Rajkaran ni Rani - 31 in Gujarati Moral Stories by Mital Thakkar books and stories PDF | રાજકારણની રાણી - ૩૧

Featured Books
Categories
Share

રાજકારણની રાણી - ૩૧

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૧

રવિનાને થયું કે જતિન કોઇ ચાલ રમીને પચીસ લાખ રૂપિયા પડાવી ગયો નહીં હોય ને? જતિનને ટિકિટ મળવાની ન હતી. એ દિવસે તે માની ગયો હતો. પરંતુ તેના મનમાં ગડમથલ ચાલતી જ હશે. વર્ષોથી તે રાજકારણમાં મોટું સ્થાન મેળવવાના સપના જોતો હતો. આ સપનું અચાનક તેની પત્ની જ તોડશે એવી એણે સપનામાં કલ્પના કરી નહીં હોય. એવું જ મારા કિસ્સામાં થયું હશે. મારી રાજકીય કારકિર્દી માટે એણે પોતાના નાના સપનાંનો ભોગ આપ્યો હતો. હવે તેનું મોટું સપનું પૂરું કરવા કોઇ મદદ કરી રહ્યું નથી. જતિન સાથે વાત કરીને આ બાબતનો ખુલાસો કરવો જ પડશે. પચીસ લાખ રૂપિયા નાની રકમ નથી. અને આવી રીતે કોઇ છેતરી જાય એ સહન ના કરી શકાય. હું પણ ટિકિટ મેળવવા કેવી આંધળી બની કે એક ફોન પર વિશ્વાસ મૂકીને રૂપિયા આપી દીધા.

રવિનાએ જતિનને ફોન લગાવ્યો:"જતિન શું કરે છે?"

"શું કરવાનો? મંજીરા વગાડું છું." જતિને હતાશ સ્વરે જવાબ આપ્યો.

"જતિન, તું તો સાવ જ નિરાશ જ થઇ ગયો લાગે છે? મને ટિકિટ મળશે તો તને લાભ જ છે ને?"

"રવિના, તારી ટિકિટ ક્યારે મળશે? અને મળશે કે કેમ? જેવા ઘણા પ્રશ્નોના જવાબ મારી પાસે નથી."

"કેમ? તું પ્રયત્ન કરતો નથી?"

"રવિના, તને ખબર જ છે કે પાટનગરમાં હવે મારું કંઇ ઉપજતું નથી. પહેલાં જનાર્દનને કારણે થોડી ઓળખાણ હતી. સુજાતાના કિસ્સા પછી તો મારા નામ પર જ ચોકડી મૂકાઇ ગઇ હોય એમ કોઇ મને ફોન કરતું નથી. હું સુજાતાને સબક શીખવવા માગું છું પણ એ મારી સામે પડી છે. હું હમણાં વનવાસમાં જ રહેવા માગું છું. તું ટિકિટ માટે ચક્કર ચલાવતી રહેજે..."

"જતિન, મેં ચક્કર ચલાવ્યું હતું. એ ઊંધું ફરી ગયું લાગે છે."

"શું થયું? આમ ચિંતામાં કેમ લાગે છે?"

"પાટનગરમાં જયચંદભાઇ સાથે વાત થઇ હતી. એમણે કહ્યું હતું કે કોઇને વાત કરીને ગોઠવીશું. જયચંદભાઇ સાથેની મારી વાતનો હવાલો આપીને રાજેન્દ્રનો ફોન આવ્યો અને મેં એની સાથે પચીસ લાખ રૂપિયામાં સોદો કર્યો. એણે કોઇ લવલીના નામની છોકરીને મોકલી અને એ મારી પાસેથી રકમ લઇ ગયા પછી રાજેન્દ્રનો ફોન જ લાગતો નથી. જયચંદભાઇ કહે છે કે એમના કોઇ ઓળખીતામાં રાજેન્દ્ર નામનો માણસ જ નથી. હું તો ફસાઇ ગઇ...."

"રવિના, આ તો બહુ મોટી છેતરપીંડી થઇ છે. એનો અર્થ એ થયો કે તારી અને જયચંદભાઇ વચ્ચેની વાતની કોઇને ખબર હોવી જોઇએ. બાકી જયચંદભાઇ વિશે મને જાણ છે ત્યાં સુધી એ આવી બદમાશી કરે એવા નથી. એની દાનત બગડી ગઇ હોય તો ખબર નથી. તું પેલા રાજેન્દ્રને ફોન લગાવતી રહેજે. હું પાટનગરમાં તપાસ કરાવું છું કે આવું કોણ કરી શકે?"

જતિન સાથેની વાત પરથી રવિનાને લાગ્યું કે આ કામ જતિનનું લાગતું નથી. તેની પાસે ધૂમ પૈસો છે, અને જરૂર હોય તો મોઢે જ કહી દે એવો છે.

રવિના રાજકારણમાં જેને પણ ઓળખતી હતી તેના એક પછી એક નામ વિચારવા લાગી. ત્યાં મોબાઇલમાં એક મેસેજ આવ્યો. રવિનાએ જોયું તો કોઇ અજાણ્યા નંબર પરથી વોટસએપ હતો. એમાં કોઇ ઇમેજ હતી. રવિનાને થયું કે લોકો અમસ્તા જ મેસેજ મોકલ્યા કરતા હોય છે. અત્યારે એમના સુવિચાર વાંચવાનો મારી પાસે સમય નથી. પછી થયું કે એમ પણ બને કે કોઇએ પોતાનો નંબર બદલ્યો હોય અને કોઇ કામનો ફોટો મોકલ્યો હોય. રવિનાએ વોટસએપમાં આવેલી ઇમેજને ડાઉનલોડ કરી. એ ફોટો જોતાંની સાથે જ તે ચોંકી ગઇ. તેને ફોટો મોકલનાર પર ગુસ્સો આવ્યો. ફટાફટ નંબર સેવ કર્યો અને ડાયલ કર્યો. નંબર લાગ્યો જ નહીં. આ હરકત કોની હોય શકે? આ ફોટો મોકલી એ મને શું સંદેશો આપવા માગે છે? રવિનાના મગજમાં વિચારો ઘૂમરાવા લાગ્યા.

***

પારવેલા ગામની પહેલી મુલાકાતમાં જ અહીંના લોકોનો મિજાજ જોવા મળી રહ્યો હતો. હાથમાં લાકડા સાથે ધમકીભર્યા સૂરમાં વાત કરતા લોકોને જોઇ જનાર્દનને થયું કે હજુ તો ઘણા ગામડાં ખૂંદવાના છે.

ગામના એક જણની ધમકીથી જરા પણ વિચલિત થયા વગર સુજાતાબેન બોલ્યા:"ભાઇ, અમારા માથા ભાંગીને તારા જીવને સંતોષ થતો હોય તો આ રહ્યાં માથાં." કહી માથું બતાવી તેમણે આગળ કહ્યું:"અમે તો તમારા માથાં ગૌરવથી ઊંચા રહે એવા કામ કરવા આવ્યાં છે."

"અમને ખબર છે કે તમે શું કામથી આવ્યા છો. આ ગામ પર તમે કબ્જો જમાવીને રાજ કરવા માગો છો. લોકોને લાલચ આપીને તમારા રોટલા શેકવા માગો છો." લાકડી ઠપકારી ધમકી આપનાર રાજલે જ સુજાતાબેનને જવાબ આપ્યો.

"ભાઇ, તમે મુશ્કેલીથી રોટલા પામો છો. અમે તો તમારું જીવનધોરણ સુધરે એવા કામો કરવા માગીએ છીએ. તમને કોઇ ગેરસમજ થતી લાગે છે." સુજાતાએ પ્રેમથી સમજાવવાનો પ્રયાસ કર્યો.

"વાતો કરવાનું સારું છે. કામ કોઇનાથી થતા નથી." રાજલે સુજાતાબેનની વાતને માનવાનો ઇન્કાર કરતાં કહ્યું.

"તમે કેવી રીતે કહી શકો કે અમે માત્ર વાત જ કરવાના છે. અને અમે તો પહેલી વખત આજે થોડા સમય માટે જ આવ્યા છે. તમને કોણે કહ્યું કે અમે અમારા સ્વાર્થ માટે આવ્યા છે?" સુજાતાએ નવાઇથી પૂછ્યું.

"આ તો અમારા સરપંચે કહ્યું કે શહેરના કેટલાક લોકો આપણા ગામની ભોળી પ્રજાને ભરમાવવા આવ્યા છે. એ ફરી આ ગામમાં પગ ના મૂકે એવું કંઇક કરો..." રાજલ ભોળાભાવે બોલી ગયો.

રાજલની વાત સાંભળીને સુજાતાબેન હસી પડ્યા:"સરપંચની વાત પરથી લાગે છે કે તેમનું એકહથ્થુ રાજ લૂંટાઇ જવાનું હોય એવી ચિંતા કરે છે. જુઓ, એમની વાત પરથી તો હવે એવું લાગે છે કે એ ખોટા કામ કરી રહ્યા છે. એમને પોતાનો ભાંડો ફૂટી જવાનો ડર ઊભો થયો છે. ખરેખર તો એ તમને અમારા માટે ખોટા ભરમાવી રહ્યા છે. તમે ભણેલા-ગણેલા નથી અને ઉપરથી ભોળા છો. તમને છેતરવાનું એમના માટે સરળ છે. અમારો મુકાબલો એ કરી શકવાના નથી. એમની પોલ ખૂલી ના જાય એ માટે અમને ગામમાં આવવા દેવા માગતા નથી. એમણે અમને ગામના વિકાસ માટે સહયોગ આપવાની ખાતરી આપી હતી. પાછળથી તમને હાથો બનાવીને મોકલ્યા એ પરથી હું ચોક્કસ કહી શકું કે સરપંચ અમે સમજતા હતા એવા તમારા જેવા ભોળા નથી. એ સરકારી યોજનાઓનો લોકોને લાભ આપવાને બદલે પોતાના ખિસ્સામાં બધાં રૂપિયા અને લાભ નાખી રહ્યા છે."

સુજાતાબેનની એક-એક વાત ધ્યાનથી સાંભળતા રાજલ અને તેના મિત્રોને ખ્યાલ આવવા લાગ્યો કે સરપંચ તેમને બનાવી રહ્યા છે.

રાજલને વિચારતો જોઇ સુજાતાબેન તરત જ બોલ્યા:"જુઓ ભાઇઓ, તમે આપણી વચ્ચેની વાત એમને કરશો નહીં. તમે અમને ધમકી આપી દીધી છે અને અમે ફરી ગામમાં આવવાના નથી એવી વાત કરજો. મને ફક્ત બે દિવસનો સમય આપો. તમે પણ યાદ કરશો કે સુજાતાબેન આવ્યા હતા..."

સુજાતાબેને જનાર્દનને રાજલનો ફોન નંબર લખી લેવા અને પોતાનો નંબર આપવા કહ્યું.

રાજલનો નંબર લખતી વખતે જનાર્દનને થયું કે સુજાતાબેન માત્ર બે દિવસમાં એવું શું કરશે જેનાથી ગામમાં એમનું નામ થઇ જશે?

વધુ બત્રીસમા પ્રકરણમાં...

***

* મિતલ ઠક્કરની સૌથી લોકપ્રિય નવલકથા 'મોનિકા' ઉપરાંત 'પ્રેમપથ' અને 'ઘર માટે ઘરેલૂ ઉપાય', 'રસોઇની રાણી', 'ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા' વગેરે પણ જરૂર વાંચો.

* રાકેશ ઠક્કરની 'રેડલાઇટ બંગલો', 'લાઇમલાઇટ' અને આત્મહત્યામાં હત્યાનું રહસ્ય શોધતી 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' વાંચવાનું ચૂકશો નહીં. હોરરના શોખીનોને 'આત્માનો પુનર્જન્મ', 'આત્માની અંતિમ ઇચ્છા' અને 'પતિ પત્ની અને પ્રેત' જરૂર પસંદ આવશે.

***