Pragati - 12 in Gujarati Fiction Stories by Kamya Goplani books and stories PDF | પ્રગતિ ભાગ - 12

Featured Books
Categories
Share

પ્રગતિ ભાગ - 12

પ્રગતિએ પોતાને સાચવીને ગાડી પાર્ક કરી. બંને જણા અંદર ગયા. એક કોર્નરના ટેબલ પર ગોઠવાયા કે જ્યાં અન્ય લોકોથી થોડી પ્રાઇવસી મળી રહે. પ્રગતિ ખુરશી પર માથું ટેકવી આંખો બંધ કરી પોતે કઈ રીતે રોહિત સાથે વર્તશે ? શું કહેશે ? શું નહિ ? ની ગણતરીમાં વ્યસ્ત હતી તો આયુશી દરવાજે એકધારું તાકીને રોહિતની રાહ જોઈ રહી હતી દરવખતે દરવાજો ખુલે ત્યારે કદાચ રોહિત હશે ! એવું એને લાગી રહ્યું હતું....

આયુશી અને પ્રગતિ હજુ પણ એ જ સ્થિતિમાં આવનારી પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર થતા હતા. થોડીવાર થયા પછી આયુશી મનોમન ગભરાય રહી હતી એના મનમાં રોહિતના ન આવવાનો ડર પેસી ગયો હતો. એની હાલત જાણે સમજી ગઈ હોય એમ પ્રગતિએ એ જ સ્થિતિમાં આંખો ઉઘાડી અને જરાક ત્રાંસી ફેરવીને આયુ તરફ નજર કરી.

" ફોન કર એને..." પ્રગતિએ સાવ શાંતિ અને ધીરજથી કહ્યું. પોતાને પરેશાની થતી હતી પરંતુ પ્રગતિના ડરને કારણે આયુશી કઈ કરતી નહતી. છતાં અત્યારે એને પ્રગતિની ઓફિશિયલ પરમિશન મળી ગઈ હતી એને પોતાનો જમણો હાથ ટેબલ પર પડેલા ફોન ને લેવા આગળ કર્યો....

દરવાજાની જરાક હલનચલન થઈ અને એક પાંચ ફૂટ આઠ ઇંચની હાઈટ ધરાવતો યુવાન અંદર પ્રવેશ્યો. આયુશી જમણા હાથે ફોનને ઉઠાવા જાય એ પેહલા એનો બીજો હાથ પ્રગતિના ટેબલ પર પડેલા હાથ પર અનાયાસે જ પહોંચી ગયો. પ્રગતિ બેઠી થઈ. એને જોયું કે સામેથી એક સામાન્ય જીંઝ - પેન્ટ, ટીશર્ટ અને સાથે ડેનિમનું જેકેટ પેહરેલો એક યુવાન આવી રહ્યો હતો. એની ટીશર્ટના ગળાનો વી શેપ સહેજ વધુ નીચે હતો જેના કારણે એની પહોળી છાતી અને એના પર રહેલા થોડા વાળ સ્પષ્ટ દેખાતા હતા તેથી એ વધુ આકર્ષક દેખાતો હતો. પહોળા ખભા ધરાવતા એ યુવાન ની પાછળની તરફની બ્લેક ગ્લાસ વિન્ડોમાં એનો કમર અને ખભા વચ્ચેનો વી શેપ થતો આકાર એની એકદમ ફિટ એન્ડ ફાઈન હોવાની સાક્ષી પૂરતું હતું. એના જમણા હાથમાં એક લાલ દોરો અને ડાબા હાથમાં એક બ્રાન્ડેડ ઘડિયાળ હતી તેમજ પગમાં બ્રાન્ડેડ શૂઝ. એના વાળ સહેજ અસ્તવ્યસ્ત હતા.

" હું...." પ્રગતિ અને આયુશીના ટેબલની નજીક જઈ એ કંઈ કેહવા જઈ રહ્યો હતો.

" બેસ...." પ્રગતિ એકદમ સ્થિર આવજે બોલી. આટલી નજીકથી પ્રગતિને એની સહેજ જીણી લાલ આંખો અને એની દાઢીમાં પડેલો એક ઘાવ પણ જણાયો. એની મૂછ અને દાઢી મળી જતી હતી એટલા વાળ હતા પરંતુ એ ઘાવ વાળા હિસ્સામાં એક પણ વાળ નહતો એટલે એ સ્પષ્ટ દેખાતો હતો. આયુશીને રોહિતને જોઈને એક ગજબ શાંતિ થઈ. દસ દિવસ પેહલા એક સામાન્ય ઝગડા બાદ એ ન તો મળતા હતા કે ન કોઈ વાત કરતા હતા. કદાચ આ એમના કાચી ઉંમરના પ્રેમની ખામી હતી. આયુશીને પોતાની પરિસ્થિતિ વિશે જ્યારે જાણ થઈ ત્યારે એને રોહિતને બસ એક માત્ર મેસેજ કર્યો હતો. જેનાથી એ ઘણો ડઘાય ગયો હતો. એને આયુશીની ચિંતા થતી એ એને વારંવાર ફોન કરી બસ એક જ વાત કર્યા કરતો ' તું ચિંતા નહીં કર હું બધું ઠીક કરીશ ' વગેરે વગેરે પરંતુ આયુશી એની વાત માનવા તૈયાર જ નહતી. રોહિત સાથે થયેલી લપ અને પછી પોતાની પરિસ્થિતિ વિશે જાણ થતાં જ આયુશી જાણે કંઈ સાંભળવા સમજવા તૈયાર જ નહતી એને બસ બને એટલું જલ્દી જીવનનું આ ચેપટર સમાપ્ત કરવું હતું. આ બાજુ રોહિતને એમ થતું કે આયુશી કોઈ ન ભરવાના પગલાં ભરશે તો પોતે જાતને ક્યારેય માફ નહિ કરી શકે એટલે એ વારંવાર આયુશીને ફોન કરતો બસ આયુશી એનો ફોન ઉઠાવી લેતી એટલે એનું ટેંશન થોડું ઓછું થતું હતું.

સમગ્ર ઘટનાઓ થયા પછી રોહિત અને આયુશી પેહલી વખત સામસામે આવ્યા હતા. આયુશીની ભાવવહી આંખો રોહિતને જોઈ રહી હતી. રોહિત પણ આયુશીને જ નિહાળી રહ્યો હતો. બંને વચ્ચે ચુપકીદી હતી. રોહિતને થતું હતું હમણાં જઈને આયુશીના માથા પર હાથ રાખે એને પડખામાં લે એના આંસુ સાફ કરે. એ આયુશીના ફિકા હોઠ અને પીળાશ પડતો ચહેરો પણ જોઈ શકતો હતો એને પોતાને આત્મગ્લાની થતી હતી કે પોતે આયુશીનું આટલું ધ્યાન પણ ન રાખી શક્યો....! એના આવા ભાવોથી એની લાલ આંખો વધુ લાલ થતી જતી હતી. પ્રગતિ આ સમગ્ર વાતો નોંધી રહી હતી. એને રોહિતને નખશીખ માપી લીધો હતો. એને એ તો દેખાય જ ગયું કે રોહિતનો દેખાવ જ એવો હતો કે કોઈ પણ છોકરી આસાનીથી એના તરફ આકર્ષાય શકે પરંતુ એની આંખો એના વ્યક્તિત્વ બાબતે ઘણું કહી જતી હતી. જાણીજોઈને પ્રગતિએ થોડી ક્ષણો ચુપકીદીની જ પસાર થવા દીધી. અચાનક જ રોહિતનું ધ્યાન પ્રગતિ તરફ ગયું.

" આખું નામ ? " રોહિતની નજર પોતાની તરફ આવતા પ્રગતિએ સીધો જ સવાલ માંડ્યો.

" રોહિત બંસલ " નામ સાંભળતા જ પ્રગતિએ મોઢે માંડેલો પાણીનો ગ્લાસ નીચે મૂકી દીધો. એક નજર આયુ તરફ કરી અને પ્રગતિએ ફરી પૂછ્યું, " શું ? "

" રોહિત બંસલ " રોહિત એ ફરી કહ્યું અને આ વખતે પ્રગતિએ આયુશી તરફ ધારદાર નજરે જોયું આયુશી જવાબમાં માત્ર નીચું જોઈ ગઈ.

" પ્રગતિબેન તમે જે બંસલ ઇન્ડસ્ટ્રીઝ સાથે કામ કરો છો ને......એ વિવેક બંસલ મારા કઝીન છે. હું અને આયુશી બારમાં ધોરણથી સાથે છીએ. મેં ઘણીવાર આયુશીને કહ્યું હતું કે હું વિવેકભાઈ સાથે તમારા કામ વિશે વાત કરું પણ તમારા ડરના કારણે આયુશીએ મને ના કહી હતી...." રોહિત ધીમે ધીમે અટકતા અને શબ્દો ગોઠવતા બોલતો જતો હતો.

એક પછી એક ખુલતા રહસ્યોથી પ્રગતિનું મગજ ફાટફાટ થતું હતું. એને વિશ્વાસ નહતો થતો કે પોતાના વર્તનમાં એવી તો શું ખામી હતી કે આયુશી એનાથી આટલું બધું છુપાવતી રહી....એને ફરી આજે મા ની યાદ આવી. પ્રગતિને લાગ્યું કે કદાચ આયુશીની સંભાળ લેવામાં એને જ કોઈ ખામી કરી છે એટલે જ આ બધું થઈ રહ્યું છે. એના અંતરમાં ચાલતી ગડમથલથી એની આંખના ખૂણે એક બુંદ ચમકી. કોઈના ધ્યાનમાં ન આવે એ રીતે એને એ સાફ કરી અને સામે મુકેલો પાણીનો ગ્લાસ લઈ એક શ્વાસે ખાલી કર્યો. એ પછી રોહિતથી લઈને એના કામ, ઘર, મા - બાપ, સ્ટડી અને આયુશીની ડોકટરની ડેટ સુધીની તમામ વાતો થઈ. ત્યારબાદ પ્રગતિ જાણીજોઈને ત્યાંથી નીકળી ગઈ. એને પોતાને પણ એકાંત જોઈતું હતું અને રોહિત અને આયુશીને પણ પ્રાઇવસી મળી રહે એ હેતુથી પોતે બહાર નીકળી ગઈ.

સડસડાટ પસાર થતા જુદા જુદા વાહનોની અવરજવર હાઇવે પર ચાલુ હતી. ગ્રીનસીટીમાં રહેલી ગ્રીનરી ખરેખર કેફેની આસપાસના વાતાવરણની શોભા વધારી રહી હતી. ચારેબાજુ રહેલી લીલોતરી અને જોરજોરથી ફૂંકાતા પવન સાથે જુદા જુદા પ્રકારના વાહનોની ચિચિયારીઓ સુર તાલ મેળવતી હોય એવું લાગી રહ્યું હતું. પ્રગતિ કાફેની બહારના નાનકડા ભાગમાં રહેલી બેન્ચ પર બેઠી હતી. આસપાસના વાતાવરણને કારણે એની અંદર વધુને વધુ ભાર થતો જતો હતો. જુદા જુદા પ્રકારના વિચારો એને ઘેરી વળ્યાં હતા. એના શ્વાસ રૂંધાઇ રહ્યા હતા એના ધબકારાની ગતિ તેજ થતી હતી. એ પોતે બેન્ચ પરથી ઉભી થઈને ચાલવા લાગી. આમ તેમ ફરતા એની તબિયત વધુ બગડતી જતી હતી. એ જીવનમાં ક્યારેય પોતે આટલી વિવશ નહતી થઈ. એના ગળે ડૂમો ભરાયો. એ સાઈડમાં પાર્ક કરેલી પોતાની કાર પાસે ગઈ. અંદર જઈને બેઠી અને સીધી જ સ્ટીયરિંગ વિલ પર ઢળી પડી. બંધ બારીઓની અંદર એના ગળાફાળ રુદનનો અવાજ ગુંજી રહ્યો......

આયુશીની આંખના ઇશારાથી એની બાજુની ખુરશીમાં ગોઠવાયેલો રોહિત આયુને જોઈ રહ્યો હતો. બંનેની સાવ શાંત આંખો એકમેક સાથે સંવાદો કરી રહી હતી. આટલું બધું થયા પછી પણ આયુશી જીદે ચડી હોય એમ હજુ પણ એક અક્ષર બોલવા તૈયાર જ નહતી એના જીદ્દીપનથી પૂરેપૂરો વાકેફ થયેલો રોહિત પણ આજે જાણે ન બોલવાના સમ ખાયને બેઠો હોય એમ ચૂપચાપ બેઠો હતો. નેત્રસંવાદોની વચ્ચે કોણ જાણે શું થયું પણ અનાયાસે જ રોહિતનો જમણો હાથ આયુશીના કપાળ અને માથા પાસે પહોંચી ગયો. આયુની આંખમાં આવતા વાળ એને સહેજ પાછળ કર્યા. એના સ્પર્શથી તૃપ્ત થઈને આયુશીના ચક્ષુપટમાં ક્યારના માંડ માંડ કરીને સાચવેલા આંસુ સરકીને ગાલ પર આવે એ પેહલા જ રોહિતનો હાથ આયુશીના ગાલ સાફ કરતો કરતો એના વાળમાં પહોંચી ગયો. હવે જાતને રોકવું આયુશી માટે અસહ્ય હતું રોહિતના સ્પર્શથી એને જાતને છૂટી મૂકી દીધી એટલે પોતે સીધી જ એના તરફ ઢળી પડી અને જોર જોરથી ડૂસકાં ભરીને રડવા લાગી. રોહિતની છાતી અને એના પર રહેલો કોટ ભીંજાતો રહ્યો. આસપાસની ખુરશીઓમાં ગોઠવાયેલા લોકો એ દ્રશ્યને જોઈ રહ્યા.......
To be Continued