Kudaratna lekha - jokha - 12 in Gujarati Fiction Stories by Pramod Solanki books and stories PDF | કુદરતના લેખા - જોખા - 12

Featured Books
Categories
Share

કુદરતના લેખા - જોખા - 12

આગળ જોયું કે સાગર મયુર ને તેમના પરિવારના અકસ્માતના સમાચાર આપે એ પહેલાં જ ટ્રાવેલ્સ ના માલિક ફોન કરી ને આ અકસ્માતની જાણ કરે છે. મયુર અકસ્માત સ્થળ પર જવાની જિદ્દ કરે છે. આગળ શું કરી શકાય એ માટે સાગર તેમના મિત્ર મંથનને ફોન કરે છે.
હવે આગળ.......

* * * * * * * * * * * * * *

મંથન સાગરની વાત સાંભળી મયુર માટે દુઃખ વ્યક્ત કરે છે. અને સાગર ને સલાહ પણ આપે છે કે ' મયુર ભલે અકસ્માત સ્થળે જવા માટે જિદ્દ કરતો હોય પરંતુ ત્યાં જવામાં કોઈ ફાયદો નથી. કારણ કે આ અકસ્માત નેપાળમાં થયો છે એટલે ગુજરાત government જ અકસ્માત માં મુત્યુ પામેલા વ્યક્તિઓના મુતદેહ ને ગુજરાતમાં પહોંચાડવાની સગવડતા કરી આપશે. તેમ છતાં હું મારા બીજા મિત્રો ને પૂછી ને માહિતી એક્ઠી કરું છું તમે પણ ટ્રાવેલ્સ માલિક ના સંપર્ક માં રહેજો.' આટલું કહી ને મંથન ફોન મૂકે છે.

હવે સાગર ની મુખ્ય જવાબદારી હતી મયૂરને સંભાળવાની. સાગર ને ખ્યાલ હતો જ કે હવે મયુર ને સાંત્વના આપી ને સંભાળવો અઘરો જ પડશે માટે જ સાગરે મયુર ના નજીક ના સબંધીઓ જે અહી અમદાવાદ માં રહેતા હોય એને જાણ કરી ને અહી બોલાવી લીધા હતા. જેથી મયુર થોડી વાર સુધી અકસ્માત સ્થળ પર જવાની જીદ ભૂલી શકે. હૈયે હૈયું દળાય એમ મયુર જે પણ સબંધી એના ઘરે આવતા હતા એની સામે પોક મૂકી ને રડતો હતો. બધા સબંધી મયુર ને સંભાળતા હતા એ સમયે સાગર નેપાળ માં કઈ સ્થિતિ છે એનો તાગ મેળવવા મથી રહ્યો હતો. એ સમયે જ મયુર ના ફોન માં ટ્રાવેલ્સ માલિક નો ફોન આવ્યો. સાગર પાસે જ મયુર નો ફોન હોવાથી સાગરે જ એ ફોન ઉઠાવ્યો.

સાગર :- હેલ્લો

ટ્રાવેલ્સ માલિક :- હેલ્લો, અર્જુનભાઈ નો દીકરો બોલે છે ને?

સાગર :- અર્જુનભાઈ ના દીકરા નો મિત્ર સાગર બોલું છું. તમે કોણ?

ટ્રાવેલ્સ માલિક :- જે બસ નો અકસ્માત થયો એ બસ વાળા ભાઈ બોલું છું, હું અત્યારે નેપાળ માં છું, તમે અર્જુનભાઈ ના દીકરા ને આ સમાચાર પહોંચાડી દેજો કે સવારે ફ્લાઇટ મારફત જ અકસ્માત માં મૃત્યુ પામેલા બધા જ મુતદેહો અમદાવાદ માં પહોંચાડવા માં આવશે. કઈ જગ્યા પર આવવાનું રહેશે એ હું તમને પાછો ફોન કરી ને જાણ કરીશ.

ફોન પૂરો થયા પછી સાગરે થોડો વિચાર કર્યો અને એક પ્રૌઢ જે સાગર ના સબંધી હતા એમને પોતાની પાસે બોલાવ્યા અને ટ્રાવેલ્સ માલિકે જે માહિતી આપી હતી એ બધી જ માહિતી એને આપી દીધી. અને સાથે એ પણ કહી દીધું કે ' મયુર ને આપણે આ વાત કરવી પડશે અને મયુર જે અકસ્માત સ્થળે જવાની જીદ કરે છે એ ભૂલાવવાની છે.

