Wafa or Bewafa - 19 in Gujarati Love Stories by Miska Misu books and stories PDF | વફા કે બેવફા - 19

Featured Books
Categories
Share

વફા કે બેવફા - 19










બાલ્કનીમાં ઊભી આરુષિ કૉફીનો એક ઘુંટડો પીવે છે... અને ફરી એ વીતી ગયેલી પળોની સફર પર કુહુને લઈ જાય છે...


શિયાળાની કડકડતી ઠંડીની એક રાતે ‌આરુષિ પરસેવે રેબઝેબ હતી... અને એના રૂમમાં આંટા મારી રહી હતી... એને શું કરું એ સમજાતું નહોતું... આખાં રૂમનો સામાન વેરવિખેર પડ્યો હતો..


કાનમાં અયાનના એજ શબ્દો ગુંજી રહ્યા હતા...

" આરુ... મને માફ કરજે... આજ પછી તારી સાથે વાત નહીં કરી શકું... "

" પણ તું આમ અચાનક કેવી રીતે કહી શકે આવું... અને એનું કંઈ કારણ...!!? "

" બસ.. આરુ કંઈ જ ના પુછીશ... પ્લીઝ...!!"

" પણ... ?"

" પ્લીઝ...." અયાન

" તારા વગર કેવી રીતે રહીશ!!? અયાન... એકવાર ફોન કરીને કહી દેતો... મારા આટલાં કૉલ્સ જોઈને... હું માની લેત... તારી ખુશીમાં મારી ખુશી છે... "

" સૉરી..." અયાન માત્ર આટલું જ બોલ્યો...

એટલે " ઓકે... " કહીને આરુષિએ ફોન પલંગ પર પછાડ્યો... અને દરવાજો બંધ કરીને આખાં રૂમનો સામાન રમણભમણ....

આજ ત્રણ દિવસ સુધી લગાતાર ફોન મેસેજ કર્યા બાદ અયાને ફોન ઉપાડ્યો હતો.. અને જવાબમાં સામે માત્ર આટલી વાતચીત...

આરુષિને સમજાયું નહીં...આમ અચાનક શું થઇ ગયું... આવું તો સપનેય નહોતું વિચાર્યું... ત્રણ દિવસ પહેલાં તો બંને સાથે શોપિંગ કરવા ગયા હતા... સારી વાત કરતા અયાનને શું થયું...!!?


ફોન તો મુકી દીધો પણ એનું મન એ સ્વીકારી જ ના શક્યું...કે હવે એ અયાનથી અલગ છે... કેટલીકવાર સુધી તો મન બહેર મારી ગયું હોય.. એમ કોઈ નિર્ણય પર થંભી શક્યું નહીં... ઘણી મથામણમાં પડખાં ફેરવતાં અડધી રાત વીતી ગઈ... અડધી રાત્ર પછી એણે મક્કમ નિર્ણય કર્યો...હવે મારે એનાં વગર જ જીવવાનું છે... હું એને મજબૂર કરીને તો મારી સાથે રાખી શકું નહીં.. અને રાખી લઉં તોપણ કેટલાં દિવસ..!!? એ શું સંપૂર્ણ રીતે મારી સાથે રહીં શકે... !! એ પણ પહેલાંની જેમ... અને કારણ હશે તોજ મારાથી અલગ થવાનું વિચાર્યું હશે... એમ વિચારતા ક્યારનાય રોકેલા આંસુ ધડધડ વહેવા માંડ્યાં... તને એકપણ વાર વિચાર ના આવ્યો કે હું કેવી રીતે જીવીશ.... તારા વગર... અને ઓશિકું માથાં પર મુકીને તે ડુસકે ડુસકે રડવા લાગી...
અને એ ડુસકા છેક સવાર સુધી થંભ્યા નહીં... અને એક નવી સવાર એક નવા નિર્ણય સાથે શરૂ કરી...

આરુષિએ અયાનને ભૂલવા માટે બધાં પ્રયત્નો કરી લીધાં.. બીજા કામમાં બિઝી રહેવું... સ્ટડીમાં, નવા ફ્રેન્ડસ બનાવવા... કંઈ ના હોય તો ઘરે કામ... કંઈક બહાનું શોધી લેતી જેથી એકલી ના પડે અને અયાનનો વિચાર સુદ્ધાં પણ આવે... જુના ફ્રેન્ડસથી તો દૂર જ રહેતી.. કદાચ અયાન વિશે પૂછી કાઢે... પણ રાત એને પજવી જતી... મોડા સુધી ટીવી જુએ... તોપણ ઊંઘ ના આવે... અને ઊંઘ આવી જાય તો અયાન યાદ આવી જતા અચાનક જાગી જતી... અને ફરી આંસુઓ પોતાનું કામ કરી લેતાં...

આમને આમ દસ દિવસ, વીસ દિવસ, મહિનો વિતી ગયો...
અને એક ફ્રેન્ડને તો આરુષિ બહું જ પસંદ હતી.. તો એકવાર એવો પણ વિચાર કરી લીધો કે લાવને, એને 'હા ' કહી દઉં અને કદાચ અયાનને ભૂલી જાઉં... પછી થયું... ના જ ભૂલી તો.. એના પ્રેમને ન્યાય ના આપી શકે... એમ કરી વિચાર માંડી વાળ્યો...

એક દિવસ આરુષિને એની એક કૉલેજ ફ્રેન્ડ તરફથી જૉબ ઑફર મળી... અને ઈચ્છા હોય તો ઈન્ટરવ્યુ આપવા જણાવ્યું... આરુષિ એટલા બહાને બિઝી રહીશ.. એમ વિચારીને ઈન્ટરવ્યુ આપી પણ આવી... અને સંજોગોવસાત એને જોબ મળી પણ ગઈ...

આજ પહેલી વાર એનું મન ખુશ હતું... અને ખુશી ખુશી ઑફિસ જવા માટે તૈયાર થઈ ગઈ... અજેશભાઈ અને રમાબેન પણ ખુશ થઈ ગયા... એમની આરુને જૉબ મળી... એટલે મોઢું મીઠું કરાવીને જ આરુષિને નીકળવા દીધી... આરુષિનો પહેલો દિવસ ખુબ જ સરસ રહ્યો... એટલે સારા મુડમાં હતી... ઘરે જવા સ્કૂટી પર બેઠી જ હતી ને એના ફોનની રીંગ વાગી...

" હેલો..."

જાણીતા અવાજને સાંભળી આરુષિ મન બેચેન થઇ ગયું... એ અવાજ અયાનનો હતો... પુરા બે મહિના પછી અયાને અચાનક આરુષિ પર ફોન કર્યો હતો...

" હમમ..." આરુષિના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો... અને એ આટલું જ બોલી શકી...

" મને મળી શકે... હમણાં... પ્લીઝ...!! મારે તને મળવું છે... "

" ઓકે..." આરુષિને એના સવાલોના જવાબ મેળવવા હતા એટલે તરત અયાનની વાત માની લીધી...

" ઓકે.. રિવરફ્રન્ટ આવ....આપણી જૂની જગ્યા પર... " અયાન એટલું કહી ફોન મૂકી દે છે...


" હા..." એમ કહીને સ્કુટી એ તરફ મારી મૂકી...

થોડીવારમાં તો એ ત્યાં પહોંચી ગઈ... અને જોયું તો હજુ અયાન પહોંચ્યો નહોતો... એટલે બાંકડા પર જઈને બેઠી..

દસ મિનિટ વેઈટ કરીને થાકીને એ જવા માટે ઊભી થઈ ગઈ...
એટલામાં હાંફળોફાફળો અયાન ત્યાં આવી પહોંચ્યો... અને આવીને સીધો બેસી ગયો... એટલે આરુષિ પાછી બાંકડા પર જઈને બેઠી...

બંને જણા પુરી દસ મિનિટ સુધી શાંત બેસી રહ્યા... બંને વાતની પહેલ કોણ કરે એ માટે રાહ જોઈ રહ્યા... છેવટે અયાનને થયું મારી ભૂલ છે.. મારે જ વાત કરવી પડશે ...એમ વિચારીને બોલ્યો...

" સૉરી... આરુ... મેં બહું જ દુઃખ પહોંચાડ્યું છે તને... "

જવાબમાં આરુષિએ માત્ર તાકીને સામે નજર જ નાખી...

" તારો ગુસ્સો વ્યાજબી છે... મેં કર્યું જ એવું છે તો... એક્ચુલી મારાથી થઈ ગયું... તારા વિના બધું જ અધુરું છે...
પણ સમય સંજોગો એવા હતા કે હું થોડા સમય માટે ભટકી ગયો હતો...પણ તારો અયાન હવે તારી પાસે જ રહેશે... એ ક્યાંય નહીં જાય... "

આરુષિ એકપણ શબ્દ બોલ્યા વગર બધું સાંભળી રહી...

" કંઈક તો બોલ...આરુ.. તારી ખામોશી મને બેચેન કરી રહી છે..."

તો પણ આરુષિ કંઈ જ બોલી નહીં... એટલે એને સમજાઈ ગયું...

એટલે અયાન આગળ બોલવાનું શરૂ કર્યું....

" કારણ જાણીને કદાચ તું મને માફ નહીં કરી શકે... પણ જે હશે હું સ્વીકારી લઈશ... તને યાદ છે... હું ઑફિસની પાર્ટીમાં હોટલ ગયો હતો...એ દિવસ અવની પણ એ પાર્ટીમાં આવી હતી... અને એ દિવસ રોજ કરતાં સુંદર દેખાતી હતી... સાચું કહું તો કંઈક વધારે જ સુંદર... એટલે જાણે અજાણ્યે મારું મન એની તરફ આકર્ષાયું હતું... એટલે એનાથી થોડો રહેવા લાગ્યો... પણ એને તો ઑફિસમાં હંમેશા મારી સાથે રહેવાની આદત હતી... એટલે એ મને શોધી જ લેતી.... એણે ડાન્સ માટે પૂછ્યું એટલે ના પાડી શક્યો નહીં... અને અમે બંને ક્યારેય વધુ નજીક આવી ગયા... એની ખબર ના રહીં... અને એના પછી અમે બંને હોટલના રૂમમાં ગયા.... હવે તું સમજી જા... હવે આગળ બોલવાની હિંમત નથી મારામાં...આરુ ભૂલ થઈ ગઈ મારાથી... મારી કોઈ એવી ઈચ્છા નહોતી...."

આ વાક્ય પૂરું થતાં જ અયાનના ગાલ પર થપ્પડનો અવાજ ગુંજ્યો...

બંનેના આંખોમાં આંસું હતાં... બંને એમનેમ રડતાં કલાક સુધી બેસી રહ્યા... અને પછી આરુષિ ઊભી થઈને ચાલવા માંડી...

અયાને તેનો હાથ પકડીને રોકી...
" આરુ, તું મને માફ કરીશને... મારે તો તારી જોડે જ લાઈફ જીવવી છે... આજ પછી એવું ક્યારેય નહીં કરું..."


" ખબર નહીં...." આટલું જ બોલીને આરુષિ ત્યાંથી નીકળી ગઈ..

અને અયાન આંખોમાં આંસું સાથે આશાભરી નજરે એને જોઈ રહ્યો... કદાચ એ પાછી આવીને માફ કરી દે અને મને ગળે લગાવી દે...