" ક્યારે ? ક્યારે કહેવાની હતી ? " પ્રગતિના અવાજમાં એક મોટીબેન હોવાનો રુવાબ હતો.
" અ.. બ..બબ....હું " આયુશી ના ગળામાંથી શબ્દો નહતા નીકળતા.....
પ્રગતિ આયુશી સામે એકીટશે જોઈ રહી હતી અને આયુશી એની ધારદાર આંખોનો સામનો ન કરી શકતી હોય એમ મોં નીચે રાખીને ઉભી હતી. આયુશીના ગળે ડૂમો ભરાયો. હજુ આયુશીનીઆંખોનો બંધ તૂટીને અશ્રુધારા શરૂ થાય અને પ્રગતિ કમજોર પડે એ પેહલા જ એ જાતે જ થોડી નરમ થઈ ગઈ. એને આયુને બંને ખભેથી પકડ્યું ઊંડો શ્વાસ ભર્યો અને એને પલંગ પર બેસાડી. પોતે એની બાજુમાં નીચે ઘૂંટણના ટેકે બેઠી.
" કેટલા મહિના થયા ? " પ્રગતિ એ આયુનો હાથ પકડીને એને પૂછ્યું.
" બે " સુકેલા હોઠ જરાક જ ખોલીને આયુએ ઉત્તર આપ્યો.
" કોણ છે એ ? " પ્રગતિએ એક નિઃશ્વાસ નાખીને બની શકે એટલી શાંતિ અને ધીરજ સાથે બહુ જ ધીમા અવાજે પૂછ્યું.
" ર...ર...રોહિત " આયુશી એ ફરી એટલા જ હોઠ ખોલ્યા અને માત્ર એને પૂછવામાં આવતું હતું એટલા જ જવાબ આપતી રહી.
પ્રગતિએ માથે હાથ દીધો ને ફરી લઈ લીધો. પોતે ત્યાંથી ઉભી થઇ આખા રૂમમાં આટા મારવા લાગી. અજીબ અસમંજસમાં પડી હતી એ. આયુશીનું ધ્યાન રાખે કે એની ખબર લે...! પોતાને કારણે બેન આટલી વિવશ થઈ છે એ જોતાં જ આયુશીએ માંડ સાચવેલા આંસુઓ બહાર ડોક્યુ કરી આવ્યા. પ્રગતિનું ધ્યાન પડ્યું. રૂમમાં પડેલા પાણીના જગમાંથી એને એક ગ્લાસ ભર્યો અને આયુશીની આગળ ધર્યો. હવે એ આયુશીની બાજુમાં બેઠી હતી એને આયુશીને પોતાની બથમાં લીધી. પ્રગતિના ખભા પર માથું રાખી આયુશી ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી.
" બસ....બસ કર. " પ્રગતિનો હુંફાળો હાથ આયુશીને વાળમાં ફરી રહ્યો હતો. પ્રગતિએ પોતાની આંખોએ આવેલી એક બુંદને સાફ કરી. એને બહુ જ ધીમેથી આયુને પૂછ્યું, " ક્યારે થયું આ બધું ? "
" કોલેજ ટ્રીપમાં. મસ્તી મજાકમાં કોઈએ સોફ્ટડ્રિનક્સમાં નશા વાળી દવા ઉમેરી હતી કદાચ ત્યારે જ....." આયુશી ધીમે ધીમે એક એક શબ્દ ગોઠવીને બોલતી હતી.
" કદાચ....!? " પ્રગતિને નવાઈ લાગી. " આયુ, આટલી મોટી વાત તે મારાથી છુપાવી ? મને પેહલા જ કહ્યું હોત તો ? વળી તું કાલે અબોર્શન કરાવા પણ જવાની હતી....!" જો મને સ્મિતાનો ફોન ન આવ્યો હોત તો મને કંઈ જાણ જ ન થાત એમ ને....? " છેલ્લું વાક્ય કેહતા પ્રગતિની આંખો ભરાય આવી એને આયુને પોતાનાથી થોડી અળગી કરી.
" સૉરી મોટી સૉરી...." આયુશી મોટા મોટા ડૂસકાં ભરીને ફરી પ્રગતિને વળગી પડી.
" બસ....રોવાનું બંધ કર. તારી તબિયત માટે એ સારુ નથી. રોહિતને ફોન લગાડ. " પ્રગતિ આયુશીને અળગી કરી પલંગ પરથી ઉભી થઇ. પોતાના હાથમાં આયુશીનો ફોન લઈ રિંગ જતી હતી ત્યાં સુધી આંટા મારતી રહી. "
" હેલો....આયુ...આયુ તું ઠીક છે ને....ફોન કેમ બંધ કર્યો હતો જો હું છું ને મેં કહ્યું કે હું બધું સાંભળી લઈશ આયુ....." સામે છેડેથી એક સંવેદનશીલ અવાજ સાંભળીને પ્રગતિ સ્થિર થઈ.
" રોહિત, પ્રગતિ બોલું છું " પ્રગતિએ કહ્યું. રોહિત એક નવો કડક અવાજ સાંભળીને છકી ગયો.
" જ...જ...જી જી પ્રગતિ બેન ? " રોહિત એ કહ્યું.
" ધ ડાર્ક રોસ્ટ. સરખેજ ગાંધીનગર હાઇવે. હમણાં જ નીકળ. " પ્રગતિએ કડક અવાજમાં હુકમ કરી આપ્યો. આયુશી પ્રગતિ સામે સ્થિર નજરે જોતી રહી. એને મનમાં અત્યંત શાંતિ થઈ. છેલ્લા કેટલાય દિવસોથી એ આ બાબતે ખૂબ પરેશાન હતી. એકલે હાથે કુંવારી મા બનવા વાળી છોકરી હેરાન જ થાય એ તો સૌ સમજે પણ એની માનસિક સ્થિતિ પર કેવી ઊંડી અસર થઈ હોય એનો કોઈ અંદાજ પણ ન લગાવી શકે અત્યારે પ્રગતિને બધું જ સોંપીને આયુશી જાણે શાંત થઈ ગઈ હતી. આ પરિસ્થિતિનો નિવેડો હવે પ્રગતિ જ કરશે ને પોતાને ચિંતા કરવાની કોઈ આવશ્યકતા જ નથી એવું એને લાગતું હતું.
આયુશીની હાલત જોતા સામાન્યઢબમાં કાર ડ્રાઇવ કરી રહેલી પ્રગતિને અચાનક જ પોતે ગુસ્સામાં વિવેક સાથે કરેલું વર્તન યાદ આવ્યું. ઉપરથી જુલીના વિચારે તો એને ગાડી સાઈડમાં પાર્ક કરવા મજબુર કર્યું. એકબાજુ ગાડી ઉભી રાખી પ્રગતિએ વિવેકને ફોન જોડ્યો. ફોન બીઝી આવતો હતો. બે મિનિટ રાહ જોઈ એ પોતે ફરી કાર ચલાવા જઇ રહી હતી ત્યાં જ એના ફોનની રિંગ વાગી.
" હેલો...આર યુ ફાઈન પ્રગતિ ? " વિવેક એ પેહલા પૂછ્યું.
" આઈ એમ ફાઈન. અ... જુલી..." પ્રગતિ કેહવા જઈ રહી હતી.
" એ ઠીક છે. મારી હમણાં જ એની સાથે વાત થઈ છે. સો ડોંટ વરી અબાવટ ઇટ. " વિવેક એ કહ્યું.
" ઓહકે. એક્ચ્યુઅલી તમને આટલી ઉતાવળમાં મારી સાથે નીકળવું પડ્યું. અ... આઈ એમ સોરી. બા ની તબિયત જરા ઠીક નહતી એટલે...." પ્રગતિ એ એક એક શબ્દ ગોઠવીને બોલવા માંડ્યું.
" નો.. નો..કઈ જ વાંધો નહીં. આઈ હોપ શી ઇઝ ફાઈન નાવ ? " વિવેકએ પૂછ્યું.
" હા...." પ્રગતિએ કહ્યું.
" અને એક બીજી વાત. ઈન્વેસ્ટર્સ આર રેડી ટુ ઇન્વેસ્ટ. સો વડોદરા સકસેસફુલ રાઈટ....મૉમ વોન્ટ્સ ટુ મીટ યુ. પણ વાંધો નહિ એક બે દિવસ પછી ઓફિસે આવશો તો ચાલશે. " વિવેક એ ખુશ થતા પ્રગતિને કહ્યું.
" ઓહ...ગ્રેટ...હું જરા કામમાં છું પછી કરું ? " પ્રગતિએ કહ્યું. " ચોક્કસ " વિવેકના જવાબથી ફોન કપાય ગયો. પોતાની બ્લેક એન્ડ વ્હાઇટ ઓફિસમાં સુમિત્રાબેન સાથે બેઠા વિવેકને આખી વાતમાં પ્રગતિના અવાજમાં રહેલી ઠંડક મૂંઝવી ગઈ.
