કોરોના!!આ શબ્દ સાંભળતા જ ડર લાગે છે ને!ભવિષ્યમાં જ્યારે આ કોરોના-કુળની વાતો નિકળશે,ત્યારે આપણે ગર્વથી કહી શકીશું કે આપણે આ યુગમાંથી પસાર થઈ ગયાં છીએ,જો ત્યાં સુધી જીવતા હોઇશું તો હ!
કો - કોઈ
રો - રોકી
ના - ના શકે,એવી પરીસ્થિતીઓનું નિર્માણ કોરોનાએ ક્ષણભરમાં કરી નાખ્યું.
રોગ અસંખ્ય લોકોને ભરખી તો ગયો અને સાથેસાથે કેટલાંય લોકોને ભૂખે માર્યા,કેટલાંય લોકોની રોજી છિનવાઇ ગઈ,બેકારીનું પ્રમાણ વધી ગયું અને છેલ્લે ચોરીનું પ્રમાણ ખુબ વધી ગયું.સારાં ઘરનાં લોકોનાં પણ ધંધા-રોજગાર ભાંગી પડતાં તથા નોકરીઓ છૂટી જતાં તેઓ પણ પરિવારનાં ભરણપોષણ માટે ચોરી કરવાં મજબુર બન્યાં.
'કાનજી ઠાકર',દ્વારકામાં રહેતાં એક અતી ધનવાન ઉદ્યોગપતિ અને 'હિન્દુસ્તાન જનતા પાર્ટી'નાં સાંસદસભ્ય,આખાં દ્વારકામાં નાનાં બાળકોથી માંડીને વડીલો સુધી બધાને કાનજીભાઈની ઓળખ.કાનજી સ્વભાવનાં એકદમ દિલદાર અને કાયમ સમાજ-સેવામાં અગ્રણી.કાનજી તેમની કમાઈનો અડધે-અડધ હિસ્સો તો દાન કરવામાં જ વાપરી દેતાં અને તેમનો પરિવાર ખુબ જ સાદગીથી જીવન વિતાવતા.કાનજી ઠાકર,તેમનાં માતા-પિતા,તેમની ધર્મપત્ની અને બે બાળકો-ઋતુ અને રિષભ,આટલો કાનજીનો પરિવાર.
કાનજીની સોસાયટી ‘મથુરા-નગરી’માં છેલ્લાં અઠવાડીયામાં ત્રણ મકાનોમાં ચોરીઓ થઇ છે.રાત્રીનાં નવ વાગ્યા છે અને ગુરૂવારનો દિવસ છે,ઘરની જાળી ખોલી કાનજી ઘરમાં દાખલ થાય છે,
“પપ્પા,તમે સોસાયટી-મિટિંગમાંથી આવી ગયા?”,ઋતુએ પૂછ્યું.
“હા,બેટા.”
“શું ચર્ચા થઇ પપ્પા મિટિંગમાં?”
“કાઈ નહિ,બેટા!સોસાયટીવાળા પણ શું કહે?શું કરે?.....ચોકીદાર બેસાડ્યો છે છતાં ચોરીઓ થયાં કરે છે!!.....છેલ્લે નક્કી થયું કે,દરેકે રાત્રી દરમિયાન સાવચેત રહેવું અને ઘરને સંપુર્ણપણે બંધ રાખવું!”
કાનજી પોતાનો ફોન ખોલીને મોહનભાઈએ મોકલેલ ચોરનો ફોટો જોવે છે.મોહનભાઈનાં ઘરે આગલી રાત્રે જ ચોરી થઇ હોય છે અને ચોરને ભગાડવાં જતાં તેમનાં પુત્રએ ફટાફટ તે ચોરના અમુક ફોટા પાડેલાં છે,તે ફોટા કાનજી નિરાંતે જોવે છે.ફોટામાં બહુ ખ્યાલ નથી આવતો કારણકે ચહેરો તો સંપૂર્ણપણે ચોરે ઢાંકેલો હતો,પણ કહેવાય છે ને કે મનુષ્ય તેની આંખો પરથી તરત ઓળખાઈ જાય છે,કાનજીએ તે ફોટો સતત એક-બે મિનીટ સુધી જોયો અને ............ખટાક............અવાજ આવ્યો,કાનજીનાં હાથમાંથી ફોન પડી જાય છે અને તે “સુદામા!” બોલીને સ્તબ્ધ થઇ જાય છે.
“નાં,નાં......સુદામા કઇ રીતે હોઈ શકે!આતો કોઈક બીજો છે.મારો સુદામા આવું કદી ન કરે.”
(કાનજી ફોન ઉપાડે છે અને બે મિનીટ તો આમ જ શાંત બેસી રહે છે....)
ઘનઘોર રાત્રી થઇ ગયી છે અને રાત્રીનાં બે વાગ્યાં છે.કાનજી સફાળો જાગી ઉઠે છે..........(મનમાં ને મનમાં તે બોલે છે.....)
“સુદામા!.......મારો બાળમિત્ર મુસીબતમાં લાગે છે........તે ચોર સુદામા જ છે,મારી નજર ખોટી હોઈ શકે.....મારી આંખોથી ગફલત થાય........પણ....મારો મિત્રપ્રેમ કદી ય ખોટો ન ઠરે!!.......મારો મિત્ર મુસીબતમાં છે!!હું આખા ગામની સમાજસેવા કરું છું,લોકોને મદદ કરું છું અને મારો જ બાળપણનો મિત્ર મારો સુદામા આટલી તકલીફમાં છે કે તેને ચોરી કરવી પડે છે.....ને.....હું.......મને શરમ આવે છે મારી જાત પર........પણ સુદામાએ મને એકવાર પણ જણાવ્યું નહિ.......સુદામા,દુઃખ ચોરીની વાતનું નથી દોસ્ત,દુઃખ તો એ વાતનું છે કે મને તે એટલો સક્ષમ પણ ન સમજ્યો,કે હું તને મદદ કરી શકું....
(કાનજી ધ્રુશકે ને ધ્રુશકે રડી પડે છે.......તેના રડવાનાં ડુશકા સાંભળીને તેની પત્ની સફાળી જાગી ઉઠે છે.......)
“શું થયું ઋતુનાં પપ્પા?તમે આમ આટલી રાત્રે એકદમ રડો છો કેમ?”
“સુદામા,સુદામા તકલીફમાં છે રાધિકા!”
“તમે કોઈ ખરાબ,ડારાવનું સપનું જોયું લાગે છે......શાંત થઇ જાઓ!”
“એ બધું હું નથી જાણતો રાધિકા,પણ તે સુદામા જ હતો,સુદામા તકલીફમાં છે......”
“તે કોણ?”
“તે ચોર રાધિકા,બીજું કોણ!?”
“ચોર?શું બોલો છો.....કાનજી તમે....”
રાધિકા ઉભા થઈને પાણીનો પ્યાલો લાવે છે અને કાનજીને આપતા કહે છે......
“લ્યો...પાણી પી લો,કાનજી.શાંત થાઓ!”
“હા,લાવો.”
“તમે શાંત થાઓ,સુદામાજી ચોર કઇ રીતે હોય કાનજી?તમે આને ખરાબ સપનું સમજી સુઈ જાઓ શાંતિથી.”
“ના રાધિકા,મને ચિંતા થાય છે મારાં બાળપણનાં યારની.”
“તમે અત્યારે સુઈ જાઓ અને કાલે દિવસ શરૂ થતાં જ સુદામાજીને ઘરે જઈને એમને મળીને આવજો,આપોઆપ શાંત થઇ જશો....તમે!”
“હા રાધિકા,હું સવારે વહેલો સુદામાનાં ઘરે જઈશ.”
બીજાં દિવસની સવાર........
સવારનાં સાત વાગ્યાં છે અને કાનજીએ સુદામાની પત્નીને ફોન જોડ્યો.
....ટ્રીંગ......ટ્રીંગ......ટ્રીંગ.......(મોબાઈલથી સુદામાની પત્નીને ફોન જોડેલી ધ્વની સંભળાઈ રહી છે.)
“હલો,જય શ્રી કૃષ્ણ! કાનજીભાઈ”
“કૈરવી સાંભળ,સુદામા ઘરની બહાર ક્યારે ગયેલો હોય છે?મને જણાવ,મારે તને એકાંતે વાત કરવી છે.”
“હા કાનજીભાઈ,સુહાસ હમણાં દસ વાગ્યે બહાર જવાનાં છે...ત્યારે તમે આવજો નિવાસે,પણ કઇ ચિંતાની વાત છે કાનજીભાઈ?”
(કૈરવી થોડી ગભરાઈ ગઈ છે અને સુહાસ વિશે વિચારમાં પડી ગઈ છે.)
[સુહાસ એટલે બીજો કોઈ નહીં,કાનજીનો પોતાનો સુદામા!કાનજી અને સુદામા બાળપણના ગાઢ મિત્રો.....જોડે રહેલાં,જોડે ઉછરેલા અને એક જ થાળીમાં ભોજન કરનારાં.લોકો તેમની મિત્રતાની કસમ ખાતાં અને તેમને ‘કાન-સુદામાની જોડી’ કહીને સંબોધતા.કાનજી સુહાસને ‘સુદામા’ કહેતો અને સુહાસ કાનજીને ‘કાન’ કહેતો.....કાનજી,કળયુગનો કૃષ્ણ.]
“નાં,નાં......કૈરવી,તું ચિંતીત નાં થઈશ,હું આવું છું તમારા નિવાસે,તું જરા પણ ઘભરાતી નહી,કઇ ખાસ એવી વાત નથી.”
(કાનજી અને કૈરવી બંન્ને ચિંતામાં ફોન મુકે છે.)
કાનજી સુહાસનાં નિવાસે આવી પહોંચ્યો.
[ડ્રાઈવર ગાડી બંધ કરે છે અને કાનજીને ઉતરવા દરવાજો ખોલે છે.]
કાનજી સુહાસનાં નિવાસની ડોરબેલ વગાડે છે અને સુહાસનો પુત્ર વલ્લભ દરવાજો ખોલે છે.
“અરે,કાનજીકાકા તમે!આવો,પણ પપ્પા તો ઘરે નથી.”
“એટલે તો આવ્યો છું લા......”(કાનજી હળવાસના અહેસાસ સાથે નાનકડું સ્મિત કરે છે.)
“શું?”,વલ્લભે અતિ આશ્ચર્યથી પૂછ્યું.
“હા,એટલે બેટા......એટલે........કેમ નથી સુદામા ઘરે?ક્યાં ગયો છે?”(કાનજી હાફળો-ફાંફળો થઇ ગયો.)
કાનજી ઘરમાં પ્રવેશી,વલ્લભને ફીટ-ફેટ ચોકોલેટ આપે છે અને કૈરવીને બોલાવી લાવવાં કહે છે.
કૈરવી ઘરનાં મુખ્ય ઓરડામાં પાણી લઈને આવે છે અને કાનજીને પાણી આપી,તેની તબિયત પૂછે છે.
કાનજી વલ્લભને ઓરડો છોડી દેવા કહે છે.
ઓરડામાં કાનજી અને કૈરવી.....અને બસ એકાંત જ એકાંત,બંન્નેનાં ચહેરા ખુબ જ ચિંતીત!
“કૈરવી,સાચું બોલ........સુદામાને નોકરીમાં કાઈ તકલીફ તો નથી ને?”,કાનજીએ ચિંતામાં પૂછ્યું.
“ના.......નાં.........કાનજીભાઈ.”,કૈરવી ડઘાઈ ગઈ.
“તું મને જુઠ ન બોલ કૈરવી,સુદામા નાનો ભાઈ છે મારો,બોલ.”
“કાનજીભાઈ,શું કહું હવે તમને?સુહાસને એમની જૂની નોકરીમાંથી તગેડી મુકવામાં આવ્યાં છે.કેટલા વર્ષોથી તેઓ નોકરીમાં પૂરેપૂરી ઈમાનદારીથી ફરજ બજાવી રહ્યા હતાં અને આ કોરોનાએ એ બધા પર પાણી ફેરવી દીધું.એમાં એમનો શું વાંક હતો?પણ,કૃષ્ણની દયાથી કાનજીભાઈ,એમને છેલ્લાં અઠવાડિયે જ નવી નોકરી મળી છે.પણ,નોકરી ગયાનાં શરૂઆતમાં તેઓ ખુબ ચિંતામાં હતાં,ન સરખું ખાતાં કે પિતાં....સ્વભાવે પણ ચીડચિડીયા થઇ ગયા હતાં.આટલો સારો પગાર આટલા વર્ષે પહોંચ્યો હતો અને એકદમ જ ક્યાયના ય ન રહ્યા તેઓ!(આંખો અશ્રુથી ભરપુર કૈરવીની અને મુખ દુઃખથી ઝુકેલું!!)પછી,તેમણે નાના-મોટા એવા કેટલાક ધંધા-નોકરીઓ કર્યા પણ આટલી મોંઘવારીમાં પાંચ જણાનો પરિવાર,દાદા-બાંની દવાઓ,વલ્લભનો અભ્યાસ અને બીજી કેટલીય નાની-મોટી વસ્તુઓ.........દાદા-બાં અને એમની પોતાની બચતમાંથી ઘર ચલાવી રહ્યા હતાં પણ છેવટે તેમનાં અથાગ પ્રયત્નોથી છેલ્લા અઠવાડીયાથી જ તેમને નવી નોકરી મળી છે,એટલે હવે ચિંતા નથી,ધીમે-ધીમે બધું સારું થઇ જશે!!(કૈરવીનાં મુખ પર આશા જલકી રહી છે.)
“ક્યાં નોકરીએ લાગ્યો છે,મારો સુદામા?”
“એ બધું એ કઇ વિગતે કહેતાં જ નથી.હા,પણ એટલું ખબર છે કે એમની નોકરીમાં વિવિધ સ્થળોએ ફરવાનું ખુબ થાય છે અને કાનજીભાઈ આ અઠવાડીયામાં તો તેઓ તમારા નિવાસ ‘મથુરાનગરી’સોસાયટીની આજુબાજુ જ ક્યાંય આવે છે અને અત્યારે તેમને રાત્રિનું કામ હોય છે,ખુબ મોડી રાત!”
[કૈરવીએ તો હકીકત બોલી કાઢી પણ હવે કાનજીનું શું?]
કાનજીનાં હાથમાંથી પાણીનો પ્યાલો નીચે પડી જાય છે,.....ચહેરો પરસેવાથી રેબઝેબ.........
“શું બોલે છે તું કૈરવી,જરા જબાન સંભાળી વાત કર!”(ખુબ મોટો ઝટકો લાગતાં કાનજી જગ્યા પરથી ઉભો થઇ ગુસ્સેથી બોલી ઉઠ્યો.)
“શું થયું કાનજીભાઈ?આ બધું શું બોલી રહ્યા છો તમે?.....મને તો કઇ જ નથી સમજાતું.”(સંપૂર્ણપણે ગૂંચવાયેલી કૈરવી ખુબ જ નવાઈથી કાનજીને પ્રશ્ન પૂછે છે.)
“ના.....ના.....કઇ નહિ...કઇ નહિ......કૈરવી....આતો કોઈ ખરાબ સપનું જોઈ લીધું અને આવું બોલી ઉઠ્યો.તે આટલું બધું વર્ણવ્યું ને તો હું જરા વિચારોમાં ખોવાઈ ગયો અને બોલી ઉઠ્યો.”
“શાંતિથી બેસો,હું બીજું પાણી લઈને આવું તમારા માટે.”
“ના.....ના..,પાણી નથી પીવું મારે.તું મને એમ કે,આટલું બધું થઇ ગયું અને સુદામાએ મને જરા પણ જાણ ન થવાં દીધી.હું આખા ગામની સમાજ-સેવા કરું અને અહિ,મારો સુદામા જ આટલો દુઃખી હતો.....મને શરમ આવે છે,કૈરવી.......આ બહુ ખરાબ કર્યું સુદામાએ......હું એક્ક્ષણમાં તેને સારામાં સારી નોકરીએ લગાડી દેત.......હવે,એ લાયક પણ નથી રાખ્યો સુદામાએ કે એનું દુઃખ વહેચી શકે એનાં આ કાન સાથે!”
(કાનજી કૈરવી સામે કટાક્ષભર્યું હાસ્ય કરે છે પણ અંદરથી તો જાણે જ છે કે તે ચોરનો ફોટો સુહાસનો જ છે અને પોતાની જાતને શરમમાં નાંખી દિધી છે,કાનજીએ!)
“તમને તો ખબર જ છે ને સુહાસનો સ્વભાવ!એ કોઈની એક સહેજ પણ મદદ લે એમાંનાં નથી અને ખુબ સ્વાભિમાની છે,કોઈને પણ પોતાના દુઃખનાં રોતડા રડતાં નથી.......જુઓ ને નવી નોકરી મેળવી જ લીધી.”(કૈરવી અભિમાનથી પોતાનું મુખ કાનજી આગળ ઉચું કરે છે!)
“હા,એ બધું રહેવા દે કૈરવી.એ તો હું સુહાસને જોઈ લઈશ,ચાલો શાંતિ થઇ આ વાત જાણીને કે બધું જ બરાબર છે!”
“પણ........તમે આમ ફોન કરીને અચાનક મને એકલામાં મળવા કેમ આવ્યાં કાનજીભાઈ?એવું તે શું લાગી આવ્યું તમને કે,તમે સુહાસને પ્રત્યક્ષ પ્રશ્નોતરી ન કરી શક્યાં?”
“આ બધી વાતો સુદામાને ન કરતી કૈરવી,એને ખબર પણ નાં પડવા દેતી હ,આ વાતની!”
“પણ તમે એકદમ અચાનક આવીને સીધી આવી બાબતો પર ચર્ચા કરો છો કાનજીભાઈ,નક્કી તમે કઇ તો જાણ્યું છે સુહાસ વિશે,જણાવો તો ખરી મને,હું સુહાસને નહિ જણાવું.....તમે જરા પણ ચિંતા ન કરો.”(કૈરવીએ અતિઆશ્ચર્ય સાથે જાણવાની ખુબ તાલાવેલી દર્શાવી પૂછ્યું.)
“અરે પેલો ચોર સુહાસ નીકળ્યો એટલે બેન!!”(કાનજીથી છેવટે બોલાઈ જ ગયું.)
[તરત જ કાનજીને ભાન થતાં તે લાલપીળો થઇ ગયો અને કૈરવી કઇ પણ બોલે એ પેહલા તરત તે બોલી પડ્યો.]
“અરે,ચોર નહીં.....ચોર નહીં.......એ મુદ્દો અલગ છે.મેં દ્વારકાનાં બધા નોકરી-ધંધાનાં સમાચાર જાણ્યા છે,છેલ્લાં છ-એક મહિનાનાં અને એમાં સુદામાની કંપની પણ હતી કે જેઓએ તેમનાં પચાસથી પણ વધુ કર્મચારીઓને તગેડી મુક્યા છે નોકરીમાથી.એટલે જેવી મને ગઈકાલે આ વાતની જાણ થઇ કે હું આજે તમને મળવા આવી પહોંચ્યો.”
“હાશ........વાળ લિયા,વાળ લિયા કરી નાખ્યું!!”(કાનજી મનમાં ને મનમાં રાહત અનુભવી બોલ્યો.)
“અહ.......આ વાત હતી,કાનજીભાઈ.....તમે તો મને ડરાઈ જ નાખી હતી!!”,કૈરવી એકદમ શાંત થઇ બોલી.
“ના......ના......બીજી પણ વાત છે,ખુબ જ મહત્વની .સરકારે યોજના બહાર પાડી છે એવાં લોકો માટે કે જેમનાં ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે અને જેમની નોકરીઓ છીનવાઈ ગઈ છે.સરકાર તેમને અનાજ અને અમુક રકમ ચુકવવાની છે.વળી,દ્વારકામાં કાનજી સાક્ષાત એટલે કે હું પોતે બેઠો હોઉં ત્યારે આપણા દ્વારકામાં કોઈને કાઈ ચિંતા કરવાની જરૂર નથી.....હું પણ એ યોજના સાથે મારા પોતાના તરફથી અનાજ અને અમુક રકમ ઉમેરવાનો છું.આવતીકાલે તમારાં ઘરે એક ટેમ્પો આવશે કે જેમાં એક વર્ષનું બધું જ અનાજ અને યોગ્ય સમય સુધી ચાલે એટલા શાકભાજી અને ઘી,સાથેસાથે બીજી પણ કેટલીય જરૂરી ચીજવસ્તુઓ હશે.એ હકથી લઇ લેજો,સુદામાને કહેજો કે બહુ ડાહ્યો ના થાય અને ચુપચાપ તે વસ્તુઓ સ્વીકારી લે,એ તેનાં હકનું છે.”
[વાસ્તવમાં એવી કોઈ યોજના છે જ નહિ,આ તો કાનજીએ પોતાના બાળમિત્ર સુદામાની ગુપ્તરીતે મદદ કરવા પેંતરો અજમાવ્યો.]
“સારું કાનજીભાઈ!!બેસો ચા-નાસ્તો લાવું તમારાં માટે,કેટલાં દિવસે આવ્યાં છો વળી!”
“ના ના,મારે ઘણાં કામ છે,મારે નીકળવું પડશે.સાંભળો,વલ્લભને ભણવાનું જરાય અટકાવતા નહી,કાઈ પણ તકલીફ હોય તો હવે મને તરત જણાવજો,તમને મારા સમ છે.”
“ધન્યવાદ,કાનજીભાઈ.”
“આવજો!!જ્ય શ્રી કૃષ્ણ!”,કાનજી પાછો પોતાનાં ઘરે આવવાં નીકળે છે.
કાનજી ઘરે આવતાં રસ્તામાં તેના ડ્રાઈવર કમ સેક્રેટરીને એટીએમ આગળ ગાડી ઉભી રાખી અને ત્રીસ હજાર રૂપિયા ઉપાડી લાવવાં કહે છે.
“સાહેબ,ગઈકાલે જ ઘર માટે સિત્તેર હજાર રૂપિયા ઉપાડ્યા છે,તમે ભૂલી ગયા કે શું?”,જીગ્નેશે કાનજીને પૂછ્યું.
“જીગ્નેશ,આ ત્રીસ હજાર રૂપિયા આપણા ઘર માટે નથી ભાઈ,આ તો રાત્રે પેલા ચોરને આપવાં માટે છે.”
“હૈ......રાત્રે ચોરને આપવાં?”
“એટલે......રાત્રે ચોરીઓ થાય છે જીગ્નેશ આપણી સોસાયટીમાં અને ગઈકાલે બાજુવાળાના ઘરે ચોરી થઇ છે અને આજે આપણો વારો........એટલે આપણા ઘરે ચોરીની સંભાવના છે એટલે એ સિત્તેર હજાર રૂપિયા તો મેં પાછા મોકલાવી દીધા છે......સમજ તું જરા જીગા....”(કાનજીએ ફરીથી વાળ લિયા કર્યું.)
“સમજી ગયો માલિક હ.........”,જીગાએ થોડી ડાજ કાઢતાં કહ્યું.
[જીગો પૈસા ઉપાડવા એટીએમમાં ગયો.]
“અરે જીગાને શું ખબર?આ ત્રીસ હજાર રૂપિયા તો મારાં સુદામાને આપવાં મંગાયા છે.”,કાનજી મનમાં ને મનમાં બોલ્યો.
[કાનજી પૈસા લઈને ઘરે પાછો આવે છે અને એક કોથળીમાં ત્રીસ હજાર રૂપિયા ભરીને કોથળી પોતાનાં ખાનામાં સંતાડી ડે છે.]
રાત્રીનાં સાત વાગવાં આવ્યાં છે અને કાનજી પોતાનાં બેડરૂમમાં પોતાનાં મોબાઇલમાં મશગુલ છે.
[રાધિકા દરવાજો નોક કરીને અંદર પ્રવેશે છે......]
“હાલો કાનજી,જમવાનું તૈયાર છે....કેટલી બૂમો મારવાની મારે!”
“હા.....હા.....રાધિકા......બે મીનીટમાં આવું છું ને,શું તમે પણ,શાંતિ રાખો.”
“શું શાંતિ?આ સાત વાગ્યાં,હાલો હવે જમવા.આખો દિવસ બસ મોબાઈલ....મોબાઈલ.”(રાધિકાએ છણકો કરતાં કહ્યું.)
“અરે રાધિકા.......હું માતૃભારતી એપ્લીકેશનમાં ‘વેદાંત દવે’ દ્વારા લિખિત ‘રોગ એને ભરખી ગયો!’ વાર્તા વાંચી રહ્યો છું,બસ પતવા જ આવી છે............અદભુત છે રાધિકા,અદભુત!!.....”
“ધન્યવાદ.......શું હવે તમે પણ!!......આટલી ઉંમરે.હું તો જન્મી ત્યારથી જ અદભુત છું!!”(રાધિકા હવામાં ઉડવા લાગી,હો!)
“તને કોણ કહે છે હવે.....હું તો ‘રોગ એને ભરખી ગયો!’ વાર્તાની વાત કરું છું.છ વર્ષનાં બાળક ગટ્ટુ અને સ્વર્ગનો ગંધર્વ!!ખુબ જ સરસ રીતે રજુ કરી છે વાર્તા.’વેદાંત દવે’,છોકરો કહેવું પડે હો!શું લખે છે!!.........હું વાર્તામાં અંદર ઉતરી ગયો હતો અને તમે આવ્યાં........હ......”(કાનજીએ છેલ્લે-છેલ્લે છણકો કર્યો.)
“હા........સારું-સારું.....વાંચી લો જલ્દી અને પછી જમવા હાલો.....અને હા,મને વાર્તા શ્યેર કરવાનું નાં ભૂલતા હ........હું આજે રાત્રે જ નિરાંતે વાર્તા વાંચી કાઢીશ.”
“હા જરૂરથી રાધિકા.હું તો રિષભને પણ વંચાવડાવાનો છું.મને વાર્તા ઋતુએ મોકલી હતી.ખરેખર,ખુબ હોશિયાર છોકરી છે હ આપણી ઋતુ!!આખો દિવસ નવરાશમાં પણ વાંચતી જ હોય છે.તેણે મને ગઈકાલે જ આ વાર્તા મોકલી હતી અને કહ્યું હતું કે ‘જરૂરથી વાંચજો!!’....એ તો ‘વેદાંત દવે’ની ખુબ ચાહક થઇ ગયી છે અને હવે તો હું પણ!!”
રાત્રીનાં દસ વાગ્યાં છે અને ઘરમાં બધા સુઈ ગયા છે,રાધિકા કાનજીને બોલાવાં હોલમાં આવે છે.
“ચાલો કાનજી,કામ પતાવો તમારું હવે!”(રાધિકા મોટું બગાસું ખાતાં-ખાતાં બોલી.)
“સાંભળો તમે,મારે રાત્રે અગિયાર વાગ્યાની મીટીંગ છે આંતરરાષ્ટ્રીય કક્ષાની,સરકારી ધોરણે.ઓછામાં ઓછી બે કલાક ચાલશે.તમે સુઈ જાઓ,હું મીટીંગ પતાઈને સુઈ જઇશ.”
“સારું ચાલો હું જાઉં,જ્ય શ્રી કૃષ્ણ!”
ટીક.....ટોક......ટીક......ટોક.......ટીક......ટોક.....
[રાત્રીનાં સાડા અગિયાર વાગ્યાં છે અને કાનજી હોલમાં પોતે સંતાડેલી ત્રીસ હજાર રૂપિયાની કોથળી લઈને બેઠો છે.કાનજી એટલો નિશ્ચિત છે કે આજે સુદામા એનાં ઘરે ચોરી કરવાં આવશે જ.]
[કાનજીને તો ઘરે જાણે પ્રસંગ આવ્યો હોય એમ તે હરખાય છે કે ક્યારે સુદામા આવે અને એની એક ઝલક જોઇને આંખોને આરામ મળે.]
[કાનજીએ બધા ચોકીદારોને આજે રજાએ મોકલ્યાં છે અને પોતાનાં ઘરનો મુખ્ય દ્વાર પણ ખોલીને બેઠો છે,બોલો!!]
[વધુમાં,કાનજીએ પોતાનાં ઘરનાં બધાં જ સીસીટીવી કેમેરા પણ બંધ કરી દીધા છે અને સુદામાને ચોરી કરાવાની પૂરેપૂરી તૈયારી કરી દીધી છે એ પણ પોતાનાં જ ઘરમાં!!]
રાત્રીનાં સવા એક વાગ્યાં છે.ઘનઘોર રાત્રી છવાઈ ગયી છે.કાનજીએ હોલની બધી લાઈટો બંધ કરી દીધી છે અને હોલનાં એક ખૂણે બારી પાછળ સંતાઈને સતત ઘરની બહાર નજર રાખી રહ્યો છે.
કાનજીને ત્રણ જણાની ટોળકી પોતાનાં જ ઘર તરફ આવી રહેલી દેખાય છે.........કાનજી તરત સોફા પાછળ સંતાઈ જાય છે.
સુહાસ અને એનાં બે સાથીદારો કાનજીનાં ઘરમાં પ્રવેશે છે.કાનજી ચુપચાપ સોફા પાછળ સંતાયેલો રહે છે.જોગાનુજોગ રાધિકા રસોડામાં પાણી પીવાં માટે પ્રવેશે છે અને પાણી પીને હોલ તરફ કાનજીને જોવાં આગળ વધે છે.
આ બાજુ ત્રણેય જણા હોલમાં પ્રવેશ્યાં અને તરત જ બીજી બાજુથી રાધિકા પ્રવેશી.રાધિકાએ તરત જ બુમાબુમ કરી દીધી.ત્રણેય જણા ઘભરાયા.’કાનજી ગૂંચવાયો કે હવે સુદામાને પૈસા કઇ રીતે આપશે?’
કાનજી એકદમ ચોરોને પકડવાં આવતો હોય એમ દોટ મુકીને આવે છે અને જાણી જોઇને ત્રીસ હજાર રૂપિયાની કોથળી પોતે લપસી જઈને પાડે છે.પેલાં ત્રણમાંના એકે ફટાક પૈસાની કોથળી ઉપાડી અને ત્રણેય જણા ભાગી પડ્યાં.
રાધિકા અને કાનજી બંને બુમો પાડતા ચોરોની પાછળ દોડ્યા.
ત્રણેય જણાએ દોટ મૂકી અને થોડી જ વારમાં સોસાયટીવાળા પણ ભેગાં થઇ ગયાં.
રાધિકાએ પત્થર ઉપાડીને ચોરોને રોકવા છૂટો ઘા કર્યો.પત્થર સુદામાને જ વાગ્યો અને તે પીડાને કારણે બુમ પાડી ઉઠ્યો.રાધિકા તરત બીજો પત્થર પણ ફેંકવા ગયી અને તરત કાનજીએ રાધિકાને અટકાવી......કાનજી ખુબ પરેશાન થઇ બોલી ઉઠ્યો: ”સંભાળીને સુદામા!!”
સુહાસ ‘સુદામા!’ શબ્દ સાંભળતા જ અટકી જાય છે અને તરત પાછો ફરી બોલી ઉઠે છે:”કાન?”
પેલાં બે સુહાસનાં સાથીદારો સુહાસને ખેચે છે અને ખુબ જ ઉતાવળમાં ભાગી જાય છે.
“કાનજીએ કરાવી ચોરી!!”,અતિઆશ્ચર્ય સાથે રાધિકાથી બોલાયું.
[કાનજી ત્યારબાદ રાધિકાને અટકાવવા બદલ ખોટાં કારણો આપી સમજાવે છે.]
સુહાસનાં બંન્ને સાથીદારો એકદમ ખુશ છે કે કઇ જ કર્યા વગર રોકડ ત્રીસ હજાર રૂપિયા મળી આવ્યાં.પણ,સુહાસ તો હજી મનમાં ને મનમાં અટવાયો જ છે.સુહાસ વિચારે છે કે,”મને આ સમગ્ર જગતમાં ‘સુદામા!’ કહેનારો એક જ મારો ‘કાનજી!’ છે,શું હું મારાં જ કાનનાં ઘરે ચોરી કરવાં ગયો હતો!?”.......સુહાસને તે રાત્રે જરા પણ ઊંઘ આવતી નથી અને બીજી બાજુ કાનજીને!!
બીજાં દિવસની સવાર.
કાનજી અને સુહાસ,બંન્નેનાં ઘરે ટીવી પર એક જ સમાચારની ચેનલ ચાલી રહી છે અને સમાચાર છે:”દ્વારકાનાં સાંસદ-સભ્ય કાનજીભાઈ ઠાકરનાં ઘરે ચોરી!!”
સમાચાર સાંભળતાં જ સુહાસ ડઘાઈ જાય છે અને તરત પોતે ચોરેલાં તે ત્રીસ હજાર રૂપિયા લઈને કાનજીને પરત આપવાં અને તેની માફી માંગવા નીકળે છે.
બીજી બાજુ,કાનજીને વિશ્વાસ છે કે સુદામા આવશે અને એટલે જ એણે સુદામાનાં ઘરે મોકલાવવા અનાજ,કઠોળ અને યોગ્ય સમય સુધી ચાલી શકે તેટલાં ઘી,ફળો અને શાકભાજી વગેરેનો ટેમ્પો તૈયાર જ રાખેલ છે.
છેવટે સમય આવી જ ગયો,કૃષ્ણ અને સુદામાનાં મિલનનો!!
સુહાસને ઘર તરફ આવતો જોઇને કાનજીનાં સેક્રેટરીએ કાનજીને ફોન જોડ્યો.
“સાહેબ,કોઈ આવી રહ્યું છે!તમે કેમેરામાં જોઇને કહો.”,સેક્રેટરી બોલ્યો.
કાનજી તેની કેમેરાની સ્ક્રીન ચાલુ કરી તેમાં જુએ છે અને ફોન પર વળતો જવાબ આપે છે.
“હા.......આ મારો સુદામા જ છે.જેવો પણ એ ઘરમાં દાખલ થાય કે તરત જ તમે ટેમ્પો સુદામાનાં ઘરે રવાનાં કરી દો અને સુદામાને ચુપચાપ મારી ઓફિસમાં લઇ આવો.”
સુહાસ ઘરમાં દાખલ થાય છે અને બીજી બાજુ ટેમ્પો સુહાસનાં ઘરે જવા રવાનાં થાય છે.સેક્રેટરી સીધો આવીને સુહાસને એકદમ નિરાંતે કાનજીની ઓફિસમાં લઇ આવ્યો.
અંતે આવી જ ગયું કૃષ્ણ-સુદામાનું મિલન!!
સેક્રેટરી સુહાસને કાનજીની ઓફિસમાં મૂકી ગયો અને દરવાજો બંધ કરી બહાર ચાલી ગયો.
ઓફિસમાં કાનજી અને સુદામા ને બસ બિલકુલ શાંત અને ગમગીન વાતાવરણ.
બંન્ને કઇ પણ બોલ્યા વગર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યાં અને તરત એકબીજાંને ભેટી પડ્યાં.
“સુદામા!!”,કાનજી રડતાં-રડતાં બોલ્યો.
“હા,કાન!!”,સુહાસ આંખમાંથી અશ્રુ વરસાવતાં બોલ્યો.
“કેમ?સુદામા કેમ?”
“મને ખોટો ન સમજીશ કાન,મારી વાત તો સાંભળ.”
“મારે કઇ જ સાંભળવું નથી સુદામા,તું પહેલા ચુપચાપ અહિ બેસ.”
કાનજી સુહાસને સોફા પર બેસાડે છે અને તેની માટે પાણી લઈને આવે છે.કાનજી પોતે જમીન પર બેસી સુહાસને પાણી આપીને તેને શાંત પાડે છે.સુહાસ પાણી પીને પ્યાલો બાજુ પર મુકે છે.
“સાંભળ તું સુદામા!મને કૈરવીએ બધું જ કહી દીધું છે.મારે હવે કઇ જ દલીલ કરવી નથી.તું બસ હવે ફરીથી આવું ન કરતો.આ ત્રીસ હજાર રૂપિયા લોનનાં લીધા છે એમ સમજીને તું રાખ અને તારી નોકરીનો બંદોબસ્ત થઇ ગયો છે.”
“માફ કરીદે કાન,મારાથી બહુ મોટી ભૂલ થઇ ગઈ.”,સુહાસ રડીને બોલ્યો.
બંન્ને જણા પાછા રડી પડ્યાં.
કાનનાં અશ્રુ સીધાં સુદામાનાં પગ પર ટપક-ટપક પડ્યાં અને લો ભગવાન કૃષ્ણએ જેમ સુદામાનાં પગ ધોયા હતાં તે જ રીતે કળયુગનાં કૃષ્ણથી તેના સુદામાનાં પગ ધોવાઈ ગયાં.
સુદામા ભગવાન કૃષ્ણને મળીને પાછાં ફરતાં હતાં અને તેમની ઝુંપડી મહેલ બની ગઈ હતી તેમ જ આ સુદામા પણ પોતાને ઘરે પરત ફરી રહ્યો છે ત્યારે હાથમાં નોકરી,હાલ પુરતું ઘર ચલાવવા ત્રીસ હજાર રૂપિયા અને બધો જ જીવન-જરૂરિયાતનો સામાન,પોતાનાં કાને તેને આપ્યો છે.
તો આ રીતે કળયુગનાં કૃષ્ણ,”કાનજીએ કરાવી ચોરી!!”