Red Ahmedabad - 4 in Gujarati Fiction Stories by Chintan Madhu books and stories PDF | રેડ અમદાવાદ - 4

Featured Books
Categories
Share

રેડ અમદાવાદ - 4

૨૦૨૦, જાન્યુઆરી ૫, બપોરે ૧૨:૩૦ કલાકે

‘પેલી છોકરીની ભાળ મળી ગઇ છે.’, રમીલાએ સોનલના કાર્યાલયનો દરવાજો ઉઘાડ્યો.

સોનલ કાર્યાલયમાં મેઘાવી સાથી ચર્ચામાં હતી. બન્નેના હાથમાં ચાનો પ્યાલો હતો અને મેઘાવી પ્લેટમાંથી કકરી વેફર ઉપાડવા જઇ રહી હતી. રમીલાના અવાજે ચર્ચાને થોભાવી નાંખી.

‘સરસ...!’ સોનલે તુરત જ ઇશારાથી રમીલાને અંદર બોલાવી.

‘આવ.’, રમીલા કાર્યાલયમાં પ્રવેશી અને તેની પાછળ જ જસવંત પ્રવેશ્યો.

‘હા, જસવંત...! રમીલાનું છુપું પત્તું... અને તપાસ કરવાના સમયે, દરેક પ્રશ્નોનો જવાબ...’, મેઘાવીએ જસવંત સામે જોયું અને મલકાઇ.

‘અરે...મેડમ..! એવું કંઇ નથી.’, જસવંતે સોનલની તરફ જોયું અને જમણા હાથમાં રહેલાં કાળા રંગના પાકીટને બાવળા અને છાતી વચ્ચે દબાવ્યું.

‘તારી પાસે શું ખબર છે, તે છોકરી વિષે?’, સોનલે જસવંતના કાળા પાકીટ તરફ નજર જમાવી.

‘સસ્પેક્ટ! સી.યુ. શાહ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની છે. ફાઇનલ સેમેસ્ટર, બી.કોમ.’

‘સસ્પેક્ટ...’, મેઘાવીથી રહેવાયું નહિ અને હસી પડી.

જસવંતને અંગેજી બોલવાનો શોખ. તપાસ કરતી વખતે તે જાસૂસ બની જાય અને જેની તપાસ કરવાની હોય તેને સસ્પેક્ટ જ કહે.

જસવંતે કાળા પાકીટમાંથી તે છોકરીનો ફોટો નીકાળ્યો અને સોનલની સામે ટેબલ પર મૂક્યો. તે છોકરીના કોલેજના આઇ.ડી. કાર્ડની નકલ પણ મૂકી. જેના પ્રમાણે છોકરીનું નામ ખુશાલી પાંડે હતું. બી.કોમ.ના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતી છોકરી કોઇનું ખૂન કરી શકે નહિ તે વિચાર સોનલના મગજમાં રમવા લાગ્યો.

‘શું કહે છે?, સોનલ.’, મેઘાવીએ આઇ.ડી. કાર્ડ નિહાળવા માટે ટેબલ પરથી ઉપાડ્યું.

‘મને લાગતું નથી. ચહેરો તો જો. કેટલો સૌમ્ય લાગે છે.’, સોનલે જસવંત સામે જોયું.

‘મને પણ એવું જ લાગે છે. તેના પિતા ટેક્ષટાઇલ પ્રોસેસ હાઉસમાં પ્રિન્ટીંગ સુપરવાઇઝરની નોકરી કરે છે. ૧૨ કલાકની નોકરી અને માતા ગૃહિણી છે. અરે...હા...! એક નાનો ભાઇ છે. જે કંઇ કરતો નથી.’, જસવંતે ખુશાલીના ફોટો પર આંગળી વારંવાર પછાડી.

‘કંઇ નથી કરતો એટલે...’, રમીલાએ ફોટો જસવંતની આંગળી નીચેથી ખસેડ્યો.

‘એટલે... આખો દિવસ પાનના ગલ્લા પર, ટાઇમ પાસ.’

‘આ પણ ઇસનપુરમાં જ રહે છે.’, મેઘાવીએ આઇ.ડી. કાર્ડની પાછળની બાજુ સોનલને દેખાય તે રીતે કાર્ડને ફેરવ્યું.

