા. થોડીક જ ક્ષણોમાં દલીલોને વિરામ આપી, ભટ્ટે પણ વિરામ લીધો. તારીખ મળી. ભટ્ટના ચહેરા પર સ્મિત ફર્ક્યું અને તે રૂમની બહાર નીકળી ગયો.
કોર્ટની પ્રણાલી મુજબ ભટ્ટનું કાર્યાલય પોસ્ટઓફિસ કાર્યરત હતી, તેના ઉપરના માળે હતું. તે તેના કાર્યાલય તરફ જવા લાગ્યો અને ફોન રણક્યો.
‘હેલો...!’, ભટ્ટે, તેની આગવી છટા મુજબ જ ડાબો હાથ પેંટના ખીસ્સામાં અને જમણા હાથમાં રાખેલો ફોન કાનથી જરાક દૂર રાખ્યો.
‘હેલો... શ્રીમાન ભટ્ટ?’, સામેથી સ્ત્રીનો અવાજ સંભાળ્યો.
‘હા...!’
‘હું મેઘાવી દરજી, સી.જી.રોડ પોલીસ સ્ટેશનથી...’, મેઘાવીએ ઓળખ આપી.
‘હા... બોલો...!’
‘ભટ્ટ સાહેબ, આપની મુલાકાત જોઇતી હતી.’, મેઘાવીએ સીધી જ મુદ્દાની વાત કહી.
‘કાલે... સાંજે, બરોબર ૦૭:૦૦ કલાકે. તમે મારા ખાનગી કાર્યાલય પર આવી શકો છો.’
‘આભાર...’, મેઘાવીએ ટૂંકમાં પતાવ્યું.
ભટ્ટને પોલીસ સ્ટેશનનું નિમત્રંણ આપવું અઘરૂ હતું. આથી જ મેઘાવી અને સોનલ, ભટ્ટના કાર્યાલયમાં મુલાકાત માટે જવાના હતા. ભટ્ટનું કાર્યાલય સરખેજ-ગાંધીનગર માર્ગ પર સરખેજ તરફ જતા પકવાન ચાર રસ્તાથી ડાબી તરફ સ્થિત બહુમાળી મકાનના આઠમા માળે હતું. મેઘાવીએ સોનલને મુલાકાત માટે મળેલા સમય વિષે જાણ કરી દીધી.
*****
બરોબર તે જ સમયે, ઓશ્વાલ, આશ્રમ રોડ
‘એક પ્લેટ ફાફડા, ૧૦૦ ગ્રામ જલેબી અને બે કોફી’, ઓર્ડર આપતો રવિનો ઓશ્વાલમાં દાખલ થતા જ જમણી તરફના ટેબલ પાસે ગોઠવાઇ ગયો. સ્ટીલના મજબૂત પતરાવાળું લોખંડના પાયા પર ઊભેલું ટેબલ. ટેબલની બન્ને તરફ બેસવા માટે લાકડાના બનેલા ઘેરા બદામી રંગનું આવરણ ધરાવતા સોફાની વ્યવસ્થા હતી. એક સોફા પર બે વ્યક્તિઓ આરામથી બેસી શકે. ટેબલની મધ્યમાં સ્ટીલનો પાણીનો જગ અને સ્ટીલના ચાર પ્યાલા ગોઠવેલા હતા.
રવિ પ્રતીક્ષામાં હતો. ગાડીની ચાવી જમણા હાથમાં રમાડી રહેલો. રવિ બેઠો હતો તેની બરોબર ઉપર જ ત્રણ સફેદ પાંખો હવા આપવા માટે ફડફડી રહી હતી. એટલામાં જ સફેદ શર્ટ અને બ્લુ ડેનીમમાં સજ્જ વ્યક્તિ તેની સામે આવીને બેઠો. રવિએ કંઇ પણ બોલ્યા વિના ખાખી કવર તેની સામે ટેબલ પર મૂક્યું. વ્યક્તિએ કવર તુરત જ તેની રાખોડી રંગની બેગમાં મૂકી દીધું.
‘હા, તો મને ટૂંકમાં જણાવો... વિગત...’, વ્યક્તિનો ઘેરો અવાજ રવિના કાન પર પડ્યો.
‘તમે સમાચાર પત્રક તો વાંચતા જ હશો... શ્રીમાન મનહર પટેલની હત્યા વિષે પણ વાંચ્યું જ હશે... હું તેમનો દિકરો છું.’, રવિએ ગાડીની ચાવી ટેબલ પર મૂકી અને કોફીનો કપ ઉઠાવ્યો.
‘હા, મને ખબર છે કે તમે કોણ છો. કામ સ્વીકારતા પહેલાં જ અસીલ વિષે સંપૂર્ણ માહિતી લઇને જ અમે તેને મળવા જઇએ છીએ.’, વ્યક્તિએ ફાફડાનો એક ટૂકડો ઉપાડી કઢીમાં બોળી મુખમાં પ્રગટેલા મુખરસના સુનામીમાં પ્રવેશ આપી સુનામીને શાંત કર્યો.
‘વાહ... આઇ એમ ઇમ્પ્રેસ્ડ’, રવિની આંખોમાં ચમક આવી.
‘અને હા, તમારો જે મિત્ર આપણી ડાબી તરફના ટેબલ પર બેઠો છે, તેને અહીં બોલાવી દો. એકલા કોફી પીવામાં મજા ન આવે.’, વ્યક્તિએ જલેબીનો ટુકડો ઉપાડ્યો.
‘એક્સીલન્ટ...! હવે મને વિશ્વાસ છે કે મારૂ કામ જલ્દી પૂર્ણ થશે.’, રવિએ પણ જલેબી ઉપાડી અને તેના મિત્રને પોતાની પાસે આવવા ઇશારો કર્યો.
તે વ્યક્તિ ફાફડા-જલેબી ખાવામાં મસ્ત હતો. તેમ છતાંય તેણે રવિના મિત્રને ત્યાં હાજર પ્રત્યેક વ્યક્તિઓમાંથી અલગ શોધી કાઢ્યો હતો.
‘તમને કેમ ખબર પડી કે મારો મિત્ર છે, અને તે ચોક્કસ જગા પર જ બેઠો છે?’, રવિએ તેના મિત્ર તરફ જલેબીની ડીશ ખસેડી.
વ્યક્તિએ ફરીથી એક જલેબીનો સ્વાદ માળ્યો. આંગળીને ચૂસી અને સાફ કરી,‘જુઓ... ભર બપોરે, આટલી બધી વ્યક્તિઓની હાજરીમાં તમે એકલા આવીને મને મારૂ પેમેન્ટ આપો. એટલો તો હું પણ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરૂ. એટલે તમે તમારી સાથે મિત્રને લઇને આવો જ, એ સ્વાભાવીક છે. હવે, મારે શોધવાનો હતો તે વ્યક્તિ જે તમારો મિત્ર હોય. અહીં આપણને ગણીને કુલ ૧૭ વ્યક્તિઓ છે, જેમાંથી બે વેઇટર, એક કેશ કાઉન્ટર પર, બે આપણે, અને એક કાઉન્ટર પર પેમેન્ટ કરી રહ્યો છે, બે ટેબલ પર ચાર ચાર વ્યક્તિઓના સમૂહ બિરાજમાન છે. એક કપલ છેલ્લા ટેબલ પર છે. હવે એક જ વ્યક્તિ એવો છે જે એકલો છે અને તેની સામે તમારી નરજ વારંવાર પડી રહી છે. તો એ જ વ્યક્તિ છે જે તમારી સાથે આવ્યો છે. લગભગ તમારા જેટલી જ ઉંમર ધરાવતો અને ચહેરો તમારાથી સાવ અલગ, ઉપર પંખો ફરતો હોવા છતાં, તેને પરસેવો છુટી રહ્યો હોય...બસ મેં અનુમાન લગાવ્યું... અને પછી તો તમે તેને અહીં બોલાવી મારી શંકાને સત્યમાં ફેરવી નાંખી.’
‘તમે આટલું બધું અવલોકન કરી નાંખ્યું, આટલા ઓછા સમયમાં...!’, રવિએ ખુરશી પર ટેકાવ્યું. તેના મિત્રની આંખો પહોળી થઇ ગઇ.
‘ના, એવું નથી... માનવીની આંખો ૫૭૬ મેગાપિક્સલ જોઇ શકે છે. ફક્ત કેવી રીતે જોવું? અને કયાં જોવું?, તે ખબર પડવી જોઇએ. અત્યારે તો આપણે કેમેરા પર આપણી આંખોથી વધુ વિશ્વાસ કરીએ છીએ. આંખોની શક્તિ વિસરાઇ ચૂકી છે. એટલે મેં જે કહ્યું તે તમને અચંબિત કરે એમાં કોઇ નવાઇ નથી.’, વ્યક્તિએ કોફીનો છેલ્લો ઘૂંટ લીધો અને ત્યાંથી નીકળી ગયો.
