Final Ashram - 7 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | અંતિમ આશ્રમ - 7

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અંતિમ આશ્રમ - 7

રાકેશ ઠક્કર

પ્રકરણ-૭

સાધુ જીવનસ્ય તો મને આશીર્વાદ આપીને પોતાના નિવાસ પર જતા રહ્યા. ઉજેશભાઇને હજુ પણ વિશ્વાસ આવતો ન હતો કે એમનું જીવન એમના જ હાથમાં આવી ગયું છે. એની ખાતરી કરવી જરૂરી હતી. ઉજેશભાઇએ નવું પ્રકરણ લખવાનું શરૂ કર્યું. ઉજેશભાઇને થયું કે આ પ્રકરણમાં હું મારો પ્રેમ અલ્પના સમક્ષ વ્યક્ત કરું છું અને એ મારા હાથમાં પોતાનો હાથ સોંપવા રાજી થઇ જાય છે એવું લખીશ. અલ્પના આમ તો મને હા પાડી દેવાની નથી. આશ્રમના કેટલાય વૃધ્ધો એને રાજી કરવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે. હું કોઇ પ્રયત્ન વગર એમાં સફળ થઇ જઇશ. મારે આ પ્રકરણ લખીને 'જીવનલેખા' માટે મોકલી આપવાની ઉતાવળ કરવી જોઇએ. ઉજેશભાઇ 'અંતિમ આશ્રમ' નું નવું પ્રકરણ લખવાની શરૂઆત કરવા જતા હતા ત્યાં જ મોબાઇલની રીંગ વાગી. તેમણે જોયું તો જયરામ શેઠનો ફોન હતો. ઉજેશભાઇને થયું કે બરાબર સમય પર જયરામનો ફોન આવ્યો છે. એ પ્રકરણ માટે ઉતાવળ કરતા હશે.

ઉજેશભાઇએ ફોન ઉઠાવતાની સાથે જ કહ્યું:"શેઠ, ચિંતા ના કરશો. આજે રાત સુધીમાં પ્રકરણ તૈયાર થઇ જશે. હું નવા પ્રકરણની શરૂઆત જ કરી રહ્યો છું...."

"ઉજેશભાઇ, યુ.આર. 'ફ્રેન્ડ', તમે મારી વાત સાંભળો. આપણે નવા પ્રકરણ વિશે થોડી ચર્ચા કરવાની છે. હમણાં લખશો નહીં. તમારો વાર્તાપ્રવાહ કઇ તરફ જવાનો છે?"

"શેઠ, બધા જ વૃધ્ધો અલ્પનાના મોહપાશ કે જે કહો તે એમાં જકડાઇ રહ્યા છે. એમાંથી અલ્પના કોને પસંદ કરે છે અને કોના વિશે વધારે વિચારે છે એનું વર્ણન આવશે. થોડું વધારે રોમેન્ટિક લખવાનો છું. વાચકોને પસંદ આવશે! એક-બે વૃધ્ધનો ચોંકાવનારો ભૂતકાળ પણ બહાર આવ્યો છે..."

"એ બરાબર છે. પણ પેલા સાધુ નવા આવ્યા છે એની વાત લખવાની છે. વાર્તાનું કેન્દ્રબિંદુ એમને બનાવો. હું આ વખતે થોડો ફેરફાર કરાવી રહ્યો છું. ત્યાં જે ઘટના બને તે, પણ કથાપ્રવાહમાં આ એક આંચકો આપવો પડશે. ગય પ્રકરણમાં વાચકો નિરાશ થયા છે. વાર્તામાં ઘટનાલોપની ખામી હતી. આજકાલ વર્ણન કરતાં વાચકોને ટવીસ્ટ અને ટર્ન વધારે ગમે છે. આપણે 'જીવનલેખા' નું વેચાણ વધારવાનું છે. તમે બીજા બધાં પાત્રોના પ્રેમને નિષ્ફળતા અપાવી સાધુને અલ્પનાના પ્રેમમાં ડૂબાડી દો અને એની સાથે જ એ પ્રેમનો એકરાર કરે એવું લખો. એ વાંચીને વાચકો ચોંકી જશે. હા, તમારે જોરદાર વર્ણનથી સાબિત કરવાનું કે સાધુ અને અલ્પના વચ્ચે પ્રેમ કેવી રીતે પાંગર્યો છે...."

"હું તો બીજું જ વિચારતો હતો. તમે આ રીતે મારા લેખનમાં દખલ કરી રહ્યા છો...." અલ્પનાને ગુમાવવી પડશે એવા વિચારથી ઉજેશભાઇનો અવાજ સખત થઇ ગયો.

"યુ.આર. 'ફ્રેન્ડ', તમે ભૂલી ગયા કે આપણે આ વખતે કરારમાં શરત રાખી છે કે મારી પાસે વાર્તામાં ફેરફાર કરાવવાનો હક રહેશે? તમારે પોતાને કે વાર્તાને નહીં 'જીવનલેખા' ને વફાદાર રહેવાનું છે. હું કહું છું એમ જ લખવું પડશે. મારે મારો ધંધો જોવાનો છે. અને હું તમને આ એક જ ફેરફાર કરાવી રહ્યો છું. બાકીની વાર્તાને તમે તમારી રીતે આગળ વધારો ને..."

જયરામે હુકમ કરતા હોય એમ બોલીને ફોન કાપી નાખ્યો.

ઉજેશભાઇ એવા બંધનમાં બંધાયેલા હતા કે જયરામ શેઠને વારી શકે એમ ન હતા. પહેલી વખત કરાર કરતી વખતે કાંડું કાપી આપવાની ભૂલ કરી એ ભારે પડવાની છે. રૂપિયા બે લાખ ઉપરાંત આશ્રમનો ખર્ચ એ જ ભરવાના હતા. ઘણા સમયથી કોઇ આવક ન હતી એટલે પોતે એમની શરત માની લીધી હતી. ઉજેશભાઇને પહેલાં તો થયું કે પોતે જયરામની વાત ના માને. અત્યારે સાધુનું વરદાન અને જયરામની માગણી ધર્મસંકટમાં મૂકી રહ્યા હતા. જયરામની વાત ના માને તો એ કોર્ટમાં ઘસડી જાય એમ હતા. જો હું એમની માગણી પ્રમાણે ના લખું તો એ સંબંધ પણ કાપી નાખે અને બધી ખોટ મારી પાસેથી વસૂલ કરે એવા છે. મારી પાસે કામ ન હતું. અને એમની સારી ઓફર હતી એટલે શરત માની લીધી હતી. આવા સંજોગો ઊભા થશે એની સ્વપ્નમાં પણ કલ્પના ન હતી. સાધુએ વરદાન ના આપ્યું હોત તો જયરામ શેઠ અલ્પનાને વેશ્યા તરીકે ચિતરવા માગતા હોત તો પણ ચિતરી નાખી હોત. હવે શું કરવું? પોતે સાધુને પ્રેમમાં પડતા બતાવીને પોતાનું અને બીજા પાત્રોનું પત્તું કપાયું છે એવું લખશે એમાં પોતે અલ્પનાને ગુમાવશે.

ઉજેશભાઇ હતાશ અને નિરાશ થઇ બેડ પર સૂઇ ગયા. પોતે અલ્પનાને પ્રેમ કરવાની ભૂલ કરી કે જયરામ શેઠને કરારમાં લખી આપીને ભૂલ કરી એ જ સમજાતું ન હતું. નવા પ્રકરણમાં બધા કરતાં અલ્પના પોતાને વધારે પ્રેમ કરે છે અને સાથી બનવા તત્પર છે એ જાણી બીજાને જલન થવાની છે એવું બતાવવાનું હતું. એટલું જ નહીં સાધુ જીવનસ્યએ વરદાન આપ્યા પછી અલ્પના પ્રત્યેના પ્રેમને ગાઢ બતાવવાનો હતો જેથી અસલ જીવનમાં એનો પ્રેમ પ્રાપ્ત કરી શકાય. એને જીવનસાથી બનાવી શકાય. જયરામના કહ્યા મુજબ લખવા સિવાય છૂટકો ન હતો. ઉજેશભાઇને થયું કે પ્રકરણ લખતા પહેલાં અલ્પનાને મળી આવું. થોડો સમય તેની સાથે પ્રેમથી વીતાવી આવું. એને ગુમાવવા પહેલાં પ્રેમની ક્ષણો ગુજારી લઉં જેને જિંદગીભર યાદ કરતો રહું.

ઉજેશભાઇ મનમાં ઉદાસી અને ચહેરા પર આનંદ લઇને અલ્પનાના ઘરે પહોંચ્યા ત્યારે ચોંકી ગયા. ત્યાં જીવનસ્ય બેઠા હતા!

ઉજેશભાઇને થયું કે કેવું કહેવાય, આ સાધુના વરદાનથી તો મને લાભ થવાને બદલે એમને જ થઇ રહ્યો છે. હું ખુશ હતો કે સાધુના વરદાનથી મને અલ્પના મળી જશે. એના બદલે વરદાનને કારણે જ એને ગુમાવી રહ્યો છું. શું એમને વરદાન પાછું લેવા મનાવી શકાય?

ઉજેશભાઇને જોઇ અલ્પના બોલી:"આવો, તમે પણ જીવનસ્યના જ્ઞાનનો લાભ લો..."

"હું કોઇ મોટો જ્ઞાની નથી..." જીવનસ્ય બોલ્યા ત્યારે ઉજેશભાઇને કહેવાનું મન થયું કે તમે તો પરમજ્ઞાની છો. પણ એ બોલ્યા:"અલ્પના, તારી પાસે જ્યોતિષનું જ્ઞાન છે અને એમની પાસે આધ્યાત્મિક જ્ઞાન છે...."

"હા, એમની પાસે ગજબની શક્તિઓ છે. જીવનમાં બહુ ધ્યાન ધર્યું છે. ભગવાન એમના પર પ્રસન્ન રહ્યા છે. એમની વાતો સાંભળીને થાય છે કે એમની શિષ્યા બની જાઉં..." અલ્પનાના શબ્દો ઉજેશભાઇને જાણે દઝાડી રહ્યા હતા. જીવનસ્યના ભગવા વસ્ત્રથી મનને શાંતિ મળવાને બદલે એમાંથી કેસરી જ્વાળાઓ નીકળીને તન-મનને દઝાડી રહી હોય એવો અનુભવ થઇ રહ્યો હતો.

"જીવનસ્યનું જીવન પ્રેરણા આપે એવું રહ્યું છે. એમની સિધ્ધિઓ ઘણી છે. મને પરિચય થઇ ગયો છે. આશ્રમમાં એમનું સ્થાન અદકેરું છે. એ મોહમાયાથી દૂર રહ્યા છે. તેમના જીવનની સાદગી અને ઉચ્ચ વિચારોનો હું પણ પ્રશંસક બની ગયો છું..." ઉજેશભાઇ પાસે સાચું બોલવા સિવાય વિકલ્પ ન હતો.

જીવનસ્ય એકદમ ઊભા થઇ ગયા અને બોલ્યા:"તમે આગળ સત્સંગ કરો. મારો ધ્યાનનો સમય થઇ ગયો છે..." કહી એ બહાર નીકળી ગયા. અલ્પના એમના શરીરને, એમની ચાલને અહોભાવથી જોઇ રહી.

"ઉજેશભાઇ, જીવનસ્યના આગમનથી આપણો આશ્રમ પવિત્ર થઇ ગયો છે. હું તો એમનાથી અત્યાધિક પ્રભાવિત થઇ ગઇ છું..." અલ્પના જાણે જીવનસ્યના પ્રભાવમાંથી બહાર જ આવતી ન હતી.

"અને હું તારાથી અત્યાધિક પ્રભાવિત થઇ ગયો છું. આશ્રમમાં હું બીજા બધાંને મળ્યો પછી મને લાગ્યું કે સૌથી વધારે સરળ અને સાચા દિલનું કોઇ જો હોય તો એ તું જ છે. મારા દિલમાં તારા માટે સન્માનની લાગણી છે. હું તારો આદર કરવા લાગ્યો છું. તારી સાથે બેસીને મને અદભૂત શાંતિનો અનુભવ થાય છે. અત્યારે મન જરા બેચેન બન્યું એટલે થયું કે તારી સાથે થોડો સમય વાત કરી આવું..." ઉજેશભાઇ અલ્પનાના વખાણ કરતા થાકતા ન હતા. પોતે અલ્પનાને પ્રેમ કરે છે એટલું જ કહેવાનું બાકી રાખ્યું હતું. ઉજેશભાઇના મનની વાતને કે દિલની લાગણીઓને વાંચી લીધી હોય એમ અલ્પના એકદમ નજીક આવીને એમના હાથને પોતાના હાથમાં લઇ ધીમેથી બોલી ઊઠી:"તમારા દિલમાં મારા માટે પ્રેમની લાગણીઓ છે ને?"

એ સાંભળીને ઉજેશભાઇનું દિલ બાગબાગ થઇ ગયું. તેમને થયું કે અગાઉના પ્રકરણમાં લખ્યું એ જ બની રહ્યું છે! પણ હવે એ શક્ય બનવાનું નથી.

ક્રમશ: