સરકારી ખર્ચે એમ.બી.બી.એસ કર્યા પછી બોન્ડ ના નિયમ મુજબ 1 વર્ષ સુધી સરકાર કહે તે ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવી પડે છે.
ડોક્ટર સોહીલ આચાર્ય ગવર્મેન્ટ કોલેજમાં એમ.બી.બી.એસ તો થઈ ગયો પણ સરકારી નિયમ મુજબ એનું પોસ્ટીંગ પંચમહાલ જિલ્લામાં દાહોદ વિસ્તારમાં નંદપુર ગામમાં થયું.
નંદપુર સાવ નાનકડું ગામ. ગામની વસ્તી માંડ આઠથી દસ હજાર. મોટાભાગે આખો આદિવાસી વિસ્તાર ! ગામમાં ગ્રામ પંચાયત ની ઓફીસ, એક સરકારી દવાખાનું અને સાતમા ધોરણ સુધીની એક પ્રાઇમરિ સ્કૂલ ! આખા દિવસમાં બે બસો આવે જે દાહોદ સાથે કનેક્શન આપે !
સોહીલ મેડિકલ ઓફિસર તરીકે હાજર થયો ત્યારે ત્યાંના ઇન્ચાર્જ ડોક્ટરે તેને ચાર્જ આપ્યો. દવા અને ઈન્જેક્શનનો સંપૂર્ણ સ્ટોક બતાવી દીધો. દવાઓ ક્યાંથી મંગાવવી, કેવી રીતે મંગાવવી એ બધું સમજાવી દીધું. કોઈક ઇમરજન્સી કેસ આવે તો કઈ હોસ્પિટલમાં રિફર કરવો વગેરે સમજણ આપી. સ્ટોક રજીસ્ટર પણ બતાવી દીધું.
" મોટાભાગે તો આપણે ડીલેવરી ના કેસ લેતા નથી પણ કોઈ ઈમરજન્સી હોય તો માનવતાની દ્રષ્ટિએ કેસ હાથમાં લેવો પડે છે. આપણા આ સેન્ટરમાં બસ એક જ નર્સ છે. હું એક નંબર આપી રાખું છું એ આ ગામના એક દાયણ બેનનો છે જે ડિલિવરી સારી રીતે કરાવે છે. જરૂર લાગે તો એ બેન નો પણ સંપર્ક કરી લેવો. દક્ષાબેન બહુ જ હોશિયાર છે અને સેવાભાવી પણ છે. "
" નર્સ થી જરા સાવધાન રહેજે ! એ યુવાન છે, રૂપાળી છે, સ્વભાવ પણ સારો છે પણ ગામમાં એની છાપ સારી નથી. આપણું નામ ખરાબ થાય એવું નહીં કરવાનું. ગામ નાનું છે એટલે બહુ સાવધાન રહેવું પડે. તું બહુ દેખાવડો છે એટલે સાવધાન કરું છું " જુનો ડોક્ટર સોહિલ ને શિખામણ આપતો હતો.
" થેન્ક્યુ કમલેશભાઈ.. તમે તો હવે ગોધરા માં જ છો એટલે જરૂર પડશે તો તમને હું ફોન કરીશ. અહીંયા પેશન્ટો કેટલા રહેતા હોય છે ?"
