4.
રાજની દિવસેને દિવસે હાલત સુધરવાને બદલે ખૂબ જ વણસી રહી હોવાથી રાજનાં માતાપિતા અને બહેન રાજને લઈને નિયતિ સાઇકિયાટ્રિક હોસ્પિટલે લઈ જાય છે, ત્યાં ડૉ. રાહુલ રાજની બધી જ તાપસ કરે છે અને હિસ્ટ્રી જાણે છે, અને અંતે ડૉ. રાહુલ કિશોરભાઈને જણાવે છે કે હાલ રાહુલ કોઈ દેખીતા કારણ વગર જ ડિપ્રેશનનો ભોગ બની ગયેલ છે. આ સાથોસાથ તે હિલયુસીનેશનથી (આભાસ કે ભ્રમ) દ્વારા પીડાય રહ્યો છે, જેથી તેને અલગ અલગ વ્યક્તિઓ દેખાય છે અને તેનો અવાજ પણ સંભળાય છે. ત્યારબાદ ડૉ. રાહુલ કિશોરભાઈને “ડિપ કોમા સાઇકો થેરાપી વિશે વિગતવાર જણાવે છે. જ્યારે આ બાજુ કિશોરભાઇ અને ભાર્ગવી પણ ડૉ. રાહુલની વાત સાથ પોત પોતાની સહમતી દર્શાવે છે. આથી ડૉ. રાહુલ કિશોરભાઇ અને ભાર્ગવીને આવતીકાલે રાજને પોતાની હોસ્પિટલે સવારનાં સાત વાગ્યે લઈને આવવાં માટે જણાવે છે.)
સમય : સવારનાં 6:45
સ્થળ : નિયતિ સાઇકિયાટ્રિક હોસ્પિટલ
ડૉ. રાહુલ જૈને જણાવ્યાં અનુસાર કિશોરભાઈ અને ભાર્ગવી રાજને લઈને હોસ્પિટલે પહોંચી જાય છે. હાલ તેઓ ડૉ. રાહુલ જૈનની ચેમ્બરની બહાર બેસેલ હતાં. તે બધાનાં ચહેરા પર માયુસી અને લાચારી સપષ્ટ પણે દેખાય આવી રહી હતી. એક વિચારોનું ચક્રવાત હાલ તે બધાને ચારેબાજુએથી ઘેરી વળેલ હતું. હાલ તેઓનાં મનમાં “આ ડિપ કોમા સાઇકો થેરાપી એટલે શું ? તેમાં શું કરવામાં આવતું હશે ? શું આ ડિપ કોમા સાઇકો થેરાપી રાજનાં કેસમાં કારગાર નીવડશે ? શું ડિપ કોમા સાઇકો થેરાપીની કોઈ આડઅસરો તો નહીં હશે ને..? શું આજે રાજનું ચોક્કસ નિદાન થઈ શકશે?” આવા અલગ અલગ ઘણાંબધાં પ્રશ્નો તે બધાંનાં મનમાં ઉદભવી રહ્યાં હતાં પરંતુ આ બધાં જ પ્રશ્નો જવાબ માત્ર એક જ વ્યક્તિ આપી શકે તેમ હતાં.. એ વ્યક્તિ હતાં ડૉ. રાહુલ જૈન.
બરાબર એ જ સમયે ડૉ. રાહુલ પોતાની હોસ્પિટલમાં પ્રવેશે છે, ડૉ. રાહુલની હાલત જોતાં એવું લાગી રહ્યું હતું કે હાલ તેઓ જિમમાંથી સીધાં જ હોસ્પિટલે આવ્યાં હશે, કારણ કે હાલ ડૉ. રાહુલે ગ્રે રંગનું “એડીદાસ” લખેલ ટી શર્ટ અને બ્લેક રંગનું ટ્રેક પેન્ટ પહેરેલું હતું. જે પરસેવે રેબઝેબ હતું, હાથમાં પાણીની બોટલ હતી. ખભે યોગામેટનું કવર ટીંગાડેલ હતું.