*****

‘બોલ.. બોલ.. ૩૧ ડિસેમ્બરે તું સી.જી. રોડ પર શું કરતી હતી?’, રમીલાએ ખુશાલીના ગાલ પર જોરદાર તમાચો ચોડી દીધો.

સોનલના આદેશ અનુસાર રમીલા અને બિપીન ખુશાલીને પુછપરછ માટે પોલીસ સ્ટેશન ઉપાડી લાવ્યા હતા. રમીલા જાણતી હતી કે હાથ ઉપાડવો ગુનો છે પરંતુ ખુશાલીના મુખમાંથી મગનું નામ મરી પડતું નહોતું. આથી જ રમીલાએ ગુસ્સામાં તમાચો મારી દીધો.

સોનલ તે જ સમયે પુછપરછના કક્ષમાં દાખલ થઇ,‘શું કરે છે, રમીલા?, તપાસ કરવાની છે. તેના ચહેરા પર એક પણ ડાઘ દેખાવો જોઇએ નહી.’

રમીલાએ ફક્ત હકારાત્મક પ્રતિભાવ દર્શાવતું માથું ધુળાવ્યું અને ખુશાલીને બેસાડેલ ખુરશી સામે સોનલને બેસવા ખુરશી મુકી. કક્ષમાં એક જ ટ્યુબલાઇટના પ્રકાશથી સામાન્ય અજવાળું પથરાયેલું હતું. ખુશાલીના ગાલ આંખોથી વહેતી અશ્રુધારાને કારણે ભીંજાઇ ગયેલા. તેના જમણા ગાલ પર રમીલાની આંગળીઓના નિશાન દેખાઇ રહેલા. સોનલે ડાબા હાથ વડે ખુશાલીની હડપચીને સહેજ જમણી તરફ ફેરવી તેના ગાલ પર રહેલા નિશાન ધ્યાનથી જોયા અને રમીલા તરફ ગુસ્સો દર્શાવ્યો.

‘જો... છોકરી! તારી વિરૂદ્ધમાં અમારી પાસે પૂરાવા છે કે તું સી.જી.રોડ પર હતી.’, સોનાલે ખુશાલીની આંખોમાં આંખો પરોવી.

‘હા... હું જ હતી... પણ...’, ખુશાલી હિબકાં ભરવા લાગી.

‘પણ...’ રમીલા ખુશાલી તરફ આગળ વધી.

સોનલે ડાબો હાથ ઊંચો કરી રમીલાને રોકાવા ઇશારો કર્યો,‘પાણી લાવો.’

‘એક ડાબા હાથની હજી લગાવું, મેડમ, બધું જ બોલવા લાગશે.’, રમીલાએ ખુશાલી સામે જોયું.

‘બસ..., તમે ચૂપ રહો.’, સોનલ ગુસ્સામાં ખુરશી પરથી ઊઠી અને રમીલાની એકદમ નજીક આવી,‘આપણું કામ અસત્યની ખાણમાંથી સત્ય શોધવાનું છે, નહી કે અસત્ય પર સત્યનો ઢોળ ચડાવવાનું.’

બિપીને પાણીનો પ્યાલો સોનલને આપ્યો.

‘લે, દીકરા...’, સોનલે પ્યાલો ખુશાલી તરફ લંબાવ્યો,‘ઝડપથી બતાવ કે શું બન્યું હતું?’

‘હું...’, ખુશાલી હિબકા ભરતાં ભરતાં થોડું પાણી પીવા લાગી,‘હું એક છોકરાને પ્રેમ કરૂં છું. તે મારો સહાધ્યાયી જ છે. અમે બન્ને તે રાતે સી.જી.રોડ પર નવા વર્ષની ઉજવણી માટે ગયા હતા, પરંતુ ક્યારે એકમેકમાં ખોવાઇ ગયા તે અમારી જાણમાં જ ન રહ્યું. અને અમે ખૂણામાં અંદરની તરફ આવેલા શાંત મકાનના બગીચામાં ગયા. થોડો સમય વીત્યો અને અમને એક તીણી ચીસ સંભળાઇ, જેના કારણે અમે ગભરાયા અને ત્યાંથી નાસવા લાગ્યા. દરમ્યાન અમને અમારી અવસ્થાનું પણ કોઇ ભાન નહોતું.’ ફરી હિબકાં શરૂ થઇ ગયા.