રવિ અને તેનો મિત્ર, તે વ્યક્તિને ઓશ્વાલની બહાર આશ્રમ રોડ પર ધક્કામુક્કી કરતા વાહનોની હારમાળમાં અલોપ થતા સુધી જોઇ જ રહ્યા.
*****
તે જ દિવસે, રાતના ૦૯:૩૦ કલાકે
ઇંદ્રવદન ભટ્ટની કાર, તેના ખાનગી કાર્યાલયના ભોંયતળીયામાં બનાવેલ પાર્કીંગ વિસ્તારમાંથી બહાર નીકળી. સફેદ ચમકતી ઇનોવા, અને તેવો જ બગલા જેવો ગણવેશ ધારણ કરનાર ડ્રાઇવર. ભટ્ટ પાછળની સીટ પર ફોનની સ્ક્રીન પર આંગળીઓ રમાડી રહ્યા હતા. તેઓ જાણતા હતા કે ચાલકને ખબર જ હોતી કે ભટ્ટ કાર્યાલયથી નીકળી તેમના નિવાસ સ્થાન તરફ પ્રયાણ કરાવાનો આગ્રહ રાખતા. ભટ્ટનું રહેવાનું બોપલમાં હતું. હાઇવેથી બોપલ તરફ વળતાં જ પહેલી પાણીની ટાંકીની સામેની ગલીમાં આવેલ જહાનવી બંગલોઝમાં તેમનું ઘર. ડ્રાઇવર પરના વિશ્વાસને કારણે ભટ્ટ કોઇ દિવસ ધ્યાન આપતા જ નહિ, કેમ કે ગાડી હંમેશા તેમના ઘરે પહોંચીને જ વિસામો ખાતી.
‘આ કયો રસ્તો છે?’, ભટ્ટની અચાનક જ બહારની તરફ નજર પડતાં પૂછ્યું. કાર પકવાન ચાર રસ્તાથી સિંધુ ભવન રોડ પર દોડવાની જગાએ અન્ય માર્ગ પર ગતિમાં હતી, ‘તને સંભળાય છે...? હું શું પૂછું છું?’, ભટ્ટ ગુસ્સે થયા.
ડ્રાઇવર એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના કાર હંકારતો જ રહ્યો. ઝડપ વધારી. કારની આસપાસ આવરિત અંધકારને કારણે માર્ગ વિષે અનુમાન લગાવવું પણ ભટ્ટ માટે મુશ્કેલ હતું. તેણે ફોન પર ફરી આંગળીઓ ફેરવી અને ઘરે ફોન જોડ્યો. પરંતુ લાગ્યો નહિ. તેણે તેના સહાયકને ફોન જોડ્યો, લાગ્યો નહિ. આખરે તેણે ૧૦૦ ડાયલ કર્યું, જોડાયો નહિ. તેણે સ્ક્રીન પર ધ્યાન કેન્દ્રિત કર્યું, તો જોડાણ માટેના ટાવરની એક પણ દાંડી દેખાઇ નહિ. કયો વિસ્તાર છે? ક્યાં છું હું? ડ્રાઇવર શું કરે છે? આખરે ભટ્ટે હિંમત કરી કારના દરવાજા ખોલવાનો પ્રયાસ કર્યો. પરંતુ બધા દરવાજા લોક અને નિયત્રંણ ડ્રાઇવરની પાસે હતું. એક પણ કાચ ખૂલતો નહોતો. આખરે ભટ્ટે ડ્રાઇવર પર પાછળથી હુમલો કરી નિયત્રંણ મેળવવાના આશયથી પ્રયત્ન કર્યો. પરંતુ ડ્રાઇવરે અચાનક જ કારને પૂર ઝડપમાં ડાબી તરફ વાળી, અને ભટ્ટ દરવાજા સાથે અથડાયો. આ વખતે ડ્રાઇવરે તેની તરફ ચહેરો ફેરવ્યો.
‘તું કોણ છે?... રૂમાલ કેમ બાંધ્યો છે, મોઢા પર તે?’, ભટ્ટને અંદાજો આવી ગયો એ તે વ્યક્તિ તેનો ડ્રાઇવર નથી, ‘મહેશ ક્યાં છે?, ક્યાં છે?’ મહેશ એટલે ભટ્ટની કારનો ડ્રાઇવર.
