Kudaratna lekha - jokha - 11 in Gujarati Fiction Stories by Pramod Solanki books and stories PDF | કુદરતના લેખા - જોખા - 11

Featured Books
Categories
Share

કુદરતના લેખા - જોખા - 11

આગળ જોયું કે મયુર ના પરિવારના અકસ્માત ના સમાચાર મળતાં જ સાગર વિપુલ અને હેનીશ ને લઇ ને મયુર ના ઘરે જાય છે જ્યાં મયુર પૂછે કે શું થયું છે મારા મારા મમ્મી પપ્પા સાથે? હવે આગળ.....

* * * * * * * * * * * * * *

મયુર :- શું થયું છે મારા મમ્મી પપ્પા સાથે?

સાગર મયુર ના ચિંતા ભર્યા ચહેરા ને એકી નજરે જુએ છે. એ મનોમન વિચારે છે કે જો મયુર અત્યાર થી આટલો ચિંતાગ્રસ્ત થઈ ગયો છે તો મયુર ને એના પરિવાર ના અકસ્માત વિશે જાણ કરીશ તો કેટલો આઘાત લાગશે? સાગર ના હોઠ વાત કરવા જતા જ ભીડાઈ જતાં હતાં. ગળું સુકાવવા લાગ્યું હતું. ગળે ડૂમો બાઝી ગયો હતો. હજુ સાગર અવઢવમાં હતો જ કે મયુર ને કંઇ રીતે વાત કરે ત્યાં જ મયુર ના ફોન માં કોઈ નો ફોન આવ્યો જેથી સાગર ને થોડો હાશકારો થયો.

unknown નંબર પર થી આવેલા ફોન ના નંબર જોતા જ મયુર સમજી ગયો કે આ નંબર તો સુરેન્દ્રનગર વાળા ટ્રાવેલ્સ ના માલિકનો છે. જેની સાથે સવારે જ વાત કરી હતી. મિત્રોના ગંભીર ચહેરા, યાત્રામાં ગયા ત્યાર થી મન માં રહેલો અજંપો અને અત્યારે આવેલા ટ્રાવેલ્સ ના માલિકનો ફોન કંઇક અશુભ બન્યાના સંકેત મયૂરને વર્તાતા હતા. કોઈ ઢીલ રાખ્યા વગર તેણે ફોન ઉપાડ્યો.

મયુર:- ' હેલ્લો. ' ઘણું પૂછી લેવા માંગતો હતો મયુર ફોન ઉપાડતા ની સાથે જ પણ એક જ શબ્દ બહાર નીકળી શક્યો.

ટ્રાવેલ્સ માલિક :- ' અર્જુનભાઈ નો દીકરો બોલે છે ને?' ગભરાટ હતો તેમના અવાજ માં.

મયુર:- હા, હું તેમનો દીકરો જ બોલું છું.

ટ્રાવેલ્સ માલિક:- ' અકસ્માત થયો છે યાત્રા પ્રવાસની ગાડી નો. કોઈ હયાત ની પુષ્ટિ નથી થઈ. હું પણ ઘણો દુઃખી છું આ વાત જાણી ને.' એકી સાથે દુઃખી હૃદયે બોલી ગયા. ખબર નહિ કેટલી હિંમત એકઠી કરીને બોલ્યા હશે એ પ્રૌઢ.

મયુર :- 'બની જ કેવી રીતે શકે? મારે હજુ સવારે જ વાત થઈ હતી મારા પપ્પા સાથે. એ લોકો તો હવે ઘરે આવવા માટે નીકળવાના હતા. મને આગળ ના પ્લાન વિશે પણ ફોન કરવાનું કહેતા હતા પણ એમનો ફોન ના આવ્યો. તો કેવી રીતે બધું બની ગયું? શું એમાં મારો પરિવાર પણ....?' આટલું કહેતા જ મયુર ની આંખો છલકાઇ ગઈ.

ટ્રાવેલ્સ માલિક :- ' હા, બેટા એમાં તારો પરિવાર પણ......' ના બોલી શકાયું આગળ.

મયુર સમજી ગયો આંખો ની ધારા વધુ તેજ થઇ. હાથ માંથી ફોન સરકી રહ્યો હતો ત્યાં જ ફરી અવાજ સંભળાયો.
એ લોકો ને ફરી આગળ જવાની શું જરૂર હતી. મે પણ એ લોકો ને આગળ ની સફર કરવાની ના જ પાડી હતી. કેટલા આંચકા આવ્યા હતા ધરતી કંપ ના છતાં એ લોકો આગળ ગયા હતા. ધરતીકંપ ના ફરી એક આંચકાથી ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું અને એક મોટી ખીણ માં બસ ખાબકી એમાં હાજર બધા જ સવાર યાત્રિકો નું સ્થળ પર નિધન થયું. આ સમાચાર આપવા જ મે તને ફોન કર્યો છે. હું ફ્લાઇટ માં ત્યાં જઈ રહ્યો છું. આગળ જે વિધિ કરવાની થશે એ હું તને ફોન કરી જાણ કરી દઈશ. પણ હિંમત રાખજે બેટા. ભગવાન ના લેખ ની સામે કોઈ મેખ મારી શક્યું છે. ભગવાન ને જે ગમ્યું એ ખરું. ફોન મૂકું છું બીજા લોકો ને પણ મારે જાણ કરવી છે માટે.

ફોન હાથમાંથી સરકી ગયો. અટકેલા આંસુ ની ધારા વધતી ગઈ પોક મૂકીને મયુર રડવા લાગ્યો. કયો દીકરો ના રડે એના માતા પિતાની છત્રછાયા ગુમાવી હોય એવો. હજુ તો મયુર કુમળી વય નો હતો. હજુ સુધી એણે એના મા નો પાલવ છોડ્યો પણ નહોતો. કેટલા સ્વપ્ન સજાવી રાખ્યા હતા માતા પિતા અને બહેન માટે. આમ અચાનક કોઈ એકલું છોડી ને જતું રહેતું હશે! મારા એકલા જીવવાનો શો અર્થ છે! એકલો જીવીશ તો પણ કોના માટે જીવીશ! એવા કયા પાપો ની સજા આપી રહ્યો છે ભગવાન. અર્ધ બેહોશી ની હાલત માં ફસડાઈ જ ગયો હોત પરંતુ સાગરે તેને પકડી લીધો.
' હિંમત રાખ મયુર ' ખરેખર તો સાગર માં જ હિંમત ખૂટી હતી છતાં મયુર ને સાંત્વના આપતા કહ્યું. મયુર ની હાલત જોઈ એની આંખો પણ આંસુ થી છલકાઈ આવી. અને ગાઢ આલિંગન આપતા પોતાનો ખભો આગળ કર્યો કદાચ સાગર આ ચેષ્ટા થી કહેવા માંગતો હશે કે હજુ અમે તારી સાથે જ છીએ તું એકલો પડી ગયો એવું ના સમજતો.
થોડી વાર શાંતિ વ્યાપી ગઈ રૂમ માં. હેનીશ અને વિપુલ પણ મયુર ને વળગી ગયા. શાંત પાડી રહ્યા હતા મિત્રો મયુર ને. બધા ને વળગ્યા પછી મયુરે પાછું આક્રંદ શરૂ કર્યું. પોક મૂકી મયુરે ' મારે મારા પરિવાર પાસે જવું છે. ' ' મને એક ને અહી રિબાવવા શા માટે છોડ્યો છે. મારે નથી જીવવું હવે. મારે મારા મમ્મી પપ્પા પાસે જવું છે.' મયુર ને કેમ સાંત્વના આપવી એ જ ના સમજી શક્યા મિત્રો. જો કે મિત્રો પણ ક્યાં સ્વસ્થ હતા જ. એ પણ દુઃખી જ હતા. પરંતુ અત્યારે મયુર ને શાંત કરવો જરૂરી હતો.
ઉપર વાળો ભગવાન પર આ ઘર નું કરૂણ દૃશ્ય જોઈ ને હીબકા ભરતો હશે. એને પણ પસ્તાવો થઈ રહ્યો હશે કે મયુર સાથે ખોટું કર્યું છે. કેટલું કરુણ ચિત્ર હતું આ. કોઈ પણ આ દૃશ્ય જોઈ રોય પડે. વધારે થતી કરુણ પરિસ્થિતિ ને પારખતા સાગરે થોડા સખ્ત અવાજ માં કહ્યું. ' મયુર જો હજુ આપણે આગળ ની વિધિ માથી પણ પસાર થવાનું છે આમ તું અત્યારે થી આટલો ઢીલો પડી જઈશ તો કેમ ચાલશે.'
શબ્દો કાને પડ્યા. પરિસ્થિતિ સમજાણી મયુર ને. પણ હજુ એને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે એનો પરિવાર હવે નથી. એણે જિદ્દ કરી. ' મારે જવુ છે જ્યાં અકસ્માત થયો છે ત્યાં. મને મહેરબાની કરી ત્યાં લઈ જાવ.'
'હા અમે તને લઈ જઈશું તું અહી બેસ પહેલા.' સાગરે મયુર ને સોફા પર લઈ જતા કહ્યું. વિપુલ ને પાણી લાવવા ઈશારો કર્યો.
કેવું કરુણ દૃશ્ય ભજવાય રહ્યું હતું જે મયુર અત્યાર સુધી તેના મિત્રો ના ચહેરા જોવા પણ રાજી નહોતો એ જ મિત્રો આજે તેના દુઃખદ સમયે પોતાનો અહમ રાખ્યા વગર તેની મિત્રતા નિભાવવા અડીખમ ઊભા હતા મયુર સાથે.
મયુર એકીશ્વાસે પાણી નો ગ્લાસ પી ગયો. ' ફરી પ્રશ્ન કર્યો મારે ત્યાં જવું જ છે.'
હા અમે તને લઈ જ જઈશું પરંતુ પહેલા આ અકસ્માત કઈ જગ્યા એ બન્યો છે એ લોકો કઈ હોસ્પિટલ માં યાત્રિકો ને લઇ ગયા છે એ આપણે પહેલા જાણવું જરૂરી છે.
સાગર ને મુંજવણ ભરી પરિસ્થિતિ ને જોતા વિપુલે સાગર ને કહ્યું ' તું પેલા તારા મિત્ર મંથન ને ફોન કરી જો એના બહુ કોન્ટેક્ટ છે બધી જગ્યા પર. એ જ આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકશે.'
ગમ્યું સૂચન વિપુલનું. નેપાળ સુધી કેવી રીતે જવું એ પણ ખબર ન હતી સાગર ને. પણ મિત્ર માટે ગમે તે કરી શકવાની ક્ષમતા જરૂર હતી. ફોન જોડ્યો મંથન ને. બધી જ માહિતી ના મુખ્ય અંશો રજૂ કર્યા. અને હવે આગળ શું કરાય એ પણ પૂછી લીધું.

ક્રમશ:
પ્રમોદ સોલંકી

શું સાગર મયૂરને લઈ જઈ શકશે અકસ્માતના સ્થળે?
મંથન શું સલાહ આપશે સાગર ને?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"

વધુ આવતા અંકે........

આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