Strange story sweetheart .... - 9 in Gujarati Fiction Stories by Parul books and stories PDF | અજીબ કહાની પ્રિયાની.... - 9

The Author
Featured Books
Categories
Share

અજીબ કહાની પ્રિયાની.... - 9

પહેલાં તો સુશીલનાં માતા - પિતાએ એકબીજાં સામે જોયું પછી કમલેશ અને માયા સામે જોયું. ને સુશીલનાં પિતાએ વાત કહેવાની શરૂ કરી.

"એમાં એવું છે ને કે કમલેશભાઈ, તમારાં ઘરેથી આવ્યા પછી સુશીલે અમને એક વાત જણાવી છે. જે કહેવા માટે અમારે તમને અહીં તાત્કાલિક બોલાવવા પડ્યાં છે." થોડું ગંભીર મોઢું કરી સુશીલનાં પિતા બોલ્યાં.

"કઈ વાત?" કમલેશ જરા દબાયેલા સ્વરથી બોલ્યો.

"એ જ કે પ્રિયા....." આટલું બોલી અટકી ગયાં ને સુશીલની માતા સામે જોઈ બોલ્યાં,

"તું હવે આગળ બોલ."

આ સાંભળી કમલેશ અને માયા એકબીજાંની સામે જોવા લાગ્યાં. એ લોકોનાં મોઢાંનાં હાવભાવ ચિંતાજનક જણાતા હતાં.

"અમને એવું હતું કે અમારી પસંદ એ જ સુશીલની પસંદ હશે ને એટલે......" સુશીલની માતા આટલું બોલ્યા એટલે માયાએ એમની વાત કાપતાં પૂછ્યું,

"એટલે કે .....પ્રિયાબેન સુશીલકુમારને મ..ત..લ..બ.. કે સુશીલભાઈને પસંદ ન પડ્યાં ?!"

"ના."

"ના....?"

"અરે ના નહિ , હા.."

"હા...?"

"એમ જ કે અમારી પસંદ એને ખૂબ જ પસંદ પડી છે. ને એ હાલને હાલ સગાઈ કરી લેવા માટે કહે છે."

"શું...!" હરખથી કમલેશ અને માયા એકબીજાંની સામે જોઈને બોલી ઉઠ્યાં. ચહેરા પરની ચિંતા એકદમ જ ઉડી ગઈ હતી.

"હા, તમારી પ્રિયા અમારાં લાડલાને એટલે કે સુશીલને ખૂબ જ પસંદ પડી ગઈ છે. ને તમારાં બંનેનો સ્વભાવ પણ એને ખૂબ જ ગમ્યો છે. "

આ સાંભળી કમલેશ અને માયા થોડાં મલકાયાં. એમનાં મનને હવે ટાઢક વળી હતી. ઘડીક માટે આવેલો ખોટો વિચાર છૂ થઈ ગયો હતો.

"રંજન...." કરીને સુશીલની માતાજીએ અવાજ આપ્યો એટલે અંદરથી પેલી નોકરાણીએ સોફા પાસેની ટિપોય જાત - જાતનાં સૂકા નાશ્તાથી સજાવી દીધી ને બધાંનાં હાથમાં ગરમા - ગરમ બટેટા - પૌંઆની પ્લેટ આપવા લાગી.

એનાં ગયાં પછી સુશીલનાં પિતા બોલ્યાં,

"કમલેશભાઈ , અમે કાલે ને કાલે સગાઈ કરી લેવાનું વિચારી રહ્યાં છીએ. "

"કાલે..!"

"હા.., પછી કેટલાંય દિવસો સુધી મુહૂર્ત સારું નથી ને સુશીલ પાછો દુબઈ જાય એ પહેલાં એને સગાઈ કરી લેવી છે."

"પ..ણ..અમે એક જ દિવસમાં આટલી બધી તૈયારી...."

"એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. અડધી તૈયારી તો થઈ જ ગઈ છે ને બાકીની કાલ સુધીમાં થઈ જશે. સુશીલ અને મારો ભાઈ એ કામ માટે જ ગયાં છે."

"તો...અમારે...."

"તમારે ખાલી તૈયાર થઈ સમયસર હાજર થઈ જવાનું છે. બસ. બાકીનું બધું જ અમે જોઈ લેશું."

"તમે તો ગજબ કર્યું હોં. અમારાં માટે કશું જ બાકી રહેવા દીધું નથી. ધન્ય છે તમને. અમારાં તો સારાં નસીબ કે તમારાં જેવા લોકો સંબધી મળ્યાં છે. " કમલેશ જરા ભાવુક થઈને બોલ્યો.

"બસ.., બસ..અમને વધારે ચણાનાં ઝાડ પર ન ચડાવો. અમને પણ તો પ્રિયા જેવી શાંત , ઠરેલ અને સમજદાર છોકરી બીજે ક્યાં મળવાની છે." સુશીલની માતાએ કહ્યું.

"હા.., હા...એ વાતમાં કોઈ બેમત નથી." સુલીલનાં પિતાએ વાતને સમર્થન કરતાં કહ્યું.

"રંજન...." સુશીલની માતાએ અવાજ આપ્યો.

"જી..આવી...બેનબા."

રંજન બહાર આવી ત્યાં પડેલું બધું અને બટેટા - પૌંઆની ખાલી થયેલી પ્લેટ અંદર લઈ ગઈ. અને દૂધ -કોલ્ડ્રિંક ભરેલાં ગ્લાસની ટ્રે લઈને પાછી આવી ને બધાંનાં હાથમાં એક - એક ગ્લાસ આપવા લાગી.

"ઓહો...!" કમલેશનાં મોઢાંમાંથી નીકળી ગયું.

"હવે અમે રજા લઈએ. ઘણીવાર થઈ ગઈ છે. પ્રિયા ઘરે એકલી પણ છે." દૂધ - કોલ્ડ્રિન્ક પીધાં પછી કમલેશ ઉભા થતાં થતાં બોલ્યો. માયા પણ એની સાથે ઉભી થઈ ગઈ.

"હા.., હા.., નીકળો તમ -તમારે. સાચવીને જજો."

"જય શ્રી કૃષ્ણ." કમલેશ અને માયા જતાં - જતાં બોલ્યાં.

"જય શ્રી કૃષ્ણ....., જય શ્રી કૃષ્ણ..." સુશીલનાં માતા -પિતા પણ સામે બોલ્યાં.

ખુશ ચહેરે કમલેશ અને માયા બહાર આવી બાઈક પર પોતાનાં ઘરે જવા માટે નીકળી ગયાં.

(ક્રમશ:)