Pragati - 15 in Gujarati Fiction Stories by Kamya Goplani books and stories PDF | પ્રગતિ ભાગ - 15

Featured Books
Categories
Share

પ્રગતિ ભાગ - 15

" સાચે બેટા ? " સવાલ પુછાય ગયા પછી સંજયભાઈને સમજાયું કે આ ખોટું થઈ રહ્યું છે.....

" હા.....આમ પણ ડોલીની સગાઈ સમયે બા એ ઘરમાં વાત કાઢી હતી પછી મેં પણ ઘણું વિચાર્યું....હવે હું લગ્ન માટે તૈયાર છું એવું મને લાગે છે...." પ્રગતિએ સંજયભાઈના દિલનો ભાર હળવો કરવા કહ્યું.....આયુ તો બેનના આ ત્યાગને એકીટશે જોઇ રહી.....

વિવેકની કેબીનમાં આવ્યા પછી રોહિત ત્યાં પડેલી ખુરશીમાં ગોઠવાયો ત્યાં તો વિવેક પોતાની ખુરશી તરફ ગયો. ત્યાં ઉભા ઉભા જ એણે પોતાના ખિસ્સામાં પડેલી ચાવી કાઢી ટેબલની નીચે તરફ રહેલું ડ્રોવર ખોલ્યું ને ત્યાંથી પાંચસો રૂપિયા વાળી નોટોની બે થપ્પીઓ લઈ એ ફરી આગળની બાજુએ આવ્યો. ટેબલ પર રોહિતની નજીક પૈસા મૂકી વિવેક એની સામેની ખુરશી પર ગોઠવાયો.

" લે...હજુ જોઈતા હોય તો કહેજે...." વિવેકએ રોહિતને કહ્યું.

" ભાઈ, હું કંઈ દરવખતે આના માટે આવું છું ? " રોહિતનો અવાજ સહેજ મોટો થયો એણે એ થપ્પીઓ ટેબલ પર જ સ્લાઈડ કરી વિવેક તરફ ખસેડી વધુમાં ઉમેર્યું..." અને હવે તો...."

" અને હવે તો જનાબ કામ પણ કરે છે.......ખબર છે મને....." વિવેક જરા અકળાયો. એણે પોતાનો ચહેરો આડો ફેરવી લીધો.

" ભાઈ...." રોહિતના અવાજમાં જે માર્દવ હતો એનાથી વિવેક પીગળી ગયો....એને ફરી રોહિત તરફ જોયું.

" ભાઈ આમ નારાજ શું થાવ છો.... હું સાચે જ કોઈ જરૂરી વાત કરવા માટે આવ્યો છું...." પોતાની ખુરશીમાંથી ઉઠીને રોહિતએ વિવેકની સામે નીચે ગોઠવાતા કહ્યું એણે ફરી એક નજર એ નોટો તરફ કરીને કહ્યું, " આના કરતાં પણ જરૂરી...." રોહિતની જીણી આંખો થોડી ચમકતી હતી. વિવેકને એની આંખોમાં જાણે સચ્ચાઈ સિવાય કંઈ જ ન દેખાયું. એણે રોહિતને ઉભો કર્યો અને સ્નેહાળ અવાજે પૂછ્યું, " શું થયું છે ? "

સંજયભાઈની ઊંઘ ઊડી ગઈ હતી. છેલ્લા અડધી કલાકથી એ કમરામાં આમતેમ ફરી રહ્યાં હતાં. પલંગ પર બેઠેલા બા ની આંખો આ જોઈને થાકી હતી.

" સંજુ, આટલું બધું શું વિચારે છે ? " આખરે બાએ મૌન તોડ્યું.

" આ ક્યાંનો ન્યાય છે....? એકની ખુશી માટે એકનું બલિદાન....! " સંજયભાઈ પણ જાણે આ જ સવાલની રાહ જોતા હોય એમ બોલી ઉઠ્યા.

" બલિદાન શેનું ? કોઈક દિવસ તો પરણાવાનું જ છે ને બંને ને....તો પછી ? અને આપણે કંઈ પ્રગતિના લગ્ન ગમે ત્યાં તો નથી જ કરવાના....." બા એ એમને શાંત પાડતા કહ્યું.

" હા પણ...." સંજયભાઈ હજુ મૂંઝવણમાં હતા.

" અરે.... તું વધુ નહીં વિચાર....ને ઉતાવળે છોકરા જોવાનું શરૂ કર.પ્રગતિનું મન બદલાય એ પહેલા...." બા એ કહ્યું અને તરત જ એ આડા પડીને સુઈ ગયા.

" ઉતાવળ....? એ જ ને....આયુને આટલી ઉતાવળ શેની છે ? " જાણે પોતાની સાથે વાત કરતા હોય એવી રીતે સંજયભાઈના હોઠ ફફડ્યા અને એ પેહલા કરતા પણ વધુ વિચારમગ્ન થયા.....

ભેજના કારણે વાતાવરણમાં થોડી ઠંડક હતી ઉપરથી પવનના સુસવાટા, ધીરે ધીરે ચાલતો પંખો અને સાથે એકસામટા પડતા વરસાદનો અવાજ ભળીને કઈક સુરીલું સંગીત રચાય રહ્યું હતું. આવા અદ્દભુત સૌંદર્યની વચ્ચે આયુશીના ઓરડામાં રહીને પ્રગતિ બારીમાંથી એકધારે વરસાદને તાકતી હતી. દરવાજે ઉભેલી આયુએ સફેદ રંગની ઘૂંટણથી થોડી જ ઉપર આવે એટલી લાંબી ટીશર્ટ પહેરી હતી. એના હાથમાં કાળા રંગના બે મગ હતા. રૂમના દરવાજે પહોંચ્યા પછી એ અટકી.....

" આવું કે ? " આયુશીએ પ્રગતિને પૂછ્યું.

એક સ્મિત આપ્યું પ્રગતિએ અને પછી કહ્યું, " પોતાના જ રૂમમાં આવવા માટે પરમિશન શું કામ માંગે છે ? " કહેતા કહેતા પ્રગતિને વિચાર આવ્યો કે આ એ જ આયુ જે ક્યારેક પોતાના રૂમમાં પણ પૂછ્યા વગર ઘુસી જતી. ઘણી વખત તો અડધી રાતે પણ ત્યાં આવીને સુઈ જતી.

" એમ જ....મને મોટીબેનની મહત્વતા અચાનક જ સમજાય રહી છે...." આયુશીએ પ્રગતિની નજીક જઇ એક મગ આગળ ધરતા કહ્યું.

" આ શું ? તારે હવે બહુ કોફી નથી પીવાની. " પ્રગતિએ એક હાથમાં કપ લઈ આયુશીના કપની સામે જોતા જ હુકમ કર્યો.

" મોટી, આવું નહીં કહે હું મરી જઈશ આના વગર...." આયુશીએ એકસામટા બે ત્રણ ઘુટ પીતા કહ્યું.

" મહિના માં બે જ વખત. " પ્રગતિએ કહ્યું.

" શું ? " આયુશી ફાટી આંખે અને ખુલ્લા મોં એ પ્રગતિની સામે જોઇ રહી.

" આમ શું જુએ છે ? તારે હવે માત્ર તારું જ નથી વિચારવાનું...." પ્રગતિએ કહ્યું તેથી આયુશીને કંઈક યાદ આવ્યું.

" મોટી, તું સાચે જ ગમે તેની સાથે પરણી જઈશ ? " આયુશીએ ત્યાંથી થોડે દુર જઈને પ્રગતિને પૂછ્યું.

ફરી સ્મિત કર્યું પ્રગતિએ અને કહ્યું, " ગમે તેની સાથે નહીં.... પપ્પા કહેશે એની સાથે. " પ્રગતિ હજુ એ જ પરિસ્થિતિમાં વરસાદ ને જોઈ રહી હતી. આયુશીએ અડધો ભરેલો મગ ત્યાં રહેલી ટીપોઈ પર મુક્યો અને પ્રગતિની નજીક જઇ એને પાછળથી વળગી પડી.

" મોટી, આપણે ફરીથી તપાસ કરાવીએ. બની શકે કોઈ ભૂલ થઈ હોય. આ આટલું બધું.... મને તો વિશ્વાસ જ નથી થતો...." બોલતા બોલતા આયુશી રડમસ થઈ ગઈ હતી. પ્રગતિએ બાજુમાં રહેલા રેક પર એનો કપ મુક્યો અને આયુશીનો એક હાથ પકડી વરસાદને છોડીને એ સીધી ફરી.

" વિશ્વાસ આવતો નથી કે કરવો નથી ? " પ્રગતિના હાથ આયુશીના વાળમાં ફરી રહ્યા હતા. આયુશીને બહુ કઈ સમજાયું નહીં એ પ્રગતિથી અળગી થઈ.

" એટલે ? " પ્રશ્ન પૂછીને આયુશી પલંગ પર બેઠી.

" એટલે એમ....કે પરિસ્થિતિથી ભાગવાથી કંઈ જ હાથ નથી આવતું. ઉલટાનું આપણે આપણું અસ્તિત્વ પણ ખોઈ બેસીએ છીએ એટલે હકીકતને સ્વીકાર અને એનો સામનો કર." કહીને પ્રગતિ ઊંઘી ફરી. કોફીથી ભરેલો કપ હાથમાં લઈ એ ફરી વરસાદને જોવા લાગી. પલંગ પર બેઠા બેઠા આયુશીની મુખરેખાઓ પલટાઈ.

" રોહિત પણ આવું જ કંઈક કહેતો હતો....બંને કેટલું સરખું વિચારે છે. સમજે છે. હાશ....મોટી મારી સાથે નહીં હોય તો મને કોઈક તો સાચવવું વાળું હશે.....! " આયુશી ક્યાંય સુધી વિચારતી રહી.....

" પણ હું ? " એ મનોમન બબડી. સામેની દિશામાં રહેલા બંધ વોડરોબમાં આયુશીને પોતાનું પ્રતિબિંબ દેખાય રહ્યું હતું. એને પોતાના પેટ પર હાથ મુક્યો. " શું પોતે આ પરિસ્થિતિને લાયક હતી? " એના અંતરમાં સવાલ થયો. આયુશીને કાનમાં જોરથી સામનો કર , સ્વીકાર, જેવા શબ્દો રોહિત અને પ્રગતિના અવાજમાં સંભળાતા હતા. ધીરે ધીરે એ અવાજ વધુ તીવ્ર બની ચુક્યો હતો જાણે રૂમમાં ચારે તરફ આ જ અવાજના પડઘા પડતા હતા. એની સહનશીલતા ઘટી. એણે પોતાના બંને હાથ વડે બંને કાન જોરથી દબાવ્યા. આયુશીને શાંતિ થઈ. ધીરે ધીરે એને હાથ હટાવ્યા. હવે કોઈ અવાજ નહતો સંભળાતો એટલે એને શાંતિ થઈ. એને ફરી વોડરોબમાં રચાતું પોતાનું પ્રતિબિંબ જોયું. આંખો બંધ કરી એને એક ઊંડો શ્વાસ લીધો. નીચે જોયું અને સામે ટીપોઈ પર કોફીથી અડધો ભરેલો મગ એને દૂર કર્યો......

વિવેકની કેબિનમાં વિવેક અને રોહિત વચ્ચે કેટલીય વાર સુધી મૌન છવાયું હતું. બંને વચ્ચે વાદળોના ગડગડાટનો અવાજ ગુંજી રહ્યો હતો. સાંજ પડી ચુકી હતી ઉપરથી વરસાદનું આગમન થવાનું હતું એટલે ધીમે ધીમે ઓફિસ સ્ટાફ પણ લગભગ જતો રહ્યો હતો. બે ચાર કર્મચારીઓ સિવાય કોઈ નહતું એ પણ વિવેકસર અંદર ગયા પછી પાછા આવ્યા જ નહોતા એટલે રિપોર્ટિંગ કરવા માટે રોકાયા હતા. વાદળોનો ગડગડાટ ઘણો વધ્યો હતો. એ જોઈને વિવેક બહાર આવ્યો એને બાકીના સ્ટાફને રજા આપી અને ફરી પાછો અંદર આવ્યો.

પાછળથી ખુરશી પર બેઠેલા રોહિતના ખભ્ભે હાથ મૂકી વિવેક બોલી ઉઠ્યો, " વાતની ગંભીરતા સમજાય છે ને ? " વિવેક જાણતો હતો કે નાનપણથી જ રોહિતએ ગરીબી બહુ નજીકથી જોઈ હતી એટલે નાની ઉંમરે જ એ સમજદાર થઈ ગયો હતો. છતાં આજે એનાથી ન રહેવાયું એટલે એણે આ સવાલ પૂછી જ નાખ્યો.

" હા...." રોહિત ત્યાંથી ઉભો થયો. " સમજાય છે....એટલે જ તો તમને જણાવા આવ્યો છું. " રોહિત એ કહ્યું.

" ગુડ....તું કાલથી મારી સાથે કામ કરીશ. " વિવેકએ રોહિતને કહ્યું.

" ના ના...." રોહિતને હજુ આગળ બોલવું હતું.

" મેં કહ્યું ને...." વિવેકએ મોટા અવાજે હુકમ કર્યો.

" ભાઈ....આઈ રિસ્પેક્ટ યુ પણ હું આના માટે તમને કહેવા નહતો આવ્યો. મને માત્ર મોરલ સપોર્ટની આવશ્યકતા છે મારા મોટાભાઈ પાસેથી બસ.....નથિંગ એલ્સ. " રોહિતની આંખો ભીની થઇ. વિવેક એની નજીક જઇ એને વળગી પડ્યો.

" આદર કરે છે ને મારો....તો પણ નહીં માને ? આમપણ મને કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ જોઈએ છે જેથી મને થોડી શાંતિ થાય. " કહેતા કહેતા વિવેક રોહિતની પીઠ પસવારતો રહ્યો. રોહિત એનાથી થોડો જ અળગો થયો અને એનાથી બે ઇંચ ઉંચા વિવેકને સહેજ ઉપર જોઈને કહ્યું, " મોટાપપ્પા....? "

" હું છું ને....." વિવેક વધુ કંઈ કહે એ પેહલા જ રોહિતે એની વાત કાપી. " ના ભાઈ ના....વર્ષો પહેલા જે કારણે મને તમારાથી દૂર કરાયો જો ફરીથી એ પરિસ્થિતિ થશે તો હું સહન નહીં કરી શકું. અને હું મોટાપપ્પા નો પણ આદર કરું છું....આપણે આ ઉંમરે એમને હેરાનગતિ ન દઈએ તો સારું...." કહેતા કહેતા અનાયાસે જ રોહિતના હાથ જોડાય ગયા. વિવેક તો રોહિતને એક ક્ષણ જોઈ રહ્યો પછી એને ફરી ગળે વળગી પડ્યો.....
To be Continued

- Kamya Goplani