Lockdown in Gujarati Short Stories by Patel Kanu books and stories PDF | લોકડાઈન

Featured Books
Categories
Share

લોકડાઈન


વિશ્વ આખું એક ભયના વાદળો નીચે દટાયેલું હતું. સૂર્યના તેજોમય કિરણો આખા વિશ્વ પર અવિરત પ્રકાશ પાથરી રહ્યા હોવા છતાં અંધકારની પ્રતીતિ થઇ રહી હતી. પ્રકૃતિ ના નિયમો સાથે ખીલવાડ કરનારો માણસ આજ સ્તબ્ધ થઈ ને ઘરમાં પુરાય રહ્યો હતો. નિફટી, સેન્સેક્સ, આયાત- નિકાસ આ બધા આગ લાગ્યા બાદ અલિપ્ત થતા ધૂમાળાની માફક અદ્રશ્ય થઈ ગયા હતા. વિશ્વ આખામાં ચર્ચાસ્પદ ઇકોનોમી ચોપડાના હાંસિયામાં ગોઠવાઈ ગઈ હતી.આગ ઝરતી સોનાની તેજી અને ક્રૂડ ઓઈલની રોજ ની ચાલ ચલગતને લકવો લાગી ગયો હતો.
રોજ રોજ કોઈ ને કોઈ કારણો સર નવા નવા કપડાનો, સ્ટાઇલોમાં મફત પ્રસિદ્ધિ શોધતા, બનાવટી ચહેરા સાથેના કલાકારો ને આજ ઘરનો ઉંબરો અટકાવી રહ્યો. ઓટોગ્રાફ માટે થતી લાંબી પ્રેક્ષકોની લાંબી લાઈન ધોમ ધખતા તાપમાં વિલીન થઈ ગઈ. લાઈટ, કેમેરા, એક્શન નો અવાજ ગૂંગળાતા વાતાવરણમાં દમ તોડી ગયો. કદાચ કુદરતે બતાવી દીધું કે તમારી પ્રસિદ્ધિ ક્ષણિક છે. દંભના પડણ નીચે છુપાયેલું કુદરતનું સ્વરૂપ વાસ્તવિકતામાં ઉભરી આવ્યું. કરોડો, અબજો રૂપિયા ના નુકસાન સાથે આખું ફિલ્મ જગત બંધ થતાં કેમેરાના લેન્સની પાછળ છુપાય ગયું. સંદેહ અને સંકોચ ના વર્તુળમાં અસ્તિત્વ કેન્દ્ર બિંદુ બની રહ્યું.

હાથમાં માઇક અને સવાલો નું પુરાણ લઈને ફરતા લોકોની હાર્ડ ડિસ્ક જાણે ફોર્મેટ લાગી ગઈ. રોજ રોજ નવીન રચનાઓ અને શબ્દોના રંગો થી આહલાદક થતી કાગળની ગળી ને કોઈની નજર લાગી ગઈ. નજીક પહોંચીને પણ સ્પષ્ટ રૂપે ન જોઈ શકાતા પર્વતો, હિમાલય લોકો ને માઈલો દૂર થી પણ સ્પષ્ટ દેખાવા લાગ્યા. જાણે સોળ શણગાર કુંવારી કન્યાનું સ્વરૂપ ધરીને ખુદ કુદરત ધરતી ના ફલક પર પા પા પગલી માંડી રહી હતી. શાંતિ અને નિરવતા ની ઝલક ક્ષિતિજ સુધી દેખાય રહી હતી.

લોકોના પાપો થી મેલી થઈ ગયેલી ગંગા આજ પ્રસન્નતા ના ઓવરે આવીને ખળખલાત હસી રહી હતી. વાહનોના, મિલોના, કારખાના ઓના કાર્બન ડાયોક્સાઇડ થી ઘૂંટાતા અને અસ્થમાના છેલ્લા સ્ટેજ પર પહોંચલા ઓક્સિજને આજ રાહત નો દમ લીધો. કેટલાય ઘરોમાં એક્સિડન થી થતા મરણ ના આક્રંદ ને અગ્નિદાહ આપવામાં આવ્યો. કેટલિયે સૌભાગ્ય વતીના ચૂડી ચંદલાની ઈજ્જત બરકરાર રહી. સરકારી વેબસાઈટ પર પડતા ધડા ધડ આંકડાઓની માયાજાળ એક જ અસ્ત્રના પ્રયોગ થી વેર વિખેર થઈ ગઈ.

હાલતા ચાલતા પથ્થરો મારવાની આદત પર કુતરાઓ માણસ જાત ઉપર હસી રહયાં. ઇન્દ્રાસન ભોગવ્યાની અનુભૂતિ સાથે જાણે ઘર, મહોલ્લા, શેરી, શહેર પર કુતરાઓની જમાતે કબ્જો કર્યો.

અહીંથી તહીંથી, સાચા ખોટા આંકડા ભેગા કરીને મેળવેલી પ્રસિદ્ધિ ને દંભી પ્રસશને પલમાં પત્તાના તૂટતા મહેલ માફક પડતી જોઈ. અકલ્પનિય વાત તો એ છે કે શક્તિ, સાહસ અને સગવડ હોવા છતાં પ્રસશન પોતાનું શૌર્ય ન બતાવી શકતું. હાથ ફેલાવીને આંનદ ના ઉન્માદ થી ગળે વળગાવતો માણસ આજ હાથ જોડી ને છેટેથી 'નમસ્તે' ના શ્લોગન સાથે મળતો થયો. સમાજ અને ઘર સાથે છેટેથી ભળતો થયો.

નોટો થી ખીચોખીચ ભરેલા ખિસ્સાઓનું વજન રૂની માફક ધીમે ધીમે ઘટવા લાગ્યું. વૈભવી કાર અને જલસમાં જીવતા ધન કુબેરો પણ જીવન જરૂરી વસ્તુઓના વલખા મારતા હોઈ ત્યારે મધ્યમ અને નાના પરિવારોનું તો પૂછવું જ શું! અનાજ માટે લાઈન. શાકભાજી માંટે લાઈન. જીવન જરૂરી વસ્તુઓ ભેગી કરવા માટે માણસ મોજ શોખને જોજનો દૂર મૂકી આવ્યો. બેશક એણે જ એ અનુભૂતિ કરી કે માણસ ની ખરેખર જરૂરિયાત રોટી, કપડાં અને મકાન જ છે. સાદાઈ થી જીવન જીવી શકાય છે. હરવા ફરવા પાછળ નો ફિઝુલ ખર્ચ ઘટાડી શકાય છે. ફાસ્ટ ફૂડ વગર પણ પેટ ભરી શકાય છે. શૂટ બુટ કરતા પણ સાદા કપડાં વધુ અનુકૂળ આવે છે. પરિવારની જે હૂંફ રૂપિયા કમાવાની હરીફાઈમાં પાછળ રહી ગઈ હતી એ આજ પાછી પરિવારમાં ભળી ગઈ. મહત્વની વાત કે આપણી સનનારીઓ પકોળીબા ટેસ્ટ વગર દિવસો કાઢી શકે છે.
માણસ પાંજરે પુરાયો, પરંતુ માણસાઈ જીવંત અને આઝાદ હતી. સરકાર દ્વારા અનાજની કીટનું વિતરણ થયું. પણ જાણે રાજકારનીઓના પેટ ભરવા! ગરીબ વધારે ગરીબ થયો. મજૂરી સંતાકૂકડી ના ખેલમાં જીતી ગઈ. ખેતરમાં કાલી મજૂરી કરીને પગમાં પડી ગયેલા છાલા ને ધોમ ગરમીમાં ગરમ થયેલો રોડ પણ ન દઝાડી શક્યો. આખા વિશ્વમાં હાહાકાર હતો. ભરતીયોની માનવતા ઉભરી આવી. ચાલી ને વતન ભણી જતા મજૂરોને જમવાનું મળવા લાગ્યું . સાથે સાથે સેલ્ફી નો દોર પણ શરૂ થયો. કાયમ ખુદારીથી જીવતા લોકોની ખુદારી મોબાઇલની સેલ્ફીમા લોક થઈ ગઈ. મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતો મજુર એકાએક ભિખારી થઈ ગયો. પ્રશાસન ડાહી ડાહી વાતો કરવામાં રહી ગયું. વ્યવસ્થા કથળી ગઈ. સરકાર નિષ્ફળ ગઈ.
જ્યારે કોઈ આશાના એંધાણ ન દેખાયા ત્યારે મજૂરો પોતાના વતન ભણી દોડ્યા. ક્યાંક ક્યાંક આત્મહત્યા બનાવો બન્યા. ક્યાંક તો ભૂખ અને ગરીબી એટલી વધી ગઈ કે સ્ત્રીઓ ઈજ્જત હારવા માટે મજબૂર થઈ ગઈ. અફવાઓ વંટોળ ચારે બાજુ થી સમય ને ઘેરી રહ્યા. હોંશિયાર વિદ્યાર્થીઓ દુઃખી હતા ત્યારે છેલ્લી બેંચ પર બેસનારા વિદ્યાર્થીઓમાં પરીક્ષા આપ્યા વગર પાસ થયા ની ખુશી ચરમ સીમા પર હતી. કામ વગરના માણસોમાં રોજ એક નવો વિચાર ડોકયા કરતો. રોજ એક નવી અફવા આકાર લેતી. અટકણો નું, અફવાઓનું, મજબૂરીનું, ભૂખનું, ગરીબાઈનું શેર બજાર ગરમ હતું.
પાન માવા અને બીડીની તલપ જીવન કરતા પણ વધુ મૂલ્યવાન થઈ ગઈ. વ્યસન પાછળ માનવી લાળ તપકવતો થઈ ગયો. દારૂ મારે માનવીની લાંબી કતારો જોવા મળી. કાળા બજારીઓ પર અંકુશ ન રહેવાના લીધે ચીજ વસ્તુઓ ના ભાવ અકલ્પનિય રીતે આસમાનને આંબી રહ્યા. વ્યસન આગળ માણસ લાચાર થતો દેખાયો.
વિશ્વ ઉપર પથરાયેલા અંધકાર પર દૂર દૂર ક્યાંય જ્યારે આશાનું કોઈ કિરણ ન દેખાયું ત્યારે લોકોને ડોકટર અને પોલીસમાં ભગવાન દેખાયા. ચોવીસ ચોવીસ કલાક ફરજ પર નિષ્ઠા પૂર્વક હાજર રહી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરૂ પડ્યું. ક્યાંક કોઈ પ્રેગ્નેન્ટ હોવા છતાં ફરજ પર હતું. તો ક્યાંક કોઈ પોતાના નવજાત સંતાનનો ચહેરો પણ જોઈ શકતું નો'તું! ફરજ પરના થાક ને લીધે જ્યાં જગ્યા મળે ત્યાં આરામ માટે લંબાવી દેતા. આજ સુધી ગાળોના વરસાદ સિવાય ન આવકારેલા માણસોનું લોકો પુષ્પો, તાલીઓ, અને થાળીઓથી વગાડીને સન્માન કરવા લાગ્યા.
તકલીફ બધાને હતી. પરંતુ ધીરજ ક્યાંક ક્યાંક હારી જતી. તો કયાક ભવિષ્યની ચિંતા સતાવી રહી. રાજકીય ઉથલ પાથલ માં લોકોને અટકાવી દેવામાં આવ્યા. ઘરનો રખેવાળ ઘરની જવાબદારી સાથે મૂંઝવણમાં મુકાયો. પોતાની ધીરજ અને શાતા ખોઈ બેસવાનો દર લાગ્યો. પ્રકૃતિ આવી રીતે સ્તબ્ધ થઈ જશે એની તો કલ્પના પણ ન્હોતી કરી. ધનિકોના તો ખાલી બજેટ ઘટયા હતા પણ જગતતાતનું તો પેટ ઘટવા લાગ્યું હતું. ચિંતા ના વાદળોમાં ભવિષ્યની ચિતા પથરાયેલી દેખાતી હતી. જીવન મંજિલ વગરની મુસાફરી સમાન ભાસતું હતું. કેટલાય પરિવારો તો આંખ જ ન ખુલે એવી પ્રાર્થના કરી રહ્યા હતા.
અકલ્પનીય આફત થી જગત આખું થર થરી રહ્યું હતું.બુદ્ધિજીવી માણસો પણ હવાને મૂઠીમાં કેદ કરવાના વ્યર્થ ફાં ફાં મારી રહ્યા હતા. ક્યાંક અશ્રુઓ સાથે પ્રશાસન પોતાની વેદના વહાવી રહ્યું હતું. ક્યાંક દંભ છલોછલ ઉભરી આવતો હતો. ક્યાંક મસ્તક તો રહી ગયુ પરંતુ નાક કપાઈ ગયાની લજ્જા હતી. ક્યાંક ભય થી કંપતા પગને સ્થિર કરવાની મથામણ હતી. રાત્રે ઊંઘ મળી તો દિવસનું ચેન શોધવાનું હતું અને દિવસે ચેન મળ્યું તો રાત ની ઊંઘ શોધવાની હતી. કાળ આખા વિશ્વને ભરખી જવા અધીરો હતો. વિશ્વ એનું અસ્તિત્વ ટકાવી રાખવાની લડતમાં હતું.
પ્રશાસન સાચા ખોટા આશ્વાસન સાથે હૈયામાં ધીરજ નું સિંચન કરવાની કોશિષ કરી રહ્યું હતું. ફિલ્મ જગતની મહાન હસ્તીઓ પણ પોત પોતાની રીતે યોગદાન આપી રહ્યા હતાં. શું હતું આટલું વિકરાળ? શું હતું આટલું ભયાનક? કેમ વિશ્વ સ્તબ્ધ હતું? પૃથ્વી પોતાની ધરી પર કેમ ડોલી રહી હતી? આંસુ અને આક્રંદનું કારણ શું?
ત્રણ વખત દિવસમાં વાગતી મિલની વિસલ બંધ કરી, ટ્રેન અને ફ્લાઈટો સાથે માર્ગો ઉપર ચલતા વાહનોના પૈડા થંભાવી, ક્યાંક ક્યાંકથી ઉદભવતા વિરોધ ને બળ માં દબાવી, બધી જ હિલચાલ પર રોક લગાવી, પ્રશાસન દ્વારા જાહેરાત થઈ હતી, કાલ થી " લોકડાઉન!"