Albeli - 1 in Gujarati Fiction Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | અલબેલી - ૧

Featured Books
Categories
Share

અલબેલી - ૧

પ્રકરણ-૧
નામ એનું અલબેલી. અલબેલી એના નામ પ્રમાણે જ ખૂબ અલબેલી હતી. અનાથ આશ્રમમાં ઉછરેલી આ છોકરી અલબેલી. આમ જોઈએ તો અલબેલી ના જીવનમાં કશું જ સારું નહોતું. છતાં પણ એ તેના સ્વભાવને કારણે ખૂબ અલબેલી હતી.
એનો જન્મ થયો ત્યારે જ એની માતા મૃત્યુ પામી હતી. અને એના પિતા અલબેલીની માતા ને ખૂબ પ્રેમ કરતા હતા. પણ અલબેલીના જન્મ પછી જ્યારે એની માતા મૃત્યુ પામી ત્યારે એના પિતા તો અલબેલીને જ પોતાની માતાના મૃત્યુ માટે જવાબદાર ઠેરવવા લાગ્યા અને એક દિવસ પત્નીની યાદમાં અને એના વિરહમાં બધું જ ભાન ભૂલી ગયેલા અને માનસિક રીતે ખૂબ તૂટી ગયેલા અલબેલીના પિતા એક ગોઝારી ક્ષણે પોતાની દીકરી અલબેલીને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા.
આ કેવો માણસ હશે કે જેને પોતાની જ દીકરી ને અનાથાશ્રમમાં મુકતા એનો જીવ કેમ ચાલ્યો હશે? શું એને દીકરીનું મોઢું જોઈને પણ એવો વિચાર નહીં આવ્યો હોય કે, આ મારી દીકરી છે? આ મારી મરી ગયેલી પત્નીની પ્રતિકૃતિ છે. હું જો આને અનાથાશ્રમમાં મૂકી આવીશ તો મારી પત્નીના આત્માને કેટલું કષ્ટ પડશે? આવો એક પણ વિચાર અલબેલીના પિતાને આવ્યો નહોતો કારણ કે, એ તો પોતાનું માનસિક સંતુલન જ ગુમાવી બેઠા હતા. પણ અલબેલીના નસીબ એટલા સારા હતા કે, એના પાગલ થઈ ગયેલા બાપને એને અનાથાશ્રમમાં મુકવાનો સુવિચાર આવ્યો અને પોતે પાગલપણાના આવેશમાં જ અલબેલીને જ્યોતિ અનાથાશ્રમમાં મૂકી આવ્યા.
જ્યોતિ અનાથાશ્રમના માલિક જ્યોતિબહેન ખૂબ જ માયાળું હતા. આશ્રમના બધા બાળકો પર એમને ખૂબ પ્રેમ હતો. એમાંય અલબેલી પર તો એને વિશેષ પ્રેમ હતો.
જ્યોતિબહેનને પોતાના કોઈ સંતાન નહોતા. તેઓ અને તેમના પતિ દીપક બંને નિઃસંતાન હતા. દીપકભાઈ ખૂબ ધનવાન હતા. પૈસાની એમને ત્યાં કોઈ કમી નહોતી પણ એક સંતાનનો અભાવ એમને હંમેશા સાલતો અને જ્યારે તપાસ કરાવતા ખબર પડી કે, જ્યોતિબહેન ક્યારેય મા બની શકે એમ નથી ત્યારે સમગ્ર પરિવારથી વિરુદ્ધ જઈને એક માત્ર દીપકભાઈએ જ એમને સાથ આપ્યો હતો.