" અહીંયા કામનું એટલું દબાણ નથી. તાવ શરદી ઝાડા ઉલ્ટીના જ મોટાભાગના કેસ હોય છે. પથરી ના કેસ પણ વચ્ચે વચ્ચે આવતા હોય છે પણ એમાં તો આપણે પેઇનકિલર આપી દઈએ છીએ. એવું લાગે તો દાહોદ હોસ્પિટલમાં રિફર કરીએ છીએ. "
"આપણો કમ્પાઉન્ડર ધુળાજી ખૂબ સારો માણસ છે. કઈ પણ લાવવા મૂકવાનું એને કહી દેવાનું. ગામનો સ્થાનિક માણસ છે. આખા ગામને ઓળખે છે. ધૂળાજી કામમાં પણ હોશિયાર છે. નાના પાટાપિંડી જેવા કેસ તો એ પોતે જ સંભાળી લેશે. "
" ક્વાર્ટર તો આપણને આપેલું છે એટલે તું ફેમિલીને બોલાવી શકે છે. દૂધવાળો પણ મેં બાંધેલો છે અને મેં એને કહી દીધું છે એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. "
" હા પણ હું તો હમણાં એકલો જ રહેવાનો છું. મમ્મી હમણાં અહી આવી શકે એમ નથી. મારી બે નાની બહેનો અમદાવાદમાં ભણે છે."
" તો તો જમવાનો મોટો પ્રોબ્લેમ થશે. તારે આ નર્સ દિપાલી સાથે જ કંઈક જમવાનું સેટીંગ કરવું પડશે. એ તારી જેમ બ્રાહ્મણ છે. હમણાં એ આવે એટલે આપણે વાત કરી જોઈએ. રોજ રોજ રસોઈ કરવાનું તને નહીં ફાવે. હું તો મારા વાઈફ સાથે રહેતો હતો એટલે પ્રોબ્લેમ નહોતો."
" અને જો... ગામના બે માથાભારે માણસો ને જરાક સંભાળી લેવાના. જીવણ ચૌધરી પોતે દારૂનો અડ્ડો ચલાવે છે. કેશાજી પણ ગામનો ઉતાર છે. ક્યારેક-ક્યારેક આ લોકો દવાખાને આવી ચડતા હોય છે. બહુ માથાકૂટ નહીં કરવાની. અમુક બાબતોમાં આંખ આડા કાન કરવાના."
એટલામાં નર્સ પણ આવી ગઈ. એ ઘરે જમવા ગઈ હતી.
" અરે દિપાલી ...આ નવા ડોક્ટર હાજર થઈ ગયા છે. બસ આજે મારો છેલ્લો દિવસ છે. તારા આ નવા સાહેબ માટે જમવાનું ટિફિન તારા ઘરે થી તું લાવી શકીશ ? કારણ કે સોહીલ પણ તારી જેમ બ્રાહ્મણ છે અને અહીં એકલો જ રહેવાનો છે"
" લગભગ તો વાંધો નહીં આવે સાહેબ. છતાં મારી મમ્મીને પૂછી જોઈશ અને જો હા પાડશે તો કાલથી ચાલુ કરીશ. આજે તો તમારે નાસ્તાથી ચલાવી લેવું પડશે "
" આજની કોઈ ચિંતા નથી. ઘરેથી થેપલા પૂરી વગેરે લાવેલો છું. ચા મંગાવી લઈશ સામે ની લારીમાં થી. "
" દિપાલી... ડોક્ટરની જમવાની વ્યવસ્થા તું જ કરી આપ કાલથી......આખા ગામમાં માત્ર એક જ રેસ્ટોરન્ટ છે.... અને ત્યાં પણ ભજીયાં કે ચા સિવાય બીજું કંઈ મળતું નથી. " કમલેશે દિપાલી ને રિકવેસ્ટ કરી.
" તમે અહીં કઈ કઈ ડ્યૂટી કરો છો દિપાલીબેન ? " સોહીલે દિપાલી ને પૂછ્યું.
" મને બેન બેન ના કરો સાહેબ.... હું તમારાથી પણ નાની છું.. અને તમે તો સાહેબ છો. ખાલી દિપાલી કહેશો તો ચાલશે. "
" અને મારું કામ તમને મદદ કરવાનું સાહેબ. કેસ કાઢું છું. ધૂળાકાકા ના હોય ત્યારે દવાઓ પણ આપું છું. ક્યારેક ઇન્જેક્શન પણ આપુ છું. બીજું તો અહી શું કામ હોય સાહેબ દવાખાનામાં ? "
એ દિવસે સાંજ સુધી કમલેશ રોકાયો અને સાંજની બસમાં ફેમિલી સાથે એ નીકળી ગયો. જતા-જતા કહેતો ગયો.
" એકદમ કોન્ફિડન્સ થી ટ્રીટમેન્ટ કરવાની. જરા પણ મુંઝાવાનું નહિ. કેસ સીરીયસ લાગે તો કોઈ રિસ્ક નહિ લેવાનું. દાહોદ લઈ જાઓ એમ કહી જ દેવાનું. કંઈ આડુંઅવળું થઈ જાય તો અહી ટોળા ભેગા થઇ જાય. અહીં આપણી સુરક્ષા આપણે જાતે જ કરવાની છે "
હવે સોહીલ એકલો થઈ ગયો. મેડિકલ ઓફિસર તરીકે કાલથી શરૂઆત થવાની હતી. હોસ્પિટલમાં તો ઇન્ટર્ન તરીકે પ્રેક્ટિસ કરી હતી પણ સ્વતંત્ર નિદાન અને સારવાર હવે એણે જ કરવાના હતા.
બીજા દિવસથી સોહીલ ની પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ. માંદગીની સીઝન નહોતી એટલે આખા દિવસમાં માંડ પંદર-વીસ પેશન્ટ આવતા હતા. ધીમે ધીમે એનો કોન્ફિડન્સ પણ વધવા લાગ્યો.
ગામમાં બધા એનું બહુ જ રિસ્પેક્ટ કરતા હતા.
એણે બાઈક ઘરેથી મંગાવી લીધી હતી દિપાલી ના ઘરેથી બે ટાઈમ ટિફિન આવી જતું હતું. ક્યારેક એ બાઈક લઈને સાંજના ટાઇમે દિપાલી ના ઘરે જઈને જમી આવતો. ગામના છેડે હનુમાનજીનું એક મંદિર હતું ત્યાં માત્ર શનિવારે એ દર્શન કરવા જતો. ગામના લોકો થી થોડુંક અંતર રાખવું જરૂરી હતું એટલે એ કોઇની સાથે ખાસ વાત કરતો નહોતો. કોઈ પેશન્ટ રસ્તામાં મળે તો ખબર પૂછી લેતો.
સોહીલ ભણવામાં હોશિયાર હતો અને ઇન્ટર્ન તરીકે એણે સિવિલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ પણ કરી હતી એટલે ગમે તેવા કેસ એ હેન્ડલ કરી શકતો. દિવસે દિવસે ગામમાં એની પ્રતિષ્ઠા વધતી જતી હતી. દિવસે દિવસે દર્દીઓ વધવા લાગ્યા અને આજુબાજુના ગામના લોકો પણ હવે તો આ સેન્ટરમાં આવવા લાગ્યા.
આમ ને આમ છ મહિના નીકળી ગયા. દિપાલી વિશે કમલેશે જે વાત કરી હતી એવું કશું દિપાલીના ચારિત્ર્યમાં એને દેખાયું નહોતું. એ કામકાજમાં પણ હોશિયાર હતી. ડીલીવરી નો એક કેસ પણ એણે અને દિપાલીએ ભેગા થઈને સરસ રીતે હેન્ડલ કર્યો હતો.
સોહીલ નું બપોરનું જમવાનું દિપાલી પોતાની સાથે લઈને આવતી હતી જ્યારે સાંજે તો સોહીલ પોતે જ દિપાલી ના ઘરે જમવા જતો હતો.
એક દિવસ આ રીતે સાંજના ટાઇમે બાઈક ઉપર એ દિપાલી ના ઘરે જમવા જતો હતો ત્યારે રસ્તામાં જીવણ ચૌધરીએ એને રોક્યો.
" દાક્તર આજ કાલ દિપાલી ના ઘરે તારા આંટાફેરા વધી ગયા છે પણ એના ઉપર નજર બગાડી છે તો યાદ રાખજે.. ગામમાં રહેવું ભારે થઈ પડશે !! દિપાલી મારી છે અને હું એને કોઈ ની થવા નઈ દઉં ! "
" જીવણભાઈ મને તમારી દિપાલી માં કોઈ રસ નથી. હું ડોક્ટર છું અને એ મારી નર્સ છે અને હું અહીં એકલો રહું છું એટલે એના ત્યાં રોજ જમવા માટે જાઉં છું. હવે હું જાઉં ? "
અને સોહીલે બાઈક સ્ટાર્ટ કરી. એણે બીજા દિવસે દવાખાનામાં દિપાલી સાથે આ બાબતે ચર્ચા કરી.
" સાહેબ એની મારા ઉપર બુરી નજર છે. એણે મને એકવાર ફસાવવા કોશિશ પણ કરી હતી પણ હું છટકી ગઈ હતી. મેં બૂમો પાડી હતી એટલે તેણે મને છોડી દીધી હતી. એ દિવસે તો હું બચી ગઈ પણ ગામમાં એણે મને ખૂબ જ બદનામ કરી છે. "
" આવા નાના ગામમાં છોકરીઓને આવા ગુંડા માણસોથી પોતાની જાતને બચાવવી પડે છે સાહેબ. એમાં પણ મારા પપ્પા નથી એટલે અમારે ખૂબ ડરીને રહેવું પડે છે. આખા ગામમાં એ જીવણ ની ધાક છે. મારી માને પણ મારી જ બહુ ચિંતા રહે છે"
સોહીલ ને પણ દીપાલી ની વાત સાચી જ લાગી. કારણકે આટલા સમયમાં એ એને બરાબર ઓળખી ગયો હતો કે દિપાલી નું ચારિત્ર્ય શુદ્ધ છે. એણે આજ સુધી કોઈપણ આડી અવળી વાત નહોતી કરી.
સમયનું ચક્કર ફર્યા જ કરતું હોય છે. એ ઘટનાના લગભગ એકાદ મહિના પછી જીવણ ચૌધરી નો દસ વરસનો એકનો એક દીકરો બીમાર પડ્યો. શરૂઆતમાં તો એણે ઘરગથ્થુ દવા કરી અને જ્યારે સિરિયસ થઈ ગયો ત્યારે એ સોહીલ પાસે લઈ આવ્યો.
જીવણ ની વહુ સોહીલ ને બે હાથ જોડીને કરગરતી હતી. જીવણ બાજુમાં ઉભો હતો. સોહીલે ચેક અપ કર્યું. છોકરાને ન્યુમોનિયા હતો અને કેસ સીરીયસ થતો જતો હતો.
" તમારા દીકરા નો કેસ બહુ જ સીરીયસ છે બહેન. તમે આવવામાં ઘણું મોડું કર્યું છે. એને એડમિટ કરવો પડે એવી સ્થિતિ છે. "
" તમારું નામ બહુ સાંભળ્યું છે સાહેબ. તમે ગમે તેવા રોગ મટાડી દો છો. મારા દીકરાને તમે જ મટાડી દો. "
" બોલો જીવણભાઈ શું કરવું છે ? તમે એને દાહોદ લઈ જાવ તો સારું "
" ના સાહેબ તમે જ એને સારો કરી દ્યો . "
" બે મિનીટ આવો મારી સાથે" એમ કહીને સોહીલ જીવણને બાજુના રૂમમાં લઇ ગયો.
" જીવણભાઈ તમારા દીકરા નો કેસ ખૂબ જ બગડી ગયો છે તો પણ એક શરતે હું હાથમાં લઉં. જો તમે દિપાલીનો રસ્તો છોડી દેતા હો તો !! દિપાલી ઉપર નજર બગાડવાની બંધ કરી દો એ મારી શરત છે "
એકનો એક દીકરો ગુમાવવાની નોબત આવી હતી. જીવણ બે હાથ જોડીને માત્ર એટલું જ બોલ્યો.
" મારા છોકરાને બચાવી લો સાહેબ. આજથી દિપાલી મારી નાની બહેન છે ..... મારા આ દીકરા ના હમ ખાઈને કહું છું " અને જીવણની આંખમાં પાણી આવી ગયા.
સોહીલે તરત જ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. એમોક્સિસિલિન નું ઇન્જેક્શન આપી દીધું. તાવ માટે પેરાસીટામોલ નો પણ હળવો ડોઝ આપ્યો.
" હમણાં ત્રણ દિવસ સુધી તેને સવાર-સાંજ દવાખાને લઈ આવજો. ઈન્જેકશન આપવા પડશે. આ પ્રવાહી દવા એક એક ચમચી દિવસમાં ત્રણ ટાઈમ આપજો. "
જીવણ નો દીકરો ચાર દિવસમાં તો એકદમ રમતો થઈ ગયો. આખા ગામમાં સોહીલ ની વાહ વાહ થઈ ગઈ.
જીવણ દવાખાને આવીને મીઠાઈ આપી ગયો અને બે હાથ જોડીને દિપાલી ને પગે લાગ્યો અને માફી પણ માગી.
જીવણ ના ગયા પછી દિપાલી સોહીલ ને મુગ્ધ ભાવથી જોઈ રહી.
" ડોક્ટર સાહેબ આ ચમત્કાર માત્ર તમે જ કરી શકો. જીવણભાઈ ના દીકરાને તો બચાવ્યો પણ તમે મને પણ બચાવી લીધી. તમારા માટે મારું માન ઘણું વધી ગયું છે. "
એ રાત્રે સોહીલ દિપાલી વિશે વિચારવા લાગ્યો. - ' દિપાલી ખરેખર એક ખુબ જ સરસ છોકરી હતી. મારી જ કાસ્ટની હતી. નર્સિંગનો કોર્સ કરેલી હતી. રૂપાળી પણ હતી. રસોઈ અને ઘરનાં કામકાજમાં પણ ખૂબ હોશિયાર હતી. પોતાના કરતાં ત્રણ વર્ષ નાની હતી. દિપાલી સાથે જ હું જો લગ્ન કરી લઉં તો જોડી શોભે એવી હતી.'
સોહીલ ના મમ્મી પપ્પા આધુનિક જમાનાના હતા. લગ્નનો નિર્ણય પણ એમણે સોહીલ ઉપર છોડ્યો હતો. સોહીલ જે પણ પાત્ર પસંદ કરશે એ શ્રેષ્ઠ જ હશે એવું એ માનતા હતા. એટલે સોહિલ ને એ બાબતનું કોઈ ટેન્શન નહોતું.
સોહીલે મનોમન નક્કી કરી લીધું કે યોગ્ય સમય સુધી રાહ જોવી. હમણાં દિપાલી ને મારે કોઈ વાત નથી કરવી. એવી કોઈ ઉતાવળ પણ નથી. પણ આ વિલંબ કરવામાં વળી બીજી એક ઘટના બની.
એક મહિના પછી વેકેશનમાં દીપાલીની માસી ની દીકરી ગાર્ગી દિપાલી ના ત્યાં રોકાવા આવી. એ કોલેજના બીજા વર્ષમાં ભણતી હતી. દેખાવે ખૂબ જ રૂપાળી અને થોડીક ચંચળ પણ હતી.
ડોક્ટર સોહીલ આચાર્ય માસીના ઘરે રોજ સાંજે જમવા આવતો એ ગાર્ગીએ જોયું. સોહીલ એક હેન્ડસમ યુવાન હતો, ડોક્ટર હતો અને સ્વભાવનો પણ સારો હતો. રોજ ની આવન-જાવન ના કારણે સોહીલ નો પરિચય પણ થતો ગયો. બપોરે દવાખાનામાં ટિફિન આપવા માટે હવે દિપાલી સાથે ગાર્ગી પણ આવતી.
ગાર્ગી નું મન સોહીલ માં લાગી ગયું. ક્યારે સાંજ પડે અને ક્યારે સોહીલ જમવા આવે એની રાહ જોતી અને રસોઈ કરવામાં પણ અંગત રસ લઈને નવી નવી વાનગીઓ બનાવતી.
સોહીલ ને પણ અનુભવ થયો કે ગાર્ગી પોતાની તરફ ખેંચાતી જાય છે. વાત કરવાની કોશિશ કરતી હોય છે. પોતાની સામે સતત તાકી રહે છે. એનું દિલ મારા ઉપર આવી ગયું છે પણ ખુલ્લા મને બોલી શકતી નથી. પોતે તો દિપાલી સાથે લગ્નનું વિચારી રહ્યો છે તો હવે શું કરવું ?
હવે દિપાલી સાથે વાતચીત કરવાનો સમય પાકી ગયો છે એવું સોહિલ ને લાગ્યું. એક ને હું પસંદ કરું છું જ્યારે બીજી મને પસંદ કરે છે અને બંનેનો પ્રેમ એક તરફી છે. શું કરવું ? ગાર્ગી ને સ્વીકારી લેવી કે દિપાલી ને ? સોહીલ આખી રાત મનોમંથન કરતો રહ્યો.
છેવટે સોહીલે નક્કી કર્યું કે આ બાબતની ચર્ચા હવે દિપાલી સાથે કરી લેવી. બપોરે સોહીલ પોતાના ક્વાર્ટર માં હતો ત્યારે દિપાલી ટિફિન લઈને આવી. કોણ જાણે કેમ પણ એ આજે થોડી ખુશમિજાજમાં દેખાતી હતી.
સોહીલ વાતની શરૂઆત કરે તે પહેલાં જ ટિફિન ખોલીને થાળીમાં પીરસતાં પીરસતાં દિપાલીએ વાત શરૂ કરી.
" ડોક્ટર સાહેબ એક વાત પૂછું ? "
" હા...બોલ ને દીપુ !!" આટલા પરિચય પછી સોહીલ ક્યારેક દિપાલી ને દીપુ સંબોધન કરી દેતો. આજે પણ એમ જ બન્યું.
" ગાર્ગી તમને કેમ લાગે છે ? એ તમને પ્રપોઝ કરવા માગે છે. તમે એના માટે વિચારી શકો ? કારણકે પ્રપોઝ કર્યા પછી તમે ના પાડો તો એને બહુ દુઃખ થાય એટલે મારે તમારું મન જાણવું છે. " દિપાલીએ એકદમ જ ધડાકો કરીને સોહીલ ને ચમકાવી દીધો.
ગાર્ગીને પણ એ પોતાની સાથે જ લાવી હતી પણ એને નીચે ઉભી રાખી હતી. ક્વાર્ટર દવાખાનાની ઉપર પહેલા માળે હતું. દિપાલી આજે સોહિલના મનનો તાગ લેવાની હતી એટલે એણે ગાર્ગી ને નીચે ઊભા રહેવાનું કહ્યું હતું.
" અરે પણ દિપાલી... હું તો તને પ્રપોઝ કરવાનું વિચારું છું.......... મારું મન તો તારામાં વસેલું છે..... હું એક-બે દિવસમાં તારા ઘરે આવીને માસી પાસે આ મીઠડી ગ્રામ કન્યા ના હાથની માગણી કરવાનો જ હતો !"
હવે ચમકી જવાનો વારો દિપાલી નો હતો. એણે તો કલ્પના જ નહોતી કરી કે ડોક્ટર સાહેબ પોતાની સાથે લગ્ન કરવા માંગે છે. એ એકદમ શરમાઈ ગઈ. કંઈ પણ બોલી શકી નહીં. એના દિલમાં જબરદસ્ત ઉથલપાથલ મચી હતી. હવે શું જવાબ આપવો ?
" હા દિપુ.... છેલ્લા આઠ મહિનાથી હું તને ઓળખું છું... એક સુશીલ અને ખાનદાન પત્નીમાં હોવા જોઈએ એ તમામ ગુણ તારામાં છે.... આજ સુધી તેં મારુ ધ્યાન પણ ખૂબ રાખ્યું છે... ગાર્ગી ચોક્કસ સારી છોકરી છે અને મને ગમે પણ છે.... તોપણ લગ્ન માટે મારી પહેલી પસંદગી તો ગામડા ની આ ગોરી જ છે દીપુ !! " સોહીલે દિપાલી નો હાથ હાથમાં લેતાં કહ્યું.
" કોન્ગ્રેચ્યુલેશન દીદી. " અચાનક જ ગાર્ગી રૂમમાં ધસી આવી અને દિપાલી ને વળગી પડી.
દિપાલી સોહીલને પોતાના માટે વાત કરે ત્યારે સોહીલ શું જવાબ આપે છે એ સાંભળવાના આશયથી ગાર્ગી ઉપર આવીને દરવાજાની બહાર છુપાઈને ઉભી હતી. એણે બંનેની વાતચીત સાંભળી લીધી એટલે દોડતી અંદર આવી.
" ડોક્ટર સાહેબ તમારી પસંદગી શ્રેષ્ઠ જ છે. મારી બહેન ખરેખર લાખોમાં એક છે..... તમે બંને એકબીજાના પરિચયમાં છો..... તમે દીદી ને પ્રપોઝ પણ કર્યું છે એટલે હવે મારે કબાબમાં હડ્ડી બનવું નથી... હું દીદી માટે ખૂબ જ ખુશ છું. "
" બસ તો માસી ને કહી ને તમે લોકો લગ્નની તૈયારી કરો. નવેમ્બર માં મારો એક વર્ષનો બોન્ડ કોન્ટ્રાક્ટ પૂરો થઈ જશે એટલે હું એ પછી અમદાવાદમાં સેટ થઈશ. લગ્ન તો ડિસેમ્બરમાં જ કરવા છે. "
" હવે હું તમને ડોક્ટર સાહેબ નહીં પણ જીજુ કહીને બોલાવીશ..... તમને કંઈ વાંધો તો નથી ને જીજાજી ? "
" જીજુ કહે કે જીજાજી... મને કોઇ જ વાંધો નથી સાળી સાહેબા !! પણ સાળી અડધી ઘરવાળી છે એ તો ખબર છે ને ? " કહીને સોહીલ હસી પડ્યો.
" દીદી ને વાંધો ના હોય તો અડધી શું કામ ? આખી ઘરવાળી બની જવા તૈયાર છું. એકની સાથે એક ફ્રી !!!"
આ બંનેના મજાકિયા સંવાદોમાં દિપાલી એકદમ મૌન થઈ ગઈ હતી. એક સાધારણ ગ્રામ કન્યા ને પત્ની તરીકે સોહિલે પસંદ કરી હતી. આ સ્વપ્ન છે કે સત્ય એ દિપાલી વિચારી શકતી જ નહોતી !! એનું દિલ લાગણીઓથી ભરાઈ આવ્યું હતું પણ વાચા મૌન હતી !!
ગાર્ગી દિપાલીના મન ની અવસ્થા સમજી શકતી હતી. એ સડસડાટ નીચે ઉતરી ગઈ. ઉપર બંને પ્રેમી પંખીડાને પ્રેમ ના ઉભરા ઠાલવવા થોડો અવકાશ આપવો જરૂરી હતો !!
અશ્વિન રાવલ ( અમદાવાદ )