remando ek yodhdho - 9 in Gujarati Fiction Stories by જીગર _અનામી રાઇટર books and stories PDF | રેમન્ડો એક યોદ્ધો - 9

Featured Books
Categories
Share

રેમન્ડો એક યોદ્ધો - 9

યુદ્ધ.
તિબ્બુર શાર્વીને ઉઠાવી ગયો.
*******************


"મૌન લાગણીઓનો અહીં સુખદ અંત થયો છે,
મારો-તમારો આ સબંધ આજે વસંત થયો છે.!


શાર્વીએ પોતાને રાણી અને રેમન્ડોને રાજા કહ્યો એટલે એટલે જાતર્ક કબીલાની આખી પ્રજા નવાઈભરી નજરે એની તરફ જોઈ રહી. ત્યાં તો જોરથી બ્યુગલ સંભળાયું. બ્યુગલનો અવાજ સાંભળીને જાતર્ક કબીલાના સરદાર સિમાંન્ધુ પોતાના આસાન ઉપરથી ઉભા થઈ ગયા. એ બ્યુગલના અવાજથી સમગ્ર જનમેદનીમાં ફડફડાટ વ્યાપી ગયો. લોકોમાં ભાગ-દોડ મચી ગઈ. જાતર્ક કબીલાની સીમા બહાર ચોકી પહેરો રાખી રહેલા બે સૈનિકો દોડતા સરદાર સિમાંન્ધુ પાસે આવી પહોંચ્યા.

"સીબુત શું થયું ? યુદ્ધ નિર્દેશિત કરતું બ્યુગલ કેમ વગાડ્યું ? સરદાર સિમાંન્ધુએ ચિંતાભરી નજરે પોતાના સીબુત નામના સૈનિકને પૂછ્યું.

"સરદાર ગજબ થઈ ગયો.' હાંફતા-હાંફતા સીબુત માંડ આટલું જ બોલી શક્યો.

"અરે પણ થયું શું ? સરદાર બીજા સૈનિક તરફ જોઈને ઊંચા અવાજે તાડુક્યા.

"સરદાર તિબ્બુરનું એક સૈન્ય યુદ્ધ કરવા માટે આવી રહ્યું છે. આપણા વિસ્તારમાં એ સૈન્ય પ્રવેશી ચૂક્યું છે. હથિયારબંધ સૈનિકો આ તરફ આવી રહ્યા છે.' બીજા સૈનિકે ડરભર્યા અવાજે જવાબ આપ્યો.

સરદાર સિમાંન્ધુનો ચહેરો ચિંતાની રેખાથી ઘેરાવા લાગ્યો. કારણ કે એમની પાસે તિબ્બુરના સૈન્યનો સામનો કરી શકાય એટળું સૈન્ય તો હતું જ નહીં. હવે એમની પાસે શરણાગતિ સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો નહોંતો.

"રેમન્ડો બેટા.' સરદારે રેમન્ડોને બોલાવ્યો.

"હા પિતાજી.' રેમન્ડો એના પિતાજી પાસે આવીને બોલ્યો.

"બેટા હવે આપણી પાસે તિબ્બુરની શરણાગતિ સ્વીકારવા સિવાય બીજો કોઈઉપાય નથી.' સરદાર સિમાંન્ધુ પોતાના પુત્ર સામે જોઈને એકદમ હતાશ અવાજે બોલ્યા.

"પરંતુ પિતાજી આપણી પાસે જેટલું સૈન્ય છે એના વડે એકવાર સામનો તો કરો. આમ કાયરતાપૂર્વક દુશ્મન સામે ઝુકીને એની ગુલામી કરતા મરી જવુ વધારે સારું છે.' રેમન્ડો એના પિતા સામે જોઈને જનૂનભર્યા અવાજે બોલ્યો.

"બેટા હાર મળ્યા પછી પણ ગુલામી તો કરવી જ પડશેને. અને આપણી હાર તો નિશ્ચિત છે કારણ કે આપણા સૈન્યમાં તિબ્બુરના ચુનંદા સૈનિકોનો સામનો કરી શકાય એટલી તાકાત નથી.' સરદાર રેમન્ડોને સમજાવતા બોલ્યા.

"મને તો આવીરીતે ગુલામી કરવી જરાય પોષાય એમ નથી. હું તો તિબ્બુર સામે યુધ્ધે ચડીશ ભલે મરવું પડે.' રેમન્ડો મક્કમ અવાજે બોલ્યો.

રેમન્ડોના આ શબ્દો એના પિતાજી સરદાર સિમાંન્ધુના હ્નદય સોંસરવા નીકળી ગયા. વૃદ્ધાવસ્થામાં પણ એમનું જુવાનીનું જનૂન ઉછળી આવ્યું.

