પ્રકરણ- વીસમું/૨૦
રહ્યો સહ્યો ગુસ્સો ગળીને મીરાં પાર્ટી છોડીને જતી રહી.
જઈ રહી મીરાંને કયાંય સુધી જોયા પછી તેના હાથમાં રહેલાં ગ્લાસને પટકીને તોડતાં મનોમન અટ્ટ હાસ્ય કરતાં બોલ્યો..
‘મને કાચથી કંકર તોડતાં આવડે છે મીરાં રાજપૂત.’
અને સામે દીવાલની આડશમાં ઉભેલી મોનિકાને આંખ મારતાં કબીર બોલ્યો,
‘થેન્ક યુ મોનિકા ડાર્લિંગ,’
છેલ્લાં બે વર્ષથી મીરાં સંગાથે મહત્તમ મર્યાદાની સીમાને ઓળંગ્યા વિના બેહદ સમીપ અને એક અનન્ય આત્મીયતાથી વિશેષ લાગતાં અનુબંધની ફરતે હવે કબીર એક પારદર્શક અને પોતીકી લાગે એવી વ્યાખ્યાના વાડની સાથે સાથે ભાવિ મનોરથના મનસુબા પણ બાંધવા લાગ્યો.
પણ...મીરાં અને કબીર બંનેને ગમતીલા અને એકબીજાના પર્યાય રૂપી બનવા જઈ રહેલાં પૂર્વાપરસંબંધના પાયામાં જ પરસ્પરના પ્રકૃતિભેદમાં આકાશ પાતાળનું અંતર હતું. મીરાંના અંગત અભિપ્રાય અને માન્યતા મુજબ પાવન સંગતિ કે સગપણના સમર્પણ માટેના સીમાંકનની કોઈ રેખા ના હોય. કોઈને ગમવા કે ગમાડવા પહેલાં નફા નુકશાનની ગણતરી માંડવાના ગુણો કબીર તેના લોહીના ઘટકમાં લઈને અવતર્યો હતો. અને તેની એ ગુઢ ગણતરીમાં કેટલો સફળ અને નિપુણ છે તે જાણવા તેણે મોનિકાને હાથો બનાવીને આ તરકટ રચ્યું હતું.
અને મીરાંને તેની પ્રકૃતિ વિરુદ્ધના કબીરના આવા બેહૂદા વર્તનનો અર્થસભર પ્રત્યુતર આપવાં માટે મીરાંએ આપેલાં ઈંટેનશન્લી ઇન્વિટેશનના વાર્તાલાપ દરમિયાન કબીરે એવું વિચાર્યું હતું કે, કોઇપણ ભોગે તે મીરાંને તેના વૈચારિક બંધનની સરહદ ઓળંગવા મજબુર કરશે.
બીજા દિવસે...
રાત્રીના ઠીક નવ અને દસ વાગ્યાના ટકોરે કબીર તેની સદાબહાર આંજી દેવાની અદાકારી કરતો કેઝયુલ વસ્ત્ર પરિધાનમાં, આંખો અને ચહેરા પર એક અલગ ચમક, તાજગી અને તરવરાટ ભર્યા થનગનતા હૈયાં સાથે લગભગ રોમાંટિક મૂડમાં આવી પહોંચ્યો મીરાંના બંગલે.
‘વેલકમ.. વેલકમ.. કબીર.’ કબીર સામું જોઇને ખુબસુરત સ્માઈલ સાથે હાથ મીલાવતાં મીરાં બોલી.
‘આવ.. બેસ.’
ટેનિસ કોર્ટ જેવડા વિશાળ ડ્રોઈંગરૂમમાં ગોઠવેલા સોફા તરફ ઈશારો કરતાં મીરાંએ કહ્યું.
‘થેન્ક્સ.’ સોફામાં બેસતાં કબીર બોલ્યો.
‘આજે આ ચોખઠું કેમ આટલું પૂનમના ચાંદની જેમ ઝગારાં મારે છે ? પંચામૃત થી સ્ન્નાન કર્યું છે કે શું ?’ કે પછી પેલા ઈશ્કના ઇષ્ટદેવ જમરૂખખાનની માફક થોબડા ઉટકવાના કોઈ ફેયરનેસ ક્રીમની એડ કરવાનો કોન્ટ્રકટ સાઈન કર્યો છે ?’ આટલું બોલી મીરાં તેની સદાબહાર સ્ટાઈલમાં ખડખડાડ હસતાં કબીર સાથે સોફમાં બેઠી.
‘અરે.. ના એવું તો કશું નથી પણ..આ તો તમારાં અદ્દભુત, આલીશાન અને ચકાચોંધ કરતાં આશિયાનાના આભાની અસરની સાથે સાથે તમારી રહેમદિલ નજરોનો કરિશ્મા છે.’ કબીરે તેની વાક્ચાતુર્યની અદાકારીથી વિનમ્રતાથી જવાબ આપ્યો.
સામે મીરાં તેના મસ્તીના મૂડમાં આવતાં બોલી,
‘મને એવું લાગે કે ટૂંક સમયમાં એક એવું ઓફિસિયલી નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવશે કે, ડાયાબીટીશના દર્દીઓ એ પાળવાની પરેજીની સૂચિમાં અન્ડરલાઈન કરીને એવું ટાંકવામાં આવશે કે કબીર કામદારથી દુર રહેવું. થોડીક મહેનત કરો તો ગળપણનું પેટેન્ટ તમારાં નામે રજીસ્ટર થઇ શકે એમ છે.’
બન્ને ખુબ હસ્યાં.
‘પણ સાચું કહું તો આ તમારાં સંગતની અસર છે.’ કબીર બોલ્યો.
‘એટલે મારા પર જ પ્રયોગ કરવાનો એમ ?’ હસતાં હસતાં મીરાંએ પૂછ્યું
‘શું રેગ્યુલર ટાઈમ છે તમારા ડીનરનો ? મીરાંએ પૂછ્યું.
‘ઘરે હોઉં તો નીયરલી સાડા નવ. પણ બહારે હોઉં તો કોઈ ફિક્ષ ટાઈમ ન હોય.’ કબીર બોલ્યો.
‘આવો કબીર હું તમને મારા શીશમહેલની એક સફર કરાવું.’ એમ કહીને મીરાં કબીરને લઈને વિશાળ વિરાણી બંગલાની એક ઝલક બતાવવા લઇ ગઈ. મીરાંને કબીરની સામે વિરાણીના વિલાસભવનના ભવ્યતાનું પ્રદર્શન નહતું કરવું પણ એક સ્ત્રીની તેના કલ્પનામાં રાચતાં પસંદગીના મનસદનથી અવગત કરવવાનો હતો.
થીયેટર, જીમ, મંદિર, પ્રાથમિક આરોગ્ય સારવારની સુવિધાથી સ્ટાફ સાથે સજ્જ
એક મેડીકલ યુનિટ, લાઈબ્રેરી, વિશાળ ગાર્ડન બતાવ્યા પછી મીરાંના બેડરૂમમાં એન્ટર થતાં મીરાં બોલી,
‘કબીર, તમને ખ્યાલ છે, મારા મેરેજ પછી તમે પહેલાં એકમાત્ર એવા વ્યક્તિ છો જેણે મેં મારા બંગલે પર્સનલી ઇન્વાઇટ કર્યા છે. અને અત્યારે તમે મિસિસ મધુકર વિરાણીના બેડરૂમમાં છો, અને એ પણ મધુકર વિરાણીની અનુપસ્થિતિમાં. હવે તમને તમારા ગઈકાલના મીરાં રાજપૂત સામેના ચીપેસ્ટ બિહેવિયરની અગેઈન્સમાં મને આવેલાં ગુસ્સાનો અંદાજો લગાવી શકો છો ? તમે મને ગઈકાલે એવું પૂછ્યું હતું કે, ક્યા અધિકારથી હું તમને પૂછી રહી છું ? જવાબ મળી ગયો કે....’
આટલું બોલીને મીરાં કબીરને લઈને બાલ્કની તરફ આવી.
કબીરને લાગ્યું કે, તેની ધારણા કરતાં માહોલ અને મામલો ઘણો સંગીન અને રગીન છે. ઈન્સ્ટન્ટ સ્ક્રિપ્ટ ઘડીને કબીર બોલ્યો,
‘પણ, તમને મારા એ બેહૂદા લાગતાં વ્યહવાર વિષે કંઈ બોલવાનો ચાન્સ આપો એ પહેલાં તો તમે ત્યાંથી જતાં રહ્યા. એક્ચ્યુલી વાત એમ હતી કે, એ મોનિકા, જેમની જોડે હું પાર્ટીમાં આવ્યો હતો એ અતુલ અગરવાલની કઝીન છે. અને તેને મારી જોડે અંગત વાત એ કરવાની હતી કે, તેનો બોયફ્રેન્ડ પણ એ પાર્ટીમાં આવ્યો હતો. અને એ બન્નેને કોઈની પણ જાણ બહાર થોડો સમય પ્રાયવસી જોઈતી હતી.
એટલે મને કહે કે હું કોઈપણ રીતે તેની એરેજ્મેન્ટ કરી આપું બસ. આટલી જ વાત હતી બોલો.’
આટલું સાંભળતા મીરાં તાળી પાડતાં પાડતાં બોલી,
‘ઓહ્હ.. તો આવી હિડન ટેલેન્ટમાં પણ આપ નિપુણ છો. એ જાણી ને આંનદ થયો.’
ચલો, હવે ડીનર લઈએ, નહી તો તમને એમ થશે કે વાત ભોજન કરવાં બોલાવ્યા છે કે ભજન કરવાં ?’
હસતાં હસતાં બન્ને ગોઠવાયાં ડીનર ટેબલ પર.
થોડીવાર પછી મીરાંએ કબીરની સામે જોઈને પૂછ્યું,
‘મેં તમને મારાં નિવાસસ્થાનમાં શું બતાવ્યું અને તમે શું જોયું ?
થોડીવાર વિચારીને મીરાં સામે જોઈને કબીર બોલ્યો,
‘શાયદ મારાં થિન્કીંગની મર્યાદા મુજબ જે નથી એ દિશા તરફ તમે દ્રષ્ટિનિર્દેશ કરવાં માંગતા હતાં. એમ આઈ રાઈટ ?’
મીરાંની ધારણા કરતાં ચડિયાતા કબીરના સચોટ અને સટીક ઉત્તરથી મીરાંની આંખમાં ઉતરી આવેલી ચમકથી તે કેટલી પ્રભાવિત થઇ હતી તેની પ્રતીતિ કબીરને થતી હતી.
‘કબીર માનવીય સંબંધોના અત્યંત નાજુક તાંતણે બંધાયેલી એ અદ્રશ્ય જીવાદોરીને તમે કેમ સમજી અને જોઈ શકો છો ? આ વિશાળ વિહંગાવલોકનની વિચારદ્રષ્ટિને કઈ રીતે હસ્તગત કરી છે ? મને સમજાવશો ? મીરાંએ પૂછ્યું
પછી તરત જ બોલી...
‘સોરી.. સોરી.. પહેલાં ડીનર ફિનીશ કરો પછી આરામથી વાતો કરીશું.’
ડીનર પૂરું કર્યા પછી.. મીરાં કબીરને લઈને આવી ગાર્ડન તરફ.
‘કબીર વોક કરતાં કરતાં વાતો કરીશું ? મીરાંએ પૂછ્યું.
‘ના, વાત કરતાં કરતાં વોક કરીએ તો ?’
એ પછી બંને હસ્યાં.
‘હાજરજવાબી અને સેન્સ ઓફ હ્યુમરના કોઈ સ્પેશિયલ ક્લાસ કર્યા છે કે..પછી પીકે ના આમિરખાનની માફક હાથ પકડી પકડીને રાતોરાત જ આ ગાઢ અને ગુઢ વિદ્યામાં પારંગત હાંસલ કરી છે ?’ બોલતાં મીરાં ખડખડાટ હસવાં લાગી
‘પણ, આ મુદ્દાને એક તરફી જ કેમ મૂલવો છો ? સામેની વ્યક્તિએ તેની ગુઢ વિદ્યાથી મારી જાણ બહાર મારાં માંથી શું શું નહીં નીચવી લીધું હોય તેની મને શું ખબર ?
કબીરે વજનદાર જબાવ આપતાં મીરાં બોલી,
‘નહીં.. પહોંચાય, કબીરવાણીને કોઈ હિસાબે નહીં જ પહોંચાય. આવો ત્યાં હિંચકે બેસીએ.’
‘ખબર છે તો શા માટે નાહકનો પ્રયત્ન કરો છો ? હસતાં હસતાં કબીર બોલ્યો,
‘કબીર, તમને નથી લાગતું કે આજે મૌસમ કંઇક મિજાજમાં છે. ? મીરાંએ પૂછ્યું,
‘અરે.. હું પણ તમે એ જ કહેવાનો હતો કે આ વાતાવરણની ઠંડક અને મહેક આજે કંઇક અલગ જ અનુભૂતિનો અહેસાસ કરાવી રહી છે.’
‘પણ..ડીનર ટેબલ પર તમે મને જે પ્રશ્ન પૂછ્યા તેના અનુસંધાનમાં કહું તો..તમે ખુલ્લાં દિલથી વિના સંકોચે વાત શેર કરશો મને ગમશે પણ.. જો તમને અનુકુળ લાગે તો જ.’ બંને હિંચકે બેસતાં કબીર બોલ્યો.
‘કબીર... સ્ટીફન કોલેજના ગ્રેજ્યુએશનથી લઈને મિસિસ મધુકર વિરાણી બનવા સુધીની આંધળી દોટ જેવી સફર દરમિયાન જે હદે મેં મારી જાતને ભુલાવી દીધી, બસ આજે તેની કિંમત ચૂકવી રહી છું. આજે આ વૈભવવનમાં સ્વયંને ક્યાં અને કેવી અનુકુળતાની પ્રતીતિનું પ્રશસ્સ્તિપત્ર આપું એ નથી સમજાતું. આ અસીમિત ઐશ્વર્યના અભ્યારણમાં ભટક્યા પછી દિવસભરના થાકના અંતે કોઈ મારું માથું તેના ખંભા પર ઢાળીને પૂછે કે, કેવો રહ્યો દિવસ તો સારું લાગે. સ્મિતની આડમાં સંતાડેલા સંતાપ, શોક કે સદમાને કહ્યા વગર કોઈ સમજી શકે તો સારું લાગે. સાવ મામુલી ઝઘડા પછી પણ કોઈ બચપણના દોસ્તની માફક મનાવી તો સારું લાગે. ભૂલ થયાં પછી સજા આપતાં કોઈ પારકા અને પોતાના નો ફરક સમજે તો સારું લાગે. ઓફિસવર્કનો અવ્વલ અદાકાર કહ્યા વગર કિચનમાં ગેસ્ટ એપિરિય્ન્સનું પણ કિરદાર નિભાવે તો સારું લાગે. સોશિયલ મીડિયા અને ગેજેટ્સના વળગણ માંથી છુટીને કોઈ મૌનનો મિનીંગ સમજે તો સારું લાગે. કોઈ જીવે નહીં, પણ માત્ર તમને જીવાડવા જ જીવે તો સારું લાગે. કબીર... મેં જયારે વિરાણી ઇન્ડસ્ટ્રીઝ જોઈન કર્યું ત્યારે તન્વી મહેરા મધુકરની પી.એ. હતી. મેં તેને જોબ છોડીને જવાનું કારણ પુછ્યું. તન્વીનો એ જવાબ આજે આટલાં વર્ષે પણ મારાં કાનમાં પડઘાઈ છે.
‘હવે વૈભવનો થાક લાગે છે,’ આ વાક્યનો શબ્દાર્થ સમજતાં મને આટલાં વર્ષો લાગ્યા.
અત્યંત લાગણીવેશમાં આવીને એકધારું આટલું બોલતા મીરાંનો સ્વર ભારે અને આંખોની કોર ભીની થઇ ગઈ.
મીરાંના રગેરગની સ્વભાવગત વિલક્ષણતાથી વાકેફ કબીર, મીરાંના મુખે મીરાંના વજનદાર વ્યક્તિત્વને વ્યથિત કરીને વલોવતી વ્યથાકથા સાંભળીને સ્હેજ ભાવુક થતાં બોલ્યો.
‘હું એવું સમજુ છું કે...તમે ખુશ કે સુખી નથી ?’
હળવેકથી હસતાં મીરાં બોલી,
‘સુખ ? તમે જોયું છે સુખને ? કેવું હોય ? સંસારભરનું સુખ, ઐશ્વર્ય, દોમદોમ સાહ્યબી મારા પગમાં આળોટે છે, કબીર. પણ મારી જશની ઝોળીમાં મારી પરિભાષા મુજબનું સુખ નથી. મારી ખુશી અને સુખનું કદ ઝાકળબિંદુ જેવડું છે અને પ્રારબ્ધમાં પ્લાસ્ટીકના પુષ્પો જેવી સુંદરતા અને સુવાસ લખી છે. જેમ સૌના ઈશ્વર અલગ અલગ, સુખનું પણ એવું જ છે.’
હીંચકા પરથી ઉભાં થઈને ગાર્ડન તરફથી બંગલાની અંદર આવતાં મીરાં બોલી,
‘પણ..કબીર એક વાતની બેહદ ખુશી છે કે.. જાણે કે કુદરતે મને અચાનક એક સમજદાર, સમીપ અને સમકક્ષ એવા કબીર કામદારને વગર કહ્યે મારી વણકહી વેદનાના વાચાની લીપી ઉકેલવા માટે એક વણમાંગ્યા વરદાનમાં સુખના પર્યાય સ્વરૂપે તેની સંગતિની સંપતિથી ન્યાલ કરી ધીધી છે.’
‘અરે.. અરે.. બસ બસ. આઈ એમ એ કોમન મેન. આજે જે કંઈ છું એ તમારી રહેમદિલીને આભારી છું. આજે સૌથી વધુ ખુશી એ વાતની છે કે તમે મને તમારી ભીતર ભંડારેલી નીજી ભગ્નભાવનાઓને જે શ્રદ્ધાના શિખરેથી મારી જોડે જે કોઈપણ સંબંધના સમીકરણથી સાજેદારી કરીને રાઝદાર બનાવ્યો છે તેના માટે હું ધન્યતા અનુભવું છું.’ ભાવવાહી શબ્દનિરૂપણ સાથે કબીરે જવાબ આપ્યો.
‘કબીર.. કોઈપણ સંબંધમાં ભરોસો એ પ્રાણવાયુનું કામ કરે છે. જેમ ખોળિયામાંથી જીવ નીકળે એટલે એ નિર્જિવ. બસ આવું જ છે. પ્રતીતિ વિનાની પ્રિતી એટલે પ્રાણ વિનાનું પંડ.’ કબીરની સામે જોઇને મીરાં બોલી
‘કાફી, મોડું થઇ ચુક્યું છે, હવે અનુમતિ આપો તો હું ઘરે જવા નીકળું.’
કબીર આટલું બોલ્યો ત્યાં જ રીમઝીમ વરસાદ શરુ થયો.
એ જોઇને મીરાં મનોમન બોલી.. આ મારી કમજોરીને પણ હમણાં જ વરસવાનું મન થયું ?
‘અરે.. વાહ....જુઓ, કબીર તમારી ફોરકાસ્ટના પરફેક્ટ પ્રીડીકશનનું પરિણામ.’
મીરાં બોલી.
‘હવે તો મારે જવું જ પડશે. કદાચને ધોધમાર તૂટી પડ્યો તો ઘરે પહોચવામાં તકલીફ થશે.’ મીરાં સામે હાથ લંબાવતા કબીર બોલ્યો.
‘જી કબીર. થેંક યુ. ગૂડ નાઈટ.’ મીરાં બોલી
‘થેન્ક્સ ટુ યુ. ગૂડ નાઈટ.’ બોલીને કારમાં લઈને કબીર નીકળી ગયો.
ત્યાર પછી ઝરમર વરસાદની તીવ્રતા સ્હેજ વધી એટલે મીરાં તેની બાલ્કનીમાં આવીને મૌસમની પ્રથમ વર્ષા અને કબીર સાથેના આટલાં પ્રથમ કરીબી સાનિધ્યને વાગોળતા ભીંજાતી મનોમન બોલી.. મારું ચાલે તો.. આ વરસાદી અને વ્હાલાં લાગતાં માહોલ બંનેને રોકી લઉં. પણ.. આ આજે આ વર્ષાઋતુનાં બિંદુ મને દાજ્યા પર ડામ જેવા લાગે છે. જેમ જેમ વરસાદ વધુ વરસે છે તેમ તેમ આ શયનખંડનો ખાલીપો વધુ ખુંચે અને ખટકે છે. કેવો જોગાનુજોગ.. આજે જ મધુકરને જવાનું થયું, આજે જ કબીરને આમંત્રણ આપ્યું, આજે જ ઝંખતા સાનિધ્યની સમીપ જઈને રીક્ત્તાની રૂબરૂ થવાનું સુજ્યું અને હજુ મનગમતાં મૌનરાગને ગણગણતાં ભીતર અને બાહરી મૌસમના જુગલબંધીની બંદિશ પર પહેલી થાપ મારું ત્યાં...જ કોઈ આલાપને વિલાપના સૂરમાં તબદીલ કરી ને જતું રહે તો.... ત્યારે હવે તો આ વાલમ જેવો વરસાદ પણ વેરી લાગે છે.
કેટલું યોગ્ય છે આવી બાલીશ પરિકલ્પનામાં રાચવું ? અને આ પરિકલ્પનાનું આયુષ્ય કેટલું ? પરપોટા જેટલું ? થોડીવાર માટે મીરાંને થયું કે, હું શા માટે મારી જાતને છેતરી રહી છું ? કે પછી આ એક પછી એક બંધ બેસતી જતી કડી પાછળ કોઈ છુપો ઈશ્વરીય સંકેત છે ?
બેડમાં પડ્યા પડ્યા થોડીવાર વાંચવામાં મન પોરવવાની વ્યર્થ કોશિષ કરી. વરસતાં વરસાદ સાથે સરકતો સમય હવે રાત્રિના અગિયાર વાગ્યા અને પચાસ મીનીટનો સમય બતાવી રહ્યો હતો. ત્યાં જ અચનાક મીરાંનો સેલ રણક્યો...
આ સમયે કોનો કોલ હશે ? એવું વિચારતાં જોયું તો મમ્મીના ઘરે થી સર્વન્ટનો કોલ હતો.
‘હેલ્લો.’ મીરાં બોલી.
‘મેડમ, અચાનક આપની મમ્મીને છાતીમાં દુઃખાવો ઉપડ્યો છે. એમ્બ્યુલેન્સની એરેજ્મેન્ટ થઇ ગઈ છે. આપ કહો કઈ હોસ્પિટલમાં લઇ જવાના છે. ?’
‘ઓહ્હ..’ બેડ પરથી કુદીને ઉભાં થતાં એક જ સેંકડમાં જાતને સ્વસ્થ અને મનને મજબુત કરતાં ઈમોશનલ બનવા કરતાં પ્રેક્ટીકલ બનીને કહ્યું,
‘તમે મમ્મીને લઈને ફટાફટ લાઈફલાઈન કેર સેન્ટર પહોંચો. હું ત્યાંના મેનેજમેન્ટ સાથે વાત કરીને ત્યાં આવવાં નીકળું છું.’
ચેન્જ કરતાં કરતાં લાઈફલાઈન કેરના ચીફને પરિચય આપીને બે જ મીનીટમાં બધી જ સિસ્ચ્યુએશનથી વાકેફ કર્યા. પાંચમી મીનીટે નીચે આવીને કારમાં ગોઠવાઈ અને ડ્રાઈવરે કાર દોડાવી કેર સેન્ટર.
કદાચને..કોઈ ક્રીટીકલ સિચ્યુએશનમાં અચનાક કોઈની જરૂર ઊભી થાય તેની અગમચેતીના પગલાંને ધ્યાનમાં રાખીને મીરાંએ કબીરને મેસેજ કરીને જાણ કરી દેવી એવું મુનાસીબ લાગતાં કબીરને મેસેજ સેન્ડ કરી દીધો.
પચ્ચીસ મિનીટ પછી જયારે મીરાં કેર સેન્ટર પહોંચી ત્યાં સુધીમાં ટોપ લેવલના આદેશથી વૈશાલીબેનને એડમિટ કરીને સારવાર શરુ કરી દેવાઈ હતી.
કઈ રીતે, કયારે, અને કેમ બન્યું એ સઘળી વાત સર્વન્ટે મીરાંને કહી સંભળાવી.
ફરજ પરના ડોક્ટર અને તેમના આસીસ્ટન્ટ સાથે કરંટ સિચ્યુએશન વિષે પૂછતાં તેમણે સંતોષકારક જવાબ આપતાં જણાવ્યું કે,
‘બસ થોડો સમય આપ વેઇટ કરો પછી આપની સાથે વિગતવાર ચર્ચા કરીશું. ત્યાં સુધીમાં હાલની ટ્રીટમેન્ટની તેમના પર શું અસર થાય છે તે પણ જાણી લઈએ.’
એ ચર્ચા પૂરી થાય ત્યાં જ કબીર આવી પહોંચ્યો.
‘અરે.. મેં તમને જસ્ટ ઇન્ફોર્મ કર્યું હતું કે આ પરિસ્થિતિ છે. અત્યારે અહીં આવવાની જરૂર નહતી.’
‘પ્લીઝ, આ મારી ફરજ છે અને તમે એકલા છો, સર પણ હાજર નથી. અને હોસ્પિટલ એક એવી જગ્યા છે જ્યાં સૌને હૈયાધારણ અને હુંફની જ જરૂર હોય. શું કહેવું છે ડોકટરનું ? કબીર પોતાની પીઢતાનો પરિચય આપતાં બોલ્યો
‘ટ્રીટમેન્ટ ચાલુ કરી છે, થોડો સમય વેઇટ કરવાનું કહ્યું છે.’ મીરાં બોલી,
મીરાંએ વિચાર્યું કે, ડોક્ટર સાથે વાત થઇ જાય પછી જ મધુકરને જાણ કરવી યોગ્ય રહેશે.
આશરે ચાલીસ થી પિસ્તાળીસ મિનીટ બાદ ડોકટરે મીરાં અને કબીરને તેમની કેબીનમાં બોલાવીને બેસાડતાં કહ્યું,
‘નથીંગ ટુ વરી. માઈલ્ડ હાર્ટ એટેક હતો. હવે તે સંપૂર્ણપણે ભયમુક્ત પરિસ્થિતિની બહાર છે. પણ એક યા બે દિવસ તેમને અન્ડર ઓબ્જર્વેશન રાખવા જરૂરી છે.’
એક ઊંડા હાશકારાની અનુભૂતિ સાથે મીરાં બોલી. ‘ઓહ્હ.. થેન્ક ગોડ’
‘મેડમ, આપની મધરના ઓવર ઓલ રીપોર્ટસ જોતાં તેની ઉંમરના પ્રમાણમાં કાફી હેલ્ધી છે. બટ સમ ટાઈમ્સ કોઈ હાર્ટ ડીસીઝને લઈને કોઈ પરફેક્ટ પ્રીડીકશન ના કરી શકીએ.
‘પણ ડોકટર આ પરિસ્થિતિને જોતા તેના માટેના કોઈ ફ્યુચર પ્રીકોશ્ન્સની કોઈ ગાઈડલાઈન ?’ મીરાંએ પૂછ્યું.
‘જી, જરૂર એ હું તમને પરફેક્ટ અને ડીટેઇલમાં આપીશ પણ એ જયારે તેમને ડીસ્ચાર્જ કરીશ ત્યારે. હવે આપ નિશ્ચિંત થઈને ઘરે જઈ શકો છો. તે સવાર સુધી ભાનમાં નહીં જ આવે અને આપ જાણો છો કે અહીં પેશન્ટની ફેમીલી એટ્મોશ્ફીયર કરતાં પણ ખુબ સારી અને અંગત રીતે કેર કરવામાં આવે છે. અને બે દિવસ પછી તો તમને ખ્યાલ પણ નહી આવે કે તેઓ આટલી ક્રીટીકલ પોઝીશન માંથી પસાર થઇ ગયા હતા.’
‘થેન્ક યુ સો મચ ડોકટર. સી યુ ટુમોરો. પણ, ડોકટર હું બે મિનીટ માટે મમ્મીને જોઈ શકું ? મીરાંએ પૂછ્યું,
‘ઓ શ્યોર, કમ વિથ મી.’ એમ કહીને ડોકટર મીરાં અને કબીરને વૈશાલીબેન પાસે લઇ ગયા. વીઆઈપી સ્યુટના બેડ પર મેડીકલ ઇક્વિપમેન્ટ સાથે જોડાઈને બેહોશ પડેલાં વૈશાલીબેનને જોઇને મીરાં તેના રુદન પર કાબુ ન મેળવી શકતા હથેળી મોં પર દાબી અને તરત જ સ્યુટમાંથી બહાર આવી ગઈ.
‘પ્લીઝ, કન્ટ્રોલ યોર સેલ્ફ. નાઉ સી ઈઝ ટોટલી ફાઈન.’ મીરાંને સાંત્વના આપતાં કબીર બોલ્યો.
હવે સમય થયો રાત્રીના બે વાગ્યાને ત્રીસ મીનીટનો. વરસાદ હજુ એ વરસતો જ હતો.
મીરાં એ સર્વન્ટનો આભાર માની અને જરૂરી સૂચના સાથે ઘરે જવાની સૂચના આપી
અને એ પછી લીફ્ટ મારફતે સેવન્થ ફ્લોર પરથી કબીર સાથે નીચે બેઝમેન્ટ પાર્કિંગ માં આવ્યા બાદ કબીર સામે જોઈને બોલી,
‘આભાર, કબીર.’
‘હવે આ અડધી રાત્રે આભારનો ભાર ઊંચકીને ઘરે જઈશ તો થાકી જઈશ.’ મીરાંની માનસિક પરિસ્થિતિ અને વાતાવરણ હળવું કરવાના ઈરાદાથી કબીર સ્હેજ હસતાં બોલ્યો,
‘તે તેનો પણ મારી પાસે એક આસાન હલ છે.’ મીરાં બોલી
અનુમાનિત અનુસંધાન જેવી આ મધ્યરાત્રીની મુલાકાત, વરસાદી માહોલમાં પરિચિત પણ અજનબીની એક્ટિંગ કરતાં બે કિરદારના સંવાદની પૂર્વભૂમિકા માટે ખૂટતી અંતિમ કડી એટલે...ચા.
મીરાં બોલી
‘ચલ આજે ચા શેર કરીને ગુડ નાઈટ નહીં પણ હવે ગૂડ મોર્નિંગ કહીને છુટ્ટા પડીશું. કેવો છે મારો આ ધાંશુ આઈડિયા ?
‘જો હુકમ મેરે સરકાર,’ કબીર બોલ્યો.
‘ઠીક છે, એમ કહીને મીરાં કબીર સાથે તેની કારમાં બેસી ગઈ અને મીરાંની કાર તેનો ડાઈવર લઈને નીકળી ગયો.
‘કબીર.. આજે ખાસ્સા સમય બાદ કોલેજ લાઈફના દિવસોની યાદ આવી ગઈ. મૌસમના પહેલાં વરસાદી માહોલને માણવા અડધી રાત્રે પણ સૌ અડ્ડા પર અચૂક ભેગા થઇ જ જતાં અને પછી છેક વરસાદ બંધ ના થાય ત્યાં સુધી ચિક્કાર ભીંજાવાનું જ. આઈ એમ લીટરલી ક્રેઝી ફોર રેઇન. વિન્ડો ગ્લાસ ડાઉન કરીને કારની બહાર હાથ લંબાવી તેની હથેળીમાં રોમાંચ સાથે વર્ષા બિંદુને ઝીલતાં મીરાંનો ચહેરો તેના અતીતના સુખદ સંભારણાથી ભીની માટીની મહેકની માફક ખીલી ઉઠ્યો હતો.
બંગલામાં એન્ટર થઈને મીરાં બોલી,
‘પ્લીઝ, સીટ કબીર, હું જસ્ટ ફ્રેશ થઈને આવું.’ કબીરને ડ્રોઈંગરૂમથી ગાર્ડનને અડીને આવેલાં ફુલ્લી પારદર્શક કાચથી મઢેલા લોન્જના સોફામાં બેસાડીને મીરાં તેના બેડરૂમ તરફ ગઈ. હવે વરસાદની તીવ્રતા પણ વધી ગઈ હતી. પારદર્શક કાચની બનેલી છત અને દીવાલો પરથી વહી જતાં વરસાદી પાણીના દ્રશ્યને જોઇને કબીર
પણ કંઇક અલગ જ અનુભૂતિની પ્રતીતિ કરી રહ્યો હતો.
થોડીવાર પછી મીરાં ટ્રે માં કપ્સ અને ટી-પોટ લઈને લોન્જમાં આવીને ટીપોઈ પર મુકતા બોલી,
‘ખબર નહીં પણ આજે બધું જ અણધાર્યું થાય છે.’
‘પણ કેમ, કંઈ અજુગતું થયું ? કબીરે પૂછ્યું.
‘ના, એક મમ્મીના ઇન્સીડેન્સ સિવાય.’ મીરાં બોલી. ‘ બટ થેંક ગોડ કે.. ડોકટરના કહેવા મુજબ શુળીનો ઘા સોયથી ટળી ગયો. પણ.....’
ટી પોટ માંથી ચા ભરીને કપ કબીરને આપતાં મીરાં બોલી,
‘કેમ અટકી ગયા ? કપ લેતાં કબીરે પૂછ્યું,
‘માણસ ગમે તેટલો પરિપક્વ થઇ જાય, ઘડાઈ જાય, ધરાય જાય, સાધન સંપ્પન થઇ જાય, ઉંમર લાયક થઇ જાય, તો પણ તેના પર સાયકોલોજીકલ ઇફ્ફેકટના નિયમો લાગુ પડે ?’ મીરાંએ કપ હાથમાં લેતા પૂછ્યું,
‘લાગુ પડે, જો તે વ્યક્તિ તેના બાયોલોજીકલ જીન્સથી જ અપવાદની કેટેગરીમાં ન આવતો હોત તો.’
કબીરે મીરાંએ તેના અર્થઘટનમાં પૂછેલા સવાલનો જવાબ આપતાં કહ્યું,
‘સાચું કહું કબીર, આજે સાનુકુળ સમય,સંજોગ સાથેની તમારી ઉપસ્થિતિથી ખબર નહી કેમ પણ મને અનાયસે જ એક લાંબા સમય બાદ તમારી સમક્ષ મારી જાત ઉઘાડવાનું મન થયું. વર્ષાનું આગમન અને તમારું ગમન મને સ્હેજ ખૂંચ્યું. તમારા ગયા પછી હું બાલ્કનીમાં એ જ વિચારોથી ઘેરાયેલી હતી કે... આ અલ્પવિરામ મુકવાની અવધિ તો નથી જ. તો શા માટે સુરીલી સરગમ જેવા સાનિધ્યની વચ્ચે સંજોગે કસમયે તેનો ખોટો સુર જોડીને તન્મયના તંતુને તોડી નાખી ? થોડો સમય માટે તો મને આ મૌસમની બેઈમાની લાગી.’
મીરાં તેની મસ્તી અને મૂડ સાથે મદમસ્ત મૌસમના માહોલની અસરમાં કબીરની સામે અવિરત જોઇને બોલતી રહી.
