મંગલ
Chapter 22 -- વતન ભણી...
Written by Ravikumar Sitapara
ravikumarsitapara@gmail.com
ravisitapara.blogspot.com
M. 7567892860
-: પ્રસ્તાવના :-
નમસ્કાર
Dear Readers,
દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ બાવીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે અલંગ ખાતે વહાણ તોડવાની મજૂરીમાં કામે લાગેલો મંગલ અકસ્માતનો ભોગ બને છે અને પોતાનો એક અંગૂઠો ગુમાવી દે છે. હવે શું થશે ? તે જાણવા માટે વાંચો...
દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું બાવીસમું પ્રકરણ
મંગલ Chapter 22 – વતન ભણી...
Chapter 22 – વતન ભણી... ગતાંકથી ચાલું...
દરવાજે વિનુ ઊભો ઊભો મંગલનાં ઘાયલ હાથ સામે જોઈ રહ્યો હતો. તેની આવી હાલત માટે એ પોતે જ જવાબદાર હતો એવું એ માનતો હતો. પોતાની બેદરકારીથી આ ઘટના બની હતી એવું તે માની રહ્યો હતો. કદાચ મંગલ ના હોત તો પોતે હોત અને ... ! આવા વિચારોએ તેને ધ્રુજાવી દીધો.
“વિનુ, તું અહીં ? ઘરે નથી ગયો ?” મંગલે દરવાજે ઊભેલા વિનુને જોઈને પૂછ્યું.
“મંગલભાઈ, આ મારા કારણે તમારો હાથ ને આ અંગૂઠો...” વિનુ આટલું બોલતા અટકી ગયો.
“વિનુ, બેસ.” વિનુનો હાથ પકડીને ખાટલે બેસાડયો. ઓરડીમાં શેરીનું આછું અજવાળું પડતું હતું. તેણે વિનુને બાજુમાં બેસાડી કહ્યું, “જો જે થવા કાળ હોય એ થઈને જ રહે છે. આ તે જાણી જોઈને નથી કર્યું એ મને ખબર છે. પણ હા, તારાથી ભૂલ તો થઈ હતી જ. આમાં કોઈનો જીવ ગયો હોત તો તને નોકરીમાંથી પણ કાઢી મૂકત. તારે તો તારી કમાણીમાંથી હાથ ધોવા પડત. મેં તને કેટલી વાર કહેલું કે આ બધી વસ્તુમાં પૂરતું ધ્યાન આપવાનું, નહીંતર ના બનવાનું બની જશે. જો, નાનકડી અમથી બેદરકારીનું આ શું પરિણામ આવ્યું એ તારી નજર સામે છે. ખાલી અંગૂઠાથી જ પત્યું. બાકી આમાં જીવ પણ જાત.”
“મંગલભાઈ, મને એવું મનમાંય ન હતું કે આવું બની જશે. તમે શેઠને કહેજો કે મને નોકરીમાંથી ના કાઢે. તમે તો જૂના છો ને શેઠ તમને ઓળખે પણ છે. કદાચ તમારી વાત માનશે.” વિનુ કરગર્યો.
“સારું, હું શેઠને સમજાવી દઈશ. પણ હવે ધ્યાન રાખજે.”
“તમારો ઉપકાર હું નહીં ભૂલું, મંગલભાઈ. અહીં આવ્યો ત્યારે થોડી બીક હતી કે તમે વઢશો કે ગુસ્સે થશો. પણ તમે બહુ સારા માણસ છો.”
“સારું સારું હવે તું જા. તારે મોડુ થતું હશે.”
“તમારું જમવાનું કોણ બનાવશે ? હાલો, મારા ઘરે.”
“એ તો સગવડ થઈ જશે. બાજુવાળા છે, એ બનાવી દેશે. તું ચિંતા ના કર. તું તારે ઘરે જા.”
“રામ રામ ભાઈ.”
“રામ રામ.”
વિનુ ચાલતો થયો. ‘વિનુનો તો મેળ પાડી દઉં પણ પોતાનું કામ તો કારણ વગરનું બંધ થઈ ગયું એનું શું ?’ એ વિચારે મંગલ પાછો ડૂબી ગયો. હાથની પીડા પણ વધતી જતી હતી. પડખા ફેરવીને જેમ તેમ કરીને રાત કાઢી. બે દિવસ તો જેમ તેમ કરીને કાઢ્યા. મજૂરીમાં મળતી ખૂબ જ ઓછી આવકમાં આ રીતે ઘર બેઠા દિવસો કાઢવા પણ શક્ય ન હતા. ઘા પ્રમાણે ઓછામાં ઓછા દસ પંદર દિવસ તો તેને કામે જઈ શકાય તેવી સ્થિતિમાં ન હતો. ‘પૈસા આવશે નહીં તો ઘરે મોકલશે કેવી રીતે ? ઉધારી પણ કેટલી કરવી ? ઉધારી તો એ કાદવ છે જેમાં એક વાર ગયા તો બીજી વાર નીકળવું જ અઘરૂ પડી જશે. ગમે તેમ કરીને ઘા ને ના ગાંઠતા કામે જવું જ પડશે. પણ એક હાથે કેટલું કામ થશે ? જે થશે એ જોયું જશે’ એવું વિચારીને અંતે તે ત્રીજે દિવસે પેઢીનાં કાર્યાલયે પહોંચી ગયો.
મંગલને જોતાં પેઢીનાં માલિક મનસુખભાઈ મહેતા બોલી ઉઠ્યા, “અરે મંગલ, તું અત્યારે અહીં ? ડોક્ટરે તો આરામ કરવાનું કહેલ છે ને ?”
“હાથનાં ઘા ની ચિંતા કરતાં ઘર ચલાવવાની ની ચિંતા વધારે છે. હાથ તો થોડા દિવસોમાં સાજો થઈ જશે. બસ આ હાથને બહુ મહેનત ના પડે તેવું કામ બતાવી દો. એ પણ કરવા તૈયાર છું.” મંગલે પોતાની સ્થિતિ જણાવી.
“મંગલ, આ પેઢીમાં ઘણા મજૂરો અને કારીગરોને કામ કરતાં જોયા છે. પણ તારા જેવા કામગરા કારીગર મળવા મુશ્કેલ છે. પણ એક હાથેથી થાય એવા કોઈ કામ આ પેઢીમાં છે નહીં. આપણું કામ તો વહાણ ભાંગવાનુ છે. એમાં કેટલી મહેનત જોઈએ એની તો તને ખબર છે જ. હા, એક કામ થાય. મારા એક સગાની ફર્નિચરની દુકાન છે આ શહેરમાં. તને તો ખબર જ છે કે અલંગમાં સેકન્ડ હેન્ડ માલસામાનનું આખા દેશમાં બહું મોટું માર્કેટ છે. વહાણમાંથી જે ફર્નિચરનો માલ નીકળે તેને અહીંથી ખરીદીને સસ્તામાં વેચે છે. તું ઠીક ઠીક ભણેલો પણ છો ને તેને નિયતનો ય સાફ છો. તેને હિસાબ કિતાબ સંભાળતા માણસની જરૂર છે. એ કામ તને ફાવશે ?” શેઠે બધી માહિતી આપી દીધી.
આ અગાઉ આવું કામ તો મંગલે ક્યારેય કરેલ નહીં પણ આમાં બહું હાથને શ્રમ નહીં પડે એમ સમજીને હા પાડી દીધી.
“ઠીક છે. હું તેને સાંજ સૂધીમાં ખબર પહોંચાડી દઉં છું. તું કાલે જ ત્યાં જોડાઈ જજે.”
“જી, તમારો બહું મોટો ઉપકાર રહેશે.” કહી મંગલ ત્યાંથી નીકળી ગયો.
બીજે દિવસે સવારે મંગલ નવી જગ્યાએ પહોંચી ગયો. ફર્નિચરની ઠીક ઠીક મોટી દુકાન હતી. બહાર પાટિયું મારેલ હતું, ‘ભાગ્યલક્ષ્મી ફર્નિચર માર્ટ’. નવી જગ્યાથી પોતાનાં કેટલા ભાગ્ય ફળશે એ વિચારે તે અંદર ગયો. અંદર તે શેઠને મળ્યો અને પોતાની ઓળખ આપી.
“હું મંગલ, મનસુખભાઈની પેઢીમાં કામ કરતો હતો. તેણે મારા વિશે વાત તો કરી હતી ને ?” મંગલે દુકાનનાં શેઠને પૂછ્યું.
શેઠ સુરેશચંદ્ર મહેતાએ મંગલ સામે પહેલા તો પ્રશ્નાર્થભરી નજર દાખવી અને પછી કંઈક યાદ આવ્યું હોય તેમ તેણે કહ્યું, “અરે હા હા, મંગલ ! યાદ આવ્યું, યાદ આવ્યું. મનસુખભાઈએ કાલે જ કહેવડાવ્યું હતું પણ આ કામની ઉપાદિમાં ઘણું બધુ ભૂલી જવાય છે. આવડું મોટું કમઠાણ છે. કેટલું યાદ રાખવું ?”
“જી, શેઠે તમારે ત્યાં હિસાબ કિતાબ વાળાની જરૂર છે એવી વાત કરી હતી. એ નોકરી મને મળી શકશે ?” મંગલે પૂછ્યું.
શેઠે મંગલને બરાબર જોયો. વાણિયાની પારખું નજર હતી. વર્ષોથી અલંગની ફર્નિચરની બજારમાં આગળ પડતું નામ હતું. ‘લાકડાવાળા’ નાં હુલામણા નામે પણ તે ઓળખાતા. તેણે મંગલને પ્રશ્ન પૂછવાનાં શરૂ કર્યા.
“પહેલા ક્યારેય પેઢીનાં હિસાબકિતાબ સંભાળ્યા છે ?”
“ના, હજુ સૂધી તો ક્યારેય નહીં.”
“તો આ કામ કેવી રીતે આવડશે ?”
“કામ કરીશ તો આવડી જશે શેઠજી. નહીં કરું તો ક્યારેય નહીં આવડે. કોઈ કામ તો ક્યારેક ને ક્યારેક પહેલી વાર કરવું પડતું જ હોય છે ને !” મંગલે જવાબ આપ્યો.
સુરેશચંદ્રને તેની વાતોમાં દમ લાગ્યો. તેની નજર પાટો બાંધેલ હાથ પર પડી.
“આ હાથને શું થયું છે ?” શેઠે પ્રશ્ન કર્યો.
મંગલે પૂરી ઘટનાની વાત કરી. બીજા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દેવાનાં સાહસની શેઠે મનોમન નોંધ લીધી. તેને નોકરીએ રાખી લીધો અને બધુ કામ સમજાવી દીધું. દુકાનમાં કેટલો ફર્નિચર હાજર સ્ટોકમાં છે, કઈ કઈ વસ્તુઓ વેચવામાં આવે છે, કેટલા માણસો કામ કરે છે તેની માહિતી આપી.
મંગલે નવી જગ્યાએ પોતાનું કામ શરૂ કરી દીધું. પોતાની નિષ્ઠા અને આવડતથી માલસામાનની આવક જાવક અને પૈસાનો પાઈ પાઈનો હિસાબ રાખતો. આવકમાં પણ આગલા વર્ષ કરતાં ઠીક ઠીક વધારો થયો. બે વર્ષોમાં મિલનસાર સ્વભાવને કારણે ધંધામાં તેણે પોતાની ખાસ જગ્યા બનાવી હતી. વહાણ ભાંગવામાં જે મજૂરી મળતી હતી તેનાં કરતાં અહીં ઠીક ઠીક વધારે પગાર મળતો. હવે થોડી વધારે બચત થતી હતી. એ પૈસા તે ઘરે મોકલી આપતો. પોતાની ઈજાની વાત તેમણે ઘરે હજું છુપાવી હતી. દીવાળી આવ્યે સાતેક દિવસ અને એ સિવાય સાતમ આઠમનાં વખતે ચારેક દિવસ દુકાન બંધ રહેતી. બાકીનાં સમયમાં આખું વર્ષ દુકાન ચાલુ રહે. ધંધો પણ વર્ષોનો જામી ગયેલ અને સુરેશભાઈનું નામ પણ બજારમાં બહું મોટું. દેશ વિદેશનાં વહાણ ધક્કે ભંગાવવા માટે આવે ત્યારે તેમાં જે માલ સામાન નીકળે તેમાંથી પલંગ, કબાટ, ટેબલ, ખુરશી વગેરે વેચાતું.
દિવાળી આવી ત્યારે સુરેશભાઈએ દુકાન બંધ રાખી. બધા કારીગરોને અને મંગલને તે વર્ષે દીવાળીનું બોનસ આપી તહેવારની રજા આપી. બધા કારીગરો પોતપોતાનાં વતન ભણી ચાલ્યા ગયા. વહાણ ભાંગવાની મજૂરીમાં તો એકાદ મહિનો રજા મળતી પણ નવી જગ્યાએ માંડ થોડો સમય મળતો. પણ મંગલ ખુશ હતો. તેણે પોતાનો સામાન બાંધીને બસ સ્ટેશને પહોંચી પોરબંદર બાજુ જવાની બસ પકડી. આઠેક કલાકની લાંબી થકવી નાખતી મુસાફરીમાં પણ મંગલનાં મુખ પર હરખ રહેતો. ‘ધરતીનો છેડો ઘર’ કહેવત અમથી તો પડી ન હતી. સાંજ પડ્યે તેણે વતનની ધરતી પર પગ મૂક્યો. હાથમાં રહેલ થેલાને ખભે નાખી ઘર ભણી પગ ઉપાડ્યા. ઘરનાં ડેલે પહોંચી તેણે સાદ નાખ્યો, “માડી !”
ચૂલે તાવડી પર રોટલો શેકતા લાખીબહેને જાણીતો અવાજ કાને પડતાં અવાજની દિશામાં નજર ઊંચી કરી અને ચહેરા પર રાજીપો છવાઈ ગયો. તેનાં મોઢામાંથી ઉદગાર સરી પડ્યા, “મંગલ ! મારો મંગલ...”
અને તે રસોઈ પડતી મૂકીને ડેલા તરફ દોડી ગયા.
To be Continued…
Wait For Next Time…