રાકેશ ઠક્કર
પ્રકરણ-૮
ઉજેશભાઇ જાણે આખી દુનિયાને ભૂલી ગયા. અલ્પનાના પ્રેમભર્યા શબ્દોએ દિલને ખુશીઓનો ખજાનો આપી દીધો. અલ્પનાના આ શબ્દો છે કે મારો કોઇ ભ્રમ છે? એવું વિચારતા ઉજેશભાઇ અલ્પનાને બાથ ભરી લેવા થનગની રહ્યા. પછી પોતાની મર્યાદાનું ભાન થયું હોય એમ મનને અટકાવ્યું.
"તમારા દિલમાં મારા માટે પ્રેમની લાગણીઓ છે ને?"અલ્પનાના એ શબ્દો તેમના કાનમાં પડઘાવા લાગ્યા હતા.
તે બોલી ઊઠ્યા:"હા, તું મને ગમે છે." અને અલ્પનાના હાથને દબાવ્યા. એનાથી અલ્પનાને હૂંફ મળી હોય એમ ભાવવિભોર થઇને શરમાવા લાગી. ઉજેશભાઇને થયું કે સમય અહીં જ થીજી જાય. આ સમય ક્યારેય બદલાય નહીં. અલ્પનાએ ધીમેથી પોતાના હાથ પાછા ખેંચીને કહ્યું:"ઉજેશભાઇ, તમારા દિલમાં મારા માટે ગમે તેટલી લાગણીઓ હશે પણ એ કામની નથી. તમારી જન્મકુંડળી મેં જોઇ છે. તમે જેને પ્રેમ કરશો એને પામી શકશો નહીં. મારી જન્મ કુંડળી કહે છે કે મને એવી વ્યક્તિ પ્રેમ કરશે જેની મેં કલ્પના પણ કરી નહીં હોય...."
અલ્પના તો ભવિષ્યવાણી કરી રહી હતી પણ પોતે તો એવા ભવિષ્યને જોઇ રહ્યા છે. ઉજેશભાઇને થયું કે પોતે પોતાના પગ પર જ કુહાડો માર્યો છે. સાધુનું વરદાન લીધું અને બાકી હતું તે જયરામ શેઠ પૂરું કરી રહ્યા છે. નિયતિએ મારું ભાગ્ય કેવું ઘડ્યું છે. અથવા નિયતિ મારી પાસે જ મારું ભાગ્ય લખાવી રહી છે.
"અલ્પના, તારું જ્યોતિષ ખોટું પડે તો કેટલું સારું?" ઉજેશભાઇએ લાગણીભીના સ્વરે કહ્યું. તે બોલી:"મારું ભવિષ્ય હું જોઇ રહી છું. અત્યાર સુધી હું ભવિષ્ય જોઇને દુ:ખી થતી રહી છું. મારા ગ્રહો કહેતા હતા કે હું જ્યાં જઇશ ત્યાં મને માન આપનારા-ચાહનારા લોકોની લાઇન લાગી જશે. અહીં એવું જ થયું છે. આશ્રમના બધાં જ મને માન આપે છે. અંતરથી ચાહે છે. કેટલાક પોતાની લાગણી વ્યક્ત કરી શક્યા છે તો કેટલાક અવ્યક્ત રહ્યા છે. મેં દરેકના ચહેરા પર એ ભાવ જોયા છે. હાથની રેખાઓ પરથી ભવિષ્ય જોવાની કળા હું જાણું છું. મારું ભવિષ્ય મારા હાથમાં છે. એને પૂરેપૂરું જાણી શકતી નથી. ગ્રહોની સ્થિતિ બદલાય એની સાથે ભવિષ્ય બદલાય છે. મારી સ્થિતિ પણ બદલાવાની છે. તમારી લાગણીઓને હું આવકારી શકું એમ નથી...."
અલ્પના બોલી રહી હતી એ બધું ઉજેશભાઇને સમજાતુ ન હતું. એ વાતનો ખ્યાલ જરૂર આવી ગયો હતો કે સાધુ જીવનસ્યનું વરદાન જ નહીં અલ્પનાનું જ્યોતિષ પણ મને એનાથી દૂર કરવા માગતું હતું.
અલ્પના કહે:"હમણાં જીવનસ્ય આવ્યા એ શું કહેતા હતા ખબર છે?"
"શું?"
"જીવનસ્ય કહેતા હતા કે, બે દિવસમાં હું બધાંનો પરિચય મેળવી ચૂક્યો છું. અલ્પના તું એવી સ્ત્રી છે જે આશ્રમના બધા વૃધ્ધોને પસંદ છે. ભલે તારા વિશે મનમાં કોઇ ખરાબ વિચારો ધરાવતા નથી. પરંતુ તારું સાંનિધ્ય બધાને ગમે છે. એમાં એક નામ મારું પણ ઉમેરી દેજો...!"
અલ્પનાએ કહેલી જીવનસ્યની વાત સાંભળી ઉજેશભાઇને વીજળીનો કડાકો સંભળાયો હોય એમ કાનમાં સોપો પડી ગયો.
"અલ્પના, તું છે જ એવી પ્યારી! જોને, હું કયા હેતુ સાથે આવ્યો હતો અને કેવા ચક્કરમાં પડી ગયો છું..." એમ મનમાં બોલી ઉજેશભાઇ ઊભા થયા.
અલ્પનાએ ઉજેશભાઇને રોક્યા નહીં.
પોતાના આવાસ પર આવીને ઉજેશભાઇ વિચારમાં ડૂબી ગયા. નવું પ્રકરણ લખવાનું મન થતું ન હતું. પોતાના જ પ્રેમનું ગળું પોતાના હાથે ઘોંટવાનું કામ કોને ગમે? અલ્પના સાથેના સાધુના પ્રેમને પરવાન ચઢાવવાનું કામ મારે જ કરવાનું આવ્યું? જયરામ શેઠને તો ક્યાં ખબર છે કે મને કયું વરદાન મળ્યું છે? અને એ કેવો અભિશાપ મારા માટે સાબિત થવાનું છે. હું આ વરદાનની વાત એમને કરીશ તો એ મારા પર હસશે. એમ સમજશે કે અલ્પનાનો પ્રેમ પામવા હું નાટક કરી રહ્યો છું.
દિલ પર પથ્થર મૂકીને ઉજેશભાઇ લખવા બેઠા. વળી એક વિચાર આવ્યો. જીવનસ્યને વિનંતી કરી જોઉં કે એ વરદાન પાછું લઇ લે? જો એ માની જાય તો મારી સમસ્યાનો ઉકેલ આવી જાય. હું મને પ્રેમમાં નાસીપાસ થયેલા પ્રેમી તરીકે ચિતરી નાખું તો પણ કોઇ ફરક પડવાનો નથી. અલ્પનાનો પ્રેમ પામવાની સંભાવના જીવતી રહેશે ને?
ઉજેશભાઇ એક આશા લઇને સાધુ જીવનસ્ય પાસે પહોંચ્યા. તેમને જોઇને જીવનસ્ય મર્માળુ હસ્યા.
ઉજેશભાઇ બોલ્યા:"જીવનસ્ય, મને બચાવી લો. મારી જિંદગી તમારા હાથમાં છે..."
"બધાની જિંદગી ઉપરવાળાના હાથમાં છે. આપણે તો નિમિત્ત માત્ર છે..."
"તમે મને આપેલું વરદાન પાછું લઇને નિમિત્ત બની શકો છો..."
"ઉજેશભાઇ, આ વરદાન પણ ઉપરવાળાની મરજીથી જ તમને મળ્યું છે. એને હું પાછું લઇ શકું નહીં. એકવખત જેનું દાન થઇ ગયું એના પરનો અધિકાર રહેતો નથી. અને એ દાન જે લે છે એ જ એના માલિક થઇ જાય છે. આપણે મનથી કોઇ વસ્તુનું દાન કરવાનો સંકલ્પ લઇએ અને પાછળથી તેને ના આપીએ તો પણ આપણો એના પરા અધિકાર રહેતો નથી. તમે તો ખુશનસીબ છો કે તમને એવું વરદાન મળ્યું છે જેનાથી તમને મનપસંદ વસ્તુ પ્રાપ્ત થઇ શકે કે જીવનની કોઇપણ ઇચ્છા પૂરી શકાય એમ છે. તમે કયા કારણથી વરદાનથી ગભરાઇ રહ્યા છો?"
"સાધુજી, આ વરદાન મારા માટે સાપે છછુંદર ગળ્યા જેવું બની ગયું છે. તમે બધું જ જાણો છો કે મારી નવલકથામાં હું એક પાત્ર છું. એમાં હું અલ્પનાને પામવાનું લખવાનો હતો. હું એના પ્રેમને અનુભવી રહ્યો છું. તમારા વરદાન પછી મને મેગેઝીનના તંત્રીએ વાર્તામાં ફેરફાર કરવાની સલાહ આપી અને મારા બદલે બીજા કોઇને અલ્પના મળે એવો પ્લોટ તૈયાર કરવા કહ્યું છે. હું એમની સાથે શરતથી બંધાયેલો છું. હવે હું મારા હાથે જ મારા પ્રેમને ગુમાવી રહ્યો છું. તમારા વરદાનને કારણે હું અલ્પનાને બીજાને મળતી બતાવીશ એટલે મારા જીવનમાંથી એ જતી રહેશે..."
જીવનસ્ય હસ્યા:"જુઓ ભાઇ, જીવનમાં જે લખાયું હોય એ જ થાય છે. તમે એવું કહી શકો એમ નથી. તમે તમારા જીવનને જ લખી રહ્યા છો ત્યારે કોઇ ફરિયાદ ન હોવી જોઇએ. તમે અલ્પનાને ગુમાવીને બધું જ ગુમાવી દેશો એવું લાગે છે? પહેલાં મેં વરદાન આપ્યું ત્યારે તમને કેટલી ખુશી થઇ હતી? તમે ત્યારે જ ના પાડી દીધી ન હતી. કેમકે તમને એમાં લાભ દેખાયો હતો. અલ્પનાને પામવાની તમારી ઇચ્છા એનાથી ફળીભૂત થતી દેખાતી હતી. હવે સંજોગો બદલાયા છે. તમે કોઇની સાથે બંધાયેલા છો. એની અસર તમારા જીવન પર થવાની છે. હું લાચાર છું. નિયતિને કોઇ બદલી શકતું નથી. મેં તમારી નિયતિ બદલવા માટે વરદાન આપ્યું ન હતું. બલ્કે નિયતિએ જ એવું નિર્માણ કર્યું હશે. આટલા બધા વૃધ્ધોને છોડીને મને તમારો વિચાર કેમ આવ્યો હશે? એવી કોઇ શક્તિ હતી જે મને તમારી પાસે ખેંચી લાવી. એક લેખક તરીકે જે ઇચ્છા થાય એ લખવું સરળ છે. માણસને પોતાને સર્જક તરીકે ઓળખાવાનું સારું લાગે છે. ત્યારે વિચાર કરો કે આ દુનિયાના સર્જક માટે કેટલી મુશ્કેલીઓ આવતી હશે."
ઉજેશભાઇને થયું કે સાધુ જીવનસ્યનું જ્ઞાન ગૂઢ છે. એમને જવાબ આપવાની પોતાની લાયકાત નથી. તે હતાશ મનથી ઊભા થયા. અને પોતાના આવાસ તરફ ચાલવા લાગ્યા.
ઘરમાં આવી એમને પ્રકરણ લખવાનું મન થતું ન હતું. પોતાના હાથથી જ પોતાના પ્રેમની બરબાદીને લખવાનું સરળ ન હતું. પોતે અલ્પનાને આટલું બધું કેમ ચાહવા લાગ્યા હતા એ જ સમજાતું ન હતું. પત્નીના અવસાન પહેલાં અને પછી ઘણી સ્ત્રીઓના સંપર્કમાં આવ્યા હતા પરંતુ આજ સુધી આવી લાગણી થઇ ન હતી. હવે એ લાગણીઓને લખી વાળવા માટે લખવા સિવાય બીજો કોઇ વિકલ્પ પણ ક્યાં હતો?
ઉજેશભાઇએ દુ:ખી મનથી વાર્તા લખવાનું શરૂ કર્યું. વાર્તા અંત તરફ ધસમસી રહી હતી. ઉજેશ રાજપરાની લાગણીઓનું પણ એવું જ હતું. એમાં સાધુના આગમન પછી આશ્રમમાં શું બન્યું એનું વર્ણન કર્યા પછી અલ્પના એ સાધુને ચાહવા લાગે છે એવું લખ્યું. આટલા બધા પુરુષોને છોડીને અલ્પનાનું દિલ એક સાધુ પર કેમ આવી ગયું? શું સાધુ જીવનસ્યના વ્યક્તિત્વનો એ પ્રભાવ હતો કે એમણે અલ્પના પર કોઇ ભૂરકી નાખી હતી?
ક્રમશ: