sundari chapter 59 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુંદરી - પ્રકરણ ૫૯

Featured Books
Categories
Share

સુંદરી - પ્રકરણ ૫૯

ઓગણસાઈઠ

“આટલી વહેલી સવારે ક્યાં જાય છે? તારે તો વેકેશન છે ને?” સુંદરી ઘરનો દરવાજો ખોલી રહી હતી કે પાછળથી જ પ્રમોદરાય બોલ્યા.

“હું સાબરમતી જેલ જાઉં છું.” સુંદરી હવે પોતાના પિતાને કાયમ સપાટ સૂરમાં અને મુદ્દાસર જ જવાબ આપતી થઇ ગઈ હતી.

“દર અઠવાડિયે જવું જરૂરી નથી.” પ્રમોદરાયે સોફા પર પોતાની જગ્યા લીધી.

“આજે ભાઈ છૂટે છે.” સુંદરીએ ધડાકો કર્યો.

“શું?” પ્રમોદરાયને આંચકો લાગવો સ્વાભાવિક હતું.

“હા, ભાઈને આમ તો સાડાત્રણ વર્ષની સજા થઇ હતી, પણ એમના સારા વર્તનને કારણે એક વર્ષ વહેલી સજા પૂરી થાય છે અને આજે લગભગ અગિયાર વાગ્યે એ જેલમાંથી બહાર આવે છે એટલે હું એમને લેવા જાઉં છું.” સુંદરી પાછળ વળી અને પ્રમોદરાયને તેણે જવાબ આપ્યો.

“એને હું મારા ઘરમાં પગ પણ નહીં મુકવા દઉં.” પ્રમોદરાય હવે ગુસ્સો કરી રહ્યાં હતાં.

“એ આ ઘરમાં આવશે પણ નહીં. મેં મારી કોલેજ પાસે ભાઈ માટે એક રૂમ રસોડાંની વ્યવસ્થા કરી લીધી છે.” સુંદરીએ ફરીથી મુદ્દાસર જ જવાબ આપ્યો.

“ઉડાડો... ઉડાડો તમારી પરસેવાની કમાણી એક ગુંડાની મોજમજા પાછળ.” પ્રમોદરાય ગુસ્સામાં હતાં અને સુંદરી સાથે આંખ મેળવ્યા વગર એક જ તરફ જોઇને બોલી રહ્યા હતા.

“એક જમાનામાં શ્યામભાઈ ગુંડા હતા પણ હવે એમણે એમના કર્મોની સજા ભોગવી લીધી છે. એમને નવું જીવન શરુ કરવાની તક મળી છે અને મને લાગે છે કે મારે એમને નિરાશ ન કરવા જોઈએ.” સુંદરીએ પ્રમોદરાયને જવાબ આપ્યો.

“કૂતરાની પૂંછડી છે, ક્યારેય સીધી નહીં થાય.” પ્રમોદરાય હજી પણ સુંદરી ઉભી હતી તેનાં કરતાં કોઈ અલગ જ દિશામાં જોઇને બોલી રહ્યાં હતાં.

“એ રૂઢિપ્રયોગ કુતરાઓ માટે છે, માણસ માટે નહીં.” સુંદરીના અવાજમાં મક્કમતા હતી.

“અમુક માણસો કુતરા જેવા જ હોય છે.” પ્રમોદરાય પણ મચક આપવા માંગતા ન હતાં.

“મને લાગે છે કે મારે મોડું થાય છે એટલે જવું જોઈએ કારણકે અહીં ચર્ચાનું કોઈ પરિણામ નહીં જ આવે.” આટલું કહીને સુંદરી ઘરના મુખ્ય દરવાજાની બહાર નીકળી ગઈ.

સુંદરીએ એના ઘરના આંગણામાંથી એનું હોન્ડા ચાલુ કર્યું અને બહાર નીકળી ગઈ.

==::==

“આ તમારું નવું ઘર...” રૂમને અચંબિત નજરે જોઈ રહેલા શ્યામલના હાથમાં ચાવી પકડાવતાં સુંદરી બોલી.

“તે તો એકદમ રેડી કરી દીધું છે બધું સુના!” શ્યામલના ચહેરા પરથી આશ્ચર્ય જવાનું નામ નહોતું લેતું.

“મારા ભાઈને નવી શરૂઆત કરવી હોય તો હું પછી શેની પાછળ પડું?” સુંદરીએ સ્મિત કરતાં કહ્યું.

“થેન્ક્સ...” કહીને શ્યામલ સુંદરીને ભેટી પડ્યો, એની આંખમાં આંસુ હતા.

