મનાલીનું આવું રૌદ્ર રૂપ જોઈને શિશિર, રાગ અને લય ત્રણેય ડઘાઈ ગયા. આજ પહેલા કોઈએ મનાલીને ક્યારેય ઊંચા સ્વરે વાત કરતા સુદ્ધા પણ સાંભળી ન હતી. મનાલી અને શિશિરના લગ્નને 30 વર્ષ થયા હતા અને 30 વર્ષમાં પહેલીવાર શિશિરને લાગ્યું કે જાણે તે તેની પત્ની મનાલીને તો ઓળખાતો જ નથી.
મનાલી કામદાર. મનાલી, કોઈ બરફ આચ્છાદિત પ્રદેશ જેવી નયનરમ્ય, સૌમ્ય, સુંવાળી અને હિમ જેવા ઠંડા સ્વભાવ વાળી. જો કે મનાલીના ગભરુ સ્વભાવનું મૂળ તેના બાળપણમાં રહેલું હતું. અજય કામદાર અને નલિની કામદારનું એકમાત્ર સંતાન એટલે આ મનાલી. અજયભાઈનું ઘર સુખી, સાધન સંપન્ન, પણ અજયભાઈના મમ્મી ભગવતીબેનને ખુબ ઈચ્છા હતી કે મનાલીને એક ભાઈ પણ હોય પરંતુ અમુક મેડિકલ કારણોસર નલીનીબેનથી તે શક્ય ન હતું અને ત્યારથી ભગવતી બાનું વલણ મનાલી તેમજ નલિની બહેન પ્રત્યે કડક, નારાજગી ભર્યું ને આક્રોશમય રહેવા લાગ્યું. ઘરમાં શાંતિ અને તણાવમુક્ત વાતાવરણ બની રહે તેવા આશયથી અજયભાઇ તેમનો વધુ ને વધુ સમય પોતાના કામમાં ને ઓફિસમાં વિતાવવા લાગ્યા આથી પોતાના જ ઘરમાં નલીનીબેન એકલા પડી ગયેલ અને ત્યારથી જ તેઓ ગભરુ હરણી જેમ રહેવા લાગ્યા અને તેવા જ માહોલમાં ઉછરેલી મનાલીને પણ ક્યારેય પોતાના જ ઘરમાં દિલ ખોલીને વાત રજુ કરવાનો મોકો મળ્યો નહીં. અજયભાઈના પપ્પા ભગવાનદાસ કામદાર ઘણા સમયથી પથારીવશ આથી ઘરમાં અજયભાઇ અને ભગવતીબા આગળ તેમનું ખાસ કશું ચાલે નહિ પણ દાદા પૌત્રી મનાલીના ખાસ મિત્ર, તેઓ પુત્રવધુની તકલીફ સમજે તેને ઘણીવાર સાંત્વના પણ આપે., ક્યારેક દાદા-પૌત્રી-વહુ ત્રણેય ખડખડાટ હસી લે પણ ખરા!! પણ બાકી ભગવતી બા અને અજયભાઈની હાજરીમાં ઘરમાં હંમેશા મૌનનું સામ્રાજ્ય છવાયેલું રહેતું. નાનપણથી જ માનલીએ અજયભાઈએ નક્કી કરેલ સ્કૂલ, કોલેજ, મિત્રોથી કામ ચલાવી લીધેલ. અરે, છેક કોલેજમાં પણ મનાલી ક્યાં એકવાર પણ પપ્પા અજયભાઈને કહી શકેલી કે તેને કોમર્સ માં રસ નથી પરંતુ તેને ફાઈન આર્ટસ રસ છે બસ તે પોતાના રૂમમાં એકલી બેસીને ખુબ સુંદર ચિત્રો બનાવી લેતી, આમપણ કોઈ વ્યક્તિ જયારે શબ્દોથી પોતાની લાગણીને અભિવ્યક્ત નથી કરી શકતો ત્યારે તે કલાના કોઈ માધ્યમ દ્વારા પોતાના મનની વાત રજુ કરી લેતો હોય છે. મનાલીનું ગ્રેજ્યુએશન પૂરું થયું એટલે અજયભાઈએ નક્કી કરી રાખેલ મુરતિયા શિશિર અમીન સાથે મનાલીના લગ્ન નક્કી કરી દીધા. શિશિર મનાલીથી ઉંમરમાં 10 વર્ષે મોટા, દેખાવે પણ સાવ સાધારણ, યુવાનીમાં પ્રવેશેલ કોઈ પણ તરુણી જેવો ચોકલેટી હીરો જેવો સાથી ઇચ્છતી હોય તેને કોઈ કાળે પસંદ ન પડે તેવા આ શિશિર અમીન. જો કે ઔપચારિકતા ખાતર મમ્મી નલિનીબેને એકવાર મનાલીને પૂછ્યું પણ ખરું કે તેને શિશિર પસંદ તો છેને ??પણ માં-દીકરી બન્ને જાણતા હતા કે મનાલીએ શિશિર સાથે જ લગ્ન કરવાના છે મને-કમને.
ખૈર, મનાલી નલીનીબેન પાસેથી મેળવેલ શિખામણ, સૂઝ અને સમજણથી અમીન પરિવારમાં ગોઠવાઈ ગઈ. સાસુ-સસરા, પતિ અને દિયરની સેવામાં મનાલી રચીપચી રહેવા લાગી અને સમય જતા માનલીએ દીકરી રાગ તથા દીકરા લયને જન્મ આપ્યો. મનાલી પોતાની દીકરી અને દીકરા બન્નેને સમાન ન્યાય મળે તેનું હંમેશા ધ્યાન રાખતી પણ તો પણ આ પુરુષપ્રધાન સમાજમા મનાલીની દીકરી રાગ કરતા શિશિરે દીકરા લયને દરેક બાબતમાં વધુ છૂટ આપેલી. સમય વીતતો ગયો ને મોટી દીકરી રાગે પોતાનું ગ્રેજ્યુએશન ડિસ્ટીંકશન ગ્રેડ સાથે પૂરું કરી દીધું, તે દિવસે રાગે પહેલીવાર મનાલી પાસે આવીને જણાવ્યું કે તે આગળ ભણવા માંગે છે, ભણવા માટે વિદેશ જવા માંગે છે પોતાનું કરિયર બનાવવા માંગે છે. દીકરીની વાત સાંભળીને મનાલીએ શિશિર આગળ રજુઆત કરશે તેમ જણાવ્યું, તે સાંજે મનાલી અને રાગે સાથે મળીને શિશિરભાઈના તમામ ભાવતા ભોજન બનાવ્યા, તે સાંજે શિશિરભાઈ પણ રાગની ફેવરિટ ચોકલેટનું બોક્સ લઈને આવેલા. રાત્રે ડાઇનિંગ ટેબલ પર ડિનર સર્વ થયું અને મનાલી કે રાગ શિશિરભાઈને કશું કહે તે પહેલા જ શિશિરભાઈએ પોતાના મોબાઈલમાં તેમણે પસંદ કરેલ મુરતિયાનો ફોટો બતાવીને સૌને ખુશખબર આપીને બીજો જ ધડાકો કર્યો. રાગ અકળાઈને તેના રૂમમાં ચાલી ગઈ, શિશિરભાઈને એમ કે દીકરી શરમાઈ ગઈ, તે રાત્રે સૂતી વખતે મનાલીએ વાત-વાતમાં શિશિરભાઈને કહ્યું પણ ખરું કે દીકરીના લગ્નની આટલી ઉતાવળ શું છે?? તેને હજુ આગળ.....ત્યાં જ શિશિરે વચ્ચે જ મનાલીની વાત કાપતા કહ્યું કે બહુ ભણી લીધું હવે તેણે પણ લગ્ન કરી સાસરે જવું તે જ યોગ્ય છે. મનાલીએ તે રાત બાદ પણ 2-3 વાર શિશિર સાથે વાત કરવાની કોશિશ કરી જોઈ પણ દર વખતે શિશિર મનાલીની વાત અધ-વચ્ચેથી કાપી નાખતો, તો બીજી તરફ રાગ પણ તેની ઈચ્છા વિરુદ્ધ થવાથી ગુમસુમ રહેવા લાગી. એક સાંજે શિશિરે જયારે ડાઇનિંગ ટેબલ પર જ જાહેરાત કરી કે આવતીકાલે રાગને જોવા માટે આવશે ત્યારે અચાનક મનાલી ઉભી અને આટલા વર્ષોથી મનમાં મારી નાખેલી તેની ઈચ્છાને જાણે વાચા મળી હોય તેમ તે ઉગ્ર અવાજે બોલી કે " શિશિર, રાગ લગ્ન નહિ કરે પણ વિદેશમાં આગળ ભણવા માટે જશે અને પોતાનું કરિયર બનાવશે અને આ મારો નિર્ણય છે." થોડીવાર ડાઇનિંગ રૂમમાં નીરવતા અને સ્તબ્દ્ધતા છવાઈ ગઈ, શિશિરને કશું સમજાયું નહિ અને મૂકસંમતિ આપતો હોય તેમ ચુપચાપ તેના રૂમમાં ચાલ્યો ગયો અને રાગ આવીને તેની માને વળગી પડી, ચોધાર આંસુઓની વચ્ચે તે દિવસે મનાલીને પોતાના અસ્તિત્વનું મહત્વ સમજાયું.