દીપકભાઈના ઘરના બધાએ કહ્યું હતું કે, તું જ્યોતિ ને છોડી દે અને બીજા લગ્ન કરી લે ત્યારે દીપકભાઈ ખૂબ મક્કમ રહ્યાં હતાં અને એમણે બધાને સણસણતો જવાબ આપ્યો હતો. "હું જ્યોતિને છોડવાનો નથી અને બીજા લગ્ન પણ કરવાનો નથી. માત્ર એક બાળક ખાતર હું આ છોકરી ની જિંદગી બરબાદ કરું એવું ઈચ્છો છો તમે? આવો વિચાર પણ કરતાં તમને લોકોને શરમ આવવી જોઈએ. તમે તો માતા પિતા છો કે કસાઈ? જ્યોતિની જગ્યાએ જો તમારી દીકરી હોત તો? શું સંતાન ન હોવું એ કોઈ ગુનો છે? આજે હવે તમે બંને ધ્યાનથી સાંભળી લેજો. અમે બંને ભલે એક બાળકના માતા પિતા ન બની શકીએ પરંતુ અમે બીજા અનેક અનાથ બાળકોના માતા પિતા બનીશું અને તમારા બંને કરતા વધુ સારા માતાપિતા પુરવાર થઈશું. આજે તો તમે લોકોએ ખૂબ ખોટી વાત કરીને મર્યાદાનું ઉલ્લંઘન કર્યુ છે. આ તો મારી પત્નીનું અપમાન છે અને જે ઘરમાં મારી પત્નીનું અપમાન થાય એ ઘરમાં હવે હું એક ક્ષણ પણ રહેવા નથી માંગતો. આજથી મારા ને જ્યોતિના તમારી સાથેનાં સંબંધો હવે પુરા થયા." એટલું કહી દીપકભાઈ માતા પિતા ના ઘરમાંથી બહાર નીકળી ગયા. અને તે જ દિવસથી જન્મ થયો જ્યોતિ અનાથાશ્રમના પાયાનો.
આ વાર્તા તો છે અલબેલીની. તો હવે આપણે અલબેલીની વાતને આગળ વધારીએ. જ્યોતિ અનાથાશ્રમમાં ખૂબ લાડકોડથી ઉછરેલી અલબેલી અને એની સફરની વાત આપણે શરૂ કરીએ.
"અલબેલી, અરે ઓ અલબેલી" કયાં છે તું? સવાર પડતાં જ જ્યોતિબહેનની રાડ સંભળાઈ.
આજે પણ રોજની જેમ જ નાનકડી અલબેલી ગાયબ થઈ ગઈ હતી. અલબેલીને જ્યોતિબહેનને સતાવવાની ખૂબ મજા આવતી. એટલે એ આશ્રમમાં ગમે ત્યાં ગમે ત્યારે સંતાઈ જતી. આજે પણ આવી જ રીતે અલબેલી સંતાઈ ગઈ હતી. અને જ્યોતિબહેન એને શોધી રહ્યાં હતાં.
શોધતાં શોધતાં જ્યોતિબહેન રસોડામાં જઈ ચડ્યા અને અલબેલીને ત્યાંથી લાડુ ખાતી પકડી પાડી.
"મમ્મી, તે પાછી મને લાડુ ખાતી પકડી પાડી." ત્રણ વર્ષની અલબેલી બોલી.
અલબેલી જ્યોતિબહેનને બોલતા શીખી ત્યારથી મમ્મી જ કહેતી હતી. અને જ્યોતિબહેનને પણ અલબેલી ખૂબ જ વહાલી હતી. બંને વચ્ચે લોહીનો સંબંધ નહોતો છતાં પણ બંને વચ્ચેનો સંબંધ સવિશેષ હતો. એ બંને વચ્ચે પ્રેમની સગાઈ હતી.
સમય વીતી રહ્યો હતો. અલબેલી હવે ધીમે ધીમે મોટી થઈ રહી હતી. અલબેલી હવે શાળાએ જતી થઈ હતી. અલબેલી નો સ્વભાવ ખૂબ વાતોડીયો હતો. શાળામાં એના ક્લાસમાં બધા એના મિત્રો ખૂબ હતા. એ બધાને ખૂબ રમૂજ કરાવતી. અલબેલી હંમેશા મિત્રોના ટોળા વચ્ચે ઘેરાયેલી જ રહેતી. પણ આ બધા જ મિત્રોમાંથી અલબેલી ની એક ખાસ સખી હતી નિરાલી. અલબેલી અને નિરાલીની ખૂબ જુગલ જોડી હતી. બંનેના નામમાં પણ સામ્યતા અને લક્ષણોમાં પણ.
એક છે અલબેલી ને એક છે નિરાલી
આ વાત હવે આગળ ક્યાં છે ચાલી?
ચાલી છે બંને એકમેકનો હાથ ઝાલી.
છલી રહી હવે બેઉના પ્રેમની પ્યાલી.