“અરે! એમાં થેન્ક્સ શેના ભાઈ?” સુંદરીને આશ્ચર્ય થયું.

“ખરેખર તો મોટા ભાઈ તરીકે મારે તને ટેકો આપવો જોઈએ, પણ અહીં તો મારે...” શ્યામલ આગળ ન બોલી શક્યો.

“તમે આવું બોલશો તો હું તમને મળવા નહીં આવું.” સુંદરીએ ખોટેખોટું મોઢું બગાડ્યું.

“ઓકે, ઓકે નહીં કહું બસ?” શ્યામલે સ્મિત આપતાં સુંદરીનો ડાબો ગાલ ખેંચ્યો.

“ચાલો હવે બોલો શું પીશો? ચ્હા કે કોફી? પછી આપણે ચ્હા અને નાસ્તા સાથે શાંતિથી વાતો કરીએ.” સુંદરીએ શ્યામલને પૂછ્યું.

“નાસ્તો?” શ્યામલની ભ્રમરો ઉંચી થઇ ગઈ.

“હા, ગઈકાલે સાંજે જ બાજરાના વડાં બનાવ્યા છે.” સુંદરીએ એક મોટા થેલામાંથી એક ડબ્બો કાઢી તેને શ્યામલને દેખાડીને તેની બંને આંખો નચાવતાં કહ્યું.

“તને હજી પણ યાદ છે કે મને બાજરાનાં વડાં ખૂબ ભાવે છે?” શ્યામલ ગળગળો થઇ ગયો.

“હું તમારી કોઇપણ વાત નથી ભૂલી શ્યામભાઈ!” સુંદરીએ સ્મિત કરતાં કહ્યું.

“પ્લીઝ મને એ નામથી ન બોલાવતી, મને મારો ભૂતકાળ યાદ આવે છે.” શ્યામલે વિનંતીના સૂરમાં કહ્યું.

“કમઓન ભાઈ, શ્યામલભાઈ બહુ લાંબુ થઇ જાય છે.” સુંદરીએ મસ્તીમાં જ મોઢું મચકોડ્યું.

“તો આ જ બોલને? ભાઈ? બહુ મીઠું લાગે છે તારા મીઠા અવાજમાં.” શ્યામલે સુંદરીના ખભે પોતાનો હાથ મુકતા કહ્યું.

“ઓકે ડન! હું હવે તમને ફક્ત ભાઈ કહીને જ બોલાવીશ, પણ તમે મને એક વાતનો જવાબ ન આપ્યો!” સુંદરી બોલી.

“કઈ?” શ્યામલના ચહેરા પર આશ્ચર્ય હતું.

“એ જ કે તમે ચ્હા પીશો કે કોફી?” સુંદરીએ પોતાનો પ્રશ્ન દોહરાવ્યો.

“એ જ જવાબ તું મને આપ.” શ્યામલના ચહેરા પર કદાચ પહેલીવાર સ્મિત હતું.

“શું?” સુંદરીને સમજણ ન પડી કે શ્યામ શું કહી રહ્યો હતો.

“કે તું ચ્હા પીશ કે કોફી!” શ્યામલના ચહેરા પર સ્મિત જળવાઈ રહ્યું હતું.

“એટલે?” સુંદરીએ ફરીથી પોતાના જમણા હાથની આંગળી પોતાના બંને દાંત વચ્ચે દબાવી.

“એટલે એમ કે જેલમાં સવારની અને બપોરની ચ્હા અને કોફીનો હવાલો મારી પાસે હતો. હું ફર્સ્ટ ક્લાસ ચ્હા અને કોફી બનાવું છું. એટલે હવે તું કે’ કે તું શું પીશ.” શ્યામલ હસી રહ્યો હતો.

“અરે! વાહ... હું તો બેય પીશ. પણ પહેલાં ચ્હા!” સુંદરી પણ હસતાં હસતાં બોલી.

“બસ તો તું સ્હેજ રાહ જો, હું તારા માટે ચ્હા બનાવી આવું, ફર્સ્ટ ક્લાસ!” શ્યામ આટલું કહીને તેની પાછળ રહેલા રસોડા તરફ વળ્યો.

“હું તમને દેખાડી તો દઉં કે બધા ડબ્બા ક્યાં પડ્યા છે?” આટલું કહીને સુંદરી પણ તેની પાછળ દોરવાઈ.

સુંદરીએ રસોડામાં જઈને શ્યામને ચ્હા-ખાંડના ડબ્બા તેણે ક્યાં મુક્યાં છે એ દેખાડ્યું. કોફીની નાનકડી શીશી પણ તેણે ઉપરના ખાનામાં મૂકી છે એ દેખાડી દીધું. આ ઉપરાંત ચ્હાની તપેલી, ચમચીઓ અને કપ રકાબીના સ્થાનો પણ તેણે શ્યામલને દેખાડી દીધા.

