Dariyana petma angar - 5 in Gujarati Fiction Stories by SaHeB books and stories PDF | દરિયાના પેટમાં અંગાર - 5

The Author
Featured Books
Categories
Share

દરિયાના પેટમાં અંગાર - 5

દશમાં ધોરણના પરિણામમાં મેં કશું ઉકાળી લીધું ન હતું અડતાલીસ ટકા પુરા હતા. આ ટકાનો ભાર ઉપાડી ઘરે આવ્યો ત્યાં ઘરના સભ્ય દ્વારા સરભરા કરવામાં આવી. હા, રસ્તામાં એક ગામના ઓટલા ઘસતા કાકા એ મને પૂછી પણ લીધું, " કાના કેટલા ટકા આવ્યા...?" મેં પણ ઉત્સાહ સાથે જ જવાબ આપ્યો, " પુરા અડતાલીસ..." કાકો વ્યંગમાં બોલ્યો," તો તું તારા બાપા ને કઈ કરી ન આપે..." આ શબ્દ મારા દિલમાં ખૂંચતા હતા. માણસ ની થોડી સફળતા પણ લોકો ને શૂન્ય લાગે છે. ત્યારે ખૂબ ચીડ ચડી મને આ ભણતર પર જ્યાં માત્ર ને માત્ર માર્ક જ દેખાય છે. પાઠ્યપુસ્તકો ક્યારેય માણસનું જીવન નથી બનાવતા. એ તો માણસ તમને વિકલ્પ આપે છે કઈ બાજુ જવું એ. અભણ માણસ પણ પોતાના દમ પર ઉભો થાય છે કરોડો નો બિઝનેસ કરે છે. અને ભણેલા ને પોતાના હાથ નીચે નોકરીએ રાખે છે.

ખબર નહિ મને ભણવામાંથી રસ ઉડી ગયો હતો. માંડ કોમર્સ રાખ્યું, બે મહિના મોરબી ભણ્યો પછી ગુરુકુળમાં જતો રહ્યો.નવું ભૂગોળ હતું, બંધિયાર જીવન હતું, અલગ અલગ વિસ્તારના છોકરાઓ હતા. થોડુંક ઉદાસ મન હતું, છતાં ભણવાનું અને ત્યાં રહેવાનું તો હતું જ. દિવાળી સુધી આમ જ ચાલ્યું, સવારે 5 વાગે ઉઠી જવાનું, પૂજા કરવાની, નાસ્તો કરવાનો, કેમ્પસમાં આવેલ સ્કૂલે જતું રહેવાનું. મને લાગ્યું હું મશીન બનતો જાઉં છું. એક જેલમાં ખુદને ફિટ કરી દીધો હોઈ એવો ભાસ થતો હતો. એક પોપટ ને સોનાના પિંજરામાં કેદ કર્યો હોય બસ એ જ ભાસ. ત્યાંના નીતિનિયમો નું અનુસરણ કરવાનું હતું. ક્યારેય 5 વાગે નથી ઉઠ્યો એ માણસ મશીનની જેમ ઉઠતો, જમતો, ભણતો, વાંચતો, સુઈ જતો. કદાચ એ જ મારા ઘડતરના વર્ષ હતા. મને શિસ્ત અને ઈમાનદારીના પાઠ ત્યાંથી શીખવા મળ્યા હતા.

હું કોમર્સ નો વિદ્યાર્થી હોવા છતાં મારે સાઇન્સના છોકરા જોડે વધુ મિત્રતા હતી. દિવાળીના વેકેશન પછી હું ત્યાંના વાતાવરણ ને અનુકૂળ બની ગયો હતો. હવે જે કેદ હતી એ મને ઘર જેવી લાગતી હતી. મન પ્રફુલ્લિત થવા લાગ્યું. મન ખોલી વાત પણ કરી શકતો. પણ ભણવામાં ધ્યાન ન હતું. એનો સ્વીકાર હું બધે કરતો રહ્યો છું. મને જરાય એમાં શરમજનક કશું લાગતું નથી. કારણ 1840માં મેકોલો એ ભારતને બરબાદ કરવા માટે જે શિક્ષણવ્યવસ્થા ભારતમાં લાગુ કરી એ જ સિસ્ટમ હજુ ચાલી રહી છીએ. માણસ ની આવડત અને જ્ઞાન ને બાજુ પર રાખી માત્ર ને માત્ર રેન્કિંગ પર ભાર મૂકી દીધો છે. એક સમય હતો ત્યારે ગુરુકુલ પરંપરામાં અઢાર વિષય ભણાવવામાં આવતા. અને એ વિષય માણસને આજીવન મદદરૂપ થતા કે એનું ગુજરાન ચલાવી શકે એટલી તો કાબીલિયત આપતા. આ મર કોઈ પાઠ્યપુસ્તકમાં નથી વાંચ્યું, આ મેં 1100 ઉપર પુસ્તકો નું વાંચન કર્યું ત્યારે પ્રાપ્ત થયું છે.

હાલની જે શિક્ષણવ્યવસ્થા છે એ રેકિંગ ની રેસ છે. જ્યાં આવડત કચડાય જાય છે. આજ બાળકના માતા પિતા પણ બાળક પર એટલું સ્પ્રેસર આપે છે કે એ બાળક એક મશીન બની જાય છે અથવા આત્મહત્યા તરફ દોરી જાય છે. બાળકમાં કયો ગુણ છે એની કોઈને પડી નથી. દેખાદેખીના જમાનામાં કૌશલ્ય અને કલાના કોઈ જ મોલ નથી. વર્તમાન સરકારે સ્કિલ ઇન્ડિયા નામક એક યોજના દેશમાં લાગુ કરી છે. જે માણસમાં હુન્નર એ માણસ આ યોજનાના કારણે આગળ વધી શકે છે. અનેક લોકો એવોર્ડ જીતતા હોઈ એવા દ્રશ્યો જોઈ મનને ખૂબ આનંદ થાય છે.

વાતોમાં ને વાતોમાં હું 12 વર્ષ આગળ આવી ગયો. ગુરુકુલમાં વાંચનના સમયમાં મેં અનેક કાવ્ય લખ્યા છે. અનેક વાર્તાની ચોપડી વાંચી છે. પેપરમાં આવતી પૂર્તિ ને પણ એ સમયે હું ખૂબ જતન થી રાખતો હતો. એ વાત અલગ છે કે આજે મેં જે પેપરમાં લખ્યું છે એ પેપર રખડી રહ્યા છે. કળશ, શતદલ, અર્ધસપ્તાહિક જેવી પૂર્તિ મારા વાંચન નો સમય પસાર કરી દેતી હતી. બેફામ અને મરીઝના શેર અને એની સમજૂતી આવતી હતી.

લગભગ તારીખ 27 નવેમ્બર, 2008 નું પેપર હાથમાં આવ્યું જેમાં રક્તના છાંટા હોઈ એવું કવરપેજ બનાવવામાં આવ્યું હતું અને લખ્યું મુંબઈના અનેક વિસ્તારોમાં આંતકવાદી હુમલો, અનેક લોકો ઘાયલ લગભગ 200 જેટલા લોકો મૃત્યુ પામ્યા. વાંચીને મગજ બહેર મારી ગયું હતું. કારણ કે એક આંતકવાદી જીવતો પકડાયો હતો અને તેની ઉંમર માત્ર અઢાર કે ઓગણીસ વર્ષ હતી. હા, અઝમલ કસાબ હતું એ નરાધમનું તેની સાથે તેના બીજા નવ માણસો હતો. જે ભારત દેશના પડખામાં આવી કોહરામ મચાવી મરી ગયા. ધર્મના નામ પર માનવતા ની કત્લ કરતી આવી પ્રજાતિ અનેક દેશોમાં હાવી બની ચુકી છે. એ isisi હોઈ, હિઝબુલ હોઈ, તાલિબાન હોઈ, બોકોહરમ હોઈ કે પછી કાશ્મીરમાં અલગતાવાદનો નારો લઈને ફરતા જેહાદી હોઈ. નિર્દોષ લોકો ની સામે બંદૂક ચલાવી પોતાની મર્દાનગી સાબિત કરતા નાપાક અને કાયર લોકો ખુદને ખુદા કે ઈશ્વરના ફરિસતા બતાવે છે. અને નાદાન લોકો એના હરેક શબ્દને સત્ય માની એના ચિલે ચાલ્યા જાય છે.

હું ધ્રુજી ગયો હતો. ઘણી રાતો સુઈ પણ નહોતો શક્યો કારણ કે હું સમજણો થયો ત્યાર પછી આ પહેલી ઘટના વાંચી રહ્યો હતો કે જેમાં માણસ કઈ કદ સુધી પોતાનો પિશાચી નાચ કરી શકે એ પ્રતિત કરતી હતી. દિવસો જતા ગયા અને બધું સામાન્ય થતું ગયું. જીવન ફરી એ જ રુટિંગ પર ચાલતું હતું. થોડીઘણી ધાક પણ મારી રહેતી. કારણ કે ડર નામક શબ્દ જ મેં કાઢી નાખ્યો હતો. અનેક નિયમ મેં ગુરુકુળના તોડી નાખ્યા હતા. અગિયારસના દિવસે સ્કૂલ ની છત પર પાઉંભાજી હું દીવાલ કૂદીને લઈ આવતો. અને અંગત મિત્રો એનો લુફ્ટ ઉઠાવતા. બહાના આપીને શહેરમાં ફરવા જતા. ફિલ્મ જોતા, નાસ્તો કરતા, ગુટખા પણ ગુરુકુળમાં લઇ આવતા. આમ જ બે વર્ષ નીકળી ગયા. એક પરિવાર બની ગયો હોય એવું લાગ્યું. એ જીવન, એ સમય, એ મિત્રો, એ શિક્ષકો, એ વાતો, એ મસ્તી અને ધમાલ ખૂબ મિસ થાય છે. અંતિમ દિવસ હતો અંતિમ પેપર પૂરું થયું . બધા એકબીજાના નંબર શેર કરતા હતા. મન ખૂબ ભારે હતું. અનેક વાર ઝઘડો થયો હોય છતાં એ સાથી વિદ્યાર્થી માટે છેલ્લા દિવસે ખૂબ પ્રેમ આવ્યો હતો. ખબર નહિ ફરી ક્યારે મળીશું. ખૂબ ઈચ્છા થાય છે બધાને મળવાની, ગળે લગાવવાની, ફરી એ જ મસ્તી અને ધમાલ કરવાની.

ભલે મને ગુરુકુળમાં મેં શિક્ષણ ગ્રહણ ન કર્યું હોય પણ એક લાગણીનો વારસો રાખ્યો છે. હજુ પણ એ જગ્યા પર જઉં છું. ત્યારે આંખો ભરાય આવે છે. જીવનને ખૂબ શાંતિ થાય છે એ જગ્યા પર. ભલે જીવનના બે જ વર્ષ પસાર થયા હોય પણ એ બે વર્ષે બસો વર્ષની યાદો આપી છે. મને ગુરુકુળે બનાવ્યો છે. ગુરૂકુળ માંથી એક નિશાની લઈ ને આવ્યો છો કુમકુમનો ચાંદલો જે આજે પણ મારા કપાળના મધ્યમાં કરું છું. હું ત્યા જઉં ત્યારે સ્વામી એક વાત ખાસ પૂછે,"ગાંડા ધંધો તો બરોબર ચાલે છે..." એ માણસે ભગવા કપડાં પહેર્યા છે મારી પાસે કોઈ જ દાન અને દક્ષિણાની અપેક્ષા રાખ્યા વગર મારી પર જે પ્રેમ ભરી નજર કરે છે એ મેં બે વર્ષના જીવનમાં કમાણી કરી છે.

મારુ પરિણામ આવ્યું ત્યારે હું લેવા જઈ ન શક્યો, મારા પપ્પા મારુ પરિણામ લઈ આવ્યા હતા. અંતિમ મિલન પણ ન કરી શક્યો એનો અફસોસ જીવનભર રહેશે. એવું લાગતું હતું પણ, 2019માં દિવાળી પછી ની ત્રીજના દિવસે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન હતું. ઘણા બધા મિત્રો મળ્યા, જે સારી સારી પોસ્ટ પર અત્યારે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. અને એ સમયે સ્વામીજી એ જ નક્કી કર્યું કે દિવાળી પછી ની જે ત્રીજ આવે એ ત્રીજના દિવસે દરવર્ષે આપણે આમ સ્નેહમિલન કરીશું. વર્ષમાં એકવાર તો જુના મિત્રોને મળવાનો મોકો પણ મને ગુરુકુળે જ આપ્યો. કદાચ એ ખુશીને શબ્દમાં લખવા માટે હું અસમર્થ છું. બસ એટલું જ કહું છું કે આભાર ગુરુકુળ. એક માનવ ને માનવ બનાવવા માટે....

(ક્રમશ:)