Welcome to Marwen in Gujarati Film Reviews by Sachin Sagathiya books and stories PDF | વેલકમ ટુ માર્વેન

Featured Books
Categories
Share

વેલકમ ટુ માર્વેન

"વેલકમ ટુ માર્વેન" એ સામાન્ય રીતે જોવામાં આવતી હોલીવુડની એક્શન કે રોમેન્ટિક ફિલ્મ નથી. જોકે આ ફિલ્મમાં તમને આ બંને બાબત જોવા મળી જશે પણ ફિલ્મ સંપૂર્ણ રીતે એક જ બાબત પર ફોકસ કરે છે એ છે- આર્ટ. સ્ટોરી ટેલીંગના ઘણા માધ્યમો છે. શિલ્પ, સ્થાપત્ય, પુસ્તક, ફિલ્મ, નાટકની જેમ ફોટોગ્રાફી પણ એક સ્ટોરી ટેલીંગનું માધ્યમ છે. આ ફિલ્મ કલાપ્રેમીઓને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે એવું કહેવામાં પણ કોઈ વાંધો નથી. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે અને 2010માં આવેલી ડોક્યુમેન્ટ્રી “માર્વેનકોલ”થી પ્રેરિત છે.

સ્ટોરી છે માર્ક હોગનકેમ્પની. માર્ક હોગનકેમ્પ અમેરિકાના પ્રખ્યાત ફોટોગ્રાફર છે જે મીનીએચર રમકડાઓની ફોટોગ્રાફી દ્વારા થતી સ્ટોરી ટેલીંગ માટે જાણીતા છે. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન માર્કને પાંચ જર્મન લોકો દ્વારા ઢોર માર મારવામાં આવે છે. તેમને એટલી નિર્દયતાથી મારવામાં આવે છે કે માર્કની હાલત ખૂબ ગંભીર થઇ જાય છે. માર્કને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે અને તેના કારણે માર્ક જીવી જાય છે પણ તે તેમની ચાલવાની ક્ષમતા અને યાદદાસ્ત ગુમાવી બેસે છે. સમય જતા તે ચાલવા તો લાગે છે પણ તેમની યાદદાસ્ત પાછી આવતી નથી. તેમને મારવામાં આવ્યા હતા એ પહેલાની બધી યાદ તે ભૂલી જાય છે. માર્ક પહેલા એક સ્કેચર હોય છે જે સ્ટોરી ટેલીંગનું કામ પોતાના સ્કેચ દ્વારા કરતા હોય છે પણ હવે તે પોતાનું નામ પણ લખી શકે એટલા સક્ષમ નથી રહ્યા. વખાણવા જેવી વાત તો એ છે કે માર્ક પોતાની શારીરિક નબળાઈને કારણે સ્ટોરી ટેલીંગનું કામ બંધ નથી કરતા. તે સ્ટોરી ટેલીંગનું માધ્યમ બદલી નાખે છે. સ્કેચને બદલે હવે તે મીનીએચર રમકડાઓ દ્વરા પોતાની કળાને રજૂ કરે છે. માર્કે તેના ઘરની બાજુમાં એક મીનીએચર રમકડાનું નગર બનાવ્યું હોય છે જેનું નામ “માર્વેન” હોય છે. માર્ક માર્વેનમાં કેપ્ટન હોગીના રમકડા દ્વારા પોતાની જાતને રજૂ કરે છે. માર્ક રીયલ લાઈફમાં જેટલા વ્યક્તિઓની રીસ્પેક્ટ કરે છે, જેને ચાહે છે તેને તે રમકડા સ્વરૂપે માર્વેનમાં જગ્યા આપે છે. માર્વેનમાં માર્ક(કેપ્ટન હોગી) પર વારંવાર પાંચ નાઝીઓ દ્વારા હુમલા થાય છે. આ પાંચ એ જ લોકો છે જેણે રિયલ લાઈફમાં માર્કને માર્યા હતા. જ્યારે પણ નાઝીઓ કેપ્ટન હોગી પર હુમલાઓ કરે છે ત્યારે કેપ્ટન હોગીને બચાવવા તેમની વુમન આર્મી આવી જાય છે. આ વુમન આર્મી માર્વેનમાં કેપ્ટન હોગી સાથે રહે છે. કેપ્ટન હોગીનું ધ્યાન રાખે છે. દરેક સમયમાં કેપ્ટન હોગીનો સાથ આપે છે. આ વુમન આર્મીમાં પાંચ સ્ત્રીઓ છે. આ પાંચ સ્ત્રીઓ રીયલ લાઈફમાં માર્ક સાથે જોડાયેલી છે. આ ઉપરાંત માર્વેનમાં દેજા થોરીસ નામની એક વિઝાર્ડ છે જે કેપ્ટન હોગીના પ્રેમમાં પાગલ છે. જ્યારે પણ કેપ્ટન હોગીની નજીક કોઈ સ્ત્રી આવે છે ત્યારે દેજા તેને પોતાના જાદુથી મરાવી નાખે છે અથવા ગાયબ કરી નાખે છે. ફિલ્મના એક સીનમાં આ બાબત જોવા પણ મળે છે. સૌભાગ્યથી કેપ્ટન હોગીની વુમન આર્મીને દેજા કોઈ ઈજા નથી પહોંચાડતી. ફિલ્મમાં માર્ક હોગનકેમ્પના જીવનને, તેમની કલ્પનાઓને, તેમના દર્દને ખૂબ સારી રીતે રજૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક વખત તો જોવી જ જોઈએ કારણ કે ફિલ્મ ખૂબ જ સરસ છે અને એક અલગ જ અનુભવ કરાવે છે. કંઇક નવું રજૂ કરે છે. ફિલ્મ જોતા આપણું બાળપણ યાદ આવી જાય છે કે આપણે પણ બાળપણમાં રમકડાની ફોઝ બનાવતા, એક નગર બનાવતા. આપણી પાસે પણ આપણા રમકડાઓને લઈને ઘણી સ્ટોરી હતી પણ આપણે માર્ક હોગનકેમ્પની જેમ આપણી અંદરના બાળકને આજીવન જીવતુ ન રાખી શક્યા. માર્ક હોગનકેમ્પના જીવન પરથી એક વાત તો સાબિત થાય છે કે કલાકારને તેની કલાથી કોઈ જૂદું નથી કરી શકતું. આ ફિલ્મ તમે જુઓ એ પહેલા હું આપને થોડી ધ્યાન રાખવા જેવી બાબતો જણાવી દવ. આ ફિલ્મ મેચ્યોર લોકો માટે જ છે. ખરેખર ફિલ્મમાં એવું કંઈપણ નથી કે તમને જોવામાં પ્રોબ્લેમ થાય કે શરમ આવે પણ ફિલ્મમાં અમુક જગ્યાએ એવા સીન છે જે પરિવાર સાથે જોઈ શકાય એવા નથી. મારી સલાહ છે કે જો આપ અઢાર વર્ષથી નાની વયના હોય તો આ ફિલ્મ તમારા માટે નથી.

ફિલ્મની બીજી બાબતો પર વાત કરીએ તો ફિલ્મના ડાયરેક્ટર રોબર્ટ ઝેમેસ્કિસના વખાણ માટે મારી પાસે શબ્દો નથી. એક વ્યક્તિના મનમાં ચાલતી કલ્પનાઓને ફિલ્મમાં સેમ ટુ સેમ આકાર આપવો એ ખૂબ અઘરું કામ છે અને એ કામ આ ડાયરેક્ટરે કરી બતાવ્યું છે. માર્કની માર્વેનને લઈને જે કલ્પનાઓ હતી એ આપણી સમક્ષ રજૂ કરવામાં ફિલ્મ મેકર્સ સફળ રહ્યા છે. માર્કના પાત્રથી આપણે જોડાઈ શકીએ છીએ એનુ ક્રેડીટ માર્કનો રોલ પ્લે કરતા એક્ટર સ્ટીવ કેરેલને જાય છે. તેમણે માર્કના પાત્રને પૂરો ન્યાય આપ્યો છે. તમને એવું જ લાગશે કે તમે ફિલ્મમાં સ્ટીવને નહિ પણ રીયલ લાઈફના માર્કને જ જોઈ રહ્યા છો. આ ઉપરાંત ફિલ્મના સપોર્ટીંગ એક્ટર-એક્ટ્રેસનું કામ પણ વખાણવા લાયક છે.

આ ફિલ્મ પર્સનલી મને ખૂબ પસંદ આવ્યું છે. આ ફિલ્મ જોયા પછી માર્ક હોગનકેમ્પ માટે મારા મનમાં રીસ્પેક્ટ ખૂબ વધી ગઈ છે. આ ફિલ્મને લઈને તમારો અભિપ્રાય અલગ હોય શકે છે અને એ અભિપ્રાયની હું રીસ્પેક્ટ કરું છું કારણ કે ફિલ્મ માટે લખેલી તમામ બાબતો મારું પર્શનલ ઓપીનીયન છે. મારાથી કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો માફી ચાહું છું(આ વાક્ય દરેક રીવ્યુમાં લખવાની મને ટેવ પડી ગઈ છે. એ માટે સોરી).

*વાંચવા બદલ આભાર*