સાગરે જે વિચાર કર્યા હતા એ પ્રમાણે જ એ પ્રોઢે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી હતી. મયુર ને ખુબ શાંત ભાવે સમજાવ્યો હતો અને કહ્યું હતું કે ' બેટા તું ગમે તેટલો વિષાદ કરી લે પણ કુદરતના લેખ માં થોડો આપણે કંઈ ફેર કરી શકવાના. આપણી કિસ્મત માં જ કદાચ આ લખ્યું હશે! એને સ્વીકાર્યા વગર કાઈ છૂટકો નથી. ભગવાન ને એવી પ્રાર્થના કરે કે તારા પર આવેલ દુઃખ કોઈ બીજા પર ના આવે. અને તું જે અકસ્માત સ્થળે જવાની વાત કરે છે એ એકદમ ખોટી છે કારણ કે હમણાં જ ટ્રાવેલ્સ માલિક નો ફોન આવ્યો હતો અને કહેતા હતા કે બધા મુતદેહને લઈ ને એ સવારે અહી પહોંચી જશે. માટે બેટા હવે થોડી ધીરજ રાખી આ કપરા અને દુઃખી સમયને પસાર કરવો જ રહ્યો!

મયુર ને પ્રૌઢની વાત થી ઘણા ખરા અંશે રાહત થઇ. તેના ડૂસકાંઓ થોડા શાંત પડયા. આંખોના આંસુઓ સુકાઈ ગયા. બસ તે એક સ્થિર મૂર્તિની જેમ એક જગ્યા પર બેસી ગયો. તેની આસપાસ તેમના મિત્રો અને સંબંધીઓ બેઠા હતા. રાત્રિનો સમય થયો છતાં કોઈ જમ્યા ના હતા. જો કે આવા સમયે જમવાનો વિચાર પણ કોઈ ને ના આવે. રૂમ માં એક ભેંકાર શાંતિનું મોજુ પથરાઇ ગયું હતું. બધાના ચહેરા ગંભીર અને દુઃખદ હતા. કોઈ કશું બોલવા સમર્થ નહોતું. છતાં ત્યાં બેઠેલા પ્રૌઢ સબંધીઓ બીજા ના અમુક દાખલો દર્શાવી મયુર ને પરોક્ષ રીતે સાંત્વના આપી રહ્યા હતા. મયુર ના મિત્રો પણ મયુર ને આંખોથી જ સાંત્વના આપી રહ્યા હતા. છેવટે આ કારમી રાત વીતી ગઈ. બધા માટે નવી ઉમ્મીદો જગાવનારી સવાર મયુર માટે વધુ વિષાદ આપનારી હતી.

સાગરે અગાઉ થી જ બધી વ્યવસ્થા કરી રાખી હોવાથી મુતદેહો ઘર સુધી લાવવામાં વધારે કોઈ અડચણો નો સામનો ના કરવો પડ્યો. પરંતુ વધારે કરુણ વાતાવરણ ત્યારે સર્જાયું જ્યારે મયુરે તેમના પરિવારના વ્યગ્ર વિગ્રહ થયેલા મુતદેહો ને જોયા. તે ખૂબ જ કલ્પાંત કરી રહ્યો હતો. તેના બાળપણ થી લઇ ને અત્યાર સુધી પરિવાર સાથે વિતાવેલી એક એક ક્ષણ ચલચિત્ર ની માફક આંખો માં પસાર થઈ રહી હતી. એ બધી ક્ષણો એના રુદન ને વધારી રહ્યું હતું. હાજર બધા જ આ દૃશ્ય જોઈ દ્રવી ઉઠ્યા. મયુર ના સબંધીઓ એ મયુર ને એમના પરિવાર ના મુતદેહો થી અલગ કર્યો અને ભારે હૈયા અગ્નિદાહ માટે ની તૈયારી કરી. એક સાથે ત્રણ અર્થી એક ઘર માંથી નીકળતી હોય એ ઘરે કેવો કરુણ માહોલ હોય! હાજર બધા વ્યક્તિઓ આ દ્રશ્યને જોઈ એના આંસુઓને રોકી નહોતા શકતા. કોઈ ના માં ક્યાં એવી તાકાત હતી કે વિધિ ના વિધાન ને બદલી શકે. આખરે ભારે હૈયે, કરુણ માહોલ વચ્ચે ત્રણેય મુતદેહો ને એકસાથે અગ્નિદાહ આપવામાં આવ્યો.

સબંધીઓ એ બધી વિધિ પૂર્ણ થતાં વિદાય લીધી. જે ખાસ નજીક ના હતા એ જ મયુર ને આશ્વાસન ના હેતુ અર્થે રોકાયા હતા. મયુર ના મિત્રો પણ એના પડછાયા ની જેમ સાથ આપવા અડીખમ ઊભા હતા.

ક્રમશ:
પ્રમોદ સોલંકી

પરિવાર વગર મયુર ના ઘરનો ખાલીપો કેવો હશે?
મયુર આ દુઃખદ ઘટના જિંદગીભર ભૂલી શકશે?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"

વધુ આવતા અંકે........

આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