૨૦૧૯, ડિસેમ્બર ૩૧, અમદાવાદ
રાતના ૧૧:૦૦ કલાકે, અમદાવાદના સી.જી. રોડ નામથી પ્રખ્યાત થયેલા વિસ્તારમાં જનમેદની અંગ્રેજી નૂતન વર્ષની વધામણી અર્થે એકઠી થયેલી. પ્રત્યેક વર્ષે પુનરાવર્તીત થતી ઘટનાઓમાંની એક ઘટના એટલે સી.જી. રોડ પર થતી વાર્ષિક ઉજવણી.
માર્ગ પર નવયુવાનોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો. ૦૧ જાન્યુઆરી, ૨૦૨૦ની પ્રતીક્ષામાં નવયુવાનો દ્વારા ઉત્પન્ન થઇ રહેલા કોલાહલની તીવ્રતામાં વધારો થઇ રહેલો. ચાલવા પૂરતી જગા પણ છોડવામાં આવી નહોતી. એક એક ક્ષણ ભરપૂર જુસ્સા અને હર્ષોલ્લાસની લાગણી સાથે વહી રહી હતી. માર્ગ પર ફૂગ્ગાથી માંડીને વિચિત્ર પ્રકારના અવાજ ઉત્પન્ન કરતા વાજિંત્રો વેચનારાઓ નજરે પડી રહેલા. નાસ્તાની હાટડીઓની રમજટ જામેલી. પ્રજા વિવિધ પ્રકારના વ્યંજનો આરોગવામાં મસ્ત હતી. નાનાં ભૂલકાઓ તેમજ તરૂણ-તરૂણીઓ વાજિંત્રનો ઉપયોગ કરીને વિચિત્ર ધ્વનિનો રણકાર કરી રહ્યા હતા.
રોડના એક વિસ્તાર પરથી સેંટ. ઝેવિયર્સ કોલેજ તરફ જવાના માર્ગમાં ખૂણા પર સ્થિત વિલાસી મકાનમાં પ્રકાશના દરેક સ્ત્રોત બંધ હતા. ચોતરફ અંધકાર છવાયેલો હતો. કોઇ અવાજ કાન પર અથડાતો નહોતો. તે તરફ જનમેદની ભાગ્યે જ ડોક્યું કરતી. મકાનના બેડરૂમમાં પલંગ પર એક વ્યક્તિને બાંધવામાં આવેલો હતો. બન્ને હાથ અત્યંત બેનમૂન કારીગરીની વૈવિધ્યતા દર્શાવતા પલંગની ઉપરની તરફ રહેલા ખાંચામાં અને પગને એકબીજા સાથે જકડીને બાંધેલા હતા. તે બંધનમાંથી પોતાની જાતને છોડવવા માટે પ્રયત્ન કરી રહેલો.
આ જ અંધકારમય ખૂણા પર સ્થિત મકાનના બહારના ભાગમાં બનાવેલા બાગમાં એક યુગલ જનતાથી નજર બચાવીને નવવર્ષની ઉજવણીમાં ખોવાયેલું હતું. તેઓ ઘરની અંદરની પરિસ્થિતિથી અજાણ હતા. બન્ને પરસ્પર એટલા નજીક હતા કે તેમના એકબીજાથી જોડાયેલા તનને વાયુનો વેગ પણ વીંધી શકે તેમ નહોતો. એકબીજાના બાહુપાશમાં જકડાયેલ યુગલ સી.જી.રોડ પર ચાલી રહેલી ધમાલથી જાણે અજાણ બની ચૂક્યું હતું. જગતમાં ચાલી રહેલી અવિરત પ્રક્રિયાઓથી લુપ્ત યુગલ પ્રણયક્રિડાના કૂવામાં કૂદકો મારી ચૂકેલું.
પલંગની પાસે જ એક વ્યક્તિ બિરાજેલો. પલંગની જમણી તરફના ખૂણામાં ગોઠવેલ નાનકડા પ્રકાશના સ્ત્રોતને તે વ્યક્તિએ પ્રજ્જવલિત કર્યો. અંધારમય ઓરડામાં જરાક અમથો પ્રકાશ ફરી વળ્યો. જેની અત્યંત ઓછી તીવ્રતામાં બાંધેલ વ્યક્તિ તે વ્યક્તિને નિહાળી શક્યો. વ્યક્તિએ કાળા રંગની વાંદરા-ટોપી ધારણ કરેલી હતી. ડિસેમ્બર માસમાં અનુભવાતી ઠંડીથી રક્ષણ મેળવવા માટે વ્યક્તિ કાળા રંગના જેકેટ અને ડેનીમમાં સજ્જ હતો. જેકેટના ડાબા ખીસ્સામાંથી તેણે સિગારેટ કાઢી હોઠ વચ્ચે દબાવી. લાઇટરથી પ્રગટાવી. એક ઊંડા શ્વાસ સાથે સિગારેટની મજા માણવાનું શરૂ કર્યું.
‘અરે, માફ કરશો. શ્રીમાન પટેલ.’, વ્યક્તિએ સિગારેટને પટેલના હોઠ વચ્ચે મૂકી.
‘તારો અવાજ... જાણીતો છે.’, પટેલે સિગારેટનો એક દમ માર્યો.
તે વ્યક્તિએ ડેનીમના ખીસ્સામાંથી એક કાગળ કાઢી પટેલના ચહેરા પર ફેંક્યો. પટેલ કાગળ વાંચી શકે તે પરિસ્થિતિમાં નહોતો. પરંતુ તેની નજરે કાગળના ડાબા ખૂણા પર બનેલા લાક્ષણિક ચિહ્ન પર પડી. ચિહ્ન પટેલ જે શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી સભ્યોમાંનો એક સભ્ય હતો, તેની લાક્ષણિક ઓળખાણ દર્શાવતું હતું. તે કંઇ પણ સમજે તે પહેલાં અજાણી વ્યક્તિએ તેના હાથ પર ચાકુથી એક રેખા ખેંચી કાઢી. રેખામાંથી લોહીની ધાર વહેવા લાગી. ચીસ નીકળી ગઇ.
પટેલની ચીસના અવાજે યુગલની ક્રિડામાં ખલેલ પહોંચાડી. વ્યક્તિએ તે જ કાગળનો ડૂચો પટેલના મોંમાં મારી દીધો. યુગલ અચાનક સંભળાયેલા તીણા અવાજને કારણે હેબતાયું. છોકરીના ચહેરા પર ડર જણાયો. છોકરાને ત્યાંથી પલાયન થવામાં જ ફાયદો દેખાયો. બન્ને ઝડપથી ત્યાંથી અદ્રશ્ય થઇ ગયા. માર્ગ પર મજા માણી રહેલી જનતાએ બન્નેને કઢંગી હાલતમાં નિહાળ્યા અને તેમના પર હસવા લાગ્યા. યુગલને જનતાની કોઇ ચિંતા નહોતી. તેઓની ગભરામણ જ તેઓની આવી સ્થિતિનું કારણ હતી.
પટેલનો શ્વાસ રૂંધાઇ રહ્યો હતો.
‘હું કેમ? શું જોઇએ છે તારે? તું અંદર આવ્યો કેવી રીતે?’, મુખમાંથી કાગળ નીકળતાની સાથે જ પટેલે પૂછ્યું.
‘ભૂલી ગયા. આજે તમારે એકલા જ મજા માણવી હતી અને આથી જ તમે બધા નોકરોને રજા આપી દીધી. તમારો આ જ નિર્ણય મારા માટે ફાયદામાં રહ્યો.’ પટેલ બીજો કોઇ પ્રશ્ન પૂછે તે પહેલાં જ તે વ્યક્તિએ ચાકુથી જકડેલા પગ પર વાર કર્યો. પલંગ પર ગાદલા પર પાથરેલ સફેદ વસ્ત્ર લોહીથી લાલ રંગમાં ખરડાવા લાગ્યું. પટેલ અસહ્ય વેદનાથી તરફડવા માંડ્યો. તેનામાં ચીસ પાડી શકે તેટલી ઊર્જા પણ રહી નહોતી. શરીરમાંથી લોહીના સતત વહેવાના કારણે આંખે અંધારા આવી ગયા. હાથપગ સુન્ન થવા લાગ્યા. અશક્તિને કારણે શરીરના તરફડીયાની તીવ્રતામાં ઘટાડો નોંધાયો.
‘કેમ...?’, પટેલનો ધીમો કણસતો અવાજ વ્યક્તિના કર્ણપટલ પર અથડાયો.
‘ડૉ. મનહર પટેલ...! મહાન વ્યક્તિત્વ, જાણીતી શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી, અગણિત સામાજીક સંસ્થાના આગેવાન, પટેલ સમાજના પ્રમુખ...પણ તમારા તરફથી સામાન્ય જનતાને શો ફાયદો થયો?’, વ્યક્તિના વાક્યોમાં પટેલ પ્રત્યે ઘૃણા દેખાઇ, ‘કાગળ જોયો...તમારી પાસે એટલો સમય જ ક્યાં હોય છે? પોતાના સ્વાર્થમાં, લાભદાયી કાર્યોમાં તમે વ્યસ્ત રહેતા હોવ છો. ઘાના કારણે વહેતા લોહીના વેગ સામે આશરે ૪૦ મીનીટમાં ૯૦% લોહી શરીર ત્યાગી દેશે. હ્રદયના ધબકારા ધીમા પડી જશે. પશ્ચાત ૧૮ મીનીટ એટલે બરોબર ૧૨:૦૦ કલાકે શરીર પર મૃત્યુનો પડછાયો પોતાનું આધિપત્ય દર્શાવી દેશે. હજુ ઘણો સમય છે તમારે તરફડવા માટે. માફ કરશો. નવા વર્ષનો સૂર્યોદય તમે નિહાળી શકશો નહિ’
‘તારી તકલીફ બોલ. હું બધી જ સમસ્યાઓનો રસ્તો કરી આપીશ.’, પટેલે વ્યક્તિ સામે બક્ષી દેવા અર્થે પ્રસ્તાવ મૂક્યો.
‘જ્યારે જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા? જવા દો. હવે કંઇ થાય તેમ નથી.’, વ્યક્તિએ કાગળ હાથમાં લીધો.
‘શું છે તેમાં...?’, પટેલનો શ્વાસ અટકવા લાગ્યો, ધબકારા ધીમા પડવા લાગ્યા.
‘તમારી મૃત્યુ પહેલાં જણાવી દઉં છું.’, વ્યક્તિએ કાગળ પરનું લખાણ વાંચ્યું,
માનનીય સાહેબશ્રી,
જયભારત સહ, આપશ્રી સાહેબને સહર્ષ જણાવવાનું કે હું ડૉ. મનહર પટેલ, તમારી પ્રતિષ્ઢિત સંસ્થાને આર્થિક ફાયદો કરાવી શકું તેમ છે. જે અર્થે આપશ્રીએ પણ મને મારા અત્યંત ખાનગી કાર્યમાં મદદ કરવાની રહેશે. કાર્ય મારૂ નામ વાંચીને તમે સમજી ચૂક્યા હશો.
આભાર સહ
ડૉ. પટેલ
‘આવો કોઇ કાગળ મેં લખ્યો જ નથી. તારી પાસે મારી સંસ્થાની લાક્ષણિક મુદ્રાવાળો કાગળ આવ્યો ક્યાંથી?’, પટેલનો તીણો અવાજ સંભળાયો.
‘તમારી વાત સાચી છે. આ કાગળ તો તમે મોબાઇલ પર મોકલેલા સંદેશાની મુદ્રિત પ્રત છે. કાગળ મને મળ્યો કેવી રીતે તે રહસ્ય તમારા મૃત્યુ સાથે જ મરણ પામશે’, વ્યક્તિએ કાગળને આગ ચાંપી દીધી.
ધીરે ધીરે લોહી શરીરમાંથી ઘટવા લાગ્યું. આંખો ઘેરાવા લાગી. શ્વાસ ચડવા લાગ્યો. પટેલનું શરીર ઠંડું પડવા લાગ્યું.
રાતના બરોબર ૧૧:૫૯ કલાકે, સંપૂર્ણ સી.જી. રોડ પર અંધારાનું આવરણ ચડી ગયું. સામાન્ય જનતા નવા વર્ષની આવનારી પહેલી ક્ષણને આવકારવા થનગની રહી હતી. પ્રજાનો ઉત્સાહ ધ્વનિના માધ્યમથી ચોતરફ ફેલાઇ રહ્યો હતો. ગણતરી શરૂ થઇ ચૂકી હતી. દસ...નવ...આઠ
વ્યક્તિએ પણ પટેલની સામે નજર નાંખતા ગણતરી શરૂ કરી દીધી, ‘સાત...છ...’
સી.જી. રોડ પર પાંચ...ચાર...
પટેલના શયનકક્ષમાં, ‘ત્રણ...બે...’
સી.જી. રોડ ‘એક...’ અને ૧૨:૦૦ કલાકે સંપૂર્ણ માર્ગ પર ઉત્સાહ ફેલાયો. ફટાકડાઓના અવાજે અને તેમાંથી ઉત્પન્ન થતાં પ્રકાશે અંધારમય વાતવરણને દુર કરી દીધું. ચોતરફ પ્રજાના હર્ષની લાગણીઓનું આવરણ છવાઇ ગયું. જનતા પરસ્પર નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા લાગી.
પટેલે અંતિમ શ્વાસ લઇ લીધા.
વ્યક્તિએ મૃતદેહની પાસે સિંહના ચહેરાની પ્રતિકૃતિ ધરાવતું નકાબ મૂકી પટેલને શુભેચ્છા આપી, ‘નૂતન વર્ષાભિનંદન!’
*****
ક્રમશ: