પતિ પત્ની અને પ્રેત
- રાકેશ ઠક્કર
પ્રકરણ-૧૧
જામગીરે કહ્યું કે દવાખાનામાં કોઇ નર્સ કામ કરતી જ ન હતી ત્યારે રેતાએ એ છોકરી કોણ હતી એવો સવાલ કર્યા પછી જામગીરના મોંમાંથી શબ્દો નીકળતા ન હતા. રેતાને ખ્યાલ આવી ગયો કે એમના દિલમાં ગભરાટ વ્યાપેલો છે. નર્સ છોકરીનું રહસ્ય કહેતાં એ ધ્રૂજી રહ્યા છે. કોઇ ડર એમને સતાવી રહ્યો છે. 'એ...એ....' કહેતાં જામગીર અટકી ગયા એટલે રેતાનો જીવ વધારે વ્યાકુળ બની ગયો. એણે જામગીરના બંને ખભા પકડી સહારો આપતી હોય એમ કહ્યું:"કાકા, કોણ હતી એ? તમે ગભરાશો નહીં. અમે બેઠાં છે...."
"બેટા.... એ.... એના વિશે કહેવું કે નહીં એની મૂંઝવણ છે. થોડો ડર પણ.... અનુભવું છું. આ વાત બહારના લોકોને કહેવામાં જોખમ કહેવાય. એ વાતને બધાં ભૂલી ચૂક્યા છે. એ વાત દાટેલાં મડદાં પાછા કાઢવા જેવી છે. અત્યારે તેં મને ધર્મસંકટમાં મૂકી દીધો છે. તારા પતિના જીવનો પ્રશ્ન છે...." જામગીર હજુ ફોડ પાડીને કહેતાં ખચકાતા હતા.
આ તરફ રિલોકનો ગુસ્સો વધવા લાગ્યો હતો. તેણે ગુસ્સાથી જામગીર તરફ જોયું. રેતાએ એને ઇશારાથી શાંત રહેવા કહ્યું. તે જામગીર પાસેથી વાત કઢાવવા માગતી હતી. એ માટે બળ નહીં પણ કળની જરૂર હતી.
રેતા આમ પણ વિરેનની શોધમાં આકુળવ્યાકુળ હતી અને જામગીરે પતિના જીવનો પ્રશ્ન હોવાનું કહી વધારે મુશ્કેલીમાં મૂકી હતી. તે લાગણીઓ પર સંયમ રાખતાં બોલી પણ એની આંખમાંથી આંસુઓ ટપકી પડ્યાં:"કાકા...મારા પતિ મને પાછા મળશે ને? મારા આ...મંગળસૂત્રની લાજ રાખો..."
રેતા રડીને જામગીરના ચરણમાં ઝૂકી ગઇ.
જામગીર ભાવુક બની ગયા. તેમની આંખો ભીની થવા લાગી. રેતાના માથા પર હાથ મૂકી કહ્યું:"બેટા, ભગવાન કરે તારો પતિ સલામત હોય. એ છોકરી નર્સ નહીં પણ... ડો.ઝાલનની પુત્રી જયના હશે...ડોકટર એકલા જ કામ કરતા હતા. એમની છોકરી એમની મદદ કરતી હતી...."
"તો એ છોકરી-જયના અત્યારે ક્યાં છે? એ આ બંધ દવાખાનામાં ક્યારે આવી? એ વિરેનને સારવાર આપીને પોતાની સાથે લઇ ગઇ હશે? એનું કોઇ બીજું ઠેકાણું તમારી પાસે છે?" રેતાને કડી શોધીને વિરેન સુધી પહોંચવું હતું.
જામગીર ભાંગી પડતાં હોય એમ બોલ્યા:"બેટા, ડો.ઝાલનની છોકરી જયનાને ગુજરી ગયાને મહિનાઓ થઇ ગયા છે..."
જામગીરની વાત સાંભળી રેતાના દિલ પર જાણે વીજળી પડી હોય એમ આંચકો લાગ્યો. થોડી ક્ષણ માટે એ મૂર્તિ જેવી બની ગઇ. રિલોક અને શિવલાલ પણ એક અજાણ્યા ડરથી થથરવા લાગ્યા. બધાંને એ વાતનો ખ્યાલ આવી ગયો કે ડો.ઝાલનની મૃત છોકરીનો વિરેનના ગાયબ થવામાં હાથ છે.
રિલોક હિંમત કરી બોલ્યો:"કાકા, એવું પણ બની શકે ને કે શિવલાલે જે નર્સ છોકરીને જોઇ હતી એ જયના ના હોય. કોઇ બીજી છોકરી હોય અને વિરેનને સારવાર માટે ક્યાંક લઇ ગઇ હોય?"
જામગીરને સમજાતું ન હતું કે એ શું જવાબ આપે. તે પોતે અહીં આવીને ફસાઇ ગયા હોય એવા ભાવ અનુભવી રહ્યા હતા.
રેતા સ્વસ્થ થઇ રહી હતી. તે બોલી:"કાકા, તમે ડો.ઝાલન વિશે અમને પૂરી માહિતી આપો. એમના જીવન અને પરિવાર વિશે જણાવો. આપણે કોઇ રસ્તો કાઢીશું..."
"બેટા, ડો.ઝાલન વર્ષોથી અહીં દવાખાનું ચલાવતા હતા. હું યુવાન હતો ત્યારે જ એ આ ગામમાં આવ્યા હતા. અહીં વર્ષોથી જંગલ વિસ્તાર જ રહ્યો છે. લોકોને સારવાર આપી એ દેવદૂત જેવું કામ કરતા હતા. તેમની પત્નીનું કોઇ બીમારીમાં અવસાન થઇ ગયું હોવાથી અમારા જેવા જંગલમાં રહેતાં લોકો સારવારના અભાવમાં મૃત્યુ ના પામે અને એ પોતાનો ગમ ભૂલી શકે એવા આશયથી આવ્યા હતા. એ આવ્યા ત્યારે જયના દસેક વર્ષની હતી. ઢિંગલી જેવી સુંદર છોકરી હતી. ડોકટર સાહેબના જીવનમાં વધારે સુખ લખાયેલું ન હતું. એક વખત જયના માંદી પડી. તેને એવો તાવ ચઢ્યો કે ઉતરતો જ ન હતો. બે દિવસ સુધી તે તાવમાં તડપતી રહી. ડોકટર ઝાલનની કોઇ દવા અસર કરતી ન હતી. એક રાત્રે તો તે સતત બબડતી રહી. જયનાની તબિયત ગંભીર થતી ગઇ. આખરે ડોકટરે શહેરની વાટ પકડી. એક અઠવાડિયા પછી એ પાછા આવ્યા ત્યારે એમની સાથે જયના હસતી-રમતી અને નાચતી-કૂદતી હતી. જયનાને સારી થયેલી જોઇ અમને બહુ ખુશી થઇ. શહેરમાં દવા કરાવ્યા પછી એ બોલતી-ચાલતી થઇ ગઇ હતી. પણ બીજે દિવસે મેં જ્યારે એમને પૂછ્યું કે જયનાને શું થયું હતું અને કેવી રીતે સાજી થઇ ગઇ ત્યારે તેમના ચહેરા પર દુ:ખના ભાવ આવી ગયા. આંખો ભરાઇ ગઇ. એમણે આંસુઓને રોકતાં કહ્યું:"ભાઇ, મને મારી જયના પાછી મળી ગઇ એ જ મોટી વાત છે. હું એને મોતના મુખમાંથી પાછી ખેંચી લાવવામાં સફળ થયો છું...."
ડો.ઝાલન બોલતા હતા ત્યારે જયના અચાનક દોડી આવી અને તેમની સામે હસતાં-હસતાં બોલી:"પપ્પા...પપ્પા...મને આવો ગુડ્ડો લાવી આપોને...પપ્પા....પપ્પા...મારા લગન આની સાથે કરાવો ને...."
જયનાને જોઇ ખુશ થઇ મેં પ્રેમથી કહ્યું:"અરે ગાંડી! તારી ઉંમર હજુ નાની છે. તું મોટી થઇશ એટલે પપ્પા જીવતો જાગતો દુલ્હો તારા માટે શોધી લાવશે..."
"ના-ના, મને તો આજ દુલ્હો ગમે છે...." જયના ખુશીમાં નાચતી-કૂદતી બૂમો પાડવા લાગી.
ડો.ઝાલનના મગજની કમાન અચાનક છટકી ગઇ. તેમણે જયનાને એક લાફો મારી દીધો. હું સડક થઇ ગયો. માસૂમ છોકરી પર આ રીતે હાથ ઉપાડતાં આ ડોકટરને શરમ ના આવી? તમાચો પડ્યા પછી જયના જોરજોરથી રડવા લાગી અને ડો.ઝાલનની સાથે કિટ્ટા કરીને જતી રહી.
ડો.ઝાલનને તમાચો માર્યાનો અફસોસ થયો હોય એમ બંને હાથ પોતાના મોં પર રાખી પોતાની જ માફી માગતા હોય એમ રડવા લાગ્યા.
"ડોકટર સાહેબ, તમે પણ ખરા છો. એ તો નાની અને નાસમજ છે. ગાંડીઘેલી વાત કરે એમાં આટલા આકરા થવાની જરૂર ન હતી. એને શાંતિથી સમજાવો..." મેં સલાહ આપી ત્યારે એ દુ:ખી સ્વરથી બોલ્યા:"જેનામાં સમજ હોય એને સમજાવી શકાય ને? એની ગાંડીઘેલી વાતો એને સાચી લાગે છે. એને ખબર નથી કે એ ગાંડી થઇ ગઇ છે..."
ડો.ઝાલનની વાત સાંભળી મને નવાઇ લાગી.
***
નાગદા વિરેનના અકસ્માતનું દ્રશ્ય યાદ કરી રહી હતી. વિરેનની કારના કાચ પર મેના પક્ષીએ ચાંચ મારવાનું શરૂ કર્યું એટલે વિરેનના હાથમાં કારનો કાબૂ ના રહ્યો. કાર આમતેમ ચાલવા લાગી. ત્યાં સામેથી એક ટેમ્પો આવ્યો અને તેની સાથે જોરથી અથડાઇ ગઇ. અકસ્માતમાં કારના બધાં કાચ એક જ ઝાટકે ભૂકો થઇ ખરવા લાગ્યા. મેના પક્ષી મોટું થયું અને ખીણ તરફ જતી કારમાં પ્રવેશી બેભાન થયેલા વિરેનના શરીરને એક જ ક્ષણમાં પોતાની ચાંચમાં લઇને બહાર આવી થોડે દૂર રોડ પર મૂકી દીધું. મેના પક્ષી થોડીવાર માટે છુપાઇ ગયું. તે ટેમ્પો નીકળવાની રાહ જોવા લાગ્યું. ટક્કર એટલી જોરથી લાગી હતી કે કાર નજીકની ખીણમાં ગબડી ગઇ. અને એક મોટો વિસ્ફોટ થયો. ટેમ્પોમાંથી બહાર નીકળેલા ડ્રાઇવર શીવલાલની નજર વિરેન પર પડી. શીવલાલે જોયું કે વિરેન જીવતો છે. એ તેને લઇને નજીકના દવાખાના તરફ ગયો.
મેના પક્ષીના રૂપમાં રહેલી નાગદાએ નર્સ બની જઇને વિરેનની સારવાર શરૂ કરી. અને શીવલાલને જવા માટે આગ્રહ કર્યો. શીવલાલ જતો રહ્યો એટલે નાગદાએ વિરેનના કપડાં બદલી દવાખાનું પૂર્વવત કરી દીધું. નાગદા વિરેનને લઇને પોતાના તૈયાર કરેલા મકાનમાં આવી ગઇ હતી. વિરેન હવે ભાનમાં આવી ગયો હતો. પણ પોતાની યાદદાસ્ત ભૂલી ચૂક્યો હતો. નાગદાને એના ભૂતકાળ સાથે કોઇ લેવાદેવા ન હતી. એને પોતાના ભવિષ્યની ચિંતા હતી. વિરેનને પોતાના પતિ નરવીર તરીકેની ઓળખ આપીને અડધી બાજી જીતી લીધી હતી. હવે પોતાનું એક કામ પૂરું કરવાનું ધ્યેય હતું. નરવીર સાજો થઇ જાય અને પોતાને પત્ની તરીકે સ્વીકારી લે એટલે એ કામ પૂરું થાય એવું હતું. હવે કેટલો સમય એ માટે રાહ જોવી પડશે? એમ વિચારી નાગદા મૂંઝાતી હતી. નરવીરને કેવી રીતે પોતાનો કરવો એ વિશે નાગદા વિચાર કરવા લાગી.
વધુ બારમા પ્રકરણમાં...