"મારો વીર પુત્ર લડવા જાય અને હું હાથ જોડીને બેસી રહુ તો પછી મારી જીંદગીમાં ધૂળ પડે. આપણે જરૂર તિબ્બુર સામે યુધ્ધે ચડીશું બેટા.' સરદાર સિમાંન્ધુ પ્રભાવશાળી અવાજે બોલ્યા અને રેમન્ડોને ભેંટી પડ્યા.

"પિતાજી આપણા સૈન્યને એકઠું કરો જલ્દી. તિબ્બુરના સૈનિકો આવી પહોંચે એના પહેલા મારે આપણા સૈન્યને યુદ્ધ કેવીરીતે કરવું એ સમજાવવું પડશે.' રેમન્ડો ઉતાવળા અવાજે કહ્યું.

"આર્ટુબ જલ્દી જા. આપણા સૈનિકોને મેદાનમાં એકઠા કર જલ્દી.' રેમન્ડોએ કહ્યું એટલે સરદારે આર્ટુબને સૈનિકો એકઠા કરવાની આજ્ઞા આપી દીધી.

આર્ટુબ જલ્દી ચાલ્યો ગયો. સીબુત અને એની સાથે આવેલો બીજો સૈનિક પણ યુદ્ધની તૈયારી કરવા માટે રવાના થયા. જાતર્ક કબીલાના રહેવાસીઓ તો યુદ્ધનું નામ સાંભળતાની સાથે બધા પોતપોતાના ઘરમાં છુપાવા લાગ્યા.
સરદાર સિમાંન્ધુ પણ યુદ્ધની તૈયારી કેવીરીતે થઈ રહી છે એ જોવા માટે ચાલ્યા ગયા.

"વધારે ના વિચારો. મને વિશ્વાસ છે તમે જરૂર તિબ્બુર ઉપર વિજય મેળવશો.' રેમન્ડો યુદ્ધની વ્યુરચના કેવીરીતે કરવી એ અંગે વિચારમાં પડ્યો હતો ત્યારે શાર્વી રેમન્ડોના ખભા ઉપર હાથ મૂકતા બોલી.

"રાજકુમારી.' રેમન્ડો આટલું બોલ્યો ત્યાં તો શાર્વીએ એને ફરીથી એનો હાથે રેમન્ડોના મોંઢા ઉપર ધરીને રેમન્ડોને બોલતો અટકાવ્યો.

"હું બીજા બધા માટે રાજકુમારી છું. પણ તમારા માટે તો ફક્ત તમારી રાણી જ છું.' રેમન્ડોની આંખમાં આંખ પરોવીને શાર્વી વહાલભર્યા અવાજે બોલી.

રેમન્ડો શાર્વી તરફ જોઈ જ રહ્યો. શાર્વીને શું પ્રત્યુત્તર આપવો એ એને સમજાયું નહીં. એના પગ જમીન સાથે જડાઈ ગયા શ્વાસ ચાલવાના થંભવા લાગ્યા હોય એવું એને થવા લાગ્યું. બોલવા માટે હૈયામાંથી નીકળેલી લાગણીઓ તૂટક-તૂટક થવા લાગી પરંતુ શું બોલવું એ એને સમજાયું નહીં. હ્નદયમાંથી નીકળેલો લાગણીઓનો ધોધ હોઠ પાસે આવીને અટકી ગયો હતો.

"યુદ્ધકળામાં મહારથી છો. હવે પ્રેમકળામાં પણ પારંગત થઈ જાઓ.' શાર્વીએ પોતાના નયનો વડે પ્રેમબાણ છોડતાં કહ્યું.

"હા તમે સાથે છો એટલે હવે પ્રેમકળામાં પણ પારંગત થઈ જવાશે.' રેમન્ડો માંડ માંડ આટલું બોલ્યો ત્યાં તો શાર્વી એકદમ રેમન્ડોની નજીક આવી અને એણે રેમન્ડોના હોઠ પર પોતાના હોઠ ચાંપી દીધા. પહેલીવાર આવીરીતે કોઈ સ્ત્રીના સંપર્કમાં આવવાથી રેમન્ડોને આજુબાજુનું વાતાવરણ થંભી જતું હોય એવું લાગ્યું.

"નગરમાં યુદ્ધના નગારા વાગે છે અને અહીંયા પ્રેમલીલા થઈ રહી છે.' પાછળથી આર્ટુબનો અવાજ સાંભળીને રેમન્ડો અને શાર્વી ચોંકી ગયા અને તરત જ એકબીજાથી દૂર જઈને શરમભરી નજરે ઉભા રહ્યા.

"રેમન્ડો તને સરદાર બોલાવે છે.' રેમન્ડો કંઈ ના બોલ્યો એટલે આર્ટુબ ફરીથી બોલ્યો.

પ્રેમલીલામાં તલ્લીન બનેલા શાર્વી અને રેમન્ડોને યુદ્ધ વિશેનું ભાન થતાં જ બન્ને ભોંઠપ અનુભવવા લાગ્યા. કારણ કે અહીંયા યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા હતા અને એ બન્ને આવા જ સમયે પ્રેમલીલામાં વ્યસ્ત બન્યા હતા.

"હા ચાલો.' રેમન્ડો આર્ટુબ સામે જોતાં બોલ્યો. અને જ્યાં સૈન્ય એકઠું થવા લાગ્યું હતું એ બાજુ ડગ ઉપાડયા.

જાતર્ક કબીલાના સૈન્યમાં યુદ્ધમાં સારી રીતે લડી શકે એવા ફક્ત પચાસ જેટલાં જ સૈનિકો હતા.જયારે સામે છેડે તિબ્બુરના સૈન્યમાં દોઢસો કરતા પણ વધારે સૈનિકો હતા. એટલે યુદ્ધ કોઈપણ પ્રકારની વ્યૂરચના વગર થાય તો રેમન્ડોની હાર નિશ્ચિત જ હતી.

સરદાર સિમાંન્ધુનું અડધું કરતા વધારે સૈન્ય તીરકામઠા વાળું હતું. જયારે તિબ્બુરના સૈન્યમાં ફક્ત દસ યોદ્ધાઓ જ તીર કામઠા વાળા હતા. મેદાનના એક છેડે રેમન્ડોએ તીર કામઠાં વાળા સૈનિકોને સારીરીતે ગોઠવી દીધા અને ભાલા વગેરે હથિયારધારી હતા એમને પોતાની સાથે લીધા.

થોડીવારમાં તિબ્બુરનું સૈન્ય આવી પહોંચ્યું. આ વખતે ખુદ તિબ્બુર યુદ્ધ લડવા માટે આવ્યો હતો. યુદ્ધ શરૂ થઈ ગયું.
રેમન્ડો તિબ્બુરના સૈનિકોનો ખાત્મો બોલાવવા લાગ્યો. તિબ્બુરના તીરંદાજોને તો સરદાર સિમાંન્ધુના તીરંદાજો એ લગભગ અડધા કલાકની ઘમસાણમાં જ વીંધી નાખ્યા.

શાર્વી પણ હવે યુદ્ધ લડવા આવી પહોંચી હતી. રેમન્ડોની નજર પાછળ યુદ્ધ લડતી શાર્વી તરફ ગઈ. યુદ્ધના મેદાનમાં શાર્વીને જોઈને રેમન્ડોના મુખ ઉપર ચિંતાની રેખાઓ ફરી વળી. ત્યાં તો ખચ્ચર ઉપર બેસેલા તિબ્બુરે ઝડપથી પોતાનું ખચ્ચર શાર્વી જે તરફ યુદ્ધ લડી રહી હતી એ તરફ દોડાવ્યું.
તિબ્બુરને શાર્વી તરફ જતો જોઈને રેમન્ડો ક્રોધથી ધ્રુજી ઉઠ્યો. એ પણ શાર્વી તરફ દોડ્યો. તિબ્બુર ખચ્ચર ઉપર હતો એટલે એ રેમન્ડો કરતા પહેલા શાર્વી પાસે પહોંચી ગયો.

તિબ્બુર બળવાન હતો. એનું ખચ્ચર પણ અલમસ્ત હતું. તિબ્બુરે ખચ્ચર ઉપર બેઠા-બેઠા જ શાર્વીને કમરમાંથી પકડીને ખચ્ચર ઉપર ખેંચી લીધી. આવીરીતે અચાનક કોઈકે ખચ્ચર ઉપર ખેંચી લીધી એટલે શાર્વીએ બેબાકળી બનીને બચવા માટે ચીસ પાડી. તિબ્બુર આવીરીતે શાર્વીને લઈને ભાગી ગયો રેમન્ડો ગુસ્સાથી રાતોપીળો થઈ ગયો.

"આર્ટુબ જલ્દી ખચ્ચર લાવ.' રેમન્ડોનો સત્તાવાહી અવાજ હવામાં ગાજી ઉઠ્યો. એનો અવાજ સાંભળીને આજુબાજુ લડી રહેલા તિબ્બુરના સૈનિકોના ગાત્રો ધ્રુજી ઉઠ્યા.

આર્ટુબ જલ્દી ખચ્ચર લઈ આવ્યો. રેમન્ડોના પિતા સરદાર સિમાંન્ધુ પણ એક ખચ્ચર ઉપર ત્યાં આવી પહોંચ્યા. રેમન્ડો એક જ છલાંગે ખચ્ચર ઉપર સવાર થઈ ગયો.

"બેટા..' સરદાર સિમાંન્ધુ આટલું બોલ્યા ત્યાં તો રેમન્ડો પોતાની મહોબ્બત બચાવવા ખચ્ચરને પુરપાટ ઝડપે તિબ્બુર જે દિશામાં શાર્વીને લઈને ભાગ્યો હતો એ દિશામાં દોડાવી મૂક્યું.



"બેબાકળો બન્યો છે.! આજે આ ઇશ્ક મારો,
હે મહોબ્બત,ફરીથી આપી દે ને સાથ તારો.!



(ક્રમશ)