Samba Samba Sada Shiva - 3 in Gujarati Moral Stories by SUNIL ANJARIA books and stories PDF | સાંબ સાંબ સદા શિવ - 3

Featured Books
Categories
Share

સાંબ સાંબ સદા શિવ - 3

પ્રકરણ 3

એ સન્યાસીના આખા શરીરે ભભુતી ચોળી હતી. તેને માથેથી ઉતરી આખા શરીરે વીંટળાયેલી ખૂબ લાંબા વાળની જટા હતી. તેનું કપાળ ખુબ મોટું અને ઝગારા મારતું હતું. તેમની આંખો પણ ખુબ મોટી અને કોઈ રાની પશુ જેવી અંધારામાં તગતગતી હતી. તેને લાંબી, પગની પાની સુધી પહોંચતી દાઢી હતી. તેમના વાળ કાળા પરંતુ શ્વેત થઈ રહેલા હતા. કદાચ તેઓ કોઈ સાપ કે અજગરનું કે વિશાળ વૃક્ષનાં મૂળનું ગોળ ગૂંચળું વાળી તેના ઉપર બેઠા હતા. મોટાં પર્ણોથી તેમણે મારું હમણાં કરવામાં આવેલું તેવું ખૂબ લાબું લિંગ ઢાંકયું હતું. કદાચ એ ગૂંચળાંનો સહુથી ઉપરનો આંટો તેમનું લિંગ જ હતું. નજીકમાં પાંસળીઓનું પિંજર પડેલું હતું. કેટલાંક હાડકાં આસપાસ વિખરાયેલાં પડેલાં. આ બધો દેખાવ જોઈ હું ભયભિત થઈ ગયો. તેમણે હાથથી જ હવે મને અગ્નિ સામે ઉભા રહેવા કહ્યું. એ પછી તેમણે હાથથી જ ‘થોભો’ જેવી મુદ્રા કરી આ અઘોરી લાગતી સ્ત્રીને થોભવા ઈશારો કર્યો.

એ સ્ત્રીને હવે હું 'અઘોરા' તરીકે ઓળખાવીશ.

અઘોરાએ મારાં રહ્યાંસહ્યાં વસ્ત્રો પણ ફાડી, ખેંચીને દૂર કર્યાં હતાં તે મેં આપને કહેલું છે. હવે હું માત્ર અનુભવી જ શક્યો કે હું એ લોકો જેવો સંપૂર્ણ નગ્ન અને આખે શરીરે ભભુતીનો લેપ કરેલો છું. હું જોઈ સાંભળી શકતો હતો પરંતું હું અત્યારે કોઈ વિચાર કરી કે લાગણી અનુભવી શકતો ન હતો.

 

તે સન્યાસીએ "હજુ રાત્રી અને દિવસના સંક્રાંતિકાળને વાર છે." તેમ અઘોરાને કહ્યું. તે સન્યાસી કોઈ યજ્ઞ કરતા હતા. મને તે પ્રકારના યજ્ઞો વિશે થોડો ખ્યાલ હતો, કઈંક શાબર મંત્રો વિશે વાંચ્યું, સાંભળ્યું હતું તેવા આપણને અર્થહીન લાગે પણ સચોટ અસર કરતા શાબર મંત્રો બોલતાંબોલતાં તેમણે યજ્ઞમાં કોઈક વસ્તુ ઉપાડીને ફેંકીને આહુતિ આપી. અરે, અરે! એ તો માનવ હૃદય જેવો કોઈ અવયવ હતો!

 

આહુતિ આપતાંની સાથે જ પાસે પડેલી ખોપરી આપોઆપ જમીન પરથી થોડી ઊંચકાઈ. થોડી વાર હવામાં રહી અને ધીમેથી નીચે યથા સ્થાને આવી ગઈ.

 

તેમણે અઘોરાને કહ્યું, "આપણા પરમ ગુરુ …નાથ શિવશરણ થયા છે. તેમણે આપણને આશીર્વાદ આપ્યા છે. તેમના પાર્થિવ દેહની પ્રસાદી અન્ય સાધુઓમાં વહેંચી દીધી છે. આ પ્રસાદ તું ગ્રહણ કર અને આ કાયા આપણે શરણે આવી છે (હું) તેને આપ."

 

ગુરુએ એ માનવ હૃદય જેવા અવયવનો અમુક ભાગ મને આપી ખાવા કહ્યું જેની હું ના પાડી શકું તેમ ન હતો. મારૂં મગજ કોઈને વશ હતું. એક ટુકડો મેં, એક અઘોરાએ આરોગ્યો અને બચેલી 'પ્રસાદી' અઘોરી ગુરુ અગ્નિને સ્પર્શાવી ગ્રહણ કરી ગયા.

 

કોઈ પણ પાર્થિવ વસ્તુ, શરીર હોય કે કચરો કે કોઈ મૃત શરીરનો અવયવ, અઘોરીઓ માટે એ પ્રકૃતિએ ઉત્પન્ન કરેલું છે એટલે ગ્રહણ કરવા યોગ્ય તો ઠીક, તે ગ્રહણ કરવું તેની ફરજ બને છે. આ જ્ઞાન મને પછીથી આપવામાં આવેલું.

 

તેમણે ગુસ્સાથી અઘોરાને મને, બહારની દુનિયાની વ્યક્તિને અહીં કેમ લાવી તેમ પૂછ્યું. અઘોરાએ ટૂંકમાં મારા રાત્રીના જંગલમાં ભૂલા પડી મદદ માટે યાચના કરવા વિશે જણાવ્યું. હું ખીણમાં પડી જતો બચ્યો હતો અને વિશાળ સર્પ મને ભરડો દઈ મારી નાખવા તૈયાર હતો તે કહ્યું. કોઈ માનવ આત્મા, જેનું પ્રાણશરીર તેજસ્વી અને પવિત્ર છે (હું) તે ગુરુજીની અને પંથની સેવામાં કામ લાગશે તેવી ...નાથ ની ગુરુઆજ્ઞા તેને થયેલી અને તેથી જ તે એ જંગલ અને ખીણ પરથી ઉડતી પ્રકાશપુંજમાં ફેરવાઈ મારી મદદે આવેલી તેમ કહ્યું. તેણી મારી ભાષા સમજી શકે છે તેમ પણ કહ્યું.

 

ગુરુ ...નાથ કદાચ આ અઘોરી ગુરુના પણ ગુરુ હશે તેમ લાગ્યું. તો તેમણે દેહ છોડતાં પહેલાં કે દેહ છોડ્યા પછી તુરતમાં સૂક્ષ્મ વિચારદેહે અઘોરાને મારા વિશે આજ્ઞા આપી હતી, જે મને અઘોરાએ પાછળથી કહેલું.

 

"જે કસ્પ પર રાત્રીનો અંત થાય અને દિવસનો ઉદય ન થયો હોય, બરાબર તે ક્ષણે, રાત્રી અને દિવસના મિલનની સાવ પહેલાંની ક્ષણે આને જાગૃત કરીશું." તેમણે કહ્યું.

 

થોડા જ સમય પછી, હજુ પરોઢના 3.30 કે 4 વાગ્યા હશે, તેમણે કોઈક જળનાં ટીપાંઓનો મારી પર કોઈ હાડકામાં બોળી છંટકાવ કર્યો. આ જળ તેઓ ક્યાંથી લાવ્યા હશે? તેમનું સ્વમૂત્ર હશે કે અમે જે ઝરણાંના ધોધમાં થઈ આવ્યા તેનું જળ હશે? મને થયું. (ખરેખર એ કામાખ્યા માતાનું યોનિ જળ કહેવાય છે જે આસામના ગુવાહાટી ખાતેનાં કામાખ્યા મંદિરમાં એક ગૌમુખી જેવી જગ્યાએથી ધીમુંધીમું વહેતું રહે છે અને અઘોરી પંથીઓ તેને પોતાની પાસે ગંગાજળ ની જેમ અલ્પ માત્રામાં રાખી જરૂર પડ્યે વાપરે છે. એ મેં પાછળથી જાણેલું. તેમાં સાચી સ્ત્રીનું યોનિસ્રાવનું જળ ક્યારેક ઉમેરેલું હોય છે એમ પણ કહેવાય છે. તો અઘોરાના એ સ્રાવનું ટીપું ઉમેર્યું હોઈ શકે? ખબર નથી.) એ જળમાં યજ્ઞની રાખ ઉપરાંત કોઈ રક્ત જેવું પણ ભળેલું લાગ્યું. સિંદૂર કે કંકુ હોય તો એ ગરમ અને આવું જાડું પ્રવાહી ન હોઈ શકે. એ કોઈ પ્રાણીનું રક્ત હોવાની સંભાવના વધુ લાગી.

 

હવે એ છંટકાવ મારી પર પડતાં જ હું સામાન્ય કદનો સ્વસ્થ માનવ બની ગયો. હું વિચારવા, સમજવા લાગ્યો.

 

તેમણે શુદ્ધ, સંસ્કૃત જેવા ઉચ્ચારો વાળી હિન્દીમાં મને કહ્યું, “જીવાત્મા, તને ખબર છે તું ક્યાં આવી ચડ્યો છે? અઘોરીઓની દુનિયામાં. જો આ પુણ્યાત્માએ (અઘોરા સામે આંગળી ચીંધતાં) તને બચાવ્યો ન હોત તો તને કોબ્રાથી પણ અનેક ગણો ઝેરી કોઈ સાપ કરડી ગયો હોત, કોઈ અજગરથી પણ મોટો સર્પજીવ તારો ભરડો લઈ કચડીને ખાઈ ગયો હોત કે કોઈ જંગલી પ્રાણીનો કોળિયો બની ગયો હોત. તું ખીણમાં પડતાં જ આ દેહ ત્યાગ કરી ચુક્યો હોત પણ આગળ ગતિ ક્યાં કરવી તે તારા સૂક્ષ્મ દેહને ખબર ન પડત. આભાર માન શ્રી મહાકાળનો અને આ મારી શિષ્યાનો.

 

હવે તું એક અઘોરી છો. તું શું હતો ને શું કરતો હતો તે ભૂલી જા. અહીંથી કોઈ પાછું જઈ શકતું નથી. તું શિવજીના નિરંજન નિરાકાર સ્વરૂપની આરાધના કરતા અઘોરી પંથનો સાધક છે. આજીવન."

મને ભય વચ્ચે પણ બચી જવા બદલ રાહતની લાગણી થઈ.

ગુરુએ મારે માથે હાથ મુક્યો. ફરી તેમણે મારાં શરીરનાં ચક્રોને હળવે હાથે દબાણ આપી સ્પર્શ કર્યાં અને મારી પાસે રટણ કરાવ્યું - "સાંબ સાંબ સદા શિવ." કેટલીયે વાર હું તે રટતો રહ્યો અને એમ કરતાં ઊભોઊભો જ સમાધિમાં ચાલ્યો ગયો.

(ક્રમશ:)