નેત્રસંવાદોની વચ્ચે કોણ જાણે શું થયું પણ અનાયાસે જ રોહિતનો જમણો હાથ આયુશીના કપાળ અને માથા પાસે પહોંચી ગયો. આયુની આંખમાં આવતા વાળ એને સહેજ પાછળ કર્યા. એના સ્પર્શથી તૃપ્ત થઈને આયુશીના ચક્ષુપટમાં ક્યારના માંડ માંડ કરીને સાચવેલા આંસુ સરકીને ગાલ પર આવે એ પેહલા જ રોહિતનો હાથ આયુશીના ગાલ સાફ કરતો કરતો એના વાળમાં પહોંચી ગયો. હવે જાતને રોકવું આયુશી માટે અસહ્ય હતું રોહિતના સ્પર્શથી એને જાતને છૂટી મૂકી દીધી એટલે પોતે સીધી જ એના તરફ ઢળી પડી અને જોર જોરથી ડૂસકાં ભરીને રડવા લાગી. રોહિતની છાતી અને એના પર રહેલો કોટ ભીંજાતો રહ્યો. આસપાસની ખુરશીઓમાં ગોઠવાયેલા લોકો એ દ્રશ્યને જોઈ રહ્યા.......
અત્યારે બંને બહેનો એકસાથે રડી રહી હતી હા કારણ ચોક્કસ જુદા હતા. એકને પ્રેમથી તરબોળ થયાની ખુશી હતી તો એકને ક્યાંક કશેક કોઈ ખામી રહી ગયા નો અફસોસ....! એકનું રુદન સ્નેહ મળ્યાનું હતું તો એક નું કદાચ પૂરતું સ્નેહ ન આપી શક્યા નું....! એકનું લાગણીનું હતું તો એક નું જવાબદારીનું....!
લગભગ અડધી કલાક સુધી બંને એ જ સ્થિતિમાં હતા. કારમાં આવ્યા પછી બાજુની સીટ પર ફેંકેલો પ્રગતિનો ફોન અચાનક રણકી ઉઠ્યો.
" ઓહહ...શીટ...." સ્ક્રીન પર પપ્પા નામ વાંચી પ્રગતિના મોંમાંથી આવા શબ્દો નીકળ્યા. રડી રડીને લગભગ અસ્વસ્થ થયેલી પ્રગતિ ખરેખર જોવા જેવી હતી. એની આંખોની પાંપણોના વાળમાં હજુ પણ આંસુ અટવાયા હતા. આંખની નીચેના ભાગ થોડા કાળા થઈ ગયા હતા ને ગાલ તેમજ મોં ના અન્ય ભાગ પર સુકેલા આંસુના નિશાન હતા. પ્રગતિએ પપ્પાનો ફોન જોયો એટલે તરત જ પોતાને સાચવી ઊંડો શ્વાસ લઈ ફોન ઉઠાવ્યો.
" હેલો...." પ્રગતિએ બધું જ ઠીક હોવાનો ડોળ કર્યો.
" બંને માંથી કોઈ લેવા ન આવ્યું....? મારી સાથે સાવ આવું કરવાનું ? " સંજયભાઈ સાવ બાળકની જેમ દલીલ કરી રહ્યા હતા.
" સૉરી પપ્પા. એક કામમાં ફસાય છું. મગજમાંથી જ નીકળી ગયું કે ચાર વાગ્યે એરપોર્ટ પહોંચવાનું હતું. રિયલી સૉરી. આયુ પણ મારી સાથે જ છે. કામ ઘણું હતું એટલે મને મદદ કરે છે....." પ્રગતિએ સફાઈ આપી.
" ઓહહ....આઈ સી....હવે મારી દીકરીઓ મોટી થઈ ગઇ છે....પોતાના કામોમાં વ્યસ્ત થઈ ગઈ છે.....હવે આમ પણ મારી કોને જરૂર છે....." સંજયભાઈ બનાવટી કટાક્ષના સુરમાં બોલતા જતા હતા.
" પપ્પા....." પ્રગતિએ મન ન હોવા છતાં લાડ કર્યા.
" હા...હા...ઠીક છે ઠીક છે.....હું જાતે જ ઘરે જાવ છું....આવી રીતે ઇમોશનલ બ્લેકમેલ નહીં કરવાનું......" સંજયભાઈ હસી પડે છે.
" અચ્છા....તો હમણાં તમે શું કરતા હતા....? સારું તમે ઘરે પહોંચો અમને મોડું થશે...." પ્રગતિએ કહ્યું અને સંજયભાઈ હામી ભરી ફોન મૂકી દે છે. ફોન બાજુ પર મુકતા જ પ્રગતિએ પોતાની જાતને કારની બહાર ના અરીસામાં જોઈ. કોઈ પણ ક્ષણે આયુ અને રોહિત આવતા જ હશે એ વિચારે એ ખુદને ઠીકઠાક કરવામાં વ્યસ્ત થઈ.
