Hu Parki ke Potani ? - 3 in Gujarati Fiction Stories by Nirav Patel SHYAM books and stories PDF | હું પારકી કે પોતાની ? - ભાગ-3

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

હું પારકી કે પોતાની ? - ભાગ-3



ઘણા દિવસો બાદ જાણે રોહિણી જેલમાંથી છૂટીને પોતાના ઘરે પરત ફરી હોય તેમ લાગી રહ્યું હતું. રોહિણીના ઘરે પણ તેના આવવાથી બધા જ ખુબ જ ખુશ થઇ ગયા, રોહિણીએ બધાને વારા-ફરથી મળી અને ઘણા સમય બાદ મળવાના કારણે તેની આંખોમાંથી આંસુઓ પણ છલકાઈ ઉઠ્યા હતા.મૈત્રીને તો હવે સાચવવાની જવાબદારી રહી જ નહીં, બધા વારાફરથી મૈત્રીને લઇ રમાડવા લાગ્યા. ખુશી ખુશી રોહિણી ઘરમાં પ્રવેશી, ઘરમાં પણ બધું જ જાણે બદલાયેલું બદલાયેલું લાગ્યા કરતું, તેના પપ્પાએ થોડા સમય પહેલા જ આખા ઘરનું સમારકામ કરાવ્યું હતું. બેઠક રૂમમાં બેસવાની સાથે જ તેના પપ્પાએ કહ્યું, "તુષારનો થોડીવાર પહેલા જ ફોન આવ્યો, તારા આવવાનું એમને જણાવ્યું. કહેતા હતા કે 3-4 દિવસ મેં રહેવા માટે મોકલી છે. રવિવારે હું આવીશ લેવા માટે "


રોહિણીના ચહેરા ઉપર થોડીવાર પહેલા રમી રહેલી ખુશી જાણે તરત જ અદૃશ્ય થઇ ગઈ. તે નક્કી કરીને આવી હતી કે ઓછામાં ઓછું પંદર દિવસ સુધી તો તે પપ્પાના ઘરે રોકાશે જ, પરંતુ તેના પહોંચતા પહેલા જ તુષારે બધું જ આયોજન કરી લીધું. હવે શું કરવું તેને કઈ સમજાઈ રહ્યું નહોતું. રોહિણીને તો એવી ઈચ્છા થતી હતી કે તે હવે ક્યારેય પાછી ના જાય પરંતુ પોતાની તકલીફ વિશે તેના પરિવારને સમજાવવા ખુબ જ મુશ્કેલ હતા. સાથે મૈત્રીના ભવિષ્યને લઈને પણ પોતાના જીવનની કુરબાની આપવી પડે તેમ હતું. પહેલો દિવસ તો પરિવાર સાથે એમ જ વીતી ગયો, મૈત્રીને તો ઘરના બીજા સભ્યો જ આખો દિવસ રમાડ્યા કરતા હતા. તેના પપ્પા અને મમ્મી પણ તેની પાસે ઘણીવાર સુધી બેસી રહેતા. તુષાર વિશે તેમને જણાવવાની ખુબ જ હિમ્મત કરી છતાં પણ તે જણાવી ના શકી. ઘરની અંદર તેનો રૂમ તેના પપ્પાએ અલગ જ રાખ્યો હતો. ઘરના સમારકામ દરમિયાન પણ પણ તેને સુંદર રીતે સજાવ્યો હતો. મૈત્રી રાત્રે તેના દાદા-દાદી સાથે જ સુઈ ગઈ. રોહિણી રાત્રે પોતાના રૂમમાં આવી અને બારીએ બેસી તે પોતાના જીવનનો વિચાર કરવા લાગી.

આજે રોહિણી પાસે જાણે કોઈ જવાબદારી નહોતી, મૈત્રી પણ આજે તેની પાસે નહોતી, જેના કારણે આજે તે એકદમ નિશ્ચિન્ત લાગી રહી હતી. કેટલાય વર્ષોથી આવા એક દિવસની તલાશમાં હતી. તેને એમ પણ વિચાર્યું હતું કે આવો કોઈ દિવસ મળશે ત્યારે શાંતિથી સુઈ જઈશ, બહુ જ બધો આરામ કરીશ. પરંતુ એ શક્ય ક્યાં હતું ? આજે તેની આંખોમાં ઊંઘના બદલે આંસુઓ હતા. દિમાગની અંદર ઘોડા દોડતા હોય તેમ વિચારો દોડી રહ્યા હતા. કઈ સમજાઈ રહ્યું નહોતું કે શું કરવું ? માત્ર ત્રણ દિવસ જ તેની પાસે બચ્યા હતા. આ ત્રણ દિવસ બાદ તો ફરી જાણે તે જેલમાં કેદ થઇ જવાની હતી. તેને આ જેલમાંથી છૂટવું હતું, પરંતુ કઈ રીતે ? કઈ જ સમજાઈ રહ્યું નહોતું.


મોડા સુધી બારીએ બેસીને જ તે બહાર નીરખતી રહી. અચાનક તેને યાદ આવી તેની જૂની ડાયરી. તરત જ ઊભી થઇ અને પોતાની રૂમમાં મુકેલા કબાટમાંથી તે ડાયરીને બહાર કાઢી લઇ આવી અને વાંચવા લાગી. આમ તો આ ડાયરીને રોહિણીએ ઘણીવાર વાંચી હતી, પરંતુ અત્યારે તેને આ ડાયરીના શબ્દો એકદમ નવા લાગી રહ્યા હતા. કોલેજના દિવસોમાં વિશ્વાસે જ તેને આ ડાયરી લખવાનો આઈડિયા આપ્યો હતો. શરૂઆતમાં તો તેને આ ડાયરી લખવાનો વિશ્વાસનો વિચાર પસંદ ના આવ્યો, પરંતુ જેમ જેમ તે પોતાની દિનચર્યા વિશે લખતી ગઈ તેમ તેમ તેને પણ લખવામાં અને પોતાનું જ લખેલું વાંચવામાં રસ પડવા લાગ્યો.

આજે એજ ડાયરી તેના માટે ખુબ જ મહત્વની બની ગઈ હતી. ડાયરીના પાનાં ફેરવતા એક સુક્કું ગુલાબ નીચે પડ્યું, ગુલાબને જમીન ઉપરથી ઉઠવતી વખતે જ તેની સામે એક યાદ પણ ઉભી થઇ ગઈ. વેલન્ટનાઇન ડેનો દિવસ હતો. રોહિણીની બહેનપણીઓએ તો તેને પહેલા જ કહ્યું હતું કે વિશ્વાસ તને આજે પ્રપોઝ કરવાનો છે. રોહિણીને પણ તેના પ્રત્યે પ્રેમ હતો, પરંતુ તે ઇચ્છતી હતી કે પ્રેમ માટેનો પ્રપોઝ વિશ્વાસ જ કરે. વિશ્વાસ પણ ખુબ જ ડરપોક. તેને પણ ખબર હતી કે તેને પ્રસ્તાવનો રોહિણી ક્યારેય અસ્વીકાર નહીં કરે પરંતુ પૂછવામાં જ તેને ડર લાગતો હતો.

તેના મિત્રોના સમજાવ્યા બાદ તે પ્રપોઝ કરવા માટે તૈયાર થયો. રોહિણીની સામે આવી અને ચુપચાપ કઈ બોલ્યા વગર જ ઉભો રહી ગયો. રોહિણીને તો પહેલાથી જ સમજાઈ ગયું હતું કે વિશ્વાસ આજના દિવસે પોતાના દિલની વાત કહેવા માટે જ તેની પાસે આવ્યો છે. પરંતુ તે પણ જોવા માંગતી હતી કે વિશ્વાસ કેવી રીતે પ્રપોઝ કરે છે.

લગભગ 10 મિનિટ સુધી રોહિણીની સામે ઉભા રહીને વિશ્વાસે બીજી બીજી જ વાતો કરી, પરંતુ પોતાના શર્ટની અંદર છુપાવેલું એ ગુલાબ તેને બહાર ના કાઢ્યું. રોહિણીએ નાટક કરતા કહ્યું, "સારું તો હું હવે ઘરે જાઉં?" અને ત્યાંથી થોડે આગળ ચાલવા લાગી, વિશ્વાસ પણ તેની પાછળ પાછળ આવ્યો અને કહ્યું "થોડીવાર ઉભી રહે ને?" રોહિણીએ પણ કોઈ સવાલ કર્યા વગર થોડીવાર ઉભા રહેવાનું જ નક્કી કર્યું, આવું જ અડધા કલાક સુધી ચાલતું રહ્યું, થોડે દૂર ઉભેલા વિશ્વાસના મિત્રો અને બીજી તરફ ઉભેલી રોહિણીની બહેનપણીઓ બંનેના નાટકો જોઈને હસી રહી હતી.

રોહિણીએ પણ સમજી લીધું કે વિશ્વાસ કઈ બોલવાનો નથી એટલે સામેથી જ તેને મજાક કરતા કહ્યું, "આ શર્ટની અંદર ગુલાબ છુપાવ્યું છે, તે કોઈએ આપ્યું છે કે કોઈને આપવાનું છે ?" વિશ્વાસ એકદમ નીચું જોઈ ગયો અને નીચું જોતા જોતા જ બોલ્યો, "આ હું તારા માટે લાવ્યો છું". "તો મારા માટે લાવ્યો છે તો મને આપવાનું છે કે બસ શર્ટમાં જ ફસાવી રાખવાનું છે ?" આટલું બોલતા જ રોહિણી હસવા લાગી.

વિશ્વાસે ફટાફટ પોતાના શર્ટમાંથી ગુલાબ કાઢીને રોહિણીના હાથમાં મૂક્યું. રોહિણીએ કહ્યું, "બસ ખાલી ગુલાબ જ આપવાનું છે, સાથે કઈ કહેવાનું નથી ?" વિશ્વાસના હોઠ કઈ બોલવા માંગતા હતા, પરંતુ જાણે દિલમાં રહેલા શબ્દો હોઠ ઉપર આવતા ના હોય તેમ લાગી રહ્યું હતું. છતાં પણ ઘડીક નીચું અને ઘડીક રોહિણીની સામે જોતા જોતા "I LOVE YOU" બોલી ત્યાંથી ચાલ્યો ગયો.

રોહિણી તેને રોકે એ પહેલા તો તે પોતાના મિત્રો પાસે ચાલ્યો ગયો. તેની બહેનપણીઓ પણ તેની પાસે આવી, અને કહ્યું, "યાર, તારો વિશ્વાસ તો બહુ શરમાળ છે." થોડીવાર વિશ્વાસ પોતાના મિત્રો સાથે બેઠો અને રોહિણી પોતાની બહેનપણીઓ સાથે. ધીમે ધીમે બધા ઘરે જવા લાગ્યા ત્યારે રોહિણી ઉભી થઇ અને વિશ્વાસ પાસે ગઈ. વિશ્વાસના બે-ત્રણ મિત્રોએ રોહિણીને આવતા જોઈને વિશ્વાસને એકલો મુક્યો. વિશ્વાસ મેદાનમાં બેઠો હતો. તેની પાસે જઈને જ રોહિણી બેસી ગઈ અને કહ્યું, "તે તો મને પ્રપોઝ કર્યો, પરંતુ મારો જવાબ તો તે સાંભળ્યો નહીં."

વિશ્વાસ પણ ધીમે ધીમે બોલ્યો, "મને તારો જવાબ ખબર જ છે, બસ પણ હું બોલી નહોતો શકતો તારી સામે." રોહિણીએ કહ્યું, "જો મેં ના પાડી હોત તો?" વિશ્વાસે જવાબ આપતા કહ્યું, "મને મારા પ્રેમ ઉપર પૂરો વિશ્વાસ હતો. એટલે જ આજે હિંમત કરી અને પ્રપોઝ કર્યું. જાણું છું કે તું પણ મને પ્રેમ કરે છે. પરંતુ હું મારા પ્રેમને અભિવ્યક્ત નહોતો કરી શકતો."

એ દિવસે મોડા સુધી બંને સાથે રહ્યા. કોલેજની બાહર નીકળીને પણ બંને એક બગીચામાં જઈને સાથે બેઠા. વિશ્વાસે આપેલો ગુલાબ રોહિણીએ પોતાની બેગમાં એક ચોપડાની અંદર સાચવીને મૂકી દીધો. રાત્રે જયારે છુટા પડવાનું થયું ત્યારે રોહિણી જાણતી જ હતી કે વિશ્વાસ ખુબ જ શરમાળ છે, માટે તેને જ વિશ્વાસનો હાથ પકડી અને પોતાના તરફ ખેંચી લીધો અને તેના હોઠ ઉપર પોતાના હોઠ ટેકવી દીધા.

આ ઘટના આંખો સામે ખડી થવાની સાથે જ રોહિણીના ચહેરા ઉપર એક ખુશી ફરી વળી. ડાયરીમાં ગુલાબ પાછું મૂકી, ડાયરીને બંધ કરી પોતાની છાતીએ લાગવી લીધી. ઘણીવાર સુધી તે આમ જ બેસી રહી. ઘડિયાળમાં જોયું તો રાત્રીનો 1 વાગ્યો હતો. સૂવું હતું પરંતુ આંખોમાં ઊંઘ નહોતી. બારીએથી ઉભી થઇ અને તે પોતાના પલંગમાં ખુલ્લી આંખે વિશ્વાસને યાદ કરી રહી હતી.

(શું રોહિણી ત્રણ દિવસ પછી પોતાના સાસરે પાછી ચાલી જશે ? શું વિશ્વાસ સાથે તેની ફરીવાર મુલાકાત થશે ? શું વિશ્વાસ હજુ પણ તેને પ્રેમ કરતો હશે કે પછી પોતાના જીવનમાં આગળ વધી ગયો હશે ? કેવું હશે રોહિણીનું આગળનું જીવન, જાણવા માટે વાંચતા રહો "હું પારકી કે પોતાની ?"નો ભાગ- 4.)