જેવા ડૉ. રાહુલ પોતાની ચેમ્બર નજીક પહોંચે છે, એ સાથે જ કિશોરભાઈ, ભાર્ગવી અને રિસેપનીસ્ટ પોત પોતાની ખુરશી પરથી ઊભા થઈને ડૉ. રાહુલને “ગુડ મોર્નિંગ” વિશ કરે છે. આથી ડૉ. રાહુલ પણ તે લોકોને એક હળવા સ્મિત સાથે “ગુડ મોર્નિંગ” વિશ કરીને પોતાની ચેમ્બરમાં પ્રવેશે છે. ચેમ્બરમાં પ્રવેશ્યાં બાદ ડૉ. રાહુલ રિસેપનિસ્ટને પોતાની ચેમ્બરમાં બોલાવવા માટે કોલ બેલ દબાવે છે. આથી રિસેપનિસ્ટ ડૉ. રાહુલની ચેમ્બરમાં પ્રવેશે છે.
“ગુડ મોર્નિગ સર !” - રિસેપનિસ્ટ ડૉ. રાહુલને વિશ આપતાં ચેમ્બરમાં પ્રવેશે છે.
“ગુડ મોર્નિંગ ! તન્વી !” - ડૉ. રાહુલ વિશ આપતાં બોલે છે.
“એવરીથિંગ ઇસ રેડી ફોર ડિપ કોમાં સાઇકો થેરાપી ?” - ડૉ. રાહુલ તન્વીની સામે જોઈને પૂછે છે.
“યસ ! સર ! એવરીથિંગ ઈસ રેડી ફોર ડિપ કોમા સાઇકો થેરાપી, સર ગઇકાલે તમે મને જણાવ્યું એ પછી મે ગઇકાલે રાતે જ થેરાપી રૂમ તૈયાર કરી નાખ્યો હતો ! - તન્વી આત્મવિશ્વાસ સાથે જણાવે છે.
“આસિસ્ટન્ટ મયંક કુમાર ક્યાં છે ?” ડૉ. રાહુલ હળવી મજાક કરતાં તન્વીને પૂછે છે.
“સર ! મયંકભાઈ આજે સવારનાં 6 વાગ્યાના હોસ્પિટલે આવી ગયા છે, અને તેઓ ઓલરેડી થેરાપી રૂમમાં પહોંચી ગયાં છે.” તન્વી ડૉ. રાહુલને માહિતી આપતાં બોલે છે.
“ઓકે ! બહાર રાજ કરીને જે દર્દી બેસેલ છે, તેને થેરાપી રૂમમાં મોકલો.” - ડૉ. રાહુલ તન્વીને આદેશ કરતાં જણાવે છે.
ત્યારબાદ તન્વી ડૉ. રાહુલની ચેમ્બરમાંથી બહાર નીકળીને જ્યાં રાજ પોતાનાં પિતા અને બહેન સાથે બેસેલા હતાં, ત્યાં જઈને તન્વી રાજને થેરાપીરૂમમાં જવાં માટે જણાવે છે. બરાબર એ જ સમયે કિશોરભાઈ અને ભાર્ગવી પોતાનાં મનમાં હાલ જે પ્રશ્નો અને શંકાઓ ઉદ્ભવેલ હતી તેનાં વિશે તન્વીને જણાવે છે. તેઓની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ તન્વી કિશોરભાઇ અને ભાર્ગવીની સામે જોઈને જણાવે છે કે
“તમારા પ્રશ્નોનો હાલ મારી પાસે કોઈ જ ઉત્તરો નથી, તમારા પ્રશ્નોનો માત્રને માત્ર ડૉ. રાહુલસર જ ઉતર આપી શકે એવું છે.”