‘આરામથી બિરાજો, ભટ્ટ સાહેબ...’, અવાજ ભટ્ટના કર્ણપટલ સાથે અથડાયો, ‘તમારી જ કાર છે.’
કાર પૂર ઝડપમાં હતી.
‘કોણ છે તું? અને ક્યાં લઇ જાય છે કારને?’, ભટ્ટને દરવાજા સાથે અથડાવાના કારણે માથા પર ઇજા પહોંચી હતી. માથા પર હાથ દબાવતા શરીર પર નિયત્રંણ મેળવતા જ ભટ્ટે પૂછ્યું.
‘તમારી કારને નહિ, હું તમને લઇ જઇ રહ્યો છું. કાર તો ફક્ત નિમિત્ત માત્ર છે...’, ડ્રાઇવરે ભટ્ટને વકીલની ભાષામાં વળતો જવાબ આપ્યો, ‘કેમ સાહેબ?, આવી જ દલીલો કરતા હોવ છો ને તમે...’ કારની બ્રેક વાગી. ડ્રાઇવરે દરવાજો ખોલતાંની સાથે જ ભટ્ટના માથા પર પ્રહાર કર્યો અને ભટ્ટ ત્યાં જ જમીન પર ઢળી પડ્યો.
*****
૨૦૨૦, જાન્યુઆરી ૮, સવારે ૦૮:૦૦ કલાકે
સોનલ પોલીસ સ્ટેશન માટે નીકળવાની તૈયારીમાં હતી. તેનો ફોન રણક્યો... ફોન ઉપાડ્યો, ‘મેડમ! બોપલ પોલીસ સ્ટેશનથી ફેક્સ આવ્યો છે. વાયરલેસ પર પણ સંદેશ ગતિમાં છે.’, અવાજ વિશાલનો હતો.
‘શો સંદેશ? વિશાલ...!’
‘ગઇ રાતથી જ ઇંદ્રવદન ભટ્ટ ઘરે નથી પહોંચ્યા.’, વિશાલે સંદેશો જણાવ્યો.
‘શું? કેવી રીતે? અને કયાં?’, સોનલ ઝડપથી સુજલામમાં ભોંયતળીયા તરફના પગથીયા ઉતરી સુમો નજીક આવી.
‘મેં તપાસ કરી છે. તેમની પત્નીએ ગઇ રાતે ૧૧:૩૦ની આસપાસ બોપલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે દરરોજ ૧૦:૦૦ ની આસપાસ ઘરે આવી જનાર ભટ્ટ, ગઇ રાતે ૧૧:૩૦ સુધી ઘરે નહોતાપહોંચ્યા. તેમનો ફોન પણ બંધ આવતો હતો. વળી, તેમનો ડ્રાઇવર મહેશ કાર્યાલયના પાર્કીંગમાં બેભાન અવસ્થામાં પોલીસને મળ્યો. મહેશના જણાવ્યા મુજબ કોઇએ તેની પીઠ પર વાર કર્યો, અને પોલીસે શોધ્યાના લગભગ એક કલાક પછી તે ભાનમાં આવ્યો.’, વિશાલે માહિતી આપી.
‘સારૂં, હું બોપલ જાઉ છું. તું મને તેમનો ફોન ક્યારે અને ક્યાં બંધ થયો, તેના વિષે જાણી આપ.’, સોનલે ફોન કાપ્યો અને બિપીનને બોપલ પોલીસ સ્ટેશન તરફ સુમો હંકારવાનો આદેશ આપ્યો. મેઘાવીને સોનલે ફોન કરી બોપલ પહોંચવા જણાવી દીધું.
સુમો જહાનવી બંગલોઝ તરફ વળી અને સોનલનો ફોન રણક્યો, ‘હા, વિશાલ, શું ખબર પડી?’
‘તેમનો ફોન રાતે ૧૦:૦૦ની આસપાસ બંધ થઇ ગયેલો અને સ્થળ છે, ભાડજ તરફ જતો રીંગ રોડ. સિંધુ ભવનથી રીંગ રોડ પકડ્યા પછી ભાડજ તરફ જતા ફોન બંધ થયો છે. છેલ્લું સ્થળ તે જ છે.’, વિશાલે અંતિમ સ્થળ જણાવ્યું.
સોનલે બિપીનની પાછા વળવાનો આદેશ આપ્યો, અને મેઘાવીને ફોન જોડી ભાડજ તરફનો રોડ તપાસવા જણાવ્યું. સોનલે પણ ભાડજ તરફ જવા બિપીનને આદેશ આપ્યો.
*****