“બસ, હવે બહાર જઈને ચ્હાની રાહ જો, હું હમણાં જ આવ્યો.” શ્યામે સુંદરીને હાથના ઈશારે બહાર જવાનું કહ્યું.

“જાઉં છું ભાઈ જાઉં છું, હું એક ડીશમાં વડાં તો કાઢી લઉં?” સુંદરીએ હસીને કહ્યું.

“ઓકે!” શ્યામે સુંદરીને એમ કરવાની મંજૂરી આપી.

સુંદરી રૂમમાં પરત આવી અને વડાં વાળો ડબ્બો રસોડામાં લઇ ગઈ. ગેસ સ્ટવની ઉપરના ખાનામાં રાખેલી પાંચ ડીશોમાંથી એક મોટી ડીશ તેને બહાર કાઢી અને તેમાં પેલા ડબ્બામાંથી બાજરાના વડાંના લગભગ દસ પંદર નંગ કાઢીને મુક્યાં.

સુંદરી એ ડીશને લઈને રૂમમાં ગઈ અને ટેબલ પર મૂકી અને શ્યામના ચ્હા બનાવીને આવવાની રાહ જોવા લાગી.

“આ રહી મારી સુના માટે ગરમાગરમ ચ્હા!” બંને હાથમાં કપ રકાબી લઈને શ્યામલ રસોડાંમાંથી બહાર આવ્યો.

“અરે વાહ! સાચું કહું ભાઈ, મારા માટે તો આ સ્વપ્નું જ છે કે તમે મારા માટે ચ્હા બનાવો!” સુંદરીએ હસીને એક કપ રકાબી શ્યામલના હાથમાંથી લીધા.

“મારા માટે પણ. જિંદગી બધું જ શીખવાડી દે છે સુના. બસ, યોગ્ય સમય આવવો જોઇએ!” શ્યામલે પણ હસીને કહ્યું.

શ્યામલ ટેબલની બીજી તરફ નજીક પડેલી પ્લાસ્ટિકની ખુરશી ખેંચીને બેઠો. બંને ભાઈ બહેને ગરમ ચ્હા સાથે બાજરાના વડાં ખાવાનું શરુ કર્યું.

“ઓસ્સ્મ! ચ્હા છે ભાઈ એકદમ જોરદાર!” શ્યામલે બનાવેલી ચ્હાનો પહેલો ઘૂંટડો ભરતાંની સાથેજ સુંદરી બોલી પડી.

“મેં કહ્યું હતું ને? મારા સાથી કેદીભાઈઓ કાયમ રાહ જોતા હતા કે ક્યારે ચ્હા બને અને તે બધા ક્યારે પીવે. આજ બપોરથી બધા જરૂર મને યાદ કરી કરીને રડશે.” શ્યામલે હસીને કહ્યું.

“ભાઈ, આ સ્માઈલ હવે ચહેરા પરથી જવા ન દેતા.” સુંદરીએ ચ્હાનો એક બીજો ઘૂંટડો ભરતાં કહ્યું.

“નહીં જાય સુના, પણ વારેવારે એક જ વિચાર આવે છે...” શ્યામલે વડું ખાતાં કહ્યું.

“શું?” સુંદરી શ્યામલ સામે જોઈ રહી.

“એ જ કે હું કરીશ શું? મને નોકરી કોણ આપશે? મારામાં એવી કોઈ ખાસ આવડત પણ નથી. ચાલો કોઈ ટ્રેઈનીંગ આપીને પણ નોકરી ઓફર કરે પણ બધાં મારો ભૂતકાળ તો તપાસશેને? અને એ જાણ્યા પછી કે હું જેલમાં અઢી વર્ષ કાઢીને આવ્યો છું, મને કોણ નોકરી આપશે? તારા પૈસે જીવવું તો મારા માટે અશક્ય જ છે.” શ્યામલના અવાજમાં નિરાશા હતી.

“ભાઈ, હજી આજે તો તમે બહાર આવ્યા છો. થોડા દિવસ આરામ કરી લ્યો, પછી આપણે શાંતિથી નક્કી કરીશું. આઈ એમ શ્યોર, કોઈ રસ્તો જરૂર નીકળશે.” સુંદરીએ શ્યામલને સધિયારો આપતાં કહ્યું.

“થોડા દિવસ પછી પણ સુના, હકીકત તો જે છે એ જ રહેવાની છે ને?” શ્યામલે જવાબ આપ્યો.

થોડો સમય રૂમમાં સદંતર શાંતિ છવાયેલી રહી. બંને ભાઈ બહેન એક પણ શબ્દ બોલ્યા વગર ચ્હા અને નાસ્તો કરતાં રહ્યાં.

“એક આઈડિયા છે ભાઈ!” અચાનક જ સુંદરી બોલી પડી એની આંખો ચમકી ગઈ.

“શું?” શ્યામલે ઉત્કંઠા સહીત પ્રશ્ન કર્યો.

“ચ્હા, તમે ચ્હાની દુકાન શરુ કરો તો? જોડે જોડે કોફી પણ! વ્યવસ્થા બધી થઇ જશે એની ચિંતા ન કરો.” સુંદરી અત્યંત ઉત્સાહમાં બોલી રહી હતી.

“આઈડિયા તો સરસ છે, પણ...” શ્યામલ થોડો શંકામાં હતો.

“પણ ને બણ. ચ્હા સાથે મસ્કા બન પણ રાખવાના અને થોડા પેકેટવાળા નાસ્તા. મારી કોલેજ અહીં વોકિંગ ડિસ્ટન્સ પર જ છે. તમે ત્યાં જ સ્ટોલ ખોલજો.” જાણેકે સુંદરીએ બે જ મિનીટમાં આખી યોજના તૈયાર કરી લીધી હોય એવું તેના વિશ્વાસ પરથી લાગતું હતું.

“પણ ગેરકાયદે? દબાણવાળાને પૈસા ખવડાવવા પડશે! હવે મારે પોલીસના ચક્કર નથી કાઢવા સુના.” શ્યામલને હજી પણ શંકા હતી.

“આપણે દબાણ કરીશું જ નહીં. પેલી સોડાવાળાની રિક્ષા આવે છે ને? બસ એવી રિક્ષા લઇ લેશું એટલે તમારે ચિંતા નહીં.” સુંદરી હવે આ આઈડિયા છોડવા માંગતી ન હતી.

“એ તો બધું ઠીક છે, પણ આમાં ખર્ચો બહુ થશે.” શ્યામલે પોતાની ચિંતા જણાવી.

“એ બધું થઇ પડશે, તમે કહો હા કે ના!” સુંદરીએ પોતાનો હાથ લાંબો કર્યો.

શ્યામલે બે ઘડી વિચાર કર્યો અને પછી હસીને સુંદરીનો હાથ પકડીને તેને હલાવ્યો.

“ચાલ ભાઈ, હવે હું જાઉં, પપ્પા ઘરે જઈને રસોઈ બનાવીને પાછી આવું છું. પછી આપણે બંને ભાઈ બહેન સાથે જમીશું.” સુંદરી ઉભી થઇ.

“ભલે, જમીને પછી આપણે બંને થોડું કરિયાણું લેતાં આવીશું. પછી દરરોજ બેય ટાઈમ હું જ રસોઈ બનાવીશ.” શ્યામલ પણ ઉભાં થતાં બોલ્યો.

“અરે વાહ! તમને રસોઈ પણ આવડે છે??” સુંદરી ખૂબ ખુશ થઇ.

સુંદરીએ આટલું કહીને ઘરનો દરવાજો ખોલ્યો અને ગેલેરીમાં આવી ગઈ.

“હા, કોઈ દિવસ તને જમાડીશ પણ ખરો.” પાછળ પાછળ શ્યામલ આવ્યો અને બોલ્યો.

“કોઈ દિવસ કેમ? આજે સાંજે તમે જ કશુંક બનાવજો અને હું જમીશ.” સુંદરીએ હસીને કહ્યું.

સુંદરીની વાત સાંભળીને શ્યામલ ભાવુક થઇ ગયો અને સુંદરીને ત્યાં જ ભેટી પડ્યો.

આ બિલ્ડીંગની સામે આવેલી સ્પોર્ટ્સનો સમાન વેંચતી દુકાનમાંથી પોતાના બેટ્સમેનના ગ્લોવ્ઝ ખરીદીને બહાર આવી રહેલા વરુણની નજર સીધી જ એ ગેલેરી પર પડી. વરુણને સુંદરી હોવાનો તો તરત ખ્યાલ આવી ગયો પણ પુરુષની પીઠ તેની તરફ હોવાને લીધે તેને એ ખ્યાલ ન આવ્યો કે સુંદરી કોને ભેટી પડી હતી.

આ દ્રશ્ય જોઇને વરુણ સ્તબ્ધ થઈને જ્યાં હતો ત્યાંજ ઉભો રહી ગયો.

==:: પ્રકરણ ૫૯ સમાપ્ત ::==