‘મૌસમના પ્રથમ વર્ષાના બંધાવા જઈ રહેલાં માહોલ પહેલાં જ ઠંડા પવનના સુસવાટાની સાથે સાથે ઉઠતી જે માટીની મહેક તમને થનગનવા મજબુર કરી દે બસ કંઇક એવું જ છે તમારું વ્યક્તિત્વ.’ કબીરે સાહિત્યશૈલીમાં મીરાંના મનોભાવનું સચોટ શબ્દનિરૂપણ કરતાં મીરાં થોડીવાર સુધી કબીરની આંખોમાં જોઈ રહ્યા પછી બોલી.
‘પણ કબીર.. એ માટીમાં તેના જન્મજાત ગુણધર્મો હોવા છતાં પણ માટી તેના એ અનન્ય પમરાટ માટે વર્ષાઋતુ પર પરાવલંબી તો ખરી જ ને ? મીરાં એ પૂછ્યું.
‘જે કુદરતી છે, સાહજિક છે તેને પરાવલંબી નહીં પણ પરસ્પરના પર્યાય કહેવાય.’
કબીર બોલ્યો.
ગર્ભિત અને માર્મિક શબ્દરચનાના સહારે કબીર અને મીરાં બન્નેની ફરતે એક સંનિષ્ઠ સંવેદનાનું એક વિસ્મયકારી વલય વીંટાતું ગયું. હવે અચનાક બધું જ બેહદ ગમવાં લાગ્યાનો દાયરો નક્કી કરવાનો હતો. હવે બન્નેના પરસ્પરની ઊર્મિ અને ગુઢ અને અર્થસભર વાતોના વિનિમય માટે દ્રષ્ટિવિષયક માધ્યમ પર્યાપ્ત હતો.
અચાનક જ ઉભાં થઈને મીરાં બોલી,
‘કબીર, વહેલી સવારના સવા ચાર થયાં. તમારા ઘરે મોમ, ડેડ પૂછશે એક ક્યાં હતાં તો ?
‘અરે.. સોરી એ તો હું તમને કહેતાં જ ભૂલી ગયો કે, મોમ. ડેડ તેમના ગ્રુપ સાથે સિંગાપોર, મલેશિયા અને થાઇલેન્ડ બે વીક માટે ટુર પર ગયા છે, બે દિવસ પહેલાં જ. એટલે ઘરે હું એકલો જ છું.’ કબીર બોલ્યો.
‘પણ .. કબીર...’ આગળ બોલતાં મીરાં અટકી ગઈ.
‘પણ ? શું ? કબીરએ પૂછ્યું.
મીરાં કબીરની નજીક આવી કબીરની આંખોમાં જોઇને બોલી..
‘કબીર........થેન્ક્સ, મારો સ્વ સાથે સાક્ષાત્કાર કરવવાં માટે.’
કબીર પણ મીરાંની તીવ્રાનુરાગની તૃષા માટે તરસતી આંખો, અનિયંત્રિત હ્રદયના ધબકારા સાથે ધમણની માફક આવેગ્યુક્ત ઉન્મુક્ત ઉરસ્થળ જોતાં બીજ જ પળે મીરાં દુર જઈને કબીર તરફ તેની પીઠ રાખીને બોલી,
‘કબીર..આઈ થીંક હવે આપણે છુટ્ટા પડવું જોઈએ.’
કબીર મીરાંની સાવ નજીક આવતાં જ... મીરાં માત્ર આટલું જ બોલી શકી.
‘કબીર...પ્લીઝ.’
એજ જ ક્ષણમાં કબીર વિકારના વાવાઝોડાને નાથીને બોલ્યો,
‘વન્સ અગેઇન થેન્ક્સ, તમારા કરીબી બનવા માટે મને કાબિલ સમજ્યો તેના માટે.’
કબીરની કરીબ આવીને મીરાં કબીરની આંખમાં જોઇને મીરાંએ પૂછ્યું,
‘તમને ખબર છે કેટલા કરીબ અને કાબિલ ?
‘ ના ‘ કબીર બોલ્યો.
હવે તું મને પર્સનલી ‘તમે’ નહીં ‘તું’ કહીં શકે છે. મીરાં કહી શકે છે એટલો, સમજ્યો બબુચક.’
‘નાઉ બાય. બાય.. બાય.. એન્ડ ગૂડ નાઈટ... અરે નો... ગૂડ મોર્નિંગ કબીર,’
‘બાય.. એન્ડ ટેક કેર.’ કહીને કબીર કારમાં બેસીને ઘરે જવા નીકળ્યો ત્યારે સમય થયો હતો વહેલી સવારના પાંચ અને દસનો.
મીરાં દોડી ગઈ શાવર લેવા. શીતળજળમાં આવેગોનું શમન કર્યા પછી બેડ પર પડતાં જ અથાગ શમણાંના સાગરમાં ડૂબકીઓ મારતાં મારતાં મીરાં સરી પડી ગાઢ નિંદ્રામાં.
બે દિવસ બાદ વૈશાલીબેન સપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે આવી ગયા. મીરાં વૈશાલીબેનને તેમના બંગલે જ લઇ આવી. વૈશાલીબેન પણ એક જ શરતે આવ્યા કે મધુકર વિદેશ થી પરત ફરતાં સુધી જ તે અહીં રોકશે.
મીરાંના અવય્ક્ત વ્યક્તિત્વ અને અભિવ્યક્તિ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયેલી કબીર સાથેની એ અવિસ્મરણીય રાત્રિ પછી મીરાંને અત્યાર સુધી પોતાની પણ પારકી લાગતી બધી જ વ્યવસ્થા અને અવસ્થા સાથે એક ઊંડા અર્થસભર આત્મીય અનુબંધના બંધનમાં બંધાવા લાગી. હવે ખાલીપાને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હતો. એક હમરાઝ, સાજેદાર, એક ભીતરની અવ્યક્ત ભાવનાના ભાષાંતરનો જાણભેદુ, ગમા-અણગમાનો પર્યાય, વિશ્વાસના ઇંધણથી એક એવો આગવો અભયદીવડો પેટાવવાનો જેના બુજાતા પહેલાં જ શ્વાસ રૂંધાઇ જાય.
આ વાતને ત્રણ અઠવાડિયા જેવો સમય પસાર થઇ ગયો. ખુફિયા ખબર જેવી લાગતી મીરાંની ખુશહાલી હજુ મધુકરના નજરે નહતી ચડી. કારણ કે, એ રીતે મીરાં તરફ જોવાનો મધુકર પાસે દ્રષ્ટિકોણ નહતો. છતાં મીરાં સતર્ક હતી કે, ક્યાંક પણ કોઈ પરિસ્થિતિમાં સૌની ઉપસ્થિતિમાં આગેવ કે ઉત્સાહના અતિરેકમાં કોઈ મર્યાદા બહારનું બિહેવિયર યા શબ્દપ્રયોગ કબીરના પણ ધ્યાનમાં ન આવે તેની સંપૂર્ણ સાવચેતી જરૂર રાખતી. કબીર પ્રત્યેના સંબંધની લક્ષ્મણ રેખા મીરાંએ પહેલાં થી જ પત્થરના લકીરની જેમ ખેંચી જ લીધી હતી. અને એ વાતથી કબીર હજુ પણ અજાણ જ હતો.
આજે શુક્રવાર હતો. મધુકરના એક ક્લોઝ ફ્રેન્ડ એ શહેરથી પચ્ચીસેક કિ.મી. દુર એક ભવ્ય રિસોર્ટમાં તેના ન્યુ બિઝનેશ સ્ટાર્ટ કરવાની ખુશીમાં શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. સાંજના પાંચ વાગ્યાં સુધીમાં સૌ એ પહોંચી જવાનું હતું. રાત્રિના લેઇટ નાઈટ ગ્રાન્ડ ડીનર પાર્ટી બાદ સૌએ મધ્યરાત્રી પછી વિદાય લીધી.
નેક્સ્ટ ડે સવારે મધુકરને કંઇક અગત્યનું કામ યાદ આવતાં નવ વાગ્યાં સુધીમાં વિરાણી હાઉસ જવાં નીકળી ગયાં. મીરાં ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ માટે ટેબલ પર ગોઠવાઈ ત્યાં સર્વન્ટે કહ્યું,
‘મેડમ, ગઈકાલે આપના ગયા પછી આપના નામનું કુરિયરમાં એક પાર્સલ આવ્યું છે.’
‘પાર્સલ ? મારા નામનું ? બોલતાં મીરાંએ કહ્યું. ‘બ્રેકફાસ્ટ ખતમ કરું પછી મારા રૂમ માં આપી જાઓ.’
મીરાંને પણ વિરાણી જવાની ઉતાવળ જ હતી પછી વિચાર્યું કે, પહેલાં પાર્સલ જોઈ લઉં પછી તૈયાર થવા જઈશ. બેડરૂમમાં પાર્સલ આવતાં સર્વન્ટને ઓપન કરવાનું કહેતાં સર્વન્ટે ખોલીને આપતાં ગીફ્ટ પેપરમાં વીંટાળેલુ કોઈ બોક્ષ હતું. પાર્સલ કવર પર નજર નાખતાં મીરાં સ્હેજ ગુસ્સાથી સર્વન્ટને કહ્યું,
‘કેટલા વર્ષ થી અહીં જોબ કરો છો ? અહીં ના રુલ્સ રેગુલેશનથી અજાણ છો ?
‘કેમ શું થયું મેડમ ? કોઈ મિસ્ટેક ? બીકના માર્યો સર્વન્ટ બોલ્યો.
‘આ ફ્રોડ છે, આમાં કોઈ કુરિયર કંપનીનું નામ નથી અને કોણે મોકલ્યું છે તેનું પણ નામ નથી. સાવ ડફોળ છો તમે. આટલું કોમન સેન્સ પણ નથી તમારામાં ? હવે આમાં કંઈ વાંધાજનક સામગ્રી કે બોંબ નીકળશે તો કોણ જવાબદાર ? કોણ હતા એ ? કયારે આવેલાં ?
ધ્રુજતા ધ્રુજતા સર્વન્ટ બોલ્યો,
‘મેડમ, અમે આપને કોલ કરીને જાણ કરવાની કોશિષ કરી પણ નેટવર્ક ઇસ્યુના કારણે આપને કોલ જ ન લાગ્યાં. અને તે કુરિયરના ડીલીવરી બોય એ એમ કહ્યું કે મેડમ સાથે વાત થઇ ગઈ છે. એટલે...
‘સ્ટોપ ધીઝ ઓલ નોન સેન્સ ટોક. જાવ જલ્દીથી નીચે જાઓ અને સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરીને મને સિસ્ક્યુરીટી સ્ટાફ સાથે વાત કરાવડાવો.’
જેવો સર્વન્ટ બેડરૂમની બહાર ગયો ત્યાં... સ્હેજ ફાટી ગયેલા ગીફ્ટ પેપર માંથી અંદર બોક્ષ ફરતે વીંટેલા કપડાં પર મીરાનું ધ્યાન જતાં ગીફ્ટ પેપર ફાડતાંની સાથે મીરાંની આંખો પહોળી થઇ ગઈ.
અને ફટાફટ એ કપડું હટાવીને જોયું ત્યાં તો......મીરાંને રીતસર ચક્કર આવવાં લાગ્યા. હાથ પગ ઠંડા પડી ગયા. ગળું સુકાઈ ગયું. આંખે અંધારા આવવાં લાગ્યા.
પાર્સલ હાથમાંથી પડી ગયું અને મીરાં પણ સોફા પર ઢળી પડી...
પાર્સલમાં....
વર્ષો પહેલાની આખરી મુલાકાતમાં મીરાં એ તેના બેડરૂમમાં પરાણે સમ દઈને મિહિર ઝવેરીને જે હાલતમાં, જે કપડામાં, જે સ્થિતિમાં દાગીના આપ્યા હતાં એ એમ ને એમ જ હતા.
-વધુ આવતાં અંકે..
© વિજય રાવલ
'કહીં આગ ન લગ જાએ ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484