ઉડતો પહાડ
ભાગ 1
સિંહાલય
આજ થી લગભગ બે હજાર વર્ષ પહેલાની આ વાત છે. જ્યારે જે દુનિયા ને આપણે જાણીએ છીએ તેનું તો સાવ અસ્તિત્વ જ નહોતું. કોઈ દેશ નહિ, કોઈ પણ સરહદ નહી, ના કોઈ પૈસાદાર કે ના કોઈ ગરીબ. મનુષ્યો પશુ-પક્ષી ઓ સાથે હળીમળી ને સુખે થી રહેતા હતા. મનુષ્યો નું જીવન ખુબજ સરળ અને સંતોષી હતું, પ્રુથ્વી પર કુદરતી ખજાના ની ભરમાર હતી જે દરેક મનુષ્ય, પશુ પક્ષી કે જીવજંતુ ના જીવન નિર્વાહ માટે પર્યાપ્ત હતું. જેના કારણે કોઈ લોકોને પોતાનું ગામ છોડીને આમતેમ ભટકવાની જરૂરત જ ન હતી. આખી પ્રુથ્વી પર બસ જ્યાં પણ પર્વત અને નદીનો સંગમ જોવા મળે ત્યાં જ કોઈક નાનકડું ગામ વસી જતું હતું.
આ વાર્તા છે સાપુતારા પર્વતમાળા ની વચ્ચે વસેલાં આવાજ એક નાનાકડા ગામની કે જે હાલના ભારત દેશમાં આવેલું છે જેને તે જમાના મા લોકો "સિંહાલય" તરીકે સંબોધતાં, જેનો અર્થ સિંહોનું રહેવાનું સ્થળ એવો થતો હતો. સાપુતારા ની પર્વતમાળા ખુબજ રમણીય હતી, ઊંચા ઊંચા સાત પહાડ જાણે એક આકાશને ચીરી ને બીજા આકાશ પર પોતાની ગરદન ઊંચી કરીને અડીખમ ઊભા છે. આ સાત પહાડની સંગમ થી બનેલી તળેટીમાં સિંહાલય જાણે કોઈ ગોર અંધારી રાત નાં અંધારાને વચ્ચે થી ચીરતો કોઈ સુંદર ધૂમકેતુ ચળકતો હોય તેમ ચમકે છે.
વિશાળકાય સિંહો ની ગર્જના સાથે સિંહાલયની સવારની શરુઆત થાય છે. સિંહોનો આકાર હાલના આપણા જમાનામાં જોવા મળતા સિંહો થી લગભગ બમણો જ કહી શકાય. ભાલા જેવા તીક્ષ્ણ દાંત અને હાથીને પણ એક જ ઘા માં ઉભેઉભો ચીરી પાડે તેવા તાકાત વર પંજા. તે સમયનો સૌથી તાકતવર અને રુવાબદાર જાનવર એટલે સિંહાલયના સિંહો. આ ઉપરાંત પણ સિંહાલય અનેકો અલભ્ય અને વિવિધ પ્રકારના પ્રાણી ઓ અને જીવચરોથી શોભતું હતું. સિંહાલય નું કુદરતી સૌંદર્ય તો એટલું અદભુત હતું કે જે પણ શિવીકા નદી ઓળંગીને સિંહાલય માં પ્રવેશ્યું તે બસ ત્યાનું જ થઈ ને રહી ગયું. લાંબા અને વિશાળકાય વૃક્ષો જે વિભિન્ન રસ વાળા ફળો થી બારે માસ ભરેલા રહેતા. શીતળ હવા જ્યારે એ વૃક્ષો ને સ્પર્શી ને આવતી ત્યારે તે ફળો ની સુવાસ થી આખું સિંહાલાય મહેકી ઊઠતું. તે સુવાસ ની સાથે જ્યારે સુંદર શિવીકા નદી માં વહેતા નીર ના વહેણ નો ખળખળાટ કરતો અવાજ ભળતો તો જાણે આ પૃથ્વી પાર શાક્ષાત સ્વર્ગ ઉતારી આવ્યું હોય તેવું પ્રતીતિ થતું.
શિવીકા નદી કે જે સાપુતારા ના સાત પહાડો પરથી નીચે ઉતરતી હતી કહેવાય છે કે સિંહાલય માટે સાક્ષાત ભગવાન નું વરદાન હતી કેમ કે તે માત્ર પીવાનું પાણી જ નહોતી લાવતી પરંતુ સિંહાલાય ને નદીની બીજી પાર રહેતા ક્રૂર અને માંસ ભક્ષી પ્રાણી ઓ થી પણ બચાવતી. પણ શિવીકા જે કારણથી પૂજનીય હતી તે હતું રહસ્યમય આંબા ફળ. સામાન્ય રીતે આંબાનું ફળ નાનું હોય છે પરંતુ કહેવાય છે કે શિવીકા નદી સિંહાલાય ના લોકો માટે ખાસ ઉડતા પહાડ પરથી આંબા નું ફળ તોડી લાવતી જેનો આકાર સાત થી આઠ ફુટ જેટલો હતો. આટલા મોટા આંબાના ફળની ખાસિયત એ હતી કે તે ફળમાંથી દરોજ વિભિન્ન સ્વાદ નીકળતા અને સિંહાલાય ના લોકો ને સંપૂર્ણ પોષણ પૂરું પાડતા. આટલું જ નહીં આ રહસ્યમયી આંબામાંથી જે ગોટલો નીકળતો તે સિંહાલાય ના વિશાળ સિંહો માટે ભોજનનું કામ કરતો જેથી તે સિંહો ક્યારે પણ સિંહાલયના રહેવાસી ઓ ને નુકસાન પહોંચાડતા નહિ પણ ઉલટું તેમની રક્ષા કરતા હતા.
સિંહાલાય ના લોકોએ ખુબ પ્રયત્નો કર્યા પણ આ વિશાળ આંબા ફળ ક્યાં ઉગે છે તે જાણવા માં નિષ્ફળ ગયા. તેમને બસ એટલી જ ખબર છે કે સીવીકા નદી દરોજ તેમના ભરણ પોષણ માટે આ રહસ્યમય ફળ તેના વહેણ સાથે લાવે છે અને ગામના દરેક લોકોને પૂરતું ભોજન પૂરું પડે છે. પૂર્વજો હંમેશા તેમને કહેતા કે આ ફળ કોઈક ઉડતા પહાડ ઉપર જ ઉગે છે જ્યાં આજ સુધી કોઈ જ નથી પહોંચી શક્યું. અને જે લોકો પણ ઉડતા પહાડ ને શોધવાનો પ્રયત્ન કર્યો છે તે લોકોનું મૃત શરીર શિવીકા નદીમાં તરતું જોવા મળ્યું છે. એવીતો કેટલીયે વાતો છે કે જે ઉડતા પહાડ પરની દુનીયા આપણી દુનિયા કરતા તદન અલગ સાબીત કરે છે. આંબા ફળ તો એક જલક માત્ર છે...