Chamadano naksho ane jahajni shodh - 8 in Gujarati Fiction Stories by જીગર _અનામી રાઇટર books and stories PDF | ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 8

Featured Books
Categories
Share

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 8

રોકી અને જોન્સન બરફની ઊંડી ખીણમાં પડ્યા હતા. રોકી પડ્યો એ બાજુમાં નીચે બરફ નરમ હતો એટલે એને ઓછો પછાડ વાગ્યો હતો. પરંતુ જોન્સન ખીણમાં પડ્યો એ તરફ બરફ સજ્જડ જામેલો હતો એટલે જોન્સનની પીઠમાં સખત વાગ્યું હતું. આ બન્ને જણ લગભગ ચારસો મીટર ઉપરથી નીચે ખીણમાં પડ્યા હતા.


વાતાવરણ ધુમ્મસથી ઘેરાયેલું હતું. ખીણમાં પણ ધુમ્મસે પોતાનો કબજો જમાવ્યો હતો.


"નીચે તો કંઈ જ દેખાતું નથી.! જ્યાંથી જોન્સન અને રોકી ખીણમાં પડ્યા હતા ત્યાં આવીને નીચે ખીણ તરફ જોતાં ક્રેટી બોલી.


"અરે તું આ આ બાજુ આવી જા. જો ફરીથી બરફ સરક્યો તો તું પણ રોકી અને જોન્સન પાસે પહોંચી જઈશ.' ખીણ તરફ નીચે તાકી રહેલી ક્રેટીને પોતાની તરફ ખેંચતા જ્યોર્જ બોલ્યો.


ક્રેટીને થોડીક દૂર ઉભી રાખીને જ્યોર્જ નીચે ખીણ તરફ જોવા લાગ્યો. ઉપરથી નીચે ખીણ તરફ જોતાં ચક્કર આવી જાય એવું થતું હતું. સમગ્ર વાતાવરણ ઉપર હાડ થીજાવી નાખે એવી ઠંડીએ પોતાનું આધિપત્ય સ્થાપી દીધું હતું. ચારેય બાજુ બરફનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. જ્યોર્જે ખીણ તરફ નીચા જોઈને મોટા અવાજે રોકી અને જોન્સનના નામની બૂમો પાડી. પણ બધું વ્યર્થ. જ્યોર્જે પાડેલી બૂમો થોડીક વાર ખીણમાં પડઘારૂપે ગુંજતી રહી અને ત્યારબાદ એકદમ શાંત બની ગઈ.


"જ્યોર્જ શું થયું ? કેમ રોકી અને જોન્સનને આટલા મોટા અવાજે બોલાવી રહ્યો છે.' પાછળથી કેપ્ટ્નનો અવાજ સંભળાયો. કેપ્ટ્ન,પ્રોફેસર,ફિડલ,પીટર અને એન્જેલા સૌની પાછળ હતા એટલે તેઓ રોકી અને જોન્સન ખીણમાં પડ્યા એ વાતથી બેખબર હતા.


"બરફ એકદમ ખસ્યો એટલે જોન્સને અને રોકી આ ખીણમાં પડી ગયા છે કેપ્ટ્ન.' કેપ્ટ્નનો અવાજ સાંભળીને ખીણ તરફ જોઈ રહેલો જ્યોર્જ કેપ્ટ્ન તરફ ફર્યો અને ઢીલા અવાજે બોલ્યો.


"શું કહ્યું.! ખીણમાં પડી ગયા રોકી અને જોન્સન ?? બોલતા બોલતા કેપ્ટ્ન હેરીનો અવાજ તરડાઈ ગયો.


"હા કેપ્ટ્ન એ બન્ને ચાલતા-ચાલતા થાક્યા એટલે વિસામો લેવા માટે અહીંયા બરફ ઉપર બેઠા હતા અને અચાનક બરફ ખસ્યો એટલે બરફની સાથે એ બન્ને પણ ખીણમાં ગબડી પડ્યા.' ક્રેટી રડમસ અવાજે બોલી.એના અવાજમાં જોન્સન અને રોકી ખીણમાં પડી ગયા એ વાતનું દુઃખ ભારોભાર વર્તાતું હતું.


બર્ફીલા પહાડો તરફ સફરે નીકળ્યા હતા ત્યારે બધાના મોઢા ઉપર જે ચમક હતી એ એકાએક આવી ઘટના બનવાથી ગાયબ થઈ ગઈ. કારણ કે બર્ફીલા પહાડોની ખીણમાં પડ્યા બાદ માણસનું બચી જવુ એ બહુજ મુશ્કેલ કામ છે. ભંયકર ઠંડી વચ્ચે આ ઘટનાએ આકાર લીધો એટલે બધાના મગજ સુન્ન અને વિચારો થીજી ગયા હતા.


"કેપ્ટ્ન હવે શું કરીએ ? ફિડલ તૂટેલા અવાજે બોલ્યો. રોકી અને જોન્સન ખીણમાં પડી ગયા એનું સૌથી વધારે દુઃખ ફિડલને હતું કારણ કે રોકી અને જોન્સન બન્ને ફિડલના પ્રાણ સમાન હતા.


"કંઈક કરવું તો પડશે જ. કોઈપણ ભોગે આપણે આપણા સાથીદારોને બચાવવાં તો પડશે જ.' કેપ્ટ્ન આજુબાજુના પહાડો તરફ જોઈને મક્કમ અવાજે બોલ્યા.


"મારી પાસે રોકી અને ફિડલને બચાવવાનો એક ઉપાય છે.' પીટરે બધા સામે જોઈને કહ્યું. પીટર ક્યારનોય આજુબાજુ જોઈ રહ્યો હતો. એટલે એના ગરમ ભેજામાં એક ઉપાય ઉપજી આવ્યો હતો.


પીટરની વાતમાં હંમેશા કંઈક દમ હોય છે. ઘણીવાર મુશ્કેલીના વખતમાં પીટરે પોતાની યુક્તિઓથી સૌને આફતો માંથી બહાર કાઢ્યા હતા. પીટરની વાત સાંભળીને બધાના ચહેરા ઉપર થોડીક ચમક આવી. બધા પીટર પાસે શું યુક્તિ હશે એ સાંભળવા માટે પીટરની તરફ તાકી રહ્યા.


"જલ્દી બોલને પીટર શું છે ઉપાય તારી પાસે ? ફિડલ ઉતાવળો થતાં બોલ્યો.


"જુઓ સામે.' પીટરે સામેની દિશામાં આંગળી કરી બધાએ એ તરફ જોયું. "સામે જે નાનકડું પર્વતશિખર છે એની તળેટીમાં નીચે તરફ જુઓ.' પીટર આગળ બોલ્યો. "એ પર્વતની તળેટીનો ઢોળાવ એકદમ સીધો નથી એટલે આપણે સરળતાથી ખીણમાં ઉતરી શકીશું અને પછી રોકી અને જોન્સનની ખીણમાં તપાસ કરીશું.' પીટરે પોતાના મગજમાં ઉદ્દભવેલો ઉપાય સૌને કહી સંભળાવ્યો.


"હા બરોબર છે ત્યાંથી સરળતાથી ખીણમાં ઉતરી શકાય એમ છે.' પીટરે બતાવેલા પર્વતશિખર તરફ ધ્યાનથી જોઈને પ્રોફેસર બોલ્યા.


"તો ચાલો હવે જલ્દી.' કહીને કેપ્ટ્ન આગળ વધ્યા. કેપ્ટ્નનની પાછળ બધા જવા લાગ્યા. પર્વત શિખર નજીક જ હતું એટલે થોડીકવારમાં બધા એ પર્વત શિખર પાસે આવી પહોંચ્યા.


"ફિડલ આ પોટલું હમણાં તું અહીંયા જ મૂકી દે. પાછા ફરતી વખતે લઈ લઈશું સાથે.' જ્યોર્જે ફિડલને કહ્યું.


"હા જ્યોર્જની વાત સાચી છે આપણે અહીંયા જ પાછુ આવવાનું છે એટલે ખાદ્યસામગ્રીને સાથે લઈ જવી જરૂરી નથી.' પ્રોફેસરે પણ જ્યોર્જની વાતને સમર્થન આપી ખાદ્ય સામગ્રીનું પોટલું ત્યાં જ ઉપર મુકવા ફિડલને જણાવ્યું.


"મૂકી જ દઉં આ પોટલાંને હું પણ એનું વજન ઊંચકી- ઊંચકીને થાકી ગયો છું.' માથા ઉપર ઊંચકેલા ખાદ્યસામગ્રીના પોટલાંએ નીચે મુકતા ફિડલ બોલ્યો.


આ પર્વતશિખરની તળેટી તરફનો ઢોળાવ સીધો નહોંતો છતાં ઢોળાવ ઉપર બરફ સખત રીતે જામેલો હતો એટલે ખીણ તરફ ઢોળાવ ઉતરતી વખતે ખુબ જ સાવચેતી રાખવી પડે એમ હતી. જો એકવાર પગ લપસ્યો તો સીધા ખીણમાં જઈને પડીએ. ધીમે-ધીમે બધા ઢોળાવ ઉતરવા લાગ્યા.


સૂર્ય આકાશમાં આવી ચુક્યો હતો. સૂર્યપ્રકાશના કારણે ધુમ્મસ ઓછું થયું હતું. ધુમ્મસ દૂર થવાની એક મુશ્કેલીનો અંત થયો હતો તો બીજી એક નવી મુશ્કેલીએ જન્મ લઈ લીધો હતો. એ મુશ્કેલી હતી સૂર્યપ્રકાશના કારણે ઢોળાવ પર જામેલો બરફ પીગળવાની. સૂર્ય પ્રકાશના કારણે ઢોળાવ પર જામેલા સખત બરફનું ઉપરનું પાતળું પડ ઓગળીને અમૂક જગ્યાએ નાનકડા પાણીના જરા સ્વરૂપે ફૂટી નીકળતું હતું એટલે બધાને લપસી જવાનો ખુબ જ ડર લાગી રહ્યો હતો.


"એન્જેલા બેટી સાચવીને ઉતાવળી ના બન.' કેપ્ટ્ને એન્જેલાને કહ્યું.એન્જેલાનો પગ લપસી જતાં થોડાકમાં જ બચી ગયો.


હવે થોડુંક જ ઉતરવાનું બાકી રહ્યું હતું. બધાની આંખો ખીણમાં રોકી અને જોન્સનને શોધી રહી હતી.


"પેલો રહ્યો રોકી.' ખીણથી થોડાંક જ ઉપર રહ્યા હતા ત્યારે ફિડલે બુમ પાડી અને ખીણમાં કૂદકો મારી રોકી તરફ દોડ્યો.


બીજા બધા પણ જલ્દી ખીણમાં ઉતરી પડ્યા અને દોડીને રોકી પાસે પહોંચ્યા. અર્ધબેભાન અવસ્થામાં રહેલું રોકીનું અડધું શરીર બરફમાં ખૂંપી રહ્યું હતું. એના શ્વાસ માંડ-માંડ ચાલી રહ્યા હતા.


"અરે આમ શું જોઈ રહ્યા છો બહાર નીકાળો એને જલ્દી.' બધા ફાટી આંખે રોકીને તાકી રહ્યા હતા એ જોઈને કેપ્ટ્ન મોટા અવાજે બોલ્યા.

કેપ્ટ્નનનો અવાજ સાંભળતાની સાથે પીટર,ફિડલ અને જ્યોર્જ બરફમાં ખૂંપી ગયેલા રોકીના શરીરને ખેંચવા લાગ્યા. આજુબાજુનો બરફ હટાવીને એમણે રોકીના શરીરને બહાર ખેંચી કાઢ્યું. પછી કેપ્ટ્ન અને પ્રોફેસર રોકીના હાથ અને પગ ઘસવા લાગ્યા કરણ કે રોકીને અત્યારે ગરમાવાની જરૂર હતી એની શરીર ધીમે ધીમે ઠંડુ પડી રહ્યું હતું.

"જ્યોર્જ પેલું શું છે ? ક્રેટીએ એમનાથી થોડેક દૂર બરફનો ઢગલો જામ્યો હતો એ તરફ આંગળી ચીંધીને જ્યોર્જને કહ્યું.

"ઓહહ.! બરફની બહાર તો કોઈકનો હાથ છે.' ક્રેટીએ બતાવેલા બરફના ઢગલા તરફ જોઈને જ્યોર્જ ઉતાવળા અવાજે બોલી ઉઠ્યો.

બધાનું ધ્યાન એ બરફના ઢગલા તરફ ગયું. બરફના ઢગલાની ઉપર કોઈકનો હાથ હતો અને બાકીનું શરીર બરફમાં દટાઈ ગયું હતું. ફિડલ ઝડપથી એ તરફ દોડ્યો.

"અરે જલ્દી આવો આ તો જોન્સનનો હાથ છે.' બેબાકળા બનીને ફિડલે બુમ પાડી. રોકીને ત્યાં જ પડ્તો મૂકીને બધા બરફના ઢગલા તરફ દોડ્યા.

"ઓહ.! આખું શરીર બરફ નીચે દટાઈ ગયું છે.' પ્રોફેસર નિસાસો નાખતા દુઃખી અવાજે બોલ્યા.

"જલ્દી એને બહાર કાઢો.' કેપ્ટ્ન ગંભીર અવાજે બોલ્યા.

(ક્રમશ)