કોલેજમાં નવરાત્રીની તૈય્યારીઓ પુરજોશમાં ચાલુ થઇ ગઈ. ફાઇનલ યરના સ્ટુડેંટ્સ તૈય્યારીમાં કોઈ કચાશ છોડવા માંગતા નહોતા. કોલેજનો એક મોટો હોલ શણગારવામાં આવ્યો હતો. હોલની એકદમ વચ્ચે માતાજીનો ચોક બનાવામાં આવ્યો હતો. કોલેજની ઉત્સાહી છોકરીઓએ માતાજીનો ચોક બનાવવામાં પૂરો એક દિવસ કાઢ્યો હતો. સૌનો સૌથી પ્રિય તહેવાર નવરાત્રીનો એ માહોલ હતો. એમને ખબર હતી કે આ ફક્ત એક દિવસ માટે શણગારવાનું છે તેમ છતાં તેઓ તેને પુરા દિલોજાનથી સજાવી રહ્યાં છે. કોલેજમાં વિદ્યાર્થીઓને એક દિવસ માટે નવરાત્રી ઉજવવાનો મોકો મળતો હતો, ૧ વાગ્યા પછી બધા જ હોલમાં ભેગાં થયા. ચણીયાચોળી તેમજ કેડિયામાં બધા ખુબ જ જચી રહ્યા હતા. ભરબપોરે પણ બધા ગરબાના તાલે ઝૂમવા તૈયIર હતા, પોતાના ખાસ મિત્રો જોડે બધા ટોળાં બનાવીને એકબીજાંનાં વખાણ કરતા કોઈ થાકતું નોહ્તું. એક વ્યક્તિ હોલનાં એક ખૂણા પાસે રહેલ DVD પ્લેયર પાસે ખુરસી માંડીને બેબાકળાં થઈને કોઈની રાહ જોઈ રહી હતી.
"આજે તો એ આવશે જ, સવારે કલાસમાં તો હતી ને એણે પણ કહ્યું હતું કે એ આવશે. આ વખતે તો પહેલાં જ પૂછી લીધું એટલે મને પણ ખબર પડે કે પ્રોગ્રામમાં જાઉં કે નઈ "
"આયે હીરો, ક્યાં છે તારી હીરોઇન?" પ્રાંજલ આકાશની બાજુમાં ખુરસી લાવીને બેસી ગઈ.
"અરે દીદી, ધીમે, કોઈ સાંભળી જશે તો ખોટી વાતો ચગાવશે એની જોડે ને પછી એ વાત પણ નઈ કરે"
"મૈં કોઈનું નામ બોલી તે તારી હીરોઈન ને કોઈ જાણી જશે, ફટ્ટુ સાલા"
પ્રાંજલ દીદીને આકાશ પહેલી વાર conphycsમાં મળ્યો હતો. પ્રાંજલ દીદી ઇન્ટર્નશિપ કરતા હતા અને એમનો ને આકાશનો સારો બોન્ડ બની ગયો હતો. એમણે જ તો એને પેલી અલ્પનામેમ થી બચવાની જડીબુટ્ટી આપી હતી.
"આજે તો બતાવ તું મને કે કોણ છે એ જેની બૌ તારીફ કરે તું?"
"એ જયારે આવશે ત્યારે તમને ખબર પડી જશે કે આ આવી ગઈ "
"હું કાંઈ અંતર્યામી નઈ હે ભાઈ, ચુપચાપ કહે છે કે પછી હું જ પૂછી આવું તારા કલાસની છોકરીઓને"
"ના હે, હજુ જોવાતી નઈ, રાણીને તૈયાર થતાં તો વાર લાગે ને, તમારી જેમ થોડી મોઢું ધોઈને જ આવી જાય"
"જો તું એને રાણી કે એ ચાલે પણ અમારી ઈન્સલ્ટ નઈ કરવાની, હજુ પણ ઘણાનો ક્રશ છું હું., ચાલ તું તો બતાવવાથી રહ્યો, હું જાઉં છું રમવા, લે આ મારો મોબાઈલ સાચવજે."
જે ચાંદ ની આ ચકોર આતુરતાવશ રાહ જોતો હતો આકાશમાં પોતાનો પ્રકાશ ફેલાવવા આવી ચૂક્યો હતો. હંમેશની જેમ આકાશનો ચહેરો એને જોઈને ચમકી ઉઠ્યો। ધરતીને જોતાં આભ કદી ના થાકે। એણે કોઈ ટ્રેડિશનલ ઝાકમઝોળ કપડાં નોહતા પહેર્યા એ આજે લીલા રંગ નું સલવાર અને લાલ દુપટ્ટામાં હતી. પ્રાંજલ પણ ગરબા રમતી વખતે આકાશ તરફ વારે વારે જોતી રહેતી હતી એણે આકાશના શરમાઈ ગયેલા ચહેરાને જોઈને અંદાજો લગાવી દીધો કે એ આવી ગઈ છે આકાશની નજર જ્યાં એકીટશે પડી રહી હતી ત્યાં એણે પણ જોયું પણ ત્યાં બો બધી છોકરીઓ હતી એટલે એ આકાશ પાસે જઈને કોન્ફર્મ કરવા ગઈ કે જે હું વિચારું છું એજ છે કે પછી બીજી છે.
"તારા વાળીએ રેડ દુપ્પટો તો નથી પહેર્યો નેં" નેગેટિવે કમેન્ટ કરીને સાચી વાત કઢાવી લેવાની આ એમની એક જૂની ટ્રીક છે.
“ઓ ભાઈ” આકાશને ચીમટો ભરીને પાછો પ્રેઝન્ટ માં લઇ આવ્યા.
"શું? "
"પૂછું છું કે પેલી ગ્રીન ડ્રેસવાળી એ જ તારી ધરા ને?
હોપ કે એ મારી હોય પણ હાલ તો એટલી ખાસ દોસ્તી પણ નથી થઇ.
“nice choice, પણ, અહ્યા ઉભા રહી ને તાકી રહેવાથી દોસ્તી કે સેટિંગ નઈ થાય કદી, જા એની બાજુમાં જા અને ગરબા રમ.”
“પણ મને બરાબર રમતાં નથી આવડતાં”
“તો તો બોવ સારું, એને કેજે કે મને નઈ આવડતાં મને શીખવાડ" પ્રાંજલની ફ્રેન્ડ સ્નેહલ એ સલાહ આપીને એને બધાં ગરબા રમતાં હતાં ત્યાં ધકેલી દીધો અને પ્રાંજલ અને સ્નેહા બેઉ પાછા પોતાના ગ્રુપ જોડે ભેગાં થઈને ગરબો ગાવા લાગ્યા
સ્નેહલ વારે વારે આકાશને જોઈને રમવા જવા ઈશારો કરતી હતી.
આ બધાથી અજાણ ધરાએ પણ જોયું આકાશ ગરબા સર્કલની વચ્ચે ગાંડાની જેમ મોઢાં પાર હાથ મૂકીને ઉભો છે તો એણે આકાશને હાથ કરીને પોતાની તરફ બોલાવ્યો. પણ આકાશે ગર્દન હલાવીને ના પાડી.
ધરાથી ના રહેવાતા એ આકાશની નજીક આવી. એને નજીક આવતાં જોઈને આકાશનું હૃદય વધુ જોરથી ધબકવા લાગ્યું.
“મને બરાબર રમતાં નથી આવડતાં એટલે મેં નઈ આવ્યો.”
“મને પણ ક્યાં આવડે છે.”
“હેં ? નઈ આવડતાં આટલી મસ્ત તો તાલ લેતી હતી તું”
ધરા-આકાશને જોઈને શિવાની પણ સર્કલમાં વચ્ચે આવી ગઈ અને બોલી.
“ચાલો,અહ્યાં જ રમવાના આપડે.”
“અહ્યા?”
