O more saiyyan - 5 - last part in Gujarati Love Stories by Dr Mehta Mansi books and stories PDF | ઓ મોરે સૈયા - 5 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

ઓ મોરે સૈયા - 5 - છેલ્લો ભાગ

મોહિત અને ચાંદની બંને જોબ કરવા લાગ્યા હતા. ચાંદની અને મોહિત નો પ્રેમ વધતો જતો હતો. તેમના લગ્ન ને હવે એક વર્ષ થવા આવ્યું હતું. હવે દિવાળી આવવાની હતી. લગ્ન પછી તે બંને ની પહેલી દિવાળી હતી. આજે ચાંદની સ્કુટી લઈને જોબ પર જવા નીકળી ગઈ હતી. બીજા દિવસ થી ચાંદની ને પાંચ દિવસ ની રજા પડવાની હતી. આ બાજુ સવિતા બહેન ખૂબ ઉદાસ હતા. તેને જોઈ લાલચંદ્ર એ પૂછ્યું , " શું થયું છે ? કેમ આમ ઉદાસ છો ? "

સવિતા બેન : ઉદાસ તો હોવ જ ને .. દિવાળી આવવાની છે..અને આપણો દીકરો અને વહુ જ નથી.. દરેક વર્ષે આપણે દિવાળી ખૂબ ધામધૂમ થી ઉજવીએ છીએ.. પૂજા કરીએ છીએ. અને આ વખતે મોહિત નથી તો કંઈ કરવાનું મન થતું નથી. હું શું કહું છું તમે તેને માફ કરી દ્યો ને ! મોહિત અને ચાંદની ને બોલાવી લ્યો ને !
લાલચંદ્ર : ( ગુસ્સામાં ) તહેવાર માં એનું નામ ના લે તું. અને તને મન ના થતું હોય તો તું પણ ત્યાં જતી રહે..હું તમતારે એકલો રહી લઈશ...

એમ બોલી તે બજાર માં જતા રહયા. તેને પોતાની તબિયત ઠીક લાગતી નહોતી. રસ્તા માં જતા જતા તેને હાંફ ચડી જતો હતો. છતાં તે ધીમે ધીમે ઘરે આવવા આવી રહ્યા હતા. આ બાજુ ચાંદની સ્કુટી લઈ જઈ રહી હતી. તેને લાલચંદ્ર દેખાણા તો તેણે વિચાર્યું, કે તહેવાર આવવાનો છે તો તેના આશીર્વાદ લઈ આવે. તે તેમની સામે ગઈ અને તેને પગે લાગવા ગઈ ત્યાં તેમણે પગ ખેંચી લીધો અને તેની સામે જોયા વગર ચાલવા લાગ્યા... અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો અને તે જમીન પર પડી ગયા... તેમને હૃદય માં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો.. તેમનાથી દર્દ સહન થતો નહોતો..

ચાંદની આ જોઈ ગભરાઈ ગઇ. તેની આંખ માંથી આંસુ આવવા લાગ્યા. તેને સમજાતું નહોતું કે તે શું કરે . આ સમયે તેનું ધ્યાન સ્કુટી પર ગયું. તેણે ત્યાં રહેલા એક વ્યક્તિ ની મદદ લઈ તેમને હોસ્પિટલ માં લઇ ગઈ. ડોક્ટરે તેમને ઇમરજન્સી વોર્ડ માં ભરતી કર્યા.. ચાંદની નો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. તેણે બીજાના ફોન માંથી મોહિત ને ફોન લગાડ્યો પણ મોહિત ફોન ઉપાડતો નહોતો. વળી મોહિત કામ માટે બીજા શહેર ગયો હતો. ચાંદની આખી રાત ત્યાં રહી અને એકધારી દોડધામ કરી રહી હતી. તેને ઘડીક દવા લેવા તો ઘડીક પૈસા લેવા આમતેમ દોડવું પડતું હતું.

ચાંદની આખી રાત લાલચંદ્ર પાસે રઈ. સવાર થતાં સવિતા બહેન હોસ્પિટલ આવી ગયા હતા. મોહિત પણ સવાર થતા અહીં આવવા નીકળી ગયો હતો. થોડોક સમય પછી તે પણ આવી ગયો. ત્રણ ચાર કલાક પછી લાલચંદ્ર ને હોંશ આવ્યો. સવિતા બેન , ચાંદની અને મોહિત તેને મળવા અંદર આવ્યા. લાલચંદ્ર સવિતા બેન સાથે વાત કરતો હતા પણ મોહિત અને ચાંદની સાથે નહિ. થોડી વાર માં ડોક્ટર આવ્યા અને લાલચંદ્ર સામું જઈ બોલ્યા,

" હેલ્લો ! કેમ છો હવે તમે ? "
લાલચંદ્ર : હું ઠીક છું હવે.
ડોક્ટર : ( ચાંદની તરફ જોઈ ) તમે ખૂબ સારું કામ કર્યું છે.. જો તમે આમને લાવવા માં થોડું પણ લેટ કર્યું હોત તો આમની જાન બચાવી મુશ્કેલ પડેત.( લાલચંદ્ર સામું જોઈ ) આજે તમે જીવિત છો તો આમના લીધે...તમને ખબર છે તે આખી રાત સૂતા નથી.. તેઓ એ આખી રાત આમથી તેમ કર્યું છે..આવી દીકરી તો કોઈક ભાગ્ય વાળા પિતા ને જ મળે.

સવિતા બેન : ના ડોક્ટર આ અમારી દીકરી નહિ પણ વહુ છે.
ડોક્ટર : ઓહ.. તો તો તમે ખૂબ વધુ ભાગ્યશાળી છો. આવી વહુ હોય તો દીકરી ની પણ ખોટ ના વર્તાય..

આમ કહી તે જતા રહ્યા. સવિતા બહેન તો રડતા રડતા ચાંદની ને ભેટી પડયા. લાલચંદ્ર તો આ બધું જોતાં જ રહી ગયા. તેની આંખો માં પણ આંસુ આવી ગયા. તેણે ચાંદની સામું હાથ જોડયા , અને બોલ્યા " તારો ખૂબ ખૂબ આભાર મારી જિંદગી બચાવવા માટે, બેટા "

ચાંદની એ તેમનો હાથ નીચે લઈ લીધો અને બોલી," ના પપ્પા તમારે આભાર ના માનવાનો હોય. આ તો અમારી ફરજ છે. એક બાપ ની સેવા દીકરી નહિ કરે તો કોણ કરે ? "

આ સાંભળી લાલચંદ્ર ફરી રડવા લાગ્યા , અને બોલ્યા , " મને માફ કરજે બેટા, મે તને સ્વીકારી નહિ અને તને કેટલું સંભળાવ્યું, હું અભિમાન માં આંધળો થઈ ગયો હતો. જાતિ જ્ઞાતિ ના ભેદભાવ કરવામાં મારી પિતા તરીકે ની ફરજ હું ભૂલી ગયો હતો. મોહિત બેટા મને માફ કરી દે ! હવે હું તમારા બંને નો બેસ્ટ ડેડ બનીશ ... બરાબર બોલ્યો ને મોહિત ! "

મોહિત : હા , ડેડ.

આમ બોલી તે તેમને ભેટી પડ્યો.
લાલચંદ્ર : સવિતા.. આખા ઘર ને ફૂલો થી અને દીવા થી શણગાર આ દિવાળી માં સાચા માં મારા રામ અને સીતા મારા ઘરે પધારશે...

આ સાંભળી બધા ખુશ થઈ ગયા. ધનતેરસ અને કાળીચૌદશ ના દિવસે લાલચંદ્ર ને હોસ્પિટલ માં જ રહેવું પડ્યું. મોહિત અને ચાંદની એ ધનતેરસ ના દિવસે હોસ્પિટલ માં જ ધનની ની પૂજા લાલચંદ્ર પાસે કરાવી. આજે દિવાળી નો દિવસ હતો. લાલચંદ્ર ને રજા આપી દીધી હતી. સવિતા બહેન એ આજે મોહિત અને ચાંદની નું સ્વાગત પૂરા રીતી રિવાજ સાથે કર્યું. લાલચંદ્ર નું પણ સ્વાગત તેમણે આરતી કરી કર્યું. સવિતા બહેન એ આખું ઘર ફૂલો અને દીવાઓ થી શણગાર્યું હતું.

તે ચારેય એ સાથે મળી દિવાળી ની પૂજા કરી. મીઠાઈઓ ખાધી. ચાંદની અને મોહિત એ મળીને રંગોળી કરી. રાત્રે સાથે મળીને ફટાકડા ફોડયા. લાલચંદ્ર આજે ખૂબ જ ખુશ હતા. બીજા દિવસે નવું વર્ષ હતું. સવારમાં બધા એ વહેલા ઉઠી નવા કપડાં પહેરી વડીલો ના આશીર્વાદ લીધા. ઘરે આવતા મહેમાનો ને નવા વર્ષ ના અભિનંદન પાઠવ્યા. લાલચંદ્ર એ ઘરે આવતા બધા મહેમાનો ને ખૂબ આનંદ થી ચાંદની નો પરિચય આપ્યો. મોહિત અને ચાંદની પણ તેમના પરિવાર ના બીજા સભ્યો ના આશીર્વાદ લેવા તેમના ઘરે ગયાં.

બીજા દિવસે ભાઈબીજ હતી. સવાર થતાં જ ચાંદની કામ માં લાગી ગઈ હતી. અચાનક ડોર બેલ વાગતા તેણે દરવાજો ખોલ્યો તો બહાર ચાંદની ના માતા પિતા , અને તેનો ભાઈ હતો. ચાંદની ખૂબ ખુશ થઈ ગઈ.
ચાંદની : મમ્મી, પપ્પા , ભાઇ તમે અચાનક અહીંયા..?
રાકેશભાઈ : બેટા અમને અહીંયા લાલચંદ્ર ભાઈ એ બોલાવ્યા છે..ભાઈબીજ કરવા માટે..

ત્યાં લાલચંદ્ર આવ્યા અને બોલ્યા, " હા બેટા.. "
ચાંદની : તમારો ખૂબ ખૂબ આભાર પપ્પા..

આમ બોલી તે લાલચંદ્ર ને ભેટી પડી.. બધાએ સાથે મળી ભાઈબીજ મનાવી. આજે આખો પરિવાર એક થઈ ગયો હતો. મોહિત ને તેના પ્રેમ ની સાથે તેનો પરિવાર પણ પાછો મળી ગયો હતો. લાલચંદ્ર એ મોહિત અને ચાંદની ના તેમની એનીવર્સરી ના દિવસે ધામધૂમ થી લગ્ન કરાવ્યા. થોડાક વર્ષ પછી ચાંદની એ બે નાના નાના જુડવા બાળકો ને જન્મ આપ્યો. ..અને પછી બધા એકસાથે ખૂબ આનંદ થી રહેવા લાગ્યા અને દરેક તહેવાર સાથે મળીને ખૂબ ઉત્સાહ અને ઉમંગ થી ઉજવવા લાગ્યા.


તો દોસ્તો જેમ લલચંદ્ર એ પોતાના અભિમાન અને જુના વિચારો નો ત્યાગ કર્યો તેમ આપણે પણ આ નવા વર્ષ માં નકારાત્મકતા નો ત્યાગ કરીને સકારાત્મક બનીએ અને આ નવા વર્ષ ની શરૂઆત અત્યંત આનંદ અને પ્રેમ સાથે કરીએ... ધન્યવાદ 🙏


પ્રિય વાચકો હું કોઈ પ્રોફેશનલ લેખક નથી..બસ મને લખવાનો શોખ હોવાથી મે આ એક નાની સ્ટોરી થી નાનકડી શરૂઆત કરી છે... તો મારાથી કોઈ ભૂલ રહી ગઈ હોય તો માફ કરજો , અને મને આગળ સપોર્ટ કરતા રહેજો...જેથી હું આગળ મારી સ્ટોરી માં improvement કરતી રહું...


* સંપૂર્ણ *