અમે નાસ્તો કરીને ક્યાંક ગાર્ડનમાં જવાનું નક્કી કર્યું. મેં કહ્યું ચાલોને શહેરથી બહાર નદી કિનારે બેસીએ. અમે શહેરથી બહાર આવેલ નદી કિનારે એક મહાદેવના મંદિરની પાળીએ બેઠા.
હું કાંઈ બોલું એ પહેલાં દર્શનને પૂછ્યું - " શું વાત છે, કેમ આટલી મુંજાએલી લાગે છે"
હું થોડી વાર કાંઈ બોલી નહિ પછી ધીમેથી કહ્યું - " મારે એક પર્સનલ વાત કરવી છે જે આપણું નક્કી થયું એ પહેલાં જ કરવી જોઈતી હતી".
દર્શને મારા ખભા પર હાથ રાખ્યો અને બોલ્યો તારે જે કહેવું હોય એ ખૂલ્લીને કહે, હવે આપણે આખી જિંદગી સાથે જ છીએ.
જીંદગીભર સાથે છીએ જ કે નહીં એ આજે જ નક્કી થવાનું હતું.
મેં ધીમેથી કહ્યું - મારે આપણે નક્કી થયું એ પહેલાં કોઈક હતું..
દર્શન કાંઈ જ ના બોલ્યો. એ મારા સામે આગળ સાંભળવા ઇચ્છતો હોય એમ જોતો રહ્યો.
મેં કહ્યું - હું દશમાં બારમાં ધોરણમાં હતી ત્યારે એક છોકરો મને ગમતો હતો... હવે એની સાથે કાંઈ નથી. પણ ત્યારે અમે એકબીજાને પ્રેમ કરતા.
દર્શને પૂછ્યું - પછી શું થયું ?
મેં કહ્યું - અમારી જ્ઞાતિ અલગ હોય અને પાપાના ડરથી મળવાનું બંધ કરી દીધું. પછી ધીમે ધીમે અમારું મળવાનું સાવ બંધ થઈ ગયું. એની પણ સગાઈ થઈ ગઈ..
હવે હું બોલતી હતી ત્યારે કોઈ ડર લાગતો નહતો. કદાચ દર્શન મને વધારે કમ્ફર્ટ પૂરું પાડી રહ્યો હતો.
હવે આગળ શું કહેવું એ મને સમજાતું નહતું.
દર્શને થોડીવાર પછી પૂછ્યું - હજુ એ ગમે છે?
મેં કહ્યું - ના હવે એવું કાંઈ નથી. ઘણા વર્ષો થઈ ગયા. એટલે જ મેં લગ્ન માટે તમને હા પાડી. ...પણ હું વર્જિન નથી...
એ કાંઈ ના બોલ્યો, એનો હાથ હજુ મારા ખભા પર હતો. એના ચહેરાના પ્રતિભાવો જોવાની મારામાં હિંમત ના હતી. મારું ધ્યાન તો નદીને પેલે પાર ક્યાંક દૂર ગાયો ચરતી હતી ત્યાં હતું.
અમે બસ અડધી કલાક એમ જ બેઠા રહ્યા કોઈ એક શબ્દ ના બોલ્યું. મગજમાં હજારો વિચારો રમતા હતા. એ મારા વિશે શું વિચારતો હશે, એ મને અપનાવશે કે કેમ !
મેં ઘણા સમય પછી એની સામું જોયું. એને હળવી સ્માઈલ કરી. એના ચહેરાના ભાવમાં કોઈ ફરક જણાતો ના હતો. મારા ચહેરા પરનો પ્રશ્ન એ વાંચી ગયો.
એ હળવેથી બોલ્યો - ખરેખર આ જાણીને મને અંદરથી આઘાત લાગ્યો છે પરંતુ તું જેવી છો એવી હું અપનાવવા તૈયાર છું પણ મારી એક શરત છે..
મેં એમ જ આંખોથી પ્રશ્નાર્થ ભાવે પૂછ્યું કે "શું?"
એ મારા ખભા પર હાથ ફેરવતો બોલ્યો - હવે હમેશા મારી જ રહેજે, અને જો બીજાની થા તો મને મોઢેમોઢ જણાવી દેજે..કાંઈ છુપાવતી નહિ મારાથી..
મેં એમના તરફ સ્માઈલ સાથે જોયું. હળવેકથી ચહેરાને ઉપર નીચે કરીને "હા" પાડી. મેં હળવેકથી આગળ વધીને એના ગાલ પર હળવી કિસ કરી. ધીમે ધીમે મારા હોઠ એના કાન પાસે લઈ જઈને બોલી - "પાગલ, હવે તને જવા દવ એટલી ઘેલી ય નથી. હું હવે તને જ પ્રેમ કરું છું અને કરતી રહીશ"
અમારા બંનેના હોઠ અને હૃદય એકમેકમાં પરોવાઈ ગયા.
---
ત્યાં ડોરબેલ વાગ્યો..મેં જલ્દી વાળ સરખા કરતા કરતા દરવાજો ખોલ્યો તો સામે દર્શન હતો. રોજ કરતા અડધો કલાક વહેલો આવી ગયો હતો. આજે ય મને એટલો જ સોહામણો લાગતો હતો. મેં હળવેથી પપ્પી કરી લીધી. એ બાઘો એમ જ જોતો રહ્યો, ત્યારની જેમ જ !!
(ક્રમશઃ).