" કંઈ થયું છે ? " બિનબેગ પર જમવા માટેની રાહ જોતા સુમિત્રાબેનની અનુભવી આંખોએ વિવેકની મૂંઝવણ કળી લીધી. વિવેકએ જમતા જમતા આખી વાત સવિસ્તાર સુમિત્રાને કહી. સ્ત્રીસહજ સમજથી સુમિત્રાબેનને પ્રગતિ કોઈ પરેશાનીમાં સંડોવાયેલી છે એ સમજાય રહ્યું હતું.
" પોતે પ્રગતિ આવશે ત્યારે જાતે વાત કરશે " વિવેકને કઈ ન જણાવતાં સુમિત્રાબેનએ મનોમન વિચાર્યું.
સરખેજ ગાંધીનગર હાઇવે પર સામાન્ય ઝડપમાં પસાર થતી પ્રગતિની કારમાં પ્રગતિના આવવાથી શાંત પડેલી આયુને પ્રગતિએ પૂછ્યું, " રોહિત શું કહે છે ? "
" હં... " અચાનક આવી પડેલા સવાલથી આયુશી બરાબર બેઠી થઈ. એને આગળ ઉમેર્યું, " એ તો લગ્ન કરવા તૈયાર છે. એને કઈ જ વાંધો નથી. હું જ નહતી સાંભળતી એનું. આવી પરિસ્થિતિથી...." આયુશી ધીમે ધીમે જણાવતી જતી હતી.
" તો શું કામ પાપ કરવા જતી હતી ? જે કામ જાતે જ કર્યું હોય એની જવાબદારી લેતા શીખવી જોઈએ....રોહિત લેવા તૈયાર હતોને તો તું શું કામ નબળી પડી ? આમ તો ગમે ત્યાં ગમે તેને પહોચી વળવા નીકળી પડે છે....સમય અને સ્થળ પણ નથી જોતી...." પ્રગતિનું એક એક વાક્ય જાણે આયુશીના હ્ર્દય પર કોતરાતું હતું. જીવનમાં પોતે સ્પષ્ટવક્તા હોવું જ પુરુતું નથી. અંતરની સમજદારી અને સ્પષ્ટતા વધુ જરુરી અને ઉપયોગી છે એવું એને લાગતું હતું સાથે જ પોતે કેટલું મોટું પાપ કરવા જતી હતી એવો એહસાસ પણ એને અંદરોઅંદર મારતો હતો. એને પોતાનો એક હાથ પોતાના પેટ પર રાખ્યો જાણે એ માસૂમ જીવની માફી માંગતી હોય એમ આયુશી ત્યાં જોઈ રહી.....
" રોહિત સાથે હું વાત કરીશ. હમણાં તો તને જેટલું પૂછવામાં આવે એટલું જ કહેવાનું સમજાય છે ? " પ્રગતિએ સાવ શાંતિથી આયુશીને કહ્યું.
" હા....પરી..." પ્રગતિએ પેહલીવાર આયુશીના મુખેથી આ સંબોધન સાંભળ્યું હતું. અત્યારે એનું મહત્વ અને ભાવનાઓ પ્રગતિ એકદમ બરાબર સમજતી હતી. પરંતુ અત્યારે ભાવનાઓમાં વેહવાનો વખત નહતો. હજુ રોહિત સાથે વાત કરવાની હતી. પ્રગતિએ પોતાને સાચવીને ગાડી પાર્ક કરી. બંને જણા અંદર ગયા. એક કોર્નરના ટેબલ પર ગોઠવાયા કે જ્યાં અન્ય લોકોથી થોડી પ્રાઇવસી મળી રહે. પ્રગતિ ખુરશી પર માથું ટેકવી આંખો બંધ કરી પોતે કઈ રીતે રોહિત સાથે વર્તશે ? શું કહેશે ? શું નહિ ? ની ગણતરીમાં વ્યસ્ત હતી તો આયુશી દરવાજે એકધારું તાકીને રોહિતની રાહ જોઈ રહી હતી દરવખતે દરવાજો ખુલે ત્યારે કદાચ રોહિત હશે ! એવું એને લાગી રહ્યું હતું....
To be Continued
- Kamya Goplani