“તો ! અમારે અત્યારે ડૉ. રાહુલસરને મળવું હોય તો..?” ભાર્ગવી બેબકળા થતાં થતાં તન્વીનાં ચહેરા સામે જોઈને પૂછે છે.
“એક જ મિનિટ, એ બાબતે હું સરને પૂછીને આવું..!” - ડૉ. રાહુલની ચેમ્બર તરફ પોતાનાં પગલાઓ ભરતાં ભરતાં તન્વી બોલે છે.
ત્યારબાદ તન્વી ડૉ. રાહુલની ચેમ્બરમાં જાય છે, તેમને આખી વાત વિગતવાર જણાવે છે. તન્વીની વાત સાંભળ્યા બાદ ડૉ. રાહુલ સહજતા સાથે જણાવે છે કે..
“રાજને થેરાપીરૂમમાં લઈ જાવ અને કિશોરભાઈ અને ભાર્ગવીને મારી ચેમ્બરમાં મોકલો..!” - ડૉ. રાહુલ તન્વીને આદેશ આપતાં કહે છે.
ત્યારબાદ કિશોરભાઇ અને ભાર્ગવી ડૉ. રાહુલની ચેમ્બરમાં પ્રવેશે છે, અને હાલ કિશોરભાઈ અને ભાર્ગવીને જે કઈ પ્રશ્નો સતાવી રહ્યાં હતાં તે બધાં જ પ્રશ્નોનો સંતોષકારક જવાબ આપતાં જણાવે છે કે..
“ડિપ કોમા સાઇકો થેરાપી એ એક થેરાપી છે, જેમાં દર્દીના શરીરમાં સોઈ દ્વારા ખાસ પ્રકારની દવા દાખલ કરવામાં આવે છે, અને ત્યારબાદ તેને ઘણાબધાં પ્રશ્નો પૂછવામાં આવે છે. આ દરમિયાન દર્દી અર્ધ બેભાન હાલતમાં હોય છે. તેનાં સબકોન્સિયસ માઈન્ડમાં જે કંઈ ચાલી રહ્યું હોય તેના વિશે સંપૂર્ણ માહિતી મળી જાય છે. આ થેરાપી દરમિયાન દર્દી અર્ધ બેભાન હાલતમાં હોવાથી તે ઈચ્છે તો પણ ખોટા જવાબ આપી શકતો નથી.. રહી વાત તમારે રાજની થેરાપી દરમિયાન જોવાની તો તમે સામે જે રૂમ આવેલ છે, તેમાં કાચની મોટી બારી છે, જેમાંથી તમે રાજને આપવામાં આવતી થેરાપી નિહાળી શકો છો, જ્યારે રાજ થેરાપી રૂમમાંથી તમને નહીં જોઈ શકે, માત્ર તમે જ તને જોઈ શકશો એ તે કાચની ખાસિયત છે.” - ડૉ. રાહુલ કિશોરભાઈ અને ભાર્ગવીને સમજાવતાં જણાવે છે.
“સાહેબ ! તમે અમારા માટે સાચા અર્થમાં ભગવાન છો ! બાકી હાલ એવાં ક્યાં ડૉક્ટર હશે કે જે પોતાનાં દર્દીની સાથોસાથ તેનાં સબંધીઓને પણ આટલું સરસ સમજાવવા પાછળ પોતાનો સમય ફાળવે.” કિશોરભાઈ ડૉ. રાહુલ સામે પોતાના બંને હાથ જોડીને ખુરશી પરથી ઊભા થતાં થતાં બોલે છે.
“ઓકે ! તો હવે રાજની ડિપ કોમા સાઇકો થેરાપી શરૂ કરીએ ?” ડૉ. રાહુલ પોતાની ચેર પરથી ઊભા થતાં પૂછે છે.
“ હા ! સર ! ચોક્કસ !” ભાર્ગવી ડૉ. રાહુલની વાત સાથે સહમત થતાં બોલે છે.
ત્યારબાદ કિશોરભાઈ અને ભાર્ગવી ડૉ. રાહુલે જણાવેલ હતું તે મુજબ થેરાપી રૂમની પાછળ આવેલ રૂમમાં પ્રવેશે છે, જ્યારે આ બાજુ ડૉ. રાહુલ ઓ.ટી ડ્રેસ પહેરવા માટે ચેન્જિંગ રૂમમાં જાય છે. ડૉ. રાહુલ જૈને જાણે થેરાપી રૂમ પોતાની ઈચ્છા મુજબ બનવડાવેલ હોય તેવું કિશોરભાઈ અને ભાર્ગવીને લાગી રહ્યું હતું. આ રૂમમાં એકદમ નીરવ શાંતિ છવાયેલ હતી, બારી પર હળવાં ગુલાબી રંગનો પડદો લગાવેલ હતો, જેમાંથી હળવો હળવો પ્રકાશ થેરાપી રૂમમાં પ્રવેશી રહ્યો હતો. બારીની એકદમ અડીને ચાર પાંચ ફૂલદાનીઓ રાખેલ હતી. જેમાં અવનવા મનમોહક ફૂલો ખીલી ઉઠયા હતાં. આ રૂમની બરાબર વચોવચ એક મોટી આરામ ખુરશી હતી, જેની બંને બાજુએ નાની ખુરશીઓ રાખેલ હતી. આ રૂમમાં ધ્યાનમગ્ન એવાં ભગવાન બુદ્ધની એક આકર્ષક મૂર્તિ આવેલ હતી, જો આપણી જેવો કોઈ સામાન્ય વ્યક્તિ પણ જો આ થેરાપી રૂમમાં પ્રવેશે તો પરમ શાંતિનો અનુભવ થાય તેટલું સરસ રીતે આ થેરાપી રૂમનું સેટ-અપ કરેલ હતું.
હાલ રાજને પેલી મોટી આરામદાયક જે ચેર હતી તેમાં એકદમ રેલેક્ષ પોઝિશનમાં બેસાડેલ હતો, જ્યારે મયંક તે ચેરની બાજુમાં એક ટ્રોલી લઈને ઉભેલો હતો, મયંકે આ ટ્રોલીમાં અલગ અલગ પ્રકારના ઇન્જેક્શન અને ડિપ કોમા સાયકો થેરાપી માટે જરૂરી એવી બધી જ વસ્તુ ગોઠવીને રાખેલ હતી.બરાબર એ જ સમયે ડૉ. રાહુલ જૈન આછા વાદળી રંગનો ઓ.ટી ડ્રેસ પહેરીને થેરાપી રૂમમાં પ્રવેશે છે. અને રાજને ડિપ કોમા સાયકો થેરાપી આપવાની શરૂ કરે છે, કાચની પેલી બાજુએ ઉભેલાં કિશોરભાઈ અને ભાર્ગવી પોત પોતાના બંને હાથ જોડીને મનોમન તેઓના ઇષ્ટદેવને પ્રાર્થના કરવાં માંડે છે.
“શું ! આજે ડૉ. રાહુલ રાજનું પાક્કું નિદાન કરી શકશે? શું રાજ પર આ ડિપ કોમા સાઇકો થેરાપીની કોઈ આડઅસર તો નહીં થશે ને ? શું રાજ આ સિવાય અન્ય કોઈ બીમારી થી તો નહીં પીડાય રહ્યો હશે ને ? શું કિશોરભાઈ અને ભાર્ગવી રાજને આપવામાં આવતી ડિપ કોમા સાઇકો થેરાપી પોતાની આંખો વડે નિહાળી શકશે ? શું થેરાપી રૂમમાં રાજ સાથે કોઈ અજુગતિ કે અવિશ્વનિય ઘટનાં તો નહીં ઘટશે ને ?” હાલ પ્રશ્નો ઘણા બધાં હતાં પરંતુ તેનાં ઊતરો આવનાર સમય પાસે જ હતાં.
ક્રમશ