એપિસોડ - ૩
સુહાનીને શિક્ષક બની ગરીબોના છોકરાઓને મફતમાં ભણાવવું હતું.
સુહાની અંગ્રેજી સ્પેશિયલ વિષય સાથે એમ. એ .કર્યું અને પછી એમ એડ.કર્યું. ૨૫મા વર્ષે શહેરની એક નામાંકિત કોલેજમાં અર્ધ સમય માટે લેક્ચરર તરીકે જોડાયા. સાથે સાથે ગરીબોના છોકરાઓને અંગ્રેજી શીખવવાનું ચાલુજ રાખ્યું. સુહાનીને સારા ઘરના માંગા આવવા માંડ્યા. પણ સુહાનીએ પરણવાની ચોખ્ખી ના પાડી હતી. બહેનપણીના બળાત્કારને ૧૩ વર્ષ વીતી ગયા હતા છતાંય સુહાનીને યાદ આવતા ઉદાસીન, ગમગીન બની જતી એટલે પુરુષો પ્રત્યે સખત નફરત થઈ ગઈ હતી.
ઘરવાળાઓએ બહુ દબાણ કર્યું નહોતું.
પાંચ વર્ષની નોકરી બાદ પૂર્ણ સમયના પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા. તે દરમ્યાન તેમના સિનિયર પ્રોફેસર. ડો. સંધુના માર્ગદર્શન હેઠળ પી.એચ. ડી થયા. બીજા પાંચ વર્ષની નોકરી બાદ અંગ્રેજી વિભાગના વડા બન્યા. ઉમરને ૬૦મા વર્ષે નિવૃત્ત થયા. નિવૃત્ત થયા બાદ પણ ગરીબોના છોકરાઓને ભણાવવાનું ચાલુજ રાખ્યું હતું.
જર્મનમાં સ્થાઈ થયેલ ડો.રઘુનાથ પેન્ડ્સેને પરણ્યા પછી ડો.સુશી પૅન્ડ્સે- વામણે અને સુહાની રાય વચ્ચે વાતચીત થયા કરતી હતી. એક દિવસ સુશી પૅન્ડ્સે વાતવાતમાં કહી નાખ્યું કે , " સુહાની, યાર આપણી બહેનપણીઓ એલીના અને નગીના ઉપર આજથી ૨૦ વર્ષ પહેલાં જે બળાત્કાર થયો અને બેઉને મારી નાખ્યાં તે વાતનો વસવસો મને હજુ ડંખ મારે છે. તે સમયે આપણે બેઉ ચૂપ રહ્યા. જે આજદિન સુધી ચૂપ જ છે. એ ચૂપકીદી મારા દિલોદિમાગને વીંછીના ડંખ જેવી ડંખ મારી રહી છે. આપણે મિત્રતાને નાતે અને માનવતાને ધોરણે કઈક કરવું જોઈએ જેથી આવનાર સમયમાં કોઈ પણ નરાધમ આવું દુઃસાહસ કરતાં પહેલા સો વખત વિચારે. કોઈ પણ પુરુષ જ્યારે હેવાન બને અને એવું કૃત્ય આચરે ત્યારે તેના મનમાં એક ખોફ પેદા થવો જોઈએ. તું મને જો સાથ આપતી હોય તો તે દિશામાં આપણે હિલચાલ કરીએ."
"હા સુશી , હું પણ એમજ વિચારતી હતી એક દિવસ.પણ તે વખતે મે તને વાત નહોતી કરી.આજે તે મારા મનની જ વાત કહીં એટલે મને થોડી આશા જાગી અને હિમ્મત પણ. તે માટે બહુજ સાવચેતી રાખવી પડશે. યોગ્ય આયોજન કરવું પડે. બીજા કોઈ વિશ્વાસુ માણસોની મદદ લેવાની જરૂર પડે તો તેવા માણસો શોધવા પડશે"
" હા..તે તો કરીશું જ .આપણા બે જણથી આ કામ થશે નહિ. મદદ તો લેવી જ પડશે."
"સુહાની, તું એક કામ કર. કંઇક એવું પ્લાનિંગ કર જેથી કોઈને ખબર નહિ પડે કેવી રીતે આ કામ થયું, કોણે કર્યું, ક્યારે કર્યું. કોઈ હથિયાર વગર,કે ખાની પીણીમાં ઝેર આપ્યા વગર કે શરીરને બહારથી ઇજા પહોંચાડ્યા વગર જ આ કામ કરવું છે. તે માટે આપણે પોતાની જાતનો ભોગ આપવો પડે તો માનસિક તૈયારી હોવી જોઈએ."
" સુશી, મારી આગળ પાછળ કોઈ છે નહી. બાળબચ્ચાં, પતિ પરિવાર હોય તો સમજી શકાય.એટલે હું માનસિક રીતે તૈયાર જ છું. કમસે કમ એલીના અને નગીનાના આત્માને શાંતિ તો મળે"
" યસ..સુહાની યુ આર રાઇટ. હું ભલે પરિણીત છું પણ મારા પણ કોઈ બાળ બચ્ચાં છે નહી કે હું તેમનું વિચારું. પતિ છે હું ન રહીશ તો તેમને બીજી કોઈ મળી જ જશે."
" ચાલ તારે આજથી આપનું મિશન શરૂ કરી દઈએ" મક્કમતાથી સુહાની બોલી હતી. તેના બોલવામાં થોડોક આત્મવિશ્વાસનો સંચાર થયો હતો. અને ઝનૂન પણ સવાર થઈ ગયું હતું.
બેઉ બહેનપણીઓ અવારનવાર આ બાબતે ફોનથી વાતચીત કરી લેતા હતા.
સુહાની એક બહુમાળી એપાર્ટમેન્ટમાં બીજા માળે એક રૂમ કિચનમાં ફ્લેટમાં એકલી જ રહેતી હતી. ફ્લેટ નાનો હોવાથી સુહાની એના ભાઈને ત્યાં છોકરાઓને ભણાવતી હતી. ભાઈનું ઘર પણ નજીકમાં જ હતું અને મોટું હતું.
ફુરસદના સમયે ગૂગલ પર કંઇક ને કઈક સર્ચ કર્યા કરતી હતી. મર્ડર મિસ્ટ્રીની કાલ્પનિક વાર્તાઓ, સત્ય ઘટનાઓ શોધી વાંચ્યા કરતી હતી. છ મહિના સુધી આ ક્રમ જારી જ હતો. પણ કોઈ એવો રસ્તો નહોતો મળતો જેથી કોઈને ખબર પડે કે ખૂન કોણે કર્યું. એણે જેટલી પણ વાર્તાઓ વાંચી તેમાં શાતિર ખૂની પકડાઈ જ જતો હતો. ખૂનીએ અપનાવેલ રસ્તો પસંદ પડે પણ કોઈક ને કોઈ ભૂલને કારણે પકડાઈ જતો.
આ બાજુ સુશી પણ ફુરસદના સમયે એવીજ જૂની વાર્તાઓ વાંચતી. સુશી ડોકટર હતી એટલે એ વૈજ્ઞાનિક, તેમજ નવા નવા રોગોને લગતા લેખો પણ વાંચતી. એણે સુહાનીને પણ કહ્યું હતું કે જાતજાતના હઠીલા રોગો વિશેના લેખો વાંચે. તેમ સુહાનીએ પણ એવા લેખો વાંચવાનું શરૂ કર્યું.
છાપામાં સુહાનીએ સમાચાર વાંચ્યા હતા કે પતિને એઇડ્સનો રોગ હતો અને એને છુપાવી રાખ્યું હતું. જેને લીધે એની પત્નીનું મોત નિપજ્યું હતું. આ સમાચારે સુહાનીને વિચારતી કરી દીધી.
મારા શરીરમાં એઈડ્સના જીવાણુનો પ્રવેશ કરાવવું અને જેમને મારવા છે તેમને બોલાવી આ રોગનો ચેપ લગાવી દઉં તો કામ બને.
સુહાનીએ ગૂગલ પર એઇડ્સ વિશેની બધી જ માહિતી મેળવી. આ રોગ કેવી રીતે થાય, તેના લક્ષણો શું છે? તેનો ઇલાજ શું છે? એ રોગના જીવાણુ શરીરમાં જાય તો કેટલા સમયમાં સક્રિય રહે અને ક્યારે નિષ્ક્રિય બને વગેરે બાબતની માહિતી મેળવી તેની નોંધ રાખી હતી. આ સિવાય એવો કોઈ બીજા રોગના જીવાણુ છે શું ? કે જેની અસર શરીરમાં ઝડપથી થાય એટલે કલાકમાં તેની અસર જોવા મળે અને ઓછા સમય માટે સક્રિય રહે. માણસ ગણતરીના કલાકોમાં ખલાસ થઈ જાય.
સુશી પણ આજ વિચારતી હતી.એ પણ કોઈ એવા રોગના જીવાણુઓની શોધ કરતી હતી.
સુહાની એક દિવસ જાતજાતના રોગોની માહિતી વિશેની વેબ સાઈટ પર સર્ચ કરતી હતી અને અચાનક એક એવા રોગની માહિતી ઉપર એની નજર સ્થિર થઈ. કમસે કમ ચાર વખત એણે એ માહિતી વાંચી. એ માહિતીવાળો લેખ એણે કમ્પ્યુટરમાં સાચવી રાખ્યો હતો.
એમાં આપેલ માહિતી મુજબ એના લક્ષણો થોડા થોડા એચ.આઇ.વી એઇડ્સ જેવા જ હતા. પણ આ રોગના જીવાણુ એઈડ્સના જીવાણું કરતા વધુ ઝડપી શરીરમાં પ્રસરે એવા હતા. એ જીવાણું હવા,પાણી,કોઈ ખાદ્ય પદાર્થના સેવનથી કે ઠંડા કે ગરમ પીણા પીવાથી થતો નથી. એ રોગ શારીરિક સંબંધ બાંધવાથી અથવા હોઠોના ચુંબનથી જ ( લીપલોક) થાય છે. એટલી માહિતી સુહાનીને સમજ પડી. બાકી વૈજ્ઞાનિક કે મેડિકલ ભાષા હોવાથી અમુક શબ્દો,વાક્યો તેના સમજમાં નથી આવ્યાં. એણે તેજ દિવસે રાત્રે સુશીને ફોન કરી આ રોગ વિશેની માહિતી આપી અને ઈ મેઈલથી એને કમ્પ્યુટરમાં સાચવેલો લેખ પણ મોકલ્યો.
" અલી સુહાની...તે ક્યાંથી શોધી કાઢી? મારા દિમાગમાં કેમ નથી આવ્યું? હવે આગળની જવાબદારી મારી તું નચિંત રહે. હવે મારું કામ છે કેવી રીતે રોગના જીવાણું મેળવવું અને કેવી રીતે લાવવું." ઉત્સાહથી સુશીએ કહ્યું.
સુશીએ હવે એ દિશા તરફ ચક્રો ગતિમાન કર્યા. જીવાણુનું મૂળ શોધવામાં એને સફળતા મળી. યોગાનુયોગ એવો કે આ જીવાણુનું પરીક્ષણ એ જે લેબમા જોબ કરતી હતી એજ લેબમાં થતું હતું. શહેરની બીજી કોઈજ લેબમાં આ રોગના જીવાણુ નહોતા. આ લેબના વડા એક ભારતીય મૂળના ગોવાનીજ ખ્રિસ્તી ડો.રોબર્ટ ફર્નાન્ડો હતાં. તેમની સાથે સુશીના મૈત્રીપૂર્ણ સંબંધ હતાં. આ લેબમાં બીજી બે ભારતીય મૂળની છોકરીઓ ટેકનીશિયનસ પણ હતી.
-----------------------------------