‘એક વાત જણાવ, તે ચીસ ક્યાંથી આવી? તેની તપાસ કરવાનું ન વિચાર્યું...’

‘ના, મેડમ! મારા ઘરે અમારા પ્રેમ વિષે બધા અજાણ છે. જો હું ક્યાંય પણ પકડાવું તો મારી સાથે સાથે મારા ઘરને પણ કલંક લાગે. માટે જ અમે ત્યાંથી નીકળી ગયા.’

‘તને ખબર નથી કે તારા એક કલંકની ચિંતામાં તે એક વ્યક્તિનો જીવ બચાવવાનું કામ છોડી દીધું. તારી એક નાગરીક તરીકેની જવાબદારી ભૂલી ગઇ. એક ફોન તો કરી શકતી હતી ને પોલીસને...’, સોનલે ખુશાલી સામે તીણી નજર નાંખી.

‘અમને તે વખતે કંઇ પણ સૂઝ્યું જ નહી. મને માફ કરી દો.’, ખુશાલીએ હાથ જોડ્યા.

‘આ ખોટું બોલે છે, મેડમ... મને સોંપી દો.’, રમીલા ફરી ખુશાલી તરફ આગળ વધી.

‘ના... તે સાચું બોલે છે. એને જવા દો.’

‘તમારો આભાર, મેડમ! ખૂબ ખૂબ આભાર કે તમે મારા ઘરે જાણ કરી નહી અને મને કોલેજ જતા રસ્તા પરથી અહીં લાવ્યા. જેથી મારી કોલેજ પણ જાણે નહી કે મને પૂછતાછ માટે પોલીસ લઇ ગઇ છે.’, ખુશાલી આંસુ દુપટ્ટાથી સાફ કરતાં કરતાં સોનલના પગમાં પડી.

‘નારીનું સન્માન જાળવવું, તે અમારી ફરજ છે.’, સોનલે ખુશાલીને ખભાથી પકડી ઉભી કરી અને જવાનો ઇશારો કર્યો.

‘મેડમ! હું તમને હજી કહું છું કે તે ખોટું બોલે છે.’, રમીલાએ ખુશાલીને જતા નિહાળી.

‘ના, રમીલા... તેણે પૂરી વાત એકદમ સહજતાથી કહી. યાદ કરીને કહેતી હોય તેવું કંઇ લાગ્યું જ નહી. પૂછતાછ દરમ્યાન એક વખત પણ ડાબી તરફ તેના ડોળા ઉંચકાયા નથી. એટલે કે તે જે પણ બોલી એ તેના માનસપટલ પર છપાઇ ચૂકયું છે. નહી કે બે દિવસ પહેલાં તૈયાર કરેલું.’ સોનલે રમીલા સામે જોયું અને પાછી ખુશાલી તરફ નજર ઘુમાવી.

ખુશાલીએ પોલીસ સ્ટેશનની બહારથી રીક્ષા પકડી અને રવાના થઇ ગઇ.

*****

તે જ દિવસે, સાંજે ૦૬:૦૦ કલાકે

‘આવું મેડમ...!’, સોનલના કાર્યાલયના દરવાજા પરથી જસવંતે અવાજ લગાવ્યો.

જસવંત સોનલને તે છોકરા વિષે માહિતી આપવા આવ્યો હતો જેને ખુશાલી સાથે જોવામાં આવેલો. તેણે બધી જ તપાસ સંપૂર્ણ કરી નાંખેલી. હવે સમય હતો માહિતી પૂરી પાડવાનો.

‘હા... બોલો...જસવંતભાઇ, શું સમાચાર લાવ્યા છો?’, સોનલે દાખલ થવાની પરવાનગી આપી.

‘મેડમ... ખુશાલીના પ્રેમી વિષે...’

‘જસવંતભાઇ.. તેઓ નિર્દોષ છે. તેમની તપાસ બંદ કરી દો. આપણો સસ્પેક્ટ કોઇ બીજું છે.’, સોનલે જસવંતને અટકાવ્યો.

‘ઠીક છે. મેડમ, જેવું તમે કહો.’, જસવંતે હામી ભરી અને કાર્યાલયમાંથી બહાર નીકળ્યો.

તેના નીકળતાંની સાથે જ મેઘાવી કાર્યાલયમાં દાખલ થઇ.

‘તે આ જોયું.’, મેઘાવીએ તેના હાથમાં રાખેલી ચાર ફાઇલોમાંથી એક ફાઇલ સોનલના ટેબલ પર મૂકી અને પહેલું કાગળ બતાવ્યું.

‘શું છે તેમાં?’

‘મનહર પટેલનો સંપૂર્ણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ અને ઘટના સ્થળના બધા જ ફોટાઓ...’

‘પોસ્ટમોર્ટમ રીપોર્ટ તો આપણે જાણીએ જ છીએ, પણ ફોટાઓમાં જોવા જેવું શું છે?’, સોનલે એક પછી એક ફોટાઓ તપાસવાનું શરૂ કર્યું.

બધાજ ફોટાઓ ટેબલ પર ગોઠવી દીધેલા હતા. દરેક ફોટાને મનહર પટેલના ઘરમાં દાખલ થતાંની સાથે બગીચા સુધી ક્રમવાર મૂકેલા. બધા જ ફોટાઓને બારીકાઇથી નિરખતાં સોનલની નજર એક ફોટા પર અટકી ગઇ. ફોટોમાં મનહર પટેલના ચહેરા પાસે એક સિગારેટનો ડામ આપેલ દેખાઇ રહ્યો હતો.

‘તું આની વાત કરે છે.’, સોનલે ડામ વાળો ફોટો મેઘાવીના હાથમાં મૂક્યો.

‘અરે...ના, હું વાત કરૂં છું. આ ફોટાની.’, મેઘાવીએ બીજો એક ફોટો સોનલને બતાવ્યો.

ફોટો મનહર પટેલના કુંટુંબનો હતો. જેમાં તેમની સાથે સમીરા, રવિ અને અન્ય એક યુવાન પણ હતો. તે યુવાન વિષે સમીરા કે રવિએ કંઇ પણ માહિતી આપી નહોતી.

‘તે કંઇ તપાસ કરી?’, સોનલે મેઘાવીને ફોટો પાછો આપ્યો.

‘હા, આ છોકરાનું નામ રોહન છે અને તે પટેલનો બીજો દીકરો છે. કેનેડામાં અભ્યાસ કરવા ગયો હતો અને અત્યારે ત્યાં જ સ્થાયી છે.’, મેઘાવી સમીરાની પૂછતાછથી મળેલી માહિતી જણાવી.

‘તો, તે મનહર પટેલની અંતિમવિધિમાં આવ્યો નહિ.’, સોનલે બીજા ફોટાઓ જોવાનું ચાલું કર્યું.

‘ના, સમીરાનું કહેવું છે કે આજથી પાંચ વર્ષ પહેલાં, એટલે કે ૨૦૧૫માં તેણે મનહર પટેલે કેનેડા મોકલ્યો હતો. રોહને કેનેડામાં પટેલની ઇચ્છા વિરૂદ્ધ લગ્ન કર્યા અને તેના કારણે જ પટેલ તેને બોલાવતા નહોતા.’, મેઘાવી બધા ફોટો ભેગા કરવા લાગી.

‘એક મિનિટ...પેલા ડામનું શું? ત્યાં આપણને કોઇ સિગારેટ મળી નહોતી. તો ડામ આવ્યો ક્યાંથી?’, સોનલે મેઘાવીને રોકી.

‘તે હજી પણ રહસ્ય છે...’

*****

પોલીસ સ્ટેશનથી સુજલામના ફ્લેટમાં આવ્યાને સોનલને આશરે ત્રણેક કલાક થઇ ગયેલા. ટીપોઇ પર ટીફીન પડ્યું હતું. સોનલ આવી ત્યારનું ટીફીન ટીપોઇ પર જ સ્થિતપ્રજ્ઞ હતું. પટેલના કેસના વાદળોમાંથી નિરાકરણરૂપી વર્ષાની કોઇ આશા દેખાતી નહોતી, તે વિચારને કારણે સોનલ હજુ પણ યુનિફોર્મમાં જ હતી. સોફા પર લંબાવેલું, આંખો છત પર સ્થિર અને આંગળીઓ હવાની ગતિને અવરોધતી હવામાં જ વમળો ઊભી કરી રહેલી. ગતિશીલ મનને વિરામનું સ્થળ મળતું નહોતું. આખરે સોનલે સોફો છોડ્યો અને પગ બાથરૂમ તરફ ગતિ કરવા લાગ્યા.

ફુવારામાંથી મુક્ત થતાં ફોરા સોનલના તન પર કુમળા વાર કરવા લાગ્યા. સ્પર્શની તીવ્રતા વધારવા તેણે ફોરાનું વજન નળને મુક્તરીતે ફેરવી વધાર્યું. ચહેરા પર આવતી ટપકાંઓની થપાટમાં તેના માનસપટલ પર પટેલના ઘર છબીઓ ચાલવા લાગી. ઘરનું પ્રવેશદ્વાર, સોફા, ટીવી, બેડરૂમ, બેડ પર પટેલનો મૃતદેહ, હાથ-પગ બંધાયેલા, સોંયનું નિશાન, રાખ, ડામ, આંગળીઓ કપાયેલી, રક્તથી ખરડાયેલી ચાદર અને.... એમ એક પછી એક છબી ક્રમાનુસાર ર્દશ્યાન થવા લાગી. અચાનક સોનલની આંખો ઉઘડી. ચાલુ ફુવારા સાથે તે ટુવાલ ઉપાડી બાથરૂમની બહાર આવી. મોબાઇલ ઉપાડ્યો અને મેઘાવીને ફોન જોડ્યો.

‘હં....’, મેઘાવી ઊંઘમાં હતી.

‘ઉઠ... મને પટેલના કેસમાં એક વસ્તુ યાદ આવી છે, જે તરફ આપણે જોયું જ નથી.’

‘અરે...યાર... અગયાર વાગે તને શું યાદ આવ્યું?’

‘તું પહેલાં નીંદરના દબાણથી તારા ચક્ષુઓને મુક્ત કર...’

‘હા...બોલ... હવે’, મેઘાવી આળસ મરડીને બેડ પર બેઠી થઇ.

‘સાંભળ... આપણે એવું માનતા હતા કે નવા વર્ષની ઉજવણી અર્થે પટેલે તૈયારીઓ કરી હશે’, સોનલ અટકી અને ફરી વાત આગળ વધારી, ‘અને એટલે જ તે સિંહની મુખાકૃતિવાળું માસ્ક ત્યાં બેડ પર પડેલ હતું.’

‘હા... સ્તો... એવું જ હોયને…’, મેઘાવી બગાસું ખાતા ખાતા માથું ખંજવાળવા લાગી.

‘મને... એવું નથી લાગતું. માસ્ક એમણે ખરીદ્યું નહિ હોય... તે જાણીજોઇને મુકવામાં આવ્યું છે... તેવું મારૂ અનુમાન છે.’, સોનલે ફોન પરની ચર્ચા દરમ્યાન ટીફીન ખોલ્યું.

‘અને એવું કેમ લાગે છે?’

‘કારણ કે રૂમમાં બેડ સિવાય આસપાસની દરેક વસ્તુઓ તેમની ચોક્કસ જગાએ જ હતી. તો કોઇ મરતી વખતે નકાબ પોતાની પાસે થોડી રાખે. તે પણ તેની કોઇ નિયત જગાએ જ હોવું જોઇએને...’

‘વાત તો અર્થવાળી છે, આપણે તે મહોરૂં ચકાસવું પડશે...’, મેઘાવીએ બેડ પર લંબાવ્યું, ‘કાલે સવારે જોઇ લઇશું... હવે સુઇ જા...’

‘ઠીક છે... કાલે સવારે...’, સોનલે ફોન કાપ્યો અને ટીફીનમાં આવેલી ખીચડી-કઢી જોઇ મોઢું મચકોડ્યું.

બાથરૂમમાં ટાઇલ્સ સાથે યુદ્ધ કરતા ફુવારામાંથી નીકળતા ટપકારૂપી સૈનિકોના અવાજે, સોનલનું ધ્યાન તે તરફ ખેંચ્યું. તે ફરી ફુવારા નીચે આવી અને આંખો બંધ કરી ચહેરા પર સૈનિકોનું આક્રમણ ચાલવા દીધું.

*****