રોઈ રોઈને રોહિતનું જેકેટ લગભગ ભીનું કરેલી આયુ ધીમે ધીમે શાંત થવા લાગી હતી. રોહિતએ એને શાંતિથી રડવા દીધી હતી એટલે આયુ થોડી સ્વસ્થ થઈ એવું ધ્યાને પડતા જ રોહિતે એને બહુ જ ધીમેથી આયુને ખરાબ ન લાગે એમ પોતાનાથી અળગી કરી. ટેબલ પર પડેલા પાણીના જગમાંથી એક ગ્લાસ ભરી એને આયુ તરફ લંબાવ્યો. આયુ એને લઈને ધીમે ધીમે પાણી પીવા લાગી. એનું ગળું સુકાયું હતું એટલે એ એક એક ઘૂંટ ધીરે ધીરે અંદર ઉતારતી હતી.
" આટલા દિવસોમાં કેટલું બધું થઈ ગયું નહીં....! " એને પાણી પીતા પીતા કહ્યું. આયુએ પોતાનો એક હાથ ટેબલ પર પડેલા રોહિતના હાથ પર મુક્યો અને સાવ સહજતાથી એનાથી બોલી જવાયું..." આપણે બહુ મોટી ભૂલ કરી છે રોહિત....." એને હજુ આગળ બોલવું હતું પરંતુ રોહિત એ આયુના હાથ પર પોતાનો બીજો હાથ રાખ્યો....
" આયુ.....જે થયું એ....ભૂલ હોય કે જે હોય તે.....એનાથી ભાગવાથી કે એને વાગોળવાથી પીડા સિવાય કંઈ જ હાથ નથી આવવાનું. અત્યારે આપણે વર્તમાન વિશે વિચારવાનું છે. સામે આવેલી પરિસ્થિતિનો સામનો કરવાનો છે......નાઉ વી હેવ ટુ હેન્ડલ ઇટ મેચ્યોરલી....સમજાય છે.....? " રોહિત એ ખૂબ જ શાંતિ અને ધીરજ સાથે આયુ ને સમજાવી. આયુને તો એની સમજદારી પર વારી જવાનું મન થયું. હવે પોતે મગજથી સાવ શાંત અને સ્પષ્ટ હતી એટલે એને પોતાની દુનિયામાંથી જરાક બહાર આવતા આસપાસ નજર કરી તો કાફેમાં ગોઠવાયેલા અન્ય લોકો વાંરવાર આયુશી અને રોહિત ને જોઈ રહ્યા હતા. એમાંનું કોઈક એમને જોઈને હસી રહ્યું હતું તો કોઈક વળી ઇમોશનલ થઈ ગયું હતું. ત્યાં આગળની તરફ બેઠેલા દાદા દાદી એમને જોઈને પોતાની યુવાનીના દિવસો યાદ કરી રહ્યા હતા રોહિતનું ધ્યાન એમના પર પડ્યું ત્યારે બુઢી દાદીએ એની બે - ચાર ખાલી જગ્યાઓ વાળી બત્રીસી બતાવી સામે રોહિત એ પણ સુંદર સ્મિત કરી આપ્યું.
" આ બધા આપણને આમ કેમ જુએ છે ? " આ બધી ઘટનાઓને હવે છેક ધ્યાનમાં લેતી આયુએ કુતૂહલવશ રોહિતને પૂછ્યું.
" જુએ જ ને.....તે કામ જ એવા કર્યા છે....." રોહિતએ પેહલા આયુની આંખમાં જોયું અને પછી પોતાના ભીના કોટ તરફ ઈશારો કરતા આયુશીને કહ્યું.
" ઓહહ....સૉરી...." આયુશીના ચહેરા પર બાળકની નિર્દોષતા હતી એ જોઈને રોહિતને આયુશી પર પ્રેમ ઉભરાય આવ્યો એને આયુશીના વાળમાં હાથ નાખી પોતાની નજીક સહેજ નમાવીને એના કપાળ પર હળવું ચુંબન કર્યું.
" ચલ હવે....પ્રગતિબેન ક્યારના રાહ જોતા હશે. એ શું વિચારશે મેં આ બંનેને એકલા શું છોડ્યા કે આ તો પાછા આવવાનું નામ જ નથી લેતા...." રોહિતે આયુશીને હાથ પકડી ઉઠાડી અને ત્યાંથી લઈ ગયો.
પોતાને બરાબર સાચવેલી પ્રગતિ કારનો દરવાજો બંધ કરી બહારે જાણે કંઈ થયું જ ન હોય ને ક્યારની બંનેની રાહ જ જોતી હોય એમ દરવાજાને ટેકવીને ઉભી હતી. એની નજર આમતેમ ફરતી હતી. ત્યાં જ પોતે ઓટલા પરથી નીચે ઉતરીને આયુનો હાથ પકડીને એને ધીમેથી ઉતારતો રોહિત દેખાયો...." આયુશી કરતા રોહિત લાખ ગણો મેચ્યોર છે છતાં પણ એનાથી આવું થઈ શકે ? બની શકે....નશામાં કોને ખબર કે શુ કરીએ છીએ....! પણ રોહિતને આયુશી કેમ ગમી હશે ? એ તો સાવ બચ્ચું છે મારું....ખબર જ ન પડી ક્યારે મોટું થઈ ગયું....? ઓહહ ગોડ હવે એને પણ એક બચ્ચું આવશે....! " પ્રગતિના વિચારોની ગડમથલ ચાલુ હતી ત્યાં જ રોહિત અને આયુશી એની સામે આવીને ઊભા રહ્યા.
" પ્રગતિબેન હવે....." રોહિત કંઈક કેહવા જઈ રહ્યો હતો.
" હવે શું ? આપણે જેમ નક્કી કર્યું છે એમ હું જ પપ્પા સાથે વાત કરીશ....ચિંતા નહિ કર. " પ્રગતિએ કહ્યું. રોહિતે હા માં માથું ધુણાવ્યું. રોહિતની રજા લઈ બંને ત્યાંથી નીકળ્યા અને પછી રોહિત પણ પોતાની રીતે નીકળી ગયો.
રાતના બરાબર બે વાગ્યા હતા. આયુની સંભાળ લઈ એને બરાબર ખવડાવી - પીવડાવીને બરાબર સુવાડીને પ્રગતિ સાદા સીધા નાઈટસ્યુટમાં હૉલમાં વચ્ચોવચ્ચ ગોઠવાયેલી બા ની આરામ ખુરશીમાં આંખો બંધ કરીને જુલતી હતી. પ્રગતિએ આયુશીની ચિંતા દૂર કરી હતી પરંતુ પોતાને કાલે જ સંજયભાઈ સાથે વાત કરવાની હોવાથી એને જાતજાતના વિચારો આવતા હતા. જુદી જુદી ગણતરીઓ કરવામાં એનું મગજ થાકતું નહતું. એને વચ્ચે વચ્ચે પોતાના વિશે પણ વિચાર આવતો. એને એવો અણસાર તો આવી જ ગયો હતો કે પપ્પા એમનેમ સીધા જ આયુશીના લગ્ન નહીં જ કરાવે. પરંતુ અત્યારે એને આયુશી સિવાય અન્ય કોઈની પરવાહ નહતી. પોતાની પણ નહીં.
" હે ઇશ્વર શું આ પ્રક્રિયા મારે જ માથે આવી છે ? મેં એવો તો શું ગુનો કર્યો છે કે તે મા ને આટલું જલ્દી લઈ લીધું ? હું આયુ માટે કેટલું કરું છું. એ મને સૌથી વ્હાલી છે પણ છતાં એ હું એની મા ની ઉણપ પુરી ન જ કરી શકી....!? " પ્રગતિનું મગજ તીવ્રતાથી ચાલતું હતું ત્યાં જ એક હુંફાળા હાથનો સ્પર્શ એના માથા પર થયો એટલે એની આંખમાંથી એક આંસુ સરી પડ્યું....
" અહીંયા મારી સાથે ઊંઘ ન આવતી હોય તો ઉપર પોતાના રૂમમાં જઈને સુઈ જા....." બા નો હાથ હજુ પ્રગતિના માથા પર ફરતો હતો.
" ના બા......હું હમણાં અંદર આવીને સુઈ જઈશ. પણ તમે શું કામ ઉઠ્યા ? કંઈ કામ હતું તો મને બોલાવ્યું હોત ને....." પ્રગતિ એ એજ સ્થિતિમાં રહેતા કહ્યું.
" બસ જો.... પાણી પીવા ઉઠી હતી....તને આ રીતે જોયું તો.....કંઈ પરેશાની છે દીકરા ? " બા ની અનુભવી આંખોએ અંધારામાં પ્રગતિના આંસુ તો ન જોયા છતાં એ પ્રગતિની મૂંઝવણ કળી ગયા હતા. સામાન્યરીતે પ્રગતિ આવું એકાંત ઘણી વખત માણતી પરંતુ કોઈ અવાજ કે કોઈ પ્રતિક્રિયા વગર એ બસ બેઠી રહેતી. આજે એ આરામ ખુરશી માં બેઠા બેઠા હલતી હતી. પ્રગતિના મગજમાં ચાલતી વિચારોની તીવ્રતાનો આ આરામ ખુરશી જેવો જ હાલ હશે એવું કદાચ બા ને સમજાય ગયું હતું.....
" ના બા....પરેશાની તો નથી પણ પપ્પા સાથે એક વાત કરવાની છે અને તમારી સાથે પણ. આજે એ સહેજ થાકેલા હતા એટલે આપણે બધા કાલે એકસાથે બેસીને જ વાત કરીશું.....ચાલો અત્યારે સુઈ જઈએ. " પ્રગતિ ખુરશી પરથી ઉઠીને બા નો હાથ પકડી એમને રૂમમાં લઈ જાય છે.
" અચ્છા.... ભલે દીકરા......"
To be Continued
- Kamya Goplani