હા કહીને બેઉએ ત્યાં જ ગરબા ચાલુ કર્યા ગમે તેમ હિમ્મત એકઠી કરીને આકાશ પણ બન્નેની વચ્ચે જોડાયો. ક્યારેક ધરા જોડે ટકરાઈ તો ક્યારેક શિવાની જોડે પણ બેઉ જણીઓએ આકાશને ગરબો ગવડાવ્યો. આ બધું જોઈ રહેલી પ્રાંજલ અને સ્નેહલ બેઉ આકાશને દૂરથી જોડી જામે છે એવું કહી ને ઈશારો કર્યો. આ જોઈ આકાશ વધુ ફૂલાણો અને થોડા વધુ જોશમાં રમવા લાગ્યો. ધીરે ધીરે આમતો એ પણ એમની જોડે લયબદ્ધ થઇ ગયો હતો આ ત્રણેને જોઈને એમના કલાસના બધા જોડાઈ ગયા. પછી તો આ રમઝટ છેક ૭નાં ટકોરે જઈને પુરી થઇ.
“ઓયે એ પણ તને લાઈક કરે છે એટલે જ તો તને કેટલી રેક્યુએસ્ટ કરી રમવા માટે”
આ એક એવું ભાવનાત્મક વાક્ય જે ભલ ભલામાં એવો ખોટો ભ્રમ નાંખી દેતું હોય છે કે સામે વાળી વ્યક્તિ પણ એના પ્રેમમાં છે ને પછી ફસાઈ છે વ્યક્તિ આ પ્રેમજાળમાં.
“ને ભાઈસાબ આવડતું નથી કેતાં હતાં બો ઝુંમ્યાને પાછાં ને ધરા ને જોઈને ઘણાં ઉછળતાં હતાં, આપડી તરફ જોવાનો પણ ટાઈમ ન્હોતો એમની જોડે ખેર! છોકરી મળી જાય પછી બધા ભૂલી જતાં હોય છે”
“ના હે કોન્ફિડેન્સ નોતો , ખરાબ રમાયું ને ઇમ્પ્રેસનમાં ઘોબા પડે તો મજા ના આવે, ને તમે તો હિમ્મત આપેલી . એને જોયા પછી બીજા કોઈ યાદ રહેતા નથી”
“જા, હવે એની જોડે, અહ્યા શું કરે છે?” સ્નેહલ અને પ્રાંજલ આજે આકાશને તંગ કરવાના મૂડમાં હતાં
શિવાની આકાશની પાસે આવીને એને ફોટો પડાવવાનું કહીને ત્યાંથી લઇ ગઈ.
“પછી મળીયે,દીદી” એમ કહીને આકાશ પણ હરખાતો હરખાતો કલાસના ગ્રૂફી (ગ્રુપ ફોટો) માં જોડાઈ ગયો.
એને ધરા જોડે પણ એક ફોટો પડાવવો હતો, પણ હજુ હિમ્મત નો’તી થતી. એ એવો જ છે આમતો ઘણું બોલ બોલ કરતો આકાશ ધરા સામે મૂંગી મીંદડી થઇ જાય. બોલે તો પણ બહુ જ વિચારી ને શબ્દો કાઢે કે ક્યાંક કશું એવું ના બોલાઈ જાય કે પાછળ થી પસ્તાવો કરવો પડે.
પ્રેમના આ પ્રકરણ માં એ બહુ જ ખુશ હતો. છુપાઈ-છુપાઈને એને જોયા કરવું, કોલેજ ખતમ કરીને એ જયારે પાછી ઘરે જતી હોઈ તો એને ભનક ના પડે એમ દૂરથી એની પાછળ પાછળ જવું ,એને એની કાળી એકટીવામાં ઘરે જતા જોવામાં પણ એને ગજબની શાંતિ થતી. કોલેજ અવર્સમાં એ ના જોવાઈ તો બેબાકળા બનીને એની તલાશ કરવાની, એને જોયા પછી શાંતિ થવી, વાત કરવાનો કોઈને કોઈ મોકો શોધતા રેહવું, આ બધું તો હવે એના માટે એક દિનચર્યા થઇ ગયું હતું. આ બાજુ ધરાને ક્યારેય એવો કોઈ ખ્યાલ પણ નોહ્તો કે આ પાગલ માણસ ખરેખર એના માટે એકતરફી પ્રેમમાં પાગલ થઇ ગયો હતો. એકતરફી પ્રેમની ખૂબસૂરતી જ એ છે કે ના તો એમાં કોઈ અપેક્ષા હોય, ના કોઈ બંધન, ફક્ત ને ફક્ત પ્રેમ જ હોય છે.