પ્રકરણ-9
વિરાટ પ્રકૃતિએ માનવને જન્મ આપ્યો. પોતાના મદમાં છકેલો માનવ પ્રકૃતિના ઉપકારને ભૂલી ગયો. આ મોટા મોટા બ્રીજો, ટાવરો.. બિલ્ડીંગો મેં બનાવી છે.. નદિયોં પર બંધ બાંધી નદીયોના વહેંણ મેં બદલ્યા છે.. છે.. દરિયાને પૂરી તેના પર બાંધકામ કરી દરિયાને મેં હફાવ્યો છે.. અજેય ઊંચાં પર્વતો પર કેબલકાર મૂકી તેની ઉચાઈને મેં પડકારી છે.. ગરમીમાં ઠંડક અને ઠંડકમાં ઉષ્મા ઉભી કરે,તેવા વાતાનુકૂળ આવરણ મેં ઉભા કર્યા છે. આ સુખ. આ સગવડ મેં ઉભી કરી છે..
"વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી: પશુ છે, પંખી છે,પુષ્પો,વનોની વનસ્પતિ..
યત્ર વિશ્વમ ભવત્યેકનીડમ"
ઉમાશંકર જોશીની આ પંક્તિઓ માનવ ભૂલી ગયો છે. તેના સિવાયની જીવ સૃષ્ટિનો પણ પ્રકૃતિ પર એટલો જ હક છે. પોતાની સર્વોપરિતા સાબીત કરવા બીજા જીવો,વનસ્પતિ, વ્રુક્ષોનુ નિકંદન કાઢતા અચકાતો નથી.
અને હવે માનવની સાન ઠેકાણે લાવવા વિરાટે એક પીંછું ફેરવ્યું છે.
"મા, હવે કેમ છે આશુતોષ રાણા ને. "મોહા પૂછતી હતી... "બસ હવે રાણો ખૂબ રઘવાયો થયો છે. અકળાયો છે.. કંટાળ્યો છે. "
"અને મમા,તું.. ?"વૈદેહી હસી પડી.. "મારી પાસે કંટાળવા જેવો વિકલ્પ ક્યાં છે.. "
"સોરી ટૂ સે .. એક રીતે પપ્પા પગ પકડીને સૂતા છે, એ સારું છે. નહીતર આ કોરોનાકેરમાં તે ઘરમાં રહેવા માટે માનત નહીં,ને આવી નબળી હાલતમાં તરત કોરોનાના ચપેટમાં આવી જાત. "
કટૂ સત્ય કહેતી હતી મોહા.. હા,આશુતોષને ઘરમાં રાખવો ખરેખર અઘરો પડત. બિલકુલ પગ વાળીને બેઠો નથી.. કઈક નવું નોખું એના મગજમાં ચાલ્યા જ કરતું હોય. આ તો પછડાયો.. નહીતર ક્યાંય પહોંચી ગયો હોત.. રાજ તો ઘણી વાર હસતો. પપ્પાને ફોન કરો તો સવારે અમદાવાદ.. બપોરે જોધપુર.. અને રાતના પાછા રતલામ પણ પહોંચી ગયા હોય.. કઈ કહેવાય નહીં.. આશુતોષ કોરોનાને ગણકારત. ? કદી નહીં.
કોરોનાનો કેર વધતો જતો હતો.. ટીવી પર બિહામણા ચિત્રો રજુ થતા હતા. આંકડાઓની માયાઝાળ મનને અકળાવતી હતી, ડરાવતી હતી..
પર આ કાળા વાદળો વચ્ચે પણ રૂપેરી કોર ચમકી રહી હતી.. આ કોરોનાએ કેટલુક નવું શીખ્યવું હતું. લોકો સ્વકેન્દ્રી કરતા પરગજુ થઈ રહ્યા હતા.. અનેક લોકો પોતાની રીતે ગરીબોને જમાડવા નીકળી પડ્યા હતા. રીચા કહેતી હતી.. અમે રોજની પંદર રોટલી વધારે કરીએ છીએ. આખા ગલીના લોકો આવી રીતે ભેગા થઈ રોજની ત્રણ હજાર રોટલી અને શાક જરૂરતમંદને પહોંચાડીએ છીએ.
પોતાને ત્યાં કામ કરતા માણસોને વગર કામ કરે પગાર આપતા હતા.. પોતે ખેંચાઈને પણ એમની સગવડ સાચવતા હતા.
પોલીસનું એક નવું રૂપ લોકોની સામે આવ્યું.. અત્યાર સુધી પોલીસ એટલે કરપ્ટ.. એવી જ માન્યતા હતી. આ કોરોનાકાળમાં પોલીસ લોકોની સહાય માટે ખડે પગે ઉભી હતી. રાત દિવસ ડયુટી પર લાગેલી હતી.. વયસ્ક નાગરિકો,જે એકલા રહેતા હોય,તેમની સહાયતા કરતી.. તેમને દવા, જીવન આવશ્યક બીજી વસ્તુઓ,ઘર સુધી પહોંચતી કરતી. હિજરત કરી રહેલા મજૂરવર્ગને બંને એટલી સહાય પોલીસ કરતી હતી.. અનેક જગ્યાએ તો ઉઘાડે પગે જતા મજૂરોને ચપ્પલ આપતા પોલીસો પણ નજરે પડતા હતા.
ડોક્ટર તો લૂટે છે.. લોકોની આ માન્યતા પણ દૂર થઈ રહી હતી.. અત્યારે ડોકટરો,નર્સો,પેરા મેડીકલ સ્ટાફ ખરા અર્થમાં ઈશ્વરના દૂત બની રહ્યા. એમની ડેડીકેશન.. એમની કામ પ્રત્યેની લગન.. જોઈ લોકો એમને નમન કરતા થઈ ગયા છે.
લોકોમાં રાષ્ટ્ર પ્રેમનો એક નવો જજબો દેખાયો હતો. કલાકારો એ બનાવેલા દેશ પ્રેમના વીડીઓ ઓડીઓ લોકો પસંદ કરતા હતા.. તેમાં પોતાનું રૂપ જોતા હતા. દેશ સેવા સર્વોપરી છે.. બધાથી ઉપર છે.. એવું લોકો માનતા થયા હતા..
મંદિરો,દેવસ્થાનો બંધ થયા હતા. પણ લોકોની શ્રદ્ધા,ભક્તિમાં ઓટ આવી નહોતી. ઈશ્વર મંદિરોમાં નથી પણ ભૂખ્યાજનોના જથારગ્નીમાં છે,એવું સમજાયું હતું. દરેક ઘર હવે ઈશ્વરનું મંદિર જ હતું..
પ્રકૃતિ પણ પોતાના વાસ્તવિક રૂપમાં આવી રહી હતી. હવે ઉત્તર પ્રદેશમાંથી હિમાલયના દર્શન થતા હતા. વાતાવરણમાં ફેલાએલું પ્રદુષણ ખતમ થવાની કારણે જ આ શક્ય બન્યું હતું.. ધરતીને શ્વાસ લેવું પણ અઘરું થઈ પડ્યું હશે કદાચ આ પોલ્યુશનમાં.. એટલે ઈશ્વરે આ પીછું ફેરવ્યું હશેને.. હરિદ્વારમાં ગંગા નદીને પાણી, જે નહાવા માટે પણ ન વપરાય તેવાં ગંદા, કલુષિત હતા,તે હવે સીધા પીવા માટે ઉપયોગમાં લઇ શકાય તેવાં નિર્મળ થયા છે.
દર વર્ષે ફ્લેમિંગો પક્ષી સ્થળાંતર કરી ખોરાકની શોધમાં ભારત આવે છે.. હમણા ઘણાં સમયથી આ પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોધાયો હતો.. આ વર્ષે લગભગ પાંચ લાખ પક્ષી આવ્યા છે.. તેવો એક રીપોર્ટ કહેતો હતો..
બીજું કેટલુંય બદલાયું હતું.. લોકો ઘરમાં જ હતા.. એટલે ઘરનું મહત્વ સમજ્યા હતા.. બહારનું ખાવાનું મળતું બંધ થયું એટલે ઘરના ખાવાની કિમંત સમજાઈ.. ઘરની સ્ત્રી આખો દિવસ શું કર્યા કરે છે. એ સવાલનો જવાબ પુરુષ વર્ગને મળ્યો.. સ્ત્રીઓના કામની, એની બચત કરવાની વૃત્તિની લોકો કદર કરતા થયા.
લોકોને ક્વોલીટી ટાઇમ મળ્યો.. પતિ અને પત્ની.. મા અને દીકરા.. પિતા અને દીકરાના વચ્ચેના સંબંધોને એક નવો આયામ મળ્યો હતો હવે.. શારિરીક અને માનસિક સ્વાસ્થ.. યોગ અને મેડીટેશન.. કસરત.. એની મહત્તા, આવશ્યકતા લોકો સમજયા હતા.
માણસ ખરેખર માણસ બની રહ્યો હતો..
મમ્મા, રાજ આમેય બહુ હેલ્પફુલ છે.. પણ હમણા તો બહુ મદદ કરાવે છે. મારે તો ઘરેથી જ કામ કરવું પડે છે.. રાજ ઘરનું ઘણું કામ કરી નાખે.. કપડા મશીનમાં નાખી દે. ઘરની સફાઈ કરી નાખે.. અને સનીની તો સમ્પૂર્ણ જવાબદારી ઉપાડે છે.. તેને સ્કુલ માટે તૈયાર કરવો.. એની સાથે ઓનલાઈન ક્લાસમાં બેસવું.. હોમવર્ક કરવું.. બધું એજ કરે.. હા, વાસણ કરતા હજુ એને નથી ફાવતા.. "
સારું છે.. નથી આવડતા.. નહીતર તું એ પણ એની પાસે જ કરાવે એવી છે..
આખો વખત ભણતરના બોજ નીચે દબાએલા બાળકોની સુપ્ત શક્તિ પણ અત્યારે બહાર આવી છે. રીચાનો દીકરો પૂરવ યુટયુબ પર જોઇને જાદુના ખેલ શીખતો હતો. માતા પિતાને પણ એમને પ્રોત્સાહન આપવાનો સમય હતો અત્યારે... તેને જાદુગર જેવોજ કોટ પહેરી પોતાના જાદુનો વિડીઓ અપલોડ કર્યો .. વૈદેહી જોઇને ખુશ થઈ ગઈ.. એની દીકરી જીયા કેકને પેસ્ટ્રી બનાવતી હતી.
સાંજના વૈદેહી બાલકનીમાં બેસતી. આથમતા સૂર્યના કિરણો સામેની દિવાર પર પડતા એક અનેરી આભા વિખરાતી.. એ ભીતની પીળી ઝાંયમાં સૂર્યનો સોનેરી રંગ ઉમેરતો.. ને એક નવો જ રંગ ખીલતો.. વૈદેહી એ બદલાતા રંગના અનેક રૂપોને જોઈ રહેતી. પ્રકૃતિને પામવા માટે કઈ હિલ સ્ટેશન પર જવાની જરૂર નથી..
હવાની લહેરખીથી હલતા પાંદડાનો મંજુલ સ્વર... કોયલના ટહૂકા.. એ બધું કઈ પહેલી વાર નહોતું સાંભળ્યું.. પણ અનુભવ્યું પહેલી જ વાર.. માણ્યું પહેલી જ વાર.. અત્યાર સુધી એની પાસે વખત જ ક્યાં હતો.. ફેક્ટરી અને ઘર વચ્ચે અટવાએલી હતી. જિંદગીમાં પહેલી વાર એટલો આરામ,એટલી મોકળાશ મળી છે.
આશુતોષ સાથે સંગાથ તો હતો.. પણ હવે આ લોકડાઉનમાં એનો સહવાસ પામી હતી. વર્ષો પછી.. એ અને આશુતોષ પાના રમે છે.. ગામમાં હતા ત્યારે ડોક્ટર કાકા અને માસી સાથે બહુ પાના રમતા.. એ જૂના દિવસો ફરી પાછા આવ્યા હતા.. લોક ડાઉન હળવો થયો પછી.. ક્યારેક કાકા અને માસી પણ રમતમાં સહભાગી થતા..
"કાકા, હવે આ અભયને કહો, આ પગનું કઈક કરે. નહીતર પગ કાપી નાખો. " આશુતોષ હવે બહુ કંટાળ્યો છે. ડોક્ટર કાકાએ ડોક્ટર રાવ સાથે વાત કરી. બે ચાર ડોકટરો સાથે કન્સલ્ટ કરી 'વેક્યુમ પદ્ધતિ' અપનાવાનું નક્કી કર્યું. આ પદ્ધતિ ફોરેનમાં બહુ કાર્યરત છે. ભારતમાં હજુ તેનો બહુ ઉપયોગ થતો નથી.
આશુતોષના પગમાં વેક્યુમ મશીન ફીટ કરવામાં આવ્યું. પાંચ દિવસ પગ જરાય હલાવવાનો નહોતો. એ મશીનમાં એક પાઈપ હતો જેમાંથી પગનું ગંદુ લોહી, રસી બહાર નીકળતા હતા.
પાંચ દિવસના લોક પીરીયડની લાંબી તપસ્યાને અંતે ડોકટરે પગના ખુલ્લા ભાગમાં ટાંકા લેવાનું નક્કી કર્યું. કોરોનાના સંક્રમણને કારણે નાના નાના નર્સિંગહોમ તો બધા બંધ થઈ ગયા હતા.. 'આશા નર્સિંગહોમ'પણ બંધ થયું હતું. અંતે અભયે 'એમ્સ'માં ઓપરેશન નક્કી કર્યું. ટેક્સીઓ તો બંધ હતી. તો હવે..
"ભાભી, હું સવારે આવીને મારી ગાડીમાં તમને લઇ જઈશ. બે દિવસ રાખવા પડશે. એ પ્રમાણે તૈયારી કરજો. "
બીજે દિવસે અભય આવ્યો. સાથે માસી પણ આવ્યા.. "વૈદેહી,તારે બે દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે.. થોડો નાસ્તો લઇ લેજે.. એમ્સની કેન્ટીન બંધ હશે. અહીંની તું ચિંતા ના કરતી. હું બા સાથે રહીશ ઘરે. "
વૈદેહી માસીને ભેંટી રડી પડી.. બસ હવે.. રડીશ નહીં. ઈશ્વર બધુ સારું કરશે..
ઓપરેશન અઢી કલાક ચાલ્યું. પગની સાથળના ભાગમાંથી ચામડી કાઢી નીચે પગના પંજામાં ચોટાડવામાં આવી. પગને એક પડીકાની જેમ બંધ કરી ઉપર ટાંકા લઇ લીધા.. હજુ આમાં સંદેહ હતો.. ચામડી ચોંટશે ખરી.. ? જસ્ટ ક્રોસ ધ ફિંગર..
ઓટીમાંથી તેને નોર્મલ રૂમમાં શિફ્ટ કર્યો. આશુને હજુ ભાન આવ્યું નહોતું.. "ભાભી,હું હવે નીકળું.. ?સાંજના આવું છું પાછો.. તમારી માટે કઈ ખાવાનું લાવું. ?. "
"ના હું થેપલા લાવી છું.. તારે ખાવા હોય તો.. "
અભયને આજે ઘણાં દિવસે ભાભીના હાથના થેપલા ખાવા મળ્યા.. "અભય,તને કોરોનાનો ડર નથી લાગતો.. આખો દિવસ પેશેન્ટની વચ્ચે રહેં છે.. "
"જો ડર ગયા.. વો મર ગયા. " હું એક ડોક્ટર છું.. જો હું ડરી જઈશ તો કેમ ચાલશે. રોજ ઓક્સીમીટર મશીનથી મારું ઓક્સીજન લેવલ ચેક કરતો રહું છું.. ગરમ પાણી જ પીવું છું.. વિટામીન ઈ લઉં છું. લીંબુ પાણી.. હળદરનું સેવન કરું છું.. જરૂરી પ્રીકોશન લઉં છું.. બધાયે આ જ કરવાની જરૂર છે ભાભી.. "
હોસ્પીટલના એ બે દિવસ બહુ અઘરા હતા.. એક તો આશુનું ટેન્શન.. પાછા આખી હોસ્પિટલ કોરોના પેશન્ટથી ભરેલી હતી.. સફેદ લાંબા પી. પી. ઈ. પહેરી ડોકટરો ફર્યા કરતા.. અભયે તેને તો રૂમમાંથી બહાર નીકળવાની ના જ પાડી હતી.. વોર્ડબોય સમાચાર આપ્યા કરતો.. આજ આંઠ પેશન્ટ ખતમ હો ગયે.. પરિવાર વાલે બોડી કો લેને ભી નહીં આતે.. હમ હી અંતિમ સંસ્કાર કર દેતે હેં.. વેસે ઠીક ભી કાફી હો રહેં હેં. આજ હી દો કો છુટ્ટી મીલી..
વૈદેહી સહમી જતી.. મૃત્યુનું આવું ભયાવહ રૂપ એને જોયું નહોતું.. ભગવાનનું નામ લેતી એક બાજુ બેઠી રહેતી.. કોઈ સાથે ફોનમાં વાત કરવાની પણ ઈચ્છા નહોતી થતી.. મોહાનો ફોન આવ્યો તો કહી દીધું.. બેટા કાલે વાત કરીએ ? મારે સૂઈ જવું છે થોડી વાર..
સ્માર્ટ મોહા માના મનની સ્થિતિ સમજી ગઈ... ”મમ્મા બધુ બરાબર થઈ જશે. તું ચિંતા નહીં કર. તને ચિંતા સુટ જ નથી કરતી.. અ સ્મૂથ સી નેવર મેડ અ સ્કિલ્ડ સેલર.. જોજે તું વધારે મજબૂત, વધારે હોશિયાર થઈને આ કટોકટીમાંથી બહાર આવીશ. મને પૂર્ણ વિશ્વાસ છે.