Red Ahmedabad - 3 in Gujarati Fiction Stories by Chintan Madhu books and stories PDF | રેડ અમદાવાદ - 3

Featured Books
Categories
Share

રેડ અમદાવાદ - 3

૨૦૨૦, જાન્યુઆરી ૧, બપોરે ૦૨:૪૦ કલાકે

‘અંદર આવી શકું છું? મેડમ...!’, વિશાલનો પરવાનગી માંગતો અવાજ સોનલના કાને પડ્યો.

સોનલે ઇશારા માત્રથી પરવાનગી આપી. સોનલ અને મેઘાવી સી.જી.રોડના પોલીસ સ્ટેશનમાં સોનલના કાર્યાલયમાં પટેલની હત્યાના કેસ બાબતે ચર્ચા કરી રહેલા. વિશાલે તેમની ચર્ચામાં ખલેલ પહોંચાડેલી.

‘મેડમ... શ્રીમાન પટેલના ઘર તરફથી સી.જી.રોડ પર ખુલતાં માર્ગમાં એક આઇસ્ક્રીમની દુકાનના સીસીટીવીના વિડીયોમાં એક યુગલ કઢંગી હાલતમાં ભાગતું દેખાઇ રહ્યું છે.’, વિશાલે તેની પેન-ડ્રાઇવ સોનલના ટેબલ પર તેની જમણી તરફના ખૂણા પર ગોઠવેલા કોમ્પ્યુટરમાં લગાવી.

સોનલ અને મેઘાવી એ સંપૂર્ણ વિડીયો ધ્યાનપૂર્વક નિહાળ્યો. યુગલમાં છોકરીનો ચહેરો સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો.

‘વિશાલ...મારે આ છોકરીનો ચહેરો એકદમ સ્પષ્ટ દેખાય એ રીતની નકલ જોઇશે અને...’, સોનલે મેઘાવી સામે નજર ફેરવી.

‘અને તેની નકલ શહેરના પ્રત્યેક પોલીસ સ્ટેશનમાં પહોંચાડી દઉં છું.’, વિશાલે પેન-ડ્રાઇવ કોમ્પ્યુટરમાંથી નીકાળી.

‘ના... તેની એક જ નકલ ફક્ત, મારા ટેબલ પર ૧૦ મિનિટમાં હોવી જોઇએ.’

સોનલનો આદેશ મળતાની સાથે જ વિશાલ નકલની વ્યવસ્થા માટે કાર્યાલયમાંથી ઝડપથી નીકળ્યો.

મેઘાવીએ વિશાલના જતાંની સાથે જ સોનલની સામે શંકાની ર્દષ્ટિ નાંખી, ‘કેમ? દરેક પોલીસ સ્ટેશન પર મોકલીશું તો ઝડપથી તેના વિષે ખબર પડી જશે.’

‘આપણે એ જ તો નથી કરવાનું. એક પ્રખ્યાત વ્યક્તિની હત્યા થઇ છે. કમિશ્નર સાહેબ ઇચ્છે છે કે છુપી રીતે તપાસ થાય. જેટલું જાહેર થશે તેટલો જ હોબાળો વધશે. એટલે કોઇ ચોક્કસ પ્રમાણ વિના આપણે કશું જ બહાર આવવા દેવાનું નથી.’, સોનલે મેઘાવીને શાંતચિત્તે સમજાવ્યું.

શ્રીમાન પટેલને આટલી બધી વેદનાઓ સાથે મોત આપનાર કોણ હશે? શું કોઇને પટેલની સાથે વેર હશે? આટલી ઘૃણા? પટેલે એવું તે શું કર્યું હશે? કોણ?...કોણ?....આખરે સોનલના વિચારોમાં વિશાલે કાર્યાલયમાં પ્રવેશતાં ખલેલ પહોંચાડી. વિડીયોમાં દેખાતી છોકરીનો ચહેરો દર્શાવતી નકલ સોનલના ટેબલ પર આવી ગયેલી. મેઘાવીએ ખૂબ જ ધ્યાનથી તે નકલને નિહાળી.

‘આ છોકરીની માહિતી છુપી રીતે ખબરીઓ પાસેથી નીકાળવી પડશે.’, મેઘાવીએ નકલને ટેબલ પર પાછી મૂકી.

‘અને એ કામ...’, વિશાલે મેઘાવી સામે જોયું.

‘રમીલા કરશે.’, સોનલ બન્નેની સામે મલકાઇ.

*****

સોનલનો આદેશ મળતાની સાથે રમીલાએ તેના ખબરી નેટવર્કના ચક્રોને ગતિમાન બનાવ્યા. રમીલાનો સૌથી વિશ્વાસુ સ્ત્રોત હતો, જસવંત. અમદાવાદની દરેક ગલીઓમાં પોતાની રીક્ષા લઇને ફરતો અને માહિતી એકઠી કરવાના કાર્યમાં નિપુણ હતો. ભૂરી માંજરી આંખો, અલ્પ માત્રામાં દાઢી રાખતો, ડાબા કાનમાં ચમકદાર માણેક ધારણ કરેલો હતો. તેની બોલવાની છટાને કારણે ભલભલાના મુખમાંથી પેટમાં છુપાયેલા રહસ્યો બહાર ખેંચી શકતો. જસવંતને મળેલા ફોટોમાં રહેલી છોકરીની તપાસ ચાલુ કરી દીધેલી.

*****

તે જ દિવસે સાંજે, ૦૫:૩૫ કલાકે

સોનલ શાહીબાગ સ્થિત તેના કવાર્ટર તરફ નિકળી ચૂકી હતી. સુમો આર.ટી.ઓ. સર્કલ પર રોજ સાંજની માફક જામ થઇ ગયેલા ટ્રાફીકમાં ફસાયેલી. સોનલે બિપીનને હંમેશા આરામ અને આર.ટી.ઓ.ના નિયમોના પાલન સાથે સુમો હંકારવાનો આદેશ આપેલો. આથી બિપીન ખૂબ શાંતચિત્તે વાહનોની વણઝારમાં સુમોના સ્ટીયરીંગ પર આંગળીઓ રમાડી રહ્યો હતો. સોનલના મોબાઇલના રણકારે બિપીનની આંગળીઓની રમતને અટકાવી.

‘હેલો...’

‘મેડમ...સોનલ!’

‘હા, બોલો...’

‘હું પ્રેસમાંથી બોલું છું. પટેલના કેસ વિષે થોડી માહિતી જોઇએ છે.’

બધા પ્રેસવાળાના નંબર તો ફોનમાં છે જ. આ અજાણ્યો નંબર... કઇ પ્રેસનો હશે?

‘હેલો મેડમ...હેલો...’

‘હાં, અત્યારે કોઇ માહિતી નથી, જે તમને આપી શકાય. તમે કયા ન્યુઝપેપર અથવા સામાયિક માટે કાર્યરત છો?’

સામેથી કોઇ જવાબ આવ્યો નહિ અને ફોન કપાઇ ગયો. સોનલે તે નંબર ડાયલ કર્યો પણ બંધ આવવા લાગ્યો. સોનલે ફરી તે નંબર જોડ્યો, પરંતુ જોડાણ થઇ શક્યું નહિ.

‘વિશાલ...એક નંબર મેસેજ કરૂં છું. તેની માહિતી જોઇએ’, સોનલે એક પણ સેકન્ડ વેડફ્યા વગર વિશાલને ફોન કરી તે નંબરની માહિતી આપી.

‘ઠીક છે.’ વિશાલે તુરંત જ તેના કોમ્પ્યુટર પર તપાસ ચાલુ કરી દીધી.

સોનલ સુજલામ પહોંચી ચૂકી હતી. ઘરમાં દાખલ થતાંની સાથે જ પલંગ પર લંબાવી દીધું. આગળની રાતનો પૂરતો આરામ મળ્યો નહોતો અને વહેલી સવારથી જ મનહર પટેલના કેસના લીધે પૂરો દિવસ વ્યસ્ત રહ્યો હતો. સોનલે ટીવી ચાલુ કર્યું. ગુજરાતી ન્યુઝ ચેનલ લગાવી. ટીવીના નીચેની તરફ વારંવાર અમદાવાદ શહેરના ખ્યાતનામ ડૉ. મનહર પટેલની ક્રુર હત્યા બાદ, ગુનેગાર ફરાર તેવા સમાચાર આવી રહેલા.

આજે સવારે પોલીસને પટેલના ઘરમાં જ તેમનો મૃતદેહ મળ્યો છે. ખૂબ જ ક્રુર રીતે તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. અમારા કેમેરામેનને ઘરની અંદર પણ જવા દીધા નથી. પરંતુ વિશ્વસનીય સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ કોઇએ દુશ્મનાવટના અંતે આ પગલું લીધું હોય તેવું પ્રતીત થાય છે. અત્યંત વિશેષ ઘૃણા પટેલ પ્રત્યે દેખાઇ રહી છે. તમે નિહાળી રહ્યા છો કે એસીપી સોનલે પણ કોઇ પણ પ્રકારનો પ્રતિસાદ અમને આપ્યો નથી. શું પોલીસ આ ઘટનાની ઊંડાઇ સુધી પહોંચી શકશે? શું અમદાવાદ હવે ગુજરાતીઓ માટે સુરક્ષિત નથી રહ્યું? શું આ પાટીદાર શક્તિ સંમેલનની અસર છે? જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે...

સોનલે ટીવી બંધ કરી દીધું.

*****

૨૦૨૦, જાન્યુઆરી ૨, સવારે ૦૮:૦૦ કલાકે

‘વિશાલ, નંબર વિષે કોઇ માહિતી મળી?’, સોનલે તેને આપવામાં આવેલ કાર્યાલયમાં પ્રવેશતાં જ પૂછ્યું.

સોનલને એસીપી હોવાને કારણે, શાહિબાગમાં આવેલ પોલીસ કમિશ્નરશ્રીની કચેરીમાં કાર્યાલય આપવામાં આવેલું. જેમાં ઉત્તર તરફના ખૂણામાં તેણે વિશાલને બેસવાની વ્યવસ્થા કરાવેલી. બે કોમ્પ્યુટર અને એક લેપટોપ, એક વાયરલેસ, એક રેકોર્ડીંગ યંત્ર અને બધું જ હાઇ સ્પીડ ડેટા આપી શકે તેવા નેટવર્કથી સજ્જ હતું. આ ગોઠવણની પાસે જ સોનલનું મેજ ગોઠવાયેલું હતું. અર્ધગોળાકાર મેજ પર ફક્ત ચાર સિંહવાળી લાકડાની બનેલી પ્રતિકૃતિ અને બે ટેલિફોન હતા. મેજ પર કોઇ અધુરા કેસની ફાઇલ પડેલી હોય તો સોનલને રાતે ઊંઘ ન આવે. પણ આજે તેના મેજ પર એક નવો કેસ શરૂ થઇ ગયો હતો. મનહર પટેલના કેસની ફાઇલ તેના મેજ પર પડેલી હતી.

‘તે નંબર વિષે આજે બપોર સુધી બધી માહિતી મળી જશે.’

‘પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવી ગયો છે.’, મેઘાવી રીપોર્ટ સાથે સોનલના કાર્યાલયમાં પ્રવેશી.

‘શું કહે છે રીપોર્ટ?’

‘રીપોર્ટ...એક મિનિટ’, મેઘાવીએ પરબિડીયામાંથી રીપોર્ટ નિકાળી તેમાં રહેલી માહિતીને જણાવવાનું શરૂ કર્યું,‘પટેલની મોત બરોબર ૧૨:૦૦ના ટકોરે થઇ છે. તેમના હાથ અને પગ પર જે ઘાવ છે, તે કોઇ ધારદાર ચાકુ કે જેનો ઉપયોગ ઉચ્ચ વર્ગના ઘરોમાં ફળ કાપવા માટે થાય છે, તેના દ્વારા કરવામાં આવેલા છે. બન્ને ઘાવ માટે ચાકુ પર એકસરખું દબાણ આપવામાં આવ્યું છે. મોતનું કારણ ઘાવમાંથી થયેલો વધુ પડતો રક્તસ્ત્રાવ છે.’

‘અને તે આંગળીઓ...’, સોનલે રીપોર્ટ મેઘાવી પાસેથી જોવા તેના તરફ હાથ લંબાવ્યો.

‘હા...આંગળીઓ પટેલની મૃત્યુ થઇ ગયા બાદ કાપવામાં આવી છે.’, મેઘાવીએ રીપોર્ટ સોનલને આપ્યો,‘અને બીજું, ડાબા બાવળા પર રહેલું સોંય ભોંકવાનું નિશાન...મિડાઝોલમના ઇંજેક્શનનું છે.’

‘મિડાઝોલમ... આ ઇંજેક્શન તો ચેતનાની ખોટ પેદા કરવા માટે આપવામાં આવે છે. તેનો ખાસ કરીને ઉપયોગ એનેસ્થેસિયા તરીકે શસ્ત્રક્રિયા દરમ્યાન થાય છે.’, સોનલે તુરત જ મેઘાવીની વાતનું તથ્ય જણાવ્યું.

‘આનો અર્થ એ થયો કે પટેલને બેભાન કર્યા બાદ પલંગ પર બાંધવામાં આવ્યા હશે.’, મેઘાવીએ અનુમાન લગાવ્યું.

‘હા... બરોબર છે. વળી રીપોર્ટમાં દર્શાવેલી માહિતી મુજબ મિડાઝોલમની એટલી જ માત્રા છે કે પટેલ આશરે બે કલાક જેટલું બેભાન રહ્યા હશે.’ સોનલે વાત આગળ વધારી.

‘એટલે કે ખૂની તેમના ઘરમાં દસ વાગ્યા પહેલાં દાખલ થઇ ચૂક્યો હતો.’, મેઘાવી સોનલની સામેની ખુરશી પર બેઠી.

‘હા, અને મારૂં અનુમાન એ છે કે પટેલ ખૂનીને ઓળખતા હોવા જોઇએ.’

‘કેમ?’

‘એ તપાસ કરવી રહી.’

*****

તે જ દિવસે બપોરના ૦૩:૦૦ કલાકે

‘મેડમ! આપે જણાવેલ નંબર કોઇ વિષ્ણુ શર્માના નામે ઇસનપુરના સરનામા પર નોંધાયેલ છે.’, વિશાલે સોનલને આગળના દિવસના નંબરની માહિતી જણાવી. બન્ને સોનલના કાર્યાલયમાં હતા. વિશાલ તેના કોમ્પ્યુટર પર વ્યસ્ત હતો.

‘તે વ્યક્તિની કોઇ ખબર મળી?’

‘ના, આવો કોઇ વ્યક્તિ આપણને જાણવા મળેલ સરનામા પર રહેતો જ નથી. વળી સીમ કાર્ડ વેચનાર વ્યક્તિની દુકાન વટવામાં આવેલી છે અને થોડાક વધુ પૈસા માટે તેણે કોઇ પણ જાતની ચકાસણી કર્યા વગર કાર્ડ વહેંચી દીધું હતું.’, વિશાલે એક હવાલદારને તપાસ માટે મોકલેલો અને મળેલી માહિતી સોનલ સમક્ષ મૂકી.

‘તે દુકાનદારને ઉપાડી લાવો. થોડો પોલીસ છટામાં ઠપકો આપો. જેથી ફરી આવું કરે નહિ.’, સોનલે ગુસ્સામાં વિશાલને આદેશ આપ્યો.

સોનલના મેજ પર ૦૨, જાન્યુઆરી, ૨૦૨૦ના સમાચારપત્રો પડેલાં હતા. દરેકમાં મુખ્ય સમાચાર પટેલના મૃત્યુના જ હતા. અમદાવાદ શહેરની પ્રત્યેક ગલીઓમાં સમાચાર પૂર ઝડપે પ્રસરી ચૂકેલા. દરેકના મુખે આ સમાચાર ચર્ચાનો વિષય બની ગયો.

‘શ્રીમાન પટેલનો મૃતદેહ સ્વીકારવા તેમનો પુત્ર અને પત્ની આવ્યા છે.’, રમીલાએ સોનલના કાર્યાલયના દરવાજા પાસેથી જ દરવાજો ઉઘાડી સંદેશ આપ્યો.,‘સિવિલ હોસ્પિટલથી ફોન હતો.’

‘તમે મેઘાવી સાથે સિવિલ જાઓ અને તપાસ કરો.’ સોનલે રમીલાને કહ્યું.

*****

સિવિલના ડી-બ્લોકમાં આવેલ શબઘરમાં મેઘાવી અને રમીલા, પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટર સાથે હાજર હતા. પટેલના પત્ની સમીરા અને પુત્ર રવિ પણ ત્યાં જ ઉપસ્થિત હતા. દરેક પ્રકારની કાગળવિધિ પૂર્ણ થઇ ચૂકેલી. પટેલનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો. સમીરાના ભાઇ-ભાભી પણ હાજર હતા.

‘માફ કરશો...સમીરાબેન...આ યોગ્ય સમય નથી, પણ મારી ફરજ છે એટલે પૂછું છું. આપના પતિ સાથે આટલું બધું થઇ ગયું. ગઇકાલે ચેનલો અને આજે સમચારપત્રોમાં પણ આવી ગયું. તમે ક્યા હતા અત્યાર સુધી?’, મેઘાવીએ સમીરાની આંખોમાં જોયું.

સમીરાની આંખો સતત વહેતી અશ્રુધારાને કારણે લાલ બની ગયેલી. તે બોલી શકવાને સક્ષમ નહોતી. તે ખેતરોમાં કામ કરેલું હોવાને કારણે મજબુત બાંધાની, દુધ જેવો શ્વેત વાન ધરાવતી, સશક્ત પટલાણી હતી.

‘તમે પૂછવા શું માંગો છો?’, રવિ વચ્ચે પડ્યો. રવિ ૨૧ વર્ષનો તરંગી યુવાન પ્રતીત થતો હતો. લાંબા વાંકડીયા વાળ, ગોરો વાન, અવ્યવસ્થિત દાઢી અને ઘેરો અવાજ ધરાવતો નવયુવાન હતો.

‘હું મારા ભાઇના ઘરે મુંબઇ હતી. મને સમાચાર કાલે સાંજે જ સમાચાર ચેનલ પરથી મળી ગયા હતા. સાંભળતા જ મારી આંખે અંધારા આવી ગયા અને હું ભાનમાં રહી નહિ. આજે સવારે સ્વસ્થ થતાંની સાથે પહેલી મળતી ફ્લાઇટ પકડીને અહી આવી છું.’, સમીરાએ રવિને અટકાવ્યો અને પૂરી વાત વિસ્તારથી મેઘાવીને કહી.

‘અને તમે?’, મેઘાવીએ રવિ સામે જોયું.

‘તે...તે...પુનામાં ભણે છે. મેડીકલનો વિદ્યાર્થી છે. તે મારી સાથે મુંબઇમાં જ હતો.’, રવિને બોલતાં અટકાવી સમીરાએ જ જવાબ આપ્યો.

‘તમે મૃતદેહ લઇ જઇ શકો છો. પણ હા કેસ પૂર્ણ થાય નહિ ત્યાં સુધી હવે અમદાવાદ છોડતા નહિ.’, મેઘાવીએ રવિ સામે જોતાં ચેતવણી આપી.

મેઘાવી અને રમીલા શબઘર પાસેથી પોલીસ સ્ટેશન જવા નીકળ્યા.

‘શું લાગે છે, મેડમ?’, રમીલાએ મેઘાવી તરફ નજર ફેરવી.

‘કંઇ કહી ન શકાય. પણ બધું જ ધુંધળું છે. ઘણી મહેનત કરવી પડશે સત્ય બહાર નીકાળવા.’, મેઘાવી રમીલા સાથે ડી-બ્લોકની નિસરણીઓ ઉતરી બહાર આવી.

‘હું એક વાત કહું.’, રમીલાએ સુમોનો દરવાજો ખોલ્યો.

‘બોલ.’

‘સત્ય એક બાળક છે. તેને અંધારાથી ડર લાગતો હોય છે. એટલે અસત્યનું અંધારૂ તેને લાંબા સમય માટે રોકી નહિ શકે.’

બન્ને સુમોમાં બેસી રવાના થયા.

*****