Red Ahmedabad - 5 in Gujarati Fiction Stories by Chintan Madhu books and stories PDF | રેડ અમદાવાદ - 5

Featured Books
Categories
Share

રેડ અમદાવાદ - 5

૨૦૨૦, જાન્યુઆરી ૬, સવારે ૦૮:૧૫ કલાકે

સુભાષબ્રીજ પાસેના રીવરફ્રન્ટ ગાર્ડનની પગદંડી પર સફેદ કેનવાસના શુઝે ધીમી દોટ મૂકેલી. જોગીંગ. ગાર્ડનમાં પ્રવેશતાં જ ડાબી તરફની પગદંડી, થોડી આગળ લોટસ પોન્ડ, ઓપન એર થીએટર... પગ અશ્વની માફક ઝડપ મેળવી રહેલા. શ્યામ ટ્રેક અને ગ્રે ટી-શર્ટમાં કસાયેલું તન ધરાવતો વ્યક્તિ. તેજ ઝીણી આંખો, ટૂંકા વાળ, તીણી ધારદાર હોઠથી નીચેની તરફ નમતી આછી મુછો, સાથે કમરમાં શ્વેત નરમ રૂમાલ લટકાવેલો હતો. પરસેવો કપાળને ચમકાવી રહ્યો હતો. ગરદન પરથી નીતરતી ખારી નદીઓ ટી-શર્ટને વધુ પલાળી રહેલી. જેના કારણે જાન્યુઆરીની ઠંડીમાં પણ ટી-શર્ટ ભીની હતી.

‘ચિરાગ...! અરે ભાઇ ધીરે દોડ...’, વ્યક્તિની પીઠ તરફથી જયે સાદ લગાવ્યો.

જય, ચિરાગની સાથે જ ખાનગી જાસૂસી સંસ્થામાં કાર્યરત હતો. સામાન્ય કદ, એકદમ સાફ-ચળકતો ચહેરો, કાળી ખોખા જેવી ફ્રેમવાળા ચશ્મા ધારણ કરતો જય, ચિરાગની ટુકડીમાં એક કોમ્પ્યુટર નિષ્ણાંત તરીકે ફરજ બજાવતો હતો. બન્ને સાથે જ કોઇ પણ કેસ પર કામ કરતા. તેને ફિલ્ડ પર કામ વધુ રહેતું નહિ. એટલે ચિરાગની સરખામણીમાં તે એટલો સશક્ત નહોતો.

‘હા, ભાઇ...! થાકી ગયો...?’, ચિરાગે કમરમાંથી રૂમાલ કાઢી ચહેરા પર પથરાયેલ પરસેવાનું સ્તર દૂર કર્યું. ચિરાગ જાણતો હતો, કે તેઓ દધિચી ઋષિ બ્રીજ પાસે પહોંચી ગયેલા. તેટલું અંતર જય માટે જોગીંગ કરવું અઘરૂં હતું.

‘થોડી વાર બેસીએ...’, જયનો શ્વાસ ફૂલી ગયેલો. અવાજ હાંફી રહેલો.

‘સારૂ, ત્યાં ઓટલા પર.’, ચિરાગે કિનાયથી બગીચામાં બનાવેલા ઓટલા તરફ જવાનો નિર્દેશ કર્યો.

થોડીક જ ક્ષણોમાં બન્ને જણા ઓટલા પાસે પહોંચી ગયા. ચિરાગે પાણીની નાની બોટલ, જે હંમેશા ટ્રેકના જમણા પોકેટમાં રહેતી, તે નીકાળી અને બધું જ પાણી ચહેરા પર વહેવડાવ્યું. રૂમાલથી ચહેરો સાફ કર્યો. જયે તેના ટ્રેકના પોકેટમાંથી ચોકલેટ નીકાળી.

‘મારે એક ચર્ચા કરવી છે.’, જયે ચોકલેટનું રેપર ખોલ્યું અને એક બટકું લીધું.

ચિરાગે રૂમાલ પાછો ટ્રેકમાં ખોસ્યો, ‘હા... બોલ...’

‘મનહર પટેલના કેસ વિષે...’

‘શું ચર્ચા કરીશ...? તપાસ પૂરી થતાં બધી ખબર પડી જશે.’

‘એમ નહિ... તું શું અનુમાન લગાવે છે? કોણ હશે?’

‘એ જ તો કહું છું, તપાસને અંતે જાણ થઇ જશે.’, ચિરાગે ઓટલો છોડ્યો અને દોડવાની તૈયારી બતાવી.

‘અરે, મારા માટે થોભ...શું લાગે છે?’, જય પાછળ પાછળ દોડવા લાગ્યો.

‘કંઇ કહી ના શકાય... થોડા દિવસો પ્રતીક્ષા કર. અમદાવાદ પોલીસ ઉકેલી નહિ શકે, તો આપણી પાસે જ કેસ આવશે.’, ચિરાગના પગ ગતિમાં આવ્યા.

‘ઠીક છે... પણ મને તારી હારોહાર તો આવવા દે...’, જય બૂમ લગાવતા લગાવતા ચિરાગ જેટલી ઝડપ મેળવવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

‘ચાલ... ઝડપ વધાર...’

*****

૧૦:૩૦ કલાકે

સોનલ અને મેઘાવી, તેના સી.જી. રોડ પોલીસ સ્ટેશનમાં મનહર પટેલના મૃતદેહની પાસે મૂકવામાં આવેલ સિંહની પ્રતિકૃતિવાળા મુખોટાનો અભ્યાસ કરી રહ્યા હતા. કેસરી રંગના વિવિધ પ્રકાર ધરાવતા મુખોટામાં આંખોની જગા ખુલ્લી રાખેલી હતી. કપાળ ચમકતું થોડું પીળાશ પડતું, ગાલનો ભાગ ઘેરો કેસરીયો, અને હડપચીનો વિભાગ લાલ અને કેસરી રંગનું મિશ્રણ હતો. કપાળથી ઉપરની તરફ સોનેરી નાયલોનના બનેલા રેષાઓ વાળ તરીકે જોડેલા. બન્ને કાનમાંથી પસાર થતું ઇલાસ્ટિક મુખોટાને ચહેરા પર સ્થાયી રાખવામાં મદદ કરી શકે તે માટે પરોવેલું હતું. રબરનું બનેલું મુખોટું એકદમ નરમ હતું. જેથી ધારણ કરનારના ચહેરાને નરમાશ અનુભવાય અને હળવાશ રહે. નાક ઘેરું બદામી સાથે સાથે શ્યામ છાંટળાઓ અને મુછો તરીકે રેષાઓથી શોભતું હતું.

‘આ... માસ્ક... કોઇ સંકેત છે આપણા માટે?’, મેઘાવી મુખોટાને ડાબા હાથમાં રમાડવા લાગી.

‘હોઇ શકે... પણ છે એકદમ નવું જ.’, સોનલે મુખોટાને મેઘાવી પાસેથી લઇ ટેબલ પર મૂક્યું.

‘હા… જાણે ખાસ તે રાત માટે જ ખરીદવામાં આવ્યું હોય.’

‘તો ક્યાંથી ખરીદ્યું? તે તપાસ કરવી રહી....’, સોનલે મુખોટાને ચકાસવા લાગી. તે દરમ્યાન તેની નજર મુખોટામાં પાછળની તરફ આંખની નીચે બનાવેલ નિશાન પર ગયું. નિશાન હતું બનાવનાર કંપનીનું, ‘યોટો એક્સક્લુઝીવ્સ’. તેણે મેઘાવીને પણ બતાવ્યું. મેઘાવીએ બિલોરી કાચની મદદથી વધારે ધ્યાનથી અવલોકન કર્યું. વાંકડીયા અક્ષરોમાં ઉપસાવેલું ‘યોટો’ અને સામાન્ય મુળાક્ષરોના ઉપયોગથી કોતરાયેલું ‘એક્સક્લુઝીવ્સ’ આંખોમાં બેસી ગયું.

‘આપણે... આ કંપનીના વિતરકો શોધીએ તો કેવું?’, મેઘાવીએ સોનલ સામે નજર નાંખી.

‘હા...! એજ કરવાનું છે. રમીલા અને જસવંતને આ મુખોટાનો ફોટો આપી, અમદાવાદમાં કેટલા વિતરકો પાસે આ કંપનીના માસ્ક વેચવાનો વેચાણહક છે, તેમજ તેઓ કેટલી દુકાનોમાં આનું વેચાણ કરે છે. તે બધું તપાસવાનું જણાવો...’, સોનલે મેઘાવીના હાથમાંથી મુખોટું લીધું અને કાર્યાલયની બારી તરફ ગઇ. આંખો મુખોટા પર જડાઇ ગયેલી.

‘હમણાં જ જણાવી દઉં છું.’, મેઘાવી કાર્યાલયમાંથી બહાર નીકળી.

મુખોટું સોનલના જમણા હાથમાં હતું. સોનલ ડાબી હથેળી તેના પર ફેરવી રહેલી. સિંહના મુખ પર સહજતાથી પ્રેમાળ હાથ ફેરવવો અઘરો છે, પણ મુખોટા પર સ્પર્શ કરવો સરળ છે. સોનલે બારી બહાર નજર નાંખી વ્યસ્ત માર્ગ પર વાહનોની અવિરત અવરજવર અને કલબલાટ, તેના વિચારોની વાયુગતિને રોકી શકે તેમ નહોતું. મનહર પટેલ જેવા પ્રશંસનીય વ્યક્તિનો આવો ઘાતકી દુશ્મન કોણ હોઇ શકે? ચાર આંગળીઓ કેમ કાપવામાં આવી? ચહેરા પર ડામ કેમ દીધો? મળેલી રાખ શેની હશે? કયો પુરાવો નષ્ટ કરવામાં આવ્યો હશે? આટલી બધી ચોકસાઇ સાથે કામ પતાવનાર સામાન્ય વ્યક્તિ છે કે કોઇ તાલીમબદ્ધ? સોનલે મુખોટાને બરોબર તેના ચહેરાની સામે લાવ્યું અને તેની આંખોમાં આંખો નાંખી, ‘કોણ છે તારી પાછળ, એક વાર મુખોટું ઉતાર તો ખરો, જરાક તારો ચહેરો તો નિહાળું…’

*****

સાંજના ૦૫:૦૦ કલાકે,

‘મેડમ...! તમે જે કહો છો, તે કામ સમય માંગી લે તેમ છે.’, જસવંતે મુખોટાનો ફોટો ટેબલ પરથી ઉપાડ્યો. જસવંત અને રમીલા, સોનલની સામે જ બેઠા હતા. મેઘાવીએ રમીલા મારફતે જસવંતને સંદેશ મોકલ્યો હતો. જસવંત અને રમીલાને મેઘાવીએ મુખોટાના ઘણા ખરા ફોટો આપ્યા. તેમજ તેમના જાણભેદુઓ દ્વારા ત્રણ દિવસમાં માહિતી એકઠી કરવાનું સૂચવ્યું. જેની સામે જસવંતની સમય ખપ પૂરતો ન હોવા બાબતે દલીલ કરેલી. તેની વાત આગળ વધારી, ‘જુઓ મેડમ... આમાં એવું છે ને કે...’, હંમેશની આદત મુજબ વાક્ય શરૂ કર્યું, ‘તમારે મુખોટાના વિતરકો અને તેમના દ્વારા વેચાણ થતું હોય તેવી દુકાનો વિષે માહિતી જોઇએ છે, પણ તમે તે ના વિચાર્યું કે અમદાવાદ કેટલું વિસ્તરેલું છે અને તેને સમાવવા કેટલા વિતરકો અને દુકાનો છે. તમારે તો બસ બોલવું જ છે કે ત્રણ દિવસ...’, જસવંતે મેઘાવીના સમયને લગતા શબ્દો પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો.

‘જસવંતની વાત સાચી છે, મેડમ...’, રમીલાએ પણ સાથ પૂરાવ્યો, ‘વળી, અન્ય પોલીસ સ્ટેશનની હદમાં જઇ આપણે આપણા વિસ્તારની માફક વર્તી નથી શકતા.’

‘જસવંત માટે ક્યાં કોઇ વિસ્તાર કે હદ લાગુ પડે છે…’, મેઘાવી જસવંતે ટેબલ પર મૂકેલા ફોટો તેના હાથમાં આપ્યા.

‘હા... તમારે ખાલી કહેવું છે...આની આગળના કેસમાં હું અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફસાયો, અને મને તમે બે દિવસ સુધી યાદ પણ કર્યો નહિ.’, જસવંતે જુની વાત યાદ કરી, ‘એ તો ભલું કર્યું મારા જલારામ બાપાએ કે રમીલાને ખબર પડી અને તેણે મને પોલીસના કામનો માણસ છે, તેવી ખાતરી સાથે બહાર કઢાવ્યો.’

‘બહુ બોલે છે, યાર...!’, તું ઓળખતી ન હોત ને તો ક્યારનો તેના જલારામ બાપા સાથે વાતો કરતો થઇ ગયો હોત.’, મેઘાવીનો પિત્તો ગયો.

સોનલ આ બધું શાંતચિત્તે નિહાળી રહેલી, ‘જો જસવંત...મારે તને એક જ સવાલ પૂછવો છે.’, જસવંતે માથું ધુણાવી સંમતિ દર્શાવી એટલે સોનલે વાત આગળ વધારી, ‘મને એમ કહે કે અમદવાદમાં પ્રાણીઓના મુખોટાઓ મળી રહે તેવી દુકાનો કેટલી...?’

‘આશરે...’, જસવંત મનમાં ગણતરી કરવા લાગ્યો, ‘જુઓને... મારી ગણતરી મુજબ... અ...અ... લગભગ... ચોક્કસ ન કહી શકું, પણ અંદાજે ૧૫૦૦ થી ૧૮૦૦ જેટલી તો હશે જ...’

‘એમાંથી આવા સારી ગુણવત્તા ધરાવતા મળી શકે તેવી કેટલી...?’

‘લગભગ ૩૦૦ થી ૪૦૦’

‘ગુડ...! હવે ૩૦૦ થી ૪૦૦ દુકાનો માટે વિતરકો કેટલા હોય?’

‘બહુ નહુ ફક્ત ૧૫ થી ૨૦...’ જસવંત વિચારમાં પડી ગયો.

‘બસ... તો, તમારે એટલે કે તારે અને રમીલાએ આ ૧૫ થી ૨૦ વિતરકો અને ૩૦૦ થી ૪૦૦ દુકાનો જ ખંખોળવાની છે... તેના માટે તને કેટલો સમય જોઇએ? બોલ હવે...’, સોનલે જસવંતને તેના જ જવાબોમાં ફસાવ્યો.

‘વાહ...મેડમ...! કેવું પડે...! પાક્કા પોલીસ, હો તમે...! પણ એમાં એવું છે ને કે’, વળી જસવંતે તેની આદત મુજબ વાત શરૂ કરી.

સોનલે હાથના કિનાયથી તેને બોલતો અટકાવ્યો, ‘સારૂ...ત્રણ દિવસ નહિ, તો પાંચ દિવસ...પાંચ દિવસમાં મને આ મુખોટા વિષે સઘળી માહિતી જોઇએ.’

સોનલની વાત અટકતા જ જસવંત અને રમીલા ફોટાઓ સાથે સ્ટેશનમાંથી નીકળ્યા.

*****

‘મેઘાવી, આપણે આટલી બધી તપાસ કરીએ છીએ... તો પટેલના સગાઓની પૂછગાછ તો બાકી જ છે. બોલાવો વારાફરથી દરેકને...’, સોનલે જસવંતના જતાની સાથે જ મેઘાવીની તરફ જોયું. સોનાલ કાચના બનેલા ગોળ વજનદાર દડા, જેની એકતરફ સપાટ હોય, ને હથેળીમાં મૂકી, આંગળીઓથી તેની સાથે રમવા લાગી.

‘મને ખબર હતી... તું આવું કંઇક જ કહીશ... એટલે જ મેં પહેલેથી જ શ્રીમાન પટેલની ધર્મપત્નીને આજે ૦૬:૦૦ કલાકે બોલાવ્યા છે... પંદર મિનિટ બાકી છે. આવતા જ હશે.’, મેઘાવી સોનલના કાર્યાલયમાંથી તેના ટેબલ તરફ જવા નીકળી.

સોનલને પણ પ્રતીક્ષા હતી સમીરાની, પટેલના પત્નીની. છ દિવસની તપાસમાં અણબનાવ બન્યો હોવાને કારણે કુંટુંબના સભ્યો સાથે કોઇ પૂછપરછ કરવામાં આવી નહોતી. વળી, કમિશ્નર સાહેબનું દબાણ પણ જવાબદાર કારણ હતું પૂછતાછમાં વિલંબ થવા માટેનું. તેઓના આદેશ અનુસાર સોનલે છ દિવસ કાઢી નાંખ્યા. પરંતુ હવે તેની ધીરજના બંધ તૂટી રહ્યા હતા. આથી જ તે કહે તે પહેલા જ મેઘાવીએ સોનલનો સ્વભાવ જાણતી હોવાને કારણે પૂછતાછને આગળ વધારવાનું નક્કી કરી લીધેલું.

‘મેડમ...! સમીરાબેન અને તેમનો પુત્ર રવિ આવ્યા છે.’, કોન્સ્ટેબલે સોનલને ઇંટરકોમ પર જાણ કરી.

‘સારૂં, અંદર મોકલો અને હા... મેઘાવીને પણ મોકલો.’, સોનલનો જવાબ મળતાં જ સમીરાબેન અને રવિ સાથે મેઘાવી પણ તેના કાર્યાલયમાં દાખલ થયા. સોનલે બેસવા માટે હાથ લાંબો કરી, આંખો મીંચીને ઇશારો કર્યો. સમીરા અને રવિ, સોનલની સામે ગોઠવેલી લાકડાની બનાવેલી ખુરશીઓ બેઠા અને મેઘાવી સોનલની જમણી તરફ ગોઠવાઇ ગઇ. મેઘાવીની બરોબર પાછળ જ કોમ્પ્યુટરની સામે વિશાલ બિરાજેલો હતો.

‘તો... સમીરાબેન આપ શ્રીમાન પટેલના મૃત્યુ સમયે જ અમદાવાદની બહાર ચાલ્યા ગયા... એવું કેવી રીત બન્યું?’, મેઘાવીએ પ્રશ્નોની શરૂઆત કરી.

‘એવું નથી... દર વર્ષે ૩૧ ડિસેમ્બર, તેઓ તેમના મિત્રો સાથે મિજબાની માળી ઉજવતા હતા. આ રિવાજ અમારા લગ્ન પહેલાથી જ તેમના જીવનમાં વણાઇ ચૂકેલો. જ્યારે મને તે જરા પણ ગમતું નહોતું. આથી હું મારી મિત્ર જે સોલામાં રહે છે ત્યાં જતી રહેતી. આ વખતે મારા ભાઇ-ભાભીની જીદ હતી કે હું મુંબઇ, મારા પિયરમાં હાજર રહું. એટલે હું અહીં નહોતી.’, સમીરાનો ચહેરો ફિક્કો હતો. આંખોમાં પાણી આવી ગયું, જેને તેણે તેના સફેદ દુપટ્ટા વડે લૂછ્યા. રવિએ તેના ખભા પર હાથ મૂકી સાંત્વના આપી. સમીરાએ વાત આગળ વધારી, ‘મને થોડી ખબર હતી કે આવું કંઇ થઇ જશે...’, સમીરા ચોધાર આંસુએ રડવા લાગી. નાક એકદમ લાલ બની ગયું. દુપટ્ટાનો છેડો ભીનો થઇ ગયો.

‘તમે અમને કેમ પૂછો છો...? આરોપીને શોધોને...’, રવિ ગુસ્સે થયો.

‘શાંત... ભાઇ... આ પ્રશ્નો જ અમને આરોપી સુધી પહોંચવામાં મદદ કરશે...’, સોનલે રવિને બેસવાનો ઇશારો કર્યો, ‘તમે બોલો... સમીરાબેન...’

‘એમની સાથે પૂરી રાત તેમના મિત્રો હોય છે...’

‘મિત્રોમાં કોણ?’, આ વખતે સોનલે વાત અટકાવી પ્રશ્નોની શરૂઆત કરી.

‘અ...અ...’, સમીરા થોડી અચકાઇ, ‘યાદ નથી આવતું.’

‘તમે કોને બચાવવાનો પ્રયત્ન કરો છો?’, સોનલે પ્રશ્નો ચાલુ રાખ્યા.

‘કોઇને નહિ.’

‘તો પછી તે રાતે કોણ આવવાનું હતું?’

‘એકવાર મારી મમ્મીએ કહ્યુંને કે કોઇ નહિ.’, રવિએ વચ્ચે જવાબ આપ્યો.

‘તું તો મેડિકલનો વિદ્યાર્થી છે ને, તને ખબર હશે કે બેભાન કરવા સામાન્ય રીતે શું વપરાય છે?’, મેઘાવીએ રવિને અટકાવી અલગ જ પ્રશ્ન પૂછ્યો.

‘હા’

‘કઇ?’

‘મિડાઝોલમ’

‘યસ... નાઉ યુ આર ઇન માય બોક્સ ડિયર...’, મેઘાવીએ મિડાઝોલમ શબ્દ પકડી પાડ્યો.

‘એમાં કંઇ અલગ નથી. મેડિકલના કોઇ પણ વિદ્યાર્થીને ખબર હશે, મિડાઝોલમ વિષે...’, રવિએ ખોંખારો ખાધો.

સોનલે રવિને પાણીનો પ્યાલો આપ્યો, ‘સમીરાબેન, તમે મને મિત્ર કે મિત્રોના નામ જણાવ્યા નહિ.’

‘મને ખબર નથી.’, સમીરા અચાનક તેને પૂછાયેલા પ્રશ્નને કારણે ચોંકાવાની જગાએ એકદમ શાંતમન સાથે બેઢેલી હતી. જે જોઇ સોનલના મનમાં અનેક અટકળો વમળો લઇ રહેલી.

‘ઠીક છે... પણ અમને તો શ્રીમાન પટેલના મૃતદેહની પાસે એક કાગળ મળ્યો છે. તેમાં મરતા પહેલા તેમણે ત્રણ નામ લખ્યા છે... મને લાગે છે કે તે તેમના એ જ મિત્રોના છે, જે તે રાતે મળવા આવવાના હતા.’, સોનલે અંધારામાં તીર છોડ્યું

‘બને જ નહિ...’, સમીરાએ સોનલની સામે જોયું.

‘કેમ નહિ? કોઇ પણ આરોપી ક્યાંક તો ભૂલ કરે જ છે, અને અહીં તો ભોગ બનનારે જ તેઓને છતા કરી દીધા છે.’, સોનલે ફરી એક તીર છોડ્યું.

‘બને જ નહિ...’

‘કેમ નહિ?’

‘કીધું ને કે ના બને?’

‘કેમ?’

‘કેમ કે તેમને એક જ મિત્ર મળવા આવવાનો હતો...’

‘હા... હવે તેનું નામ બોલો, સમીરાબેન’, સોનલે રાહતનો શ્વાસ લીધો.

સમીરાને પ્રશ્નાવલીમાં ફસાઇ ચૂકી હોય તેવો તેને અણસાર આવી ગયો. તેણે હાથ જોડી ચહેરો છુપાવી દીધો.

‘બોલો... સમીરાબેન...’, મેઘાવીએ અવાક બની ગયેલ સમીરાને ખભાથી હચમચાવી. રવિ પણ તેની મમ્મીના જવાબથી અચંબિત હતો.

સમીરાએ હાથ ચહેરા પરથી દૂર કર્યા, ‘એમનું નામ છે...’

‘હા... બોલ... મમ્મી...’, રવિને પણ નામ જાણવાની આતુરતા થઇ.

‘યસ. મીસીસ પટેલ...’

‘ઇંદ્રવદન ભટ્ટ...’

*****