રાકેશ ઠક્કર
પ્રકરણ-૬
સાધુની સામે બોલવાની કોઇ હિંમત કરી રહ્યું ન હતું. કદાચ તેમનો પ્રભાવ હતો. માથા પર ત્રિશુળનો ચાંદલો અને કોઇ ઓજસથી ચમકતો ચહેરો હતો. તેમનું અડધું ઉઘાડું શરીર બળવાન પણ સાબિત કરતું હતું. કોઇને પણ આંજી દે એવો પ્રભાવશાળી ચહેરો બધાંની બોલતી બંધ કરી દે એવો હતો. બધાંને ચૂપ જોઇ સાધુએ એક મિનિટ માટે આંખો મીંચી દીધી. એ ધ્યાન ધરતા હતા કે શું? સાધુ કોઇ ચમત્કારીક શક્તિ ધરાવતા હશે કે શું? બધાના મન ફફડી રહ્યા હતા.
સાધુએ આંખ ખોલી. તેમના ચહેરા પર કોઇ આભા છવાયેલી લાગતી હતી. એ શાંત ચિત્ત હોવાનું ચહેરા પરથી દેખાતું હતું. તે સહેજ મુસ્કુરાયા અને બોલ્યા:"જય હો, આપ સૌને મારા આગમનથી નવાઇ લાગી હશે. અને કોઇને ખુશી થઇ હશે તો કોઇને ડર પણ લાગ્યો હશે. અહીં કોઇ મંદિર બાંધવા આવ્યો નથી કે કોઇ સપ્તાહ કરવાનો નથી. જીવનની વૃધ્ધાવસ્થાના દિવસો શાંતિથી જીવવા માગું છું. હું કર્મ અને ધર્મથી સાધુ છું પણ પહેલાં એક માનવી છું. મને પણ જરા અવસ્થા આવી રહી છે. ઉંમર કોઇને છોડતી નથી. ઉંમરની અસર વહેલી મોડી તન અને મન પર થઇને જ રહે છે. એને અટકાવવા કોઇ શક્તિ કામ આવતી નથી. આપણે ઉંમરની અસરને રોકી શકતા નથી. હા, ધીમી કરી શકીએ છીએ. પહેલાના ઋષિમુનિઓ જેવી આપણી પાસે શક્તિ નથી. મેં જીવનમાં અત્યાર સુધી સાધુનું જીવન જીવવાનો પ્રયત્ન કર્યો છે. હવે સાધુ જીવન ત્યજી રહ્યો છું. એક સામાન્ય માનવીનું જીવન જીવવા માગું છું. તમારી સાથે તમારા જેવો જ થઇને રહેવાનો છું. મારું નામ સાધુ જીવનસ્ય છે. તમે માત્ર જીવનસ્ય તરીકે બોલાવી શકો છો..."
અમારે જીવનસ્યને કોઇ સવાલ કરવા જેવું લાગતું ન હતું. હસમુખભાઇને સવાલ જરૂર કરવાના હતા. જીવનસ્યને લાગ્યું કે હવે કોઇના મનમાં કોઇ સવાલ કે શંકા નથી એટલે એ 'જય હો' બોલતાં પોતાના નિવાસ સ્થાન પર જતા રહ્યા.
એમના ગયા પછી ગણગણાટ વધી ગયો. બધાં પોતાના વિચાર વ્યક્ત કરી રહ્યા હતા. છેલ્લે એવું નક્કી થયું કે આજે હસમુખભાઇને બોલાવીને સાધુ વિશે વાત કરવાની. બધાંએ કયા સવાલ કરવા એ નક્કી કરી લીધું.
સાંજે હસમુખભાઇ આવ્યા એટલે મારા ઘરમાં જ બેઠક ગોઠવવામાં આવી. એમાં સાધુને બોલાવવામાં આવ્યા ન હતા. બીજા ઘણા વૃધ્ધો આવ્યા ન હતા. સાધુના જવાબથી એ લોકો કદાચ સંતુષ્ટ હશે. અથવા પોતાનામાં મસ્ત હશે. અમે પાંચેક જણ હાજર હતા. હું મનથી જાણતો હતો કે હસમુખભાઇ અમને દાદ આપવાના નથી. આ બધું ઔપચારિક બની રહેવાનું હતું. મેં બોલવાનું જ ટાળ્યું. પરમાનંદ પણ ચૂપ રહેવા માગતા હોય એમ આમતેમ નજર નાખતા બેઠા હતા.
ગંગારામભાઇએ શરૂઆત કરી. "હસમુખભાઇ, આપણા 'વયવંદન જીવન આશ્રમ'માં એક સાધુને તમે પ્રવેશ આપ્યો એ નવાઇ પમાડે એવું છે. તમારા જે નિયમો છે એમાં સાધુનું આગમન બંધબેસતું નથી..."
ગંગારામભાઇ વાત પૂરી કરે એ પહેલાં જ હસમુખભાઇ બોલી ઊઠ્યા:"નિયમો મુજબ જ બધું થાય છે અહીં? અને નિયમમાં મેં એવું લખ્યું નથી કે કોઇ સાધુને પ્રવેશ આપવામાં આવશે નહીં. એ કોઇ ટ્રાન્સજેન્ડર હોય એમ તમે વાંધો ઉઠાવી રહ્યા છો. જીવનસ્યએ સાધુ તરીકે અત્યાર સુધી જીવન ગાળ્યું છે. હવે એક સામાન્ય વૃધ્ધ તરીકે રહેવા માગે છે તો એમાં આપ લોકોને વાંધો શું છે? આવી પ્રભાવશાળી વ્યક્તિની હાજરી તમારી માનસિક શાંતિમાં વધારો કરશે. કોઇ માર્ગદર્શનની જરૂર પડશે તો પણ એમની પાસેથી મળશે. જો તમે નિયમોને ચુસ્ત રીતે પકડી રાખવાનું વલણ ધરાવશો તો એક પછી એકને મારે એક વર્ષની અવધિ પછી અહીંથી રજા આપવી પડશે. તમે મને બોલાવીને તમારી એકતાનો પરિચય આપ્યો છે. પણ એને આંદોલન બનાવશો તો મારે વિચારવું પડશે..."
હું સમજી ગયો કે હસમુખભાઇ સમજાવવા સાથે ચીમકી આપી રહ્યા છે. બધાં જ જાણતા હતા કે તે અહીં નિયમોનું પાલન કરવા આવ્યા નથી. પોતાની રીતે જીવવા આવ્યા છે. એક-બે વૃધ્ધ એવા હતા જેમને રાત્રે દારૂની બોટલની જરૂર પડતી હતી. કોઇ તમાકુના બંધાણી હતા. દરેકને કંઇને કંઇ વ્યસન હતું. એ નિયમના ભંગ સમાન છે છતાં ચલાવવામાં આવી રહ્યું છે.
મેં કુતૂહલવશ પૂછી લીધું:'હસમુખભાઇ, સાધુ જીવનસ્યને કેવી રીતે ખબર પડી કે 'વયવંદન જીવન આશ્રમ' ચાલી રહ્યો છે? એ કેવી રીતે સાધુ જીવન છોડીને વૃધ્ધ તરીકે જીવન જીવવા પ્રેરિત થયા?"
હસમુખભાઇને મારો સવાલ કઠયો જરૂર હશે પણ જાણકારી માટે પૂછવામાં આવ્યું હોવાથી એ જવાબ આપવા બંધાયેલા હતા.
તે સહેજ વિચાર કરીને બોલ્યા:"ભાઇ, મારા આ જ નહીં નવા બની રહેલા આશ્રમની કિર્તી પણ ચારેતરફ ફેલાઇ રહી છે. અત્યારથી જ તેનું બુકિંગ ફુલ થઇ ગયું છે. સાધુ જીવનસ્ય મારા નવા બનતા આશ્રમના ગામમાંથી પસાર થતા હતા ત્યારે તપાસ કરવા આવ્યા. પહેલાં એમને એમ જ હતું કે આ સાધુ સંતોના આશ્રમનું નિર્માણ થઇ રહ્યું છે. તેમણે બધી વિગત જાણી ત્યારે પ્રભાવિત થઇ ગયા. એ બહુ પહોંચેલા સાધુ છે. એમણે ધ્યાન-સમાધિથી ઘણી શક્તિ મેળવી છે. એમને મારો વિચાર ગમ્યો અને સાધુ તરીકેના જીવનમાંથી બહાર આવી અવસ્થાને સ્વીકારી એક વૃધ્ધના જીવન તરીકે જીવવાનો સંકલ્પ લીધો. અહીં એક નિવાસ ખાલી હતું એટલે એમને ફાળવી દીધું. તમારા માટે તો ગર્વની વાત કહેવાય કે એક સિધ્ધપુરુષ તમારી વચ્ચે રહેવા આવ્યા છે. તેમના જ્ઞાનનો આ ઉંમરે લાભ મેળવી શકો છો...."
હસમુખભાઇએ કોઇના માટે બોલવા જેવું કંઇ રાખ્યું જ નહીં. એમને આનંદ થયો કે પોતાની વાતથી બધાંને સંતોષ થયો છે. અમને મળીને એ સાધુ જીવનસ્ય પાસે પણ ગયા. અમારી રજૂઆત અંગે એમને કોઇ જાણ કરી કે નહીં એનો અંદાજ આવ્યો નહીં.
બે દિવસ પછી ઉજેશભાઇ નવલકથાના આગળના વાર્તાપ્રવાહ વિશે વિચારતા બેઠા હતા ત્યારે સાધુ જીવનસ્ય આવીને બોલ્યા:"ઉજેશભાઇ, જય હો...."
"પધારો સાધુ જીવનસ્ય..." મેં આવકાર આપ્યો.
"હું હવે સાધુનું જીવન જીવતો નથી એટલે મને 'સાધુ' નું સંબોધન ના કરો તો સારું છે. હું તમારી જેમ જ એક સામાન્ય વૃધ્ધ સજ્જન તરીકે જીવન જીવવા આવ્યો છું. તમને ખલેલ તો પહોંચાડી નથી ને?"
"ના, જીવનસ્ય, તમે જુઓ જ છો કે હું કોઇ પ્રવૃત્તિમાં નથી. એમ જ બેઠો છું..."
"તમારું શરીર કોઇ પ્રવૃત્તિમાં ભલે ના દેખાતું હોય પણ મન હોય શકે છે. આપણું શરીર જેટલું કામ કરતું નથી એટલું ઘણી વખત મન કરે છે. માણસ યુવાન હોય કે વૃધ્ધ દરેકનું શરીર સતત બહુ દોડી શકતું નથી. મન અનેકગણું દોડે છે. બધા સીમાડા તોડીને દોડે છે. એને થાક પણ લાગતો નથી. અલબત્ત મનનો થાક શરીરને વર્તાય છે. તમારા ચહેરા પર એવો જ થાક દેખાય છે. જાણે વિચાર કરી કરીને થાકી ગયા છો. ધ્યાનથી મનની લગામ ખેંચવાનું શીખી લો..."
મારા મનનો ભેદ જીવનસ્ય પામી ગયા હોય એમ હું ડરી ગયો. હું સાચું જ બોલ્યો:"હા, હું થોડા વિચારમાં હતો. તમારું અવલોકન સારું છે...'
"મારું અવલોકન જ નહીં ધ્યાન પણ સારું હોય છે. હું ધ્યાન લગાવીને કહી આપું કે તમે શું કરો છો કે કરવા માગો છો..."
"શું વાત કરો છો? તમે તો અલ્પનાથી એક ડગલું આગળ છો. એ જ્યોતિષમાં પ્રવિણ છે. ભૂતકાળ સાથે ભવિષ્ય ભાખી શકે છે...."
"હું તો તમારો વર્તમાન જોઇ શકું છું..."
મારા ચહેરા પર એકસાથે અનેક સવાલ આવી ગયા.
"તમે પણ અલ્પના માટે કૂણી લાગણી ધરાવો છો." જીવનસ્ય કોઇ રહસ્ય છતું કરતા હોય એમ બોલ્યા.
અચાનક અલ્પનાને એમણે વચ્ચે કેમ લાવી દીધી એ મને સમજાયું નહીં. હું આશ્ચર્યથી એમની તરફ જોઇ રહ્યો.
અલ્પના પ્રત્યે મારા દિલમાં પ્રેમના અંકુર ફૂટી ગયા હતા. હું અલ્પનાને પસંદ કરવા લાગ્યો હતો. એના રૂપ કરતાં એનો સ્વભાવ મને વધારે ગમ્યો હતો. વૃધ્ધાવસ્થામાં રૂપ તો લાંબો સમય રહેતું નથી. અલ્પના આ ઉંમરે પોતાનું સૌંદર્ય જાળવી રાખવામાં સફળ થઇ છે. એ વાત્નો બીજા પર પ્રભાવ પડતો હશે. હું તો તેના વ્યક્તિત્વને કારણે આકર્ષાયો છું. લેખક તરીકે અનેક સુંદર સ્ત્રી પાત્રોના સર્જન કર્યા છે. ઘણાના પ્રેમમાં પડી ગયો છું. પણ આ પાત્ર તો સાક્ષાત છે. એના પ્રેમમાં પડી જવાય એ સ્વાભાવિક છે. સાધુને આ વાતો કહેવી કે નહીં એની અવઢવમાં પડી ગયો.
અચાનક જીવનસ્યએ મારા ધ્યાનનો ભંગ કર્યો. તે બોલ્યા:"ઉજેશભાઇ, હું જાણું છું કે અત્યારે તમે શું કામ કરી રહ્યા છો!"
હું ફરી ચોંકી ગયો. આ સાધુ ખરેખર જાણતલ છે કે મને વહેમ થઇ રહ્યો છે.
"તમે અત્યારે એક વાર્તાપ્રવાહમાં ડૂબેલા છો. તમે મનમાં એક વાર્તા બનાવી રહ્યા છો...."
"તમે કેવી રીતે કહી શકો?"
"મારી પાસે અદભૂત શક્તિઓ છે. જેમના દિલમાં સરસ્વતીનો વાસ હોય એને હું તરત જ ઓળખી કાઢું છું. તમારા પર સરસ્વતીદેવીની અપાર કૃપા છે. તમે એક સારા સર્જક છો. હું તમારા સર્જનની શક્તિથી પ્રભાવિત થયો છું અને તમને એક વરદાન આપવા માગું છું. તમે જે વાર્તા લખો એ પ્રમાણે જ તમારું જીવન આકાર લેશે. તમે આ આશ્રમની વાર્તા લખી રહ્યા છો. એમાં તમે પણ એક પાત્ર છો. હવે તમે જે લખશો એ પ્રમાણે જ તમારા જીવનમાં ઘટનાઓ સર્જાશે. તમારું પાત્ર તમે ચાહો એમ સર્જી શકો છો. બીજા પાત્રોના જીવનમાં ખાસ કોઇ અસર થશે નહીં. આ નવલકથાના તમે એક મહત્વના પાત્ર છો. તમે તમારી ઇચ્છા પ્રમાણે તમારા પાત્રનું એટલે કે તમારું પોતાનું ભવિષ્ય નિર્માણ કરી શકશો. આ શક્તિ હું તમને જ આપું છું. આ નવલકથામાં તમે તમારા પાત્રને જેમ ચલાવશો એમ તમારા જીવનમાં બનશે. તમે તમારા વિશે લખશો એવું જીવન જીવશો."
ઉજેશભાઇને થયું કે સાધુ જીવનસ્ય તો મને જ મારો વિધાતા બનાવી રહ્યા છે. શું એમનું વરદાન સાચું પડશે? હું મારી ઇચ્છાઓને કલમથી જીવંત કરી શકું એમ છું? કે સાધુ મારી સાથે કોઇ મજાક કરી રહ્યા છે?
ક્રમશ: