sundari chapter 57 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુંદરી - પ્રકરણ ૫૭

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સુંદરી - પ્રકરણ ૫૭

સત્તાવન

 

“તો હવે શું કરીશ?” રાગીણીબેનના અવાજમાં ચિંતા હતી.

“મમ્મી, મેં કોલેજ છોડી છે, ભણવાનું નહીં.” વરુણ જરા અકળાયો.

“દીકરા તારી મમ્મીનું કહેવું એવું છે કે આ કોલેજ તો તેં છોડી દીધી હવે કઈ કોલેજમાં એડમિશન લઈશ?” હર્ષદભાઈએ પ્રશ્ન કર્યો.

“જી જી કોલેજ ઓફ આર્ટ્સમાં કાલે એડમિશન મળી જશે, હું કાલે સવારે ત્યાં જવાનો છું.” વરુણે જવાબ આપ્યો.

“એસ જી હાઈવે પર? એટલે દૂર? હજી પાંચ વર્ષ પહેલાં જ નવી શરુ થઇ છે ને?” રાગીણીબેનની ચિંતા ચાલુ જ રહી.

“હા, મમ્મી. બાઈક પર આવીશ-જઈશ.” વરુણને હવે આ પ્રશ્નોત્તરીથી છૂટવું હતું.

“એડમિશન મળી જશે ને? ન મળતું હોય તો મને કહેજે, મારી ઓળખાણ છે ટ્રસ્ટી સાથે!” હર્ષદભાઈ બોલ્યા.

“મળી જશે પપ્પા એમને નવી ક્રિકેટ ટીમ બનાવવી છે. એમના સ્પોર્ટ્સ પ્રોફેસર સાથે મારે વાત થઇ ગઈ છે. કાલે ફોર્મ ભર્યા પછી મારે રેફરન્સ તરીકે એમની સહી પણ એના પર લેવાની છે એટલે વાંધો નહીં આવે.” વરુણે ફિક્કું સ્મિત કરતાં કહ્યું.

“ઠીક છે બેટા. જો તને એ જ યોગ્ય લાગતું હોય તો ભલે એમ થાય. બપોરની કોલેજ છે એટલે મને તો એટલી શાંતિ!” આટલું કહીને રાગીણીબેન ત્યાંથી ઉભાં થયાં અને રસોડા તરફ રવાના થયાં.

ઈશાની અને વરુણ પણ પોતપોતાના રૂમ તરફ ચાલી નીકળ્યાં, હર્ષદભાઈ સતત વરુણ પર નજર રાખીને તેને જોઈ રહ્યાં હતાં. વરુણ પોતાના રૂમમાં ગયો પછી લગભગ બે મિનીટ સુધી હર્ષદભાઈ જ્યાં બેઠાં હતાં ત્યાં જ બેઠાં રહ્યાં, કશુંક વિચારતાં રહ્યાં અને પછી સોફા પરથી ઉભા થયાં અને પછી તેમણે વરુણના રૂમ તરફ ડગ માંડ્યા.

હર્ષદભાઈ વરુણના રૂમનાં દરવાજા પર પહોંચ્યા, અટકાવેલો દરવાજો તેમણે ખોલ્યો અને અંદર જોયું તો વરુણ એના બેડના ખૂણે બેઠો હતો, તેનો ચહેરો તેની બંને હથેળીઓ વચ્ચે હતો અને પોતાની બંને કોણી પગના બંને ઘૂંટણના ટેકે મુકીને આગળની તરફ ઝુકીને બેઠો હતો.

હર્ષદભાઈ પગનો અવાજ કર્યા વગર વરુણના રૂમની અંદર આવ્યા અને તેની બાજુમાં બેસી ગયાં.

“કોઈએ ના પાડી દીકરા?” વરુણના માથામાં હળવેકથી પોતાની આંગળીઓ ફેરવતાં હર્ષદભાઈ બોલ્યાં.

અચાનક જ હર્ષદભાઈના આમ કરવાથી વરુણ ચોંકી ગયો અને હર્ષદભાઈ સામે તેણે જોયું. વરુણની આંખો ભીની અને લાલ હતી, બંને હથેળીઓના ભાર વચ્ચે દબાઈ જવાથી તેના ગાલ પણ લાલ લાલ થઇ ગયા હતા.

હર્ષદભાઈના ચહેરા પર પોતાના પ્રત્યે ભારોભાર લાગણી દેખાતાં વરુણની ભાવનાઓનો બાંધ તૂટી પડ્યો અને તે બેઠાબેઠા જ હર્ષદભાઈને ભેટી પડ્યો અને રડવા લાગ્યો. વરુણનો રડવાનો અવાજ બહાર ન જાય એટલે હર્ષદભાઈએ પોતાનો પગ લાંબો કરીને રૂમના દરવાજાને ધક્કો મારી તેને બંધ કરી દીધો.

હર્ષદભાઈ પોતાને ભેટી પડેલા પુત્રની પીઠ પર હળવેકથી હાથ ફેરવવા લાગ્યા અને તેની તૂટી ગયેલી લાગણીઓને શાંત કરવાની કોશિશ કરવા લાગ્યા. થોડીવાર આમ જ ચાલતું રહ્યું, વરુણ રડતો રહ્યો અને હર્ષદભાઈ તેની પીઠ પર હળવેકથી હાથ ફેરવતાં રહ્યાં.

“કોણ છે?” વરુણના થોડા શાંત થયા બાદ હર્ષદભાઈએ તેને પ્રથમ સવાલ કર્યો.

“મારા પ્રોફેસર.” વરુણ આટલું બોલ્યો ત્યાં એક ડૂસકું નીકળી ગયું તેના મોઢામાંથી.

“સુંદરી?” હર્ષદભાઈએ બીજો સવાલ કર્યો.

જવાબમાં વરુણે ફક્ત હકારમાં ડોકું હલાવ્યું.

“હમમ... તારાથી નહીં નહીં તો સાતેક વર્ષ મોટી હશેજ.” હર્ષદભાઈ બોલ્યા.

“હા.” વરુણે જવાબ આપ્યો.

“પ્રેમમાં નાત-જાત, ઉંમર આ બધું થોડું જોવાનું હોય. પણ એ કદાચ એવું નહીં વિચારતી હોય એટલે એણે તને ના પાડી હશે.” હર્ષદભાઈએ કહ્યું.

“પપ્પા, મારો કોઈજ ઈરાદો ન હતો અત્યારે એમની સામે આ વાત લાવવાનો, એટલીસ્ટ હું ગ્રેજ્યુએટ ન થઇ જાઉં ત્યાં સુધી ત્યાં સુધી મૂંગા રહેવાનું મેં નક્કી કરી જ લીધું હતું. મારે એમના હ્રદયમાં મારા માટે એક ખાસ જગ્યા બનાવવી હતી અને પછી યોગ્ય સમય જોઇને હું પ્રપોઝ કરવાનો હતો, બધું બરોબર જઈ રહ્યું હતું પણ અચાનક સંજોગો જ એવા ઉભા થઇ ગયાં કે...” વરુણ આગળ ન બોલી શક્યો.

“હું સમજી શકું છું દીકરા. પણ તને ખબર તો હશેજ કે આની સાથે પ્રેમ કરીશ તો ભવિષ્યમાં તકલીફ તો પડવાની જ છે?” હર્ષદભાઈએ વરુણની આંખમાં આંખ મેળવીને પૂછ્યું.

“ખબર નહીં પપ્પા, એફ.વાયના પહેલાં જ લેક્ચરમાં જ્યારે એ ક્લાસમાં એન્ટર થયાં કે હું... પહેલાં મને એમ કે જેમ કાયમ થાય છે એમ આ પણ મારું આકર્ષણ જ છે, કારણકે એ એમના નામ પ્રમાણે ખૂબ સુંદર તો છે જ! મને એ મારાં પ્રોફેસર હોવાને કારણે મને થયેલી લાગણી બાબતે થોડો સમય ગિલ્ટ ફિલ પણ થયું, પણ પછી હું સોનલબેનના પપ્પાને મળ્યો એમણે મારી લાગણીઓને સાચો રસ્તો દેખાડ્યો અને પછી મેં નક્કી કરી લીધું કે એક દિવસ હું આમને પામીને જ રહીશ.” વરુણના ચહેરા પર પહેલીવાર સ્મિત આવ્યું.

“એટલે સોનલબેનના પપ્પાને આ બધી ખબર છે અને તારા પપ્પાને છેક આજે ખબર પડે છે.” હર્ષદભાઈ પણ મંદ મંદ સ્મિત આપી રહ્યાં હતાં.

“પપ્પા, મને એમ લાગ્યું કે તમને કહીશ તો મમ્મીને ખબર પડી જશે અને પછી...” વરુણે વાક્ય અધૂરું જ મુક્યું.

“આઈ કેન અન્ડરસ્ટેન્ડ. મને જરાય ખોટું નથી લાગ્યું. પણ મને એ નથી સમજાતું કે એક તરફ તો તે હમણાં એક કહ્યું કે તે નક્કી કરી લીધું હતું કે તું સુંદરીને એક દિવસ પામીને જ રહીશ તો પછી કોલેજ કેમ છોડી દીધી?” હર્ષદભાઈએ વરુણ સમક્ષ મનની ગૂંચવણ રજૂ કરી.

“પપ્પા, ફાઈનલ એક્ઝામ્સ પહેલાં કોઈએ કોલેજમાં અમારા વિષે ખોટી અફવા ફેલાવી હતી, એ વાતની ચોખવટ કરવા જ અમે ત્રણેક મહિના પહેલા ગોતાના બગીચામાં મળ્યાં હતા. એક્ચ્યુઅલી હું એમને એમ સમજાવી રહ્યો હતો કે સમય જતાં કોલેજનું વાતાવરણ શાંત થઇ જશે એટલે આપણે આ વાતને બહુ મહત્ત્વ ન આપવું જોઈએ, પણ એમણે મારી વાતને અવળી રીતે લઇ લીધી અને એની ચોખવટ કરવા જતાં મારાથી એમ કહી બેસાયું કે હું એમને પ્રેમ કરું છું.

પપ્પા, એ ઘટના પછી મેં ભણવા તરફ મન વાળ્યું અને હું થોડો સક્સેસફૂલ પણ ગયો, પણ જેવું વેકેશન પડ્યું કે તરતજ હું ફરીથી દુઃખી થવા લાગ્યો. એમણે મને કહ્યું હતું કે જો એ કોલેજ છોડીને જશે તો અહીં અને જે કોલેજમાં એ જોબ લેશે ત્યાં આ બદનામી તેમનો પીછો નહીં છોડે. એટલે બહુ વિચારીને મેં નક્કી કર્યું કે એમને મારે કારણે શા માટે કોઈ તકલીફ પડે? એનાં કરતાં હું જ જો કોલેજ છોડી દઉં તો... બસ એટલેજ મેં કોલેજ છોડી.” વરુણે હર્ષદભાઈના પ્રશ્નનો મુદ્દાસર જવાબ આપ્યો.

“દીકરા તારો સુંદરી પ્રત્યેનો પ્રેમ સો ટંચના સોના જેવો ખરો છે. પ્રેમ એ મેળવવાની નહીં પરંતુ આપવાની લાગણી છે. આપણે જેને પ્રેમ કરતાં હોઈએ એને કોઇપણ સંજોગોમાં ખુશ રાખવા એને કોઇપણ જાતની તકલીફ આપણા તરફથી ન થાય એની કાળજી લઈએ એ જ સાચો પ્રેમ છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. પણ એનો મતલબ એવો પણ નથી કે સુંદરી તને હવે ક્યારેય નહીં મળે.

હજી પણ ચાન્સ છે દીકરા, આવનારા વર્ષોમાં એવું કશું કરી બતાવ કે જેનાથી સુંદરીને સામે ચાલીને તારી પાસે આવવું પડે, તારા વખાણ તેણે કરવા પડે, તારા પ્રત્યે એનું માન વધી જાય. ટૂંકમાં તારે પ્રખ્યાત થવું પડશે અને આવું કેવી રીતે તું કરીશ એ તારે નક્કી કરવાનું છે. આ બાબતે મારી કોઇપણ પ્રકારની મદદની જરૂર પડે, ઈમોશનલ, ફાઈનાન્શિયલ કે બીજી જોઈ, બેજીજક મને આવી ને કહી દેજે હું તને જરૂર મદદ કરીશ. તું શું નક્કી કરે છે કેવી રીતે તું તારા પ્લાનનો અમલ કરવા ધારે છે એ પ્લાનનો અમલ કર એ પહેલાં મને કહી દેજે. “ આટલું કહીને હર્ષદભાઈએ વરુણના ખભે હાથ મૂક્યો અને તે ઉભા થયા.

“ચોક્કસ પપ્પા. આઈ એમ ફીલિંગ મચ બેટર નાઉ.” વરુણે પણ હસીને કહ્યું.

“ફેમિલી આના માટે તો છે. સારી  કે ખરાબ કોઇપણ લાગણી કે વાત જો ફેમિલી સાથે શેર ન કરાય તો ફેમિલી હોવાનો શો મતલબ? ફેમિલી સાથે સમસ્યા જો સમયસર શેર કરવામાં આવે તો ઘણા રસ્તા નીકળી આવે છે. તેં સમયસર તારી સમસ્યા મારી સાથે શેર કરી છે એ તેં સારું કર્યું.” આટલું કહીને હર્ષદભાઈ વરુણના રૂમના બારણા તરફ આગળ વધ્યા.

“પપ્પા, મારી એક બીજી ઈચ્છા છે.” વરુણ પણ બેડ પરથી ઉભો થયો અને બોલ્યો.

“બોલને દીકરા.” હર્ષદભાઈ રોકાયા અને પાછળ વળ્યાં.

“આપણે બંને એક વખત કિશન અંકલને મળીએ તો? આઈ મીન સોનલબેનના પપ્પાને?” વરુણે વિનંતીના સૂરમાં હર્ષદભાઈને પૂછ્યું.

“ચોક્કસ કેમ નહીં, મેં હમણાં જ તને કહ્યુંને કે આ બાબતે મારી કોઇપણ પ્રકારની મદદની જરૂર હોય તો મને કહેજે. તું મિટિંગ નક્કી કરીને કહેજે, આપણે જઈ આવીશું.” હર્ષદભાઈએ સ્મિત સાથે કહ્યું.

“થેન્ક્સ પપ્પા, યુ આર ધ બેસ્ટ!” વરુણનો આખો મૂડ બદલાઈ ગયો હતો.

હર્ષદભાઈએ હસીને રૂમનો દરવાજો ખોલ્યો અને રૂમની બહાર નીકળી ગયા અને વરુણ ફ્રેશ થવા માટે બાથરૂમ તરફ વળ્યો.

“વરુણ, આ આખીયે વાતમાં એક વાત મને ન સમજાઈ.” અચાનક જ હર્ષદભાઈ વરુણના રૂમમાં પરત આવ્યા.

“શું પપ્પા?” બાથરૂમ તરફ જઈ રહેલો વરુણ રોકાયો અને હર્ષદભાઈ તરફ વળ્યો.

“તું યુનિવર્સીટી ક્રિકેટ ચેમ્પિયન છે, હેન્ડસમ છે, રોજ બસમાં જાય છે, તો બીજે ક્યાંય તને કોઈ છોકરી કેમ ન ગમી અને સુંદરી જ?” હર્ષદભાઈના ચહેરા પર સ્મિત હતું અને એ પણ તોફાની.

“પપ્પા, યાદ કરો, કોલેજના પહેલા જ દિવસે તમે જ્યારે ઓફિસેથી પાછા આવ્યાં ત્યારે તમે છોકરીઓ વિષે પૂછપરછ કરી હતી ત્યારે મેં તમને વચન આપ્યું હતું કે હું તમને આ કોલેજમાંથી જ તમારા ઘરની વહુ લાવી આપીશ. યાદ છે?” હવે તો વરુણના ચહેરા પર પણ તોફાન હતું.

હર્ષદભાઈ હસી પડ્યા અને પોતાનું માથું હલાવતાં હલાવતાં, રૂમની બહાર નીકળી ગયાં.

 

==:: પ્રકરણ ૫૭ સમાપ્ત ::==