dariyana petma angar - 17 in Gujarati Fiction Stories by MaNoJ sAnToKi MaNaS books and stories PDF | દરિયાના પેટમાં અંગાર - 17

Featured Books
Categories
Share

દરિયાના પેટમાં અંગાર - 17

એક ગધેડાએ પોતાની જાતિની સભા બોલાવી અને પોતાને મુંજાતા પ્રશ્નને એ લોકો પાસે રજૂ કર્યું, પ્રશ્ન એ હતો કે,"સફેદ કપડાં પહેરી બે પગવાળા આ ક્યાં પ્રાણી બજારમાં આવ્યા છે જે આપણી જેમ કરે છે, મોઢેથી સારા વચનો કહે અને પાછળથી લાત મારે છે." ત્યાં એક વડીલ ગધેડો ઉભો થયો અને જવાબ આપ્યો, "અરે બેટા એમાં આપણી જાતિને કોઈ જ ખતરો નથી, આતો દેશમાં ચૂંટણી આવી એટલે કાળા દિલવાળા સફેદ આવરણ પરિધાન કરી જાતિવાદના ઉકરડા ધમરોડે, આતો વર્ષોથી ચાલ્યું આવે છે." આ ચર્ચા ગધેડાની સભામાં થઈ હતી. ખૈર, ત્યારે કોઈ ત્યાં પત્રકાર હાજર નહોતા, નહિતર બ્રેકિંગ ન્યુઝ થઈ જાત, "ગધેડા પણ ચૂંટણી લડવાની વાત લઈ મેદાનમાં આવ્યા છે."


ચૂંટણી આવી એટલે નેતાઓમાં સર્જનતા અને નમ્રતા આપોઆપ આવી જાય છે. દેશ સેવાનો પ્રવાહ વહેતો થાય છે. તમામ નેતાઓને દેશ સેવા માટે એટલી તો ઉતાવળ હોઈ છે કે એક પક્ષમાં ટીકીટ ન મળે તો બીજા પક્ષમાં જઈ ટીકીટનો મેળ કરી ચૂંટણી તો પડે જ છે, અંતે દેશ સેવા જો કરવી છે. ટીકીટ માટે હવાતિયાં મારતા નેતાઓ જ્યારે ટીકીટ નથી મળતી ત્યારે જાહેર જનતા સમક્ષ એટલું જ કહે છે,"ભલે મને ટીકીટ ન મળી પણ હું પક્ષને વફાદાર રહીશ." કોઈ નેતા આજ સુધી નથી બોલ્યા કે હું મારા દેશને વફાદાર રહીશ. એ લોકો માટે પક્ષ હંમેશા મહાન જ હોઈ છે. ટીકીટ મળી ગઈ એટલું સાંભળે ત્યાં જેના અને તેના પગ પકડવાનું ચાલુ થઈ જાય. ઘણીવાર તો ઉતાવળમાં વીજળીના થાંભલાના પગ પણ પકડી લેતા હોય છે.


ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી, બહુજન પાર્ટી અને નિશાદ પાર્ટીનું ગઠબંધન થયું બધા એક મંચ પર આવી ગયા. ત્યાં નિશાદ પાર્ટીના પેટમાં ટીકીટનો દુખાવો થયો અને સપા, બસપાનું હંગામી દામન છોડી ભાજપ સાથે વિલીનીકરણ કરી નાખ્યું. આ એ જ નિશાદ પક્ષ છે જેમને ભાજપનો ગઢ કહેવાતા ગોરખપુરની લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો આપ્યો હતો. ઉત્તરપ્રદેશમાં ગઠબંધન માંથી નિશાદ નીકળી જતા ફરી ત્યાંના સમીકરણો બદલાય જશે. ગોરખપુર ક્ષેત્રમાં લગભગ પંદર ટકા નિશાદ લોકોનું વોટિંગ છે. ત્રણ કે ચાર લાખ વોટ કોઈપણ ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરવા માટે કાફી હોઈ છે. આમ પણ ઉત્તરપ્રદેશમાં કોઈપણ ચૂંટણી જાતીય સમીકરણ પર જ થતી હોય છે. જોનપુર અને મિર્ઝાપુર જેવા વિસ્તારમાં નિશાદ પાર્ટીનું ભાજપમાં વિલીનીકરણ ભાજપ માટે કેટલું ફાયદાકારક નીવડે છે એ તો આવનાર સમય જ બતાવશે. પણ અહીં જાણવું એ રહ્યું કે થોડા દિવસ પહેલા નિશાદ પાર્ટીના નેતાઓ ગોરખપુર તરફ માર્ચ કાઢી જઈ રહ્યા હતા અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો. એ બાબતને એકબાજુ રાખી જે વિલીનીકરણ થયું એ ઉત્તરપ્રદેશમાં એંસી બેઠકનું ભવિષ્ય નક્કી કરશે.


ઉત્તરપ્રદેશ અને બિહારની રાજનીતિનો પાયો જાતિ આધારિત રહ્યો છે. જ્યારે ગુજરાતમાં આર્થિકનીતિ મોટો ભાગ ભજવી જતી હોય છે. દક્ષિણ અને પૂર્વમાં લેફ્ટ વિચારધારાનો વ્યાપ વધુ છે એટલે ત્યાં સામ્યવાદી વિચારધારા મજબૂત રહી છે. પશ્ચિમ બંગાળમાં ઘણા સમયથી મમતા બેનર્જીનો દબદબો કાયમ છે એને ઉખાડવા ભાજપ એનકેન પ્રકારે પ્રયાસ કરી રહી છે. તમિલનાડુમાં દિવંગત કરુણાનિધિનો પુત્ર સ્ટાલિન છે, ચંદ્રાબાબુ નાયડુ, દેવગોડાનો છોકરો કુમાર સ્વામી અને જયલલિતાના પક્ષમાંથી કોણ ઉભરીને આવે એ જોવું રહ્યું. આ તમામ ધુરંધરો પોતાના રાજ્યમાં પોતાની સીટ પકડી બેઠા છે અને પોતાનો દબદબો કાયમ રહે એ માટે બનતી મહેનત પરી રહ્યા છે. આમ પણ ભારતની રાજનીતિમાં દક્ષિણપંથી નેતાઓ આલાકમાન્ડ પર રહ્યા છે. કે. કામરાજ હોઈ કે પછી નરસિમ્હા રાવ હોઈ, વર્તમાનમાં પણ દેવગોડા અને સ્ટાલિન સરકાર કોની બને એ નક્કી કરવા માટે કાફી છે.


બે યુવાનોના નામ સામે આવે છે લોકસભાની ચૂંટણીની ઉમેડવારીમાં, એટલે યુવાનો પોતાની જગ્યા રાજકારણમાં કરી રહ્યા છે એ ખુશીની વાત છે. ગુજરાતમાં હાર્દિક પટેલને ચૂંટણી લડવી કે નહીં એ બાબતમાં હાઇકોર્ટ દ્વારા મનાઈ ફટકારી છે. ત્યારે હાર્દિકે સુપ્રિમના દરવાજા પર દસ્તક આપી છે. પણ હાર્દિકે પોતાના સહયોગીને ટીકીટ અપાવવામાં સફળતા મેળવી છે. બીજી બાજુ અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસથી નારાજ હોઈ એમ દ્રષ્ટિગોચર થાય છે. અડવાણીનું ગાંધીનગર બેઠકનું આધિપત્ય અમિત શાહ પાસે જતું રહ્યું છે. જ્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અમરેલી બેઠક પર પોતાનો ગઢ સાચવવા તૈયાર છે. ઘણા સાંસદો ગુજરાતમાં રિપીટ થયા છે. જેમાં વીનું ચાવડા, રાજકોટમાં મોહનભાઇ, જામનગરમાં પૂનમ બહેન જેવા ભાજપના મોતના ગજાના નેતા મેદાનમાં છે.


આ ચૂંટણી ભારતના ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કરશે. ખુરશી પામવા માટે 1996માં જે નાટક અને પુખ્ત રાજનીતિ ભારતે જોઈ એનાથી પણ આગળ આ ચૂંટણી અને એમના પરિણામો જઈ રહ્યા હશે. આ ચૂંટણીમાં દેશના યુવાનોનો અહેમ રોલ રહેવાનો છે કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં વર્તમાન સરકાર સામે અનેક યુવાનોએ પોતાનો મોરચો ખોલી રસ્તા પર વિરોધ કરવામાં આવ્યા હતા. આ યુવાનોની મહત્વકાંક્ષા અને કરેલી મહેનત કેટલી ફળે છે એતો પરિણામ જ કહી શકશે. પણ એટલું તો ચોક્કસ કહીશ કે ભારતના રાજકારણમાં યુવાનોની એન્ટ્રી થઈ ગઈ છે. એટલે પરિવર્તન આવે એવા જ આ સંકેત કહી શકાય. ઈચ્છા પણ એ જ રહી છે કે મોટા ભાગના યુવાનો રાજનીતિમાં રસ દાખવી ખુરશીચુસ્ત અને દંભી ઇમારતને ધરાસાય કરે.


